રાજ્યમાં ટ્રેન નીચે પડતુ મુકીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બોટાદમાં ટ્રેન નીચે પડતુ મુકી પિતા- પુત્રએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બોટાદના કુંડલી ગામ પાસે આવેલા રેલવે ફાટક પાસે બની છે. બોટાદથી સુરેન્દ્રનગર તરફ જતી ટ્રેન નીચે આવીને આપઘાત કર્યો છે. જેમાં મૃતક પિતા-પુત્ર રાણપુર તાલુકાના ધારપીપળા ગામના વતની હોવાનું જાણવા મળ્યુ છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હજુ પિતા- પુત્રના આપઘાતનું કારણ જાણવા મળ્યુ નથી.
બીજી તરફ આ અગાઉ પણ ટ્રેન નીચે પડતુ મુકીને એક પરિવારે આપઘાત કર્યો હતો.બોટાદના નિગાળા રેલવે મથક પર એક જ પરિવારના 4 સભ્યોએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. આપઘાત કરનારામાં 2 યુવતી અને 2 પુરૂષો હોવાનું સામે આવ્યું હતુ. ચારેય મૃતકોએ ભાવનગર-ગાંધીગ્રામ ટ્રેન નીચે કૂદીને મોતને વ્હાલ કર્યું હતું. ઘટનાની જાણ થતા બોટાદ રેલવે વિભાગના અધિકારીઓ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે આપઘાત કરનાર પરિવાર સખપર ગામનો રહેવાસી હતો. જેમાં મૃતકોમાં 42 વર્ષીય મંગાભાઇ વિજુડા, 19 અને 17 વર્ષની બે પુત્રી, અને 21 વર્ષીય પુત્ર હતો. સૂત્રોની માનીએ તો મંગાભાઇ 10 દિવસ પહેલા જ જામીન પર છૂટીને આવ્યા હતા. જેમની સામે કૌટુંબિક ભાઇ સાથે મારામારી હેઠળ ગઢડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.