ગુજરાતમાં ચોમાસાનું ઘમાકેદાર આગમન, 8 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં વરસાદ, અમરેલીમાં હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયું, CM ભૂપેન્દ્ર પટેલે કલેકટરને આપ્યા આદેશ

ગુજરાતમાં ચોમાસાના પ્રારંભની સાથે જ ધમાકેદાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો છે. સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં ભાવનગરના જેસર, પાલિતાણા, સિહોર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ અમરેલી જિલ્લાના રાજૂલા, અમરેલી અને સાવરકુંડલા તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં ચોમાસાનું ઘમાકેદાર આગમન, 8 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં વરસાદ, અમરેલીમાં હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયું, CM ભૂપેન્દ્ર પટેલે કલેકટરને આપ્યા આદેશ
| Edited By: | Updated on: Jun 16, 2025 | 8:42 PM

સૌરાષ્ટ્રમાં વેરાવળ, ભાવનગર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વડોદરા સુધીના વિસ્તારમાં આજથી નૈઋત્યનુ ચોમાસુ સત્તાવાર બેસી ગયું હોવાની જાહેરાત હવામાન વિભાગે કરી છે. 2025ના વર્ષમા ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરી છે. ભાવનગર જિલ્લાના આભ ફાટ્યું હોય તે રીતે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગનુ માનવું છે કે, સાનુકુળ રહેલા વાતાવરણને પગલે, આગામી 24 કલાકમાં ગુજરાત સહિત દેશના વિભિન્ન પ્રાંત તરફ ચોમાસુ આગળ વધી શકે છે.

સમગ્ર દેશમાં આ વર્ષે નૈઋત્યનુ ચોમાસુ તેના નિર્ધારિત સમય પહેલા જ બેસી ગયું છે. જો કે, મહારાષ્ટ્રના મુંબઈ સુધી પહોચીને ચોમાસાએ લાંબો વિરામ લીધો હતો. 20 દિવસ બાદ, આજે નૈઋત્યનું ચોમાસુ આગળ વધ્યું છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વેરાવળ અને ભાવનગર સુધીના વિસ્તારમાં ચોમાસુ બેસી ગયું છે. જ્યારે મધ્ય-પૂર્વ ગુજરાતમાં વડોદરા સુધીના વિસ્તારમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થયો છે.

ગુજરાતમાં ચોમાસાના પ્રારંભની સાથે જ ધમાકેદાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો છે. સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 195 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી, ભાવનગરના પાલિતાણામાં 11.25 ઈંચ, જેસરમાં 10.47 ઈંચ, સિહોર તાલુકામાં 10 જેટલો ભારે વરસાદ વરસ્યો છે. તી બીજી તરફ અમરેલી જિલ્લાના રાજૂલા, અમરેલી અને સાવરકુંડલા તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે.

આજે, 16 જૂનના રોજ, સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન,  જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, બનાસકાંઠા, વલસાડ, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર, ભરૂચ, સાબરકાંઠા, અમદાવાદ, સુરત, મહિસાગર, પોરબંદર, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, વડોદરા, નવસારી, તાપી, આણંદ, બોટાદ, ખેડા, ડાંગ, નર્મદા, કચ્છ જિલ્લામાં વત્તાઓછા અંશે વરસાદ વરસ્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગે જરૂરી સૂચનાઓ આ વિસ્તારોના જિલ્લા કલેક્ટર્સને આપી છે. હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા અને વરસાદને કારણે ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવાના જરૂરી દિશાનિર્દેશ પણ આપ્યા છે.

મુખ્યમંત્રીએ નાગરિકોને ભારે વરસાદમાં સાવધાની રાખવા, તેમજ નદી-નાળાના વહેતા અને ભયજનક પાણીમાંથી પસાર ના થવા અંગેની સૂચનાઓ પણ અવારનવાર નાગરિકોને સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે.

ગુજરાતમાં 16 જૂન 2025થી નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થયો છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે રમઝટ બોલાવી છે. વરસાદને લગતા તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.

Published On - 8:33 pm, Mon, 16 June 25