આનંદો ! આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટરે પહોંચી, 8 દરવાજા ખોલાયા
નર્મદા ડેમની જળસપાટી (narmada water level) વધતા જળસ્તર જાળવવા માટે 8 દરવાજા મારફતે 1 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં (Gujarat) વરસાદી માહોલ જામ્યો છે.ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને (Heavy rain) પગલે નર્મદાના સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળ સપાટીમાં વધારો થયો છે. આ સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની જળસપાટી 138.27 મીટરે પહોંચી છે.મહત્વનું છે કે, નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.તેથી ડેમ મહત્તમ જળસપાટીથી માત્ર 41 સેમી દૂર છે.ડેમમાં હાલ પાણીની આવક 3.18 લાખ ક્યૂસેક નોંધાઈ છે.
જળસ્તર જાળવવા માટે 8 દરવાજા ખોલાયા
જળસપાટી વધતા જળસ્તર જાળવવા માટે 8 દરવાજા મારફતે 1 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.નર્મદા ડેમમાંથી પાણીની કુલ જાવક 64,869 ક્યૂસેક છે.જો વિગતે વાત કરીએ તો રીવરબેડ પાવર હાઉસમાંથી 42,766 ક્યૂસેક પાણીની જાવક થઈ રહી છે.તો કેનાલ હેડ પાવર હાઉસમાંથી કેનાલમાં 17,414 ક્યૂસેક પાણીની જાવક નોંધાઈ છે.
સરદાર સરોવર ડેમ છલોછલ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનો (monsoon) સારો એવો વરસાદ (Rain) વરસ્યો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક રહે છે. ત્યારે આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બરના રોજ ડેમનું જળસ્તર 137 મીટરે પહોંચ્યું હતું. તે સમયે સરદાર સરોવર ડેમમા 1 લાખ 1 હજાર 566 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી અને ડેમના 5 દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.