
મહેસાણા શહેરમાં આજે 40થી વધુ પાકિસ્તાની હિન્દૂ પરિવારો વસવાટ કરી રહ્યા છે. ભારતમાં આશરો મેળવેલા આ પરિવારોનું કહેવું છે કે, “અમને ગોળી મારી દો, પણ પાછા પાકિસ્તાન ના મોકલો.” આવી ભીની લાગણીઓ સાથે તેમણે પાકિસ્તાનમાં ભોગવેલી પીડા વર્ણવી છે.
પાકિસ્તાનમાં હિન્દૂ સમુદાય માટે જીવતુ રહેવું પડકાર બની ગયું છે. બેન દીકરીઓની સુરક્ષા ન હોવી, બાળકોને અભ્યાસ માટે તક ન મળવી અને ધર્મ પરિવર્તન માટે સતત દબાણ કરાતું હોય તેવા દુઃખદ પરિસ્થિતિઓનો તેઓ સામનો કરતા હતા. મહેસાણામાં નિવાસ કરતા હિન્દૂ પરિવારો કહે છે કે “પાકિસ્તાનમાં જીવન જીવવું, એ મૃત્યુ સમાન છે.”
તેઓએ વધુમાં કહ્યું કે “સિંધુ નદીના પાણી વગર પાકિસ્તાન તરસ્યું મરશે. પાકિસ્તાનની 80 ટકા ખેતી સિંધુ નદીના જળ પર નિર્ભર છે. જો ભારત સિંધુ જળ સંધિ રદ્દ કરે તો પાકિસ્તાન બરબાદ થઈ શકે છે.” તેઓના મતે પાકિસ્તાનની સમગ્ર અર્થવ્યવસ્થા સિંધુ નદીના જળ પર આધારિત છે.
જમ્મુ-કાશ્મીરના જાણીતા પ્રવાસન સ્થળ પહેલગામ ખાતે તાજેતરમાં થયેલા આતંકી હુમલાએ દેશભરમાં ઘેરા આઘાતનો માહોલ સર્જ્યો છે. હુમલામાં નિર્દોષ યાત્રિકો અને સ્થાનિક લોકોને નિશાન બનાવવામાં આવ્યા. અનેક લોકોના મૃત્યુ થયા અને ઘણા ઘાયલ થયા છે.
આ હુમલો એ પાકિસ્તાની આધારિત આતંકી સંગઠનોની નાપાક હરકતોનું જીવંત ઉદાહરણ છે. ભારતે આ હુમલાની તિવ્ર નિંદા કરી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનને જવાબદાર ઠેરવવા માટે અવાજ ઉઠાવ્યો છે. પહેલગામ, જે અમરનાથ યાત્રા માટે મહત્વનું કેન્દ્ર છે, ત્યાં શાંતિ અને ભક્તિનો માહોલ બગાડવા માટે આ કિરાતક યોજના રચવામાં આવી હતી.
ભારત સરકાર અને સુરક્ષા દળોએ તરત કાર્યવાહી કરી અને હુમલા પાછળ રહેલા દોષિત આતંકવાદીઓને શોધી કાઢવાના પ્રયાસો તેજ કર્યા છે. જમ્મુ-કાશ્મીરના અમરનાથ યાત્રાળુઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે જેથી આ પ્રકારની દુર્ઘટનાઓ ફરી ન બને.