Narmada: બારખાડી ગામમાં ‘મધર ઇન્ડિયા’, જુઓ વિકાસની ચાડી ખાતા દ્રશ્યો

|

Aug 06, 2022 | 3:08 PM

નર્મદા (Narmada) જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બારખાડી ગામમાં બળદના સ્થાને મહિલા હળ ચલાવે છે. પહાડી વિસ્તાર હોવાથી ટ્રેકટર કે બળદ પહોંચી શકતા નથી. જેના કારણે આ મહિલા જાતે જ હળ ચલાવી રહી છે.

Narmada: બારખાડી ગામમાં મધર ઇન્ડિયા, જુઓ વિકાસની ચાડી ખાતા દ્રશ્યો

Follow us on

સ્ટેચ્યુ ઓફ યુનિટીના (Statue of Unity) કારણે નર્મદા જિલ્લો હવે વિદેશીઓમાં પણ ચર્ચાતો જિલ્લો બન્યો છે. ત્યારે આ જિલ્લાની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. નર્મદા (Narmada) જિલ્લાના બારખાડી ગામમાંથી મધર ઇન્ડિયા જેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બારખાડી ગામમાં બળદના સ્થાને મહિલા હળ (Plow) ખેંચી રહી છે. પહાડી વિસ્તાર હોવાથી ટ્રેકટર કે બળદ પહોંચી શકતા નથી. જેના કારણે આ મહિલા જાતે જ હળ ખેંચી રહી છે. ડુંગરાળ વિસ્તારના ગામડાઓમાં રહેતા પરિવારો જંગલની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે. આ ખેડૂતો પાસે બળદ કે ટ્રેક્ટરની કોઈ સુવિધા નહી હોવાથી મહિલાઓથી કામ ચલાવવું પડે છે.

 

નર્મદામાં ‘મધર ઇન્ડિયા’

નર્મદા જિલ્લો સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કારણે અત્યાકે વિશ્વ ફલક પર નામના મેળવી ચૂક્યો છે. જો કે નર્મદા જિલ્લામાં કેટલાક એવા વિસ્તારો આવેલા છે કે જ્યાં હજી સુધી વિકાસ પહોંચી શક્યો નથી. અહીં એક તરફ સરદાર પટેલનુ વિરાટ સ્ટેચ્યૂ છે, તો બીજી તરફ જિલ્લાના બીજા છેડે એક મહિલા બળદના અભાવે ખુદ તેના સ્થાને હળ ચલાવતી જોવા મળી છે. આદિવાસી સમાજની બહુલ વસતિ ધરાવતા નર્મદા જિલ્લામાં 43 ટકા જેટલો ડુંગરાળ વિસ્તાર આવેલો છે.

જો કે ખેતરોમાં હળ ચલાવવા માટે બળદ કે ટ્રેકટરની જરૂર પડતી હોય છે, પણ બંને સંસાધનો નહિ હોવાથી મહિલાઓ હળ ખેંચે છે અને પાછળ પુરુષો ખેતરમાં બિયારણ નાખે છે. આદિવાસી સમાજના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ આવા અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતોને કદાચ એક જોડી બળદ આપે તો સાચા અર્થમાં નારીશકિતનું સન્માન જળવાઈ રહેશે.

વિકાસના દાવાઓની પોલ ખુલ્લી પડી

સરકાર અંતરિયાળ વિસ્તારોમાં તમામ સુવિધા પહોંચી હોવાનો દાવો તો કરે છે પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં લોકોને કેટલી સુવિધા મળે છે તે આ દ્રશ્યો કંઈ શકે છે. આ ડુંગરાળ વિસ્તારના ગામડાઓમાં રહેતાં પરિવારો જંગલની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમાં પણ બળદ કે ટ્રેકટરના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.

Next Article