નવસારીમાં મીની વાવાઝોડાથી તારાજી, વાંસદા-ચીખલીમાં અનેક ઘરો અને શાળાને પણ નુકસાન, જુઓ આકાશી દ્રશ્યો

નવસારી જિલ્લામાં આવેલા મીની વાવાઝોડાએ ચીખલી અને વાંસદા તાલુકાના 20થી વધુ ગામોમાં ભારે વિનાશ વેર્યો છે. 3,800થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે, જેમાં ઘરોના છાપરા ઉડી ગયા અને શાળાઓને પણ નુકસાન થયું છે.

નવસારીમાં મીની વાવાઝોડાથી તારાજી, વાંસદા-ચીખલીમાં અનેક ઘરો અને શાળાને પણ નુકસાન, જુઓ આકાશી દ્રશ્યો
| Updated on: Sep 29, 2025 | 12:41 PM

નવસારી જિલ્લામાં મીની વાવાઝોડાના કારણે 20 થી વધુ ગામોમાં ભયંકર વિનાશ સર્જાયો છે. ખાસ કરીને ચીખલી અને વાંસદા તાલુકાઓમાં વાવાઝોડાની ગંભીર અસર જોવા મળી છે. ઘરોના છાપરા ઉડી જવાના કારણે લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ચીખલી તાલુકાના 22 ગામોમાં આશરે 3,800થી વધુ પરિવારોને નુકસાન થયું છે. આ માટે તંત્ર દ્વારા સર્વે ટીમોને કામે લગાડવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમો તાત્કાલિક કામકાજમાં જોતરાઈ ગઈ છે.

ચીખલી તાલુકાની ત્રણ શાળાઓ અને ત્રણ આંગણવાડીઓને પણ વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. શિક્ષણ વિભાગે સર્વે હાથ ધરીને વહેલી તકે રીપેરીંગ કામગીરી હાથ ધરવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે.

વાંસદા અને ચીખલી તાલુકાની કુલ 11 પ્રાથમિક શાળાઓને વાવાઝોડાથી મોટું નુકસાન થયું છે. અંદાજે 25 લાખથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ખાસ કરીને ચીખલીની ઇટાલીયા કન્યા શાળાને 8 લાખથી વધુનું નુકસાન થયું છે. શાળાના મહત્વના હોલના પતરા તૂટી જતા શિક્ષણ વ્યવસ્થા પર અસર પડી છે, તેમ છતાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવી રહ્યું છે.

વાંસદા તાલુકાના સિણધઈ ગામમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ગામના 200થી વધુ કાચા ઘરો તૂટી પડ્યા છે, જેના કારણે ગરીબ પરિવારો ઘરવિહોણા બન્યા છે. ઘર ઘરનો સામાન પલળી જવાથી અને છત ગુમાવવાથી લોકોએ ભારે પીડાનો સામનો કરવો પડી રહ્યો છે. ગરીબ પરિવારોની હાલત કફોડી બની ગઈ છે અને લોકોએ સાંસદ ધવલ પટેલ તેમજ તંત્ર સામે સહાય માટે રડતી આંખે માંગણી કરી છે.

સિણધઈ સહિતના વિસ્તારોમાં સમાજસેવી સંસ્થાઓ મદદ માટે આગળ આવી રહી છે. સરકાર તરફથી સહાય વહેલી તકે પહોંચાડવામાં આવે અને નાશ પામેલા ઘરોને ફરીથી ઉભા કરી આપવામાં આવે તેવી લોક લાગણી સ્પષ્ટ થઈ રહી છે. વાવાઝોડાના કારણે સર્જાયેલા આ કપરા સંજોગોમાં પ્રભાવિત લોકોએ તાત્કાલિક રાહત અને પુનર્વસનની માંગણી કરી છે.

આ સ્થિતિ બાદ નાણા અને ઊર્જા મંત્રી તેમજ નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુ દેસાઈએ વાંસદાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી. મંત્રીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવી ઉચ્ચ અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી.

સિણધઈ વિસ્તારમાં મંત્રી કનુ દેસાઈએ અસરગ્રસ્ત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની હાલત જાણી. લોકોની પીડા સાંભળીને મંત્રીએ તાત્કાલિક રાહત અને પુનઃસ્થાપન અંગે સંવેદના વ્યક્ત કરી.

મંત્રીએ વિવિધ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે તંત્રને સ્પષ્ટ સૂચના આપી કે અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ઝડપથી પુનઃસ્થાપિત થાય અને નુકસાનના ચોક્કસ સર્વે હાથ ધરવામાં આવે.

(ઈનપુટ – નીલેશ ગામીત)

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી, રાજ્યમાં ચોમાસાનો આ છેલ્લો

Published On - 12:41 pm, Mon, 29 September 25