Morbi News: ઇઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધની અસર મોરબીના સીરામીક ઉદ્યોગ પર પડી રહી છે. મોરબીમાં ઉત્પાદિત થતી સીરામીક ટાઇલ્સ ઇઝરાયલમાં પણ નિકાસ કરવામાં આવે છે. દર મહિને અંદાજીત 70 કરોડથી વધુ રૂપિયાની ટાઇલ્સની નિકાસ અટકી પડી છે.
ઇઝરાયલ યુદ્ધની અસરના કારણે મોરબીના સીરામીક ઉધોગના એક્સપોર્ટને ફટકો પડ્યો છે. હાલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કોરોડો રૂપિયાના સોદા અટકી ગયા છે. યુદ્ધ લાબું ચાલે તો સીરામીક ઉધોગને કરોડોની નુકશાની થવાની સંભાવના છે.
મોરબી વિશ્વના બીજા નંબરનો સૌથી મોટો સીરામીક ક્લસ્ટર છે. મોરબીમાં ઉત્પાદિત થતી સીરામીક ટાઇલ્સની દેશ વિદેશમાં માંગ છે જેને કારણે વિશ્વના મોટા ભાગના દેશોમાં ટાઇલ્સની નિકાસ કરવામાં આવે છે.
મોરબીમાંથી દર વર્ષે અંદાજીત 15 હજાર કરોડથી વધુની સીરામીક પ્રોડ્કટની નિકાસ કરવામાં આવે છે. વિશ્વના ટોપ-10 દેશો પૈકી ઇઝરાયેલ મોરબીની સીરામીક પ્રોડક્ટ ખરીદનાર દેશ છે. હાલ ઈંઝરાયેલમાં યુદ્ધની સ્થિતિને કારણે મોરબી સીરામીક ઉધોગના એક્સપોર્ટને અસર પડી છે.
સીરામીક એક્સપોર્ટ નિલેશભાઈ જેતપરિયા અને સીરામીક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું કે, ઇઝરાયેલમાં યુદ્ધની સ્થિતિને કારણે નિકાસમાં સીરામીક ઉધોગને ફટકો પડ્યો છે. સીરામીકનું જે એક્સપોર્ટ થાય છે તેમાં ઇઝરાયેલ 6ઠ્ઠા નંબર પર આવે છે. દરેક મહિને ઇઝરાયેલમાં સીરામીક ઉધોગનું 70થી 80 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થાય છે.
ચાલી રહેલા નાણાકીય વર્ષના 4 મહિનામાં 317 કરોડનું એક્સપોર્ટ ઇઝરાયલમાં થયું છે. હાલની વોરની સ્થિતિને કારણે નિકાસ થયેલો 70 કરોડનો માલ હાલ અટકયો છે અને લોડિંગ પણ અટકી ગયું છે. ઇઝરાયેલમાં જ્યાં સુધી વોરની સ્થિતિ રહેશે ત્યાં સુધી મોરબીના સીરામીક ઉધોગને કરોડો રૂપિયાની નુકશાની થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વોરના કારણે ટાઇલ્સની નિકાસ કરવી શક્ય નહીં હોવાનું અગ્રણીઓ માની રહ્યા છે.
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(With Input Credit- Rajesh Ambaliya morbi)
Published On - 1:51 pm, Mon, 16 October 23