
રાજકોટની ધોળકિયા સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ ગુમ થયા બાદ જૂનાગઢ ST ડેપો પરથી સુરક્ષિત મળી આવ્યા છે, જેના કારણે વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટનામાં શાળાની બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે, જેના પગલે વાલીઓએ શાળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ધોળકિયા સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓને શિક્ષકે તોફાન કરવા બદલ ઠપકો આપ્યો હતો અને વાલીઓને બોલાવવા જણાવ્યું હતું. આથી ડરીને ત્રણેય બાળકો શાળામાંથી બહાર નીકળી ગયા હતા. ગંભીર બાબત એ છે કે શાળાએ બાળકો વહેલા નીકળી ગયા હોવા છતાં વાલીઓને તેની જાણ કરી ન હતી. સાંજે બાળકો ઘરે ન પહોંચતા વાલીઓએ ચિંતામાં મુકાઈ શાળાએ પહોંચી તપાસ હાથ ધરી. ત્યારે શાળા સંચાલકોને પણ બાળકો ગુમ થયા હોવાની જાણ થઈ અને તેમણે પોલીસને જાણ કરી.
પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે બાળકો પાસે લગભગ 400 રૂપિયા હતા અને તેઓ જૂનાગઢ જવા માટે બસમાં બેસી ગયા હતા. જૂનાગઢ ST ડેપો પર બસ કંડક્ટરને આ બાળકો એકલા હોવા અંગે શંકા ગઈ. કંડક્ટરે બાળકોની પૂછપરછ કરતા તેમને માલુમ પડ્યું કે આ બાળકો સ્કૂલેથી ભાગી આવ્યા હતા. કંડક્ટરે તરત જ બાળકોના વાલીઓનો નંબર મેળવી તેમનો સંપર્ક સાધ્યો અને પોલીસને પણ આ અંગે જાણ કરી.
Missing Rajkot students found safe in Junagadh#RajkotStudents #Gujarat #TV9Gujarati pic.twitter.com/cYoQlnzio8
— Tv9 Gujarati (@tv9gujarati) October 2, 2025
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને વિડીયો કૉલ દ્વારા બાળકોની વાલીઓ સાથે વાત કરાવી. રાજકોટ PI અને હરપાલસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાજકોટ પોલીસે જૂનાગઢ પહોંચી બાળકોનો કબજો લીધો. મોડી રાત્રે ત્રણેય બાળકોને રાજકોટ લાવી તેમના પરિવારને હેમખેમ સોંપવામાં આવ્યા.
આ સમગ્ર મામલે વાલીઓએ ધોળકિયા સ્કૂલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો આરોપ છે કે સામાન્ય રીતે ગેટ પાસ વગર કોઈ પણ વિદ્યાર્થીને શાળામાંથી બહાર જવા દેવામાં આવતા નથી, ત્યારે કઈ રીતે આ બાળકો વાલીઓ કે શાળા સંચાલકોને જાણ કર્યા વગર શાળાના ગેટની બહાર નીકળી ગયા? વાલીઓના મતે, આ શાળાની અત્યંત મોટી બેદરકારી છે અને જો કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો તેની જવાબદારી કોની હોત તે એક મોટો સવાલ છે.
Published On - 1:44 pm, Thu, 2 October 25