
Ahmedabad rain breaking news : અમદાવાદ શહેરમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે, જે વિસ્તારમાં વરસાદી પાણી નહોતા ભરાતા એ વિસ્તારમા પણ વિકાસના નામે વરસાદી પાણીની સમસ્યા સર્જાઈ હતી. જવાબદારો પોતાની જવાબદારી ખંખેરવા માટે, અમદાવાદમાં ખૂબ જ માત્રામાં વરસાદ પડ્યો હોવાનું જૂનુ પુરાણુ ગાણું ગાતા જોવા મળ્યા હતા. જો કે, આફતને અવસરમાં પલટવા માટે માહેર એવા સત્તાધીશો કુદરતી આફતને અવસરમાં પલટે તે પહેલા ત્રસ્ત થઈ ઉઠેલા નાગરિકોએ પ્રધાન- મેયરને ઘેરી લઈને પ્રશ્નનો મારો ચલાવ્યો હતો.
ઋષિકેશ પટેલ અને હિતેશ બારોટને ઘુમાની હરીઓમ વિલા સોસાયટીમાં નિરીક્ષણ માટે નીકળ્યા હતા. વરસાદી પાણીનો નિકાલ ક્યારે થશે તેવો પ્રશ્ન સ્થાનિક મહિલાઓએ પુછયો હતો. જો કે, ઋષિકેશ પટેલે, ટીવી9 સાથેની વાતચીતમાં કહ્યું કે, વધારે વરસાદને કારણે પરિસ્થિતિ ઉભી થઈ છે. પાણીનો નિકાલ થાય તે માટે કોર્પોરેશન કામ કરી રહ્યું છે લો લાઈન એરિયા છે. રસ્તા નવા બન્યા છે. ભવિષ્યમાં પાણી નિકાલના ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભા કરાશે. , ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં ભળ્યો છે. નીચાણવાળો વિસ્તાર હોવાથી સમસ્યા સર્જાઈ હોવાનો લુલો બચાવ કર્યો હતો….
અમદાવાદને કોમનવેલ્થ સિટી તરીકે પ્રસ્થાપિત કરવામાં સરકાર અને બિલ્ડર લોબી લાગી ગઈ છે. આવા સંજોગોમાં ટીવી9 ગુજરાતીએ જ્યારે ઋષિકેશ પટેલને પુછ્યું કે, અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ રમાડવામાં આવનાર છે. કોમન વેલ્થ સિટી તરીકે અમદાવાદને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યું છે. તો શુ કોમનવેલ્શ સિટીની આવી હાલત એવુ પુછતા જ ઋષિકેશ પટેલે મૌન ધારણ કરીને ચાલતી પકડી હતી….
જો કે, સ્થાનિક મહિલાઓએ મેયર અને પ્રધાનને ઘેરી લઈને પ્રશ્નનો મારો ચલાવ્યો હતો. મહિલાઓએ કહ્યું કે, વરસાદ હોય કે ના હોય પાણી ગરટનું પણ ઉભરાય છે. વિકાસના નામે વિકાસ કરો. તળાવ દબાઈને ઓક્સિજન પાર્ક બનાવીને કુદરતી વહેણને અવરોધવાનું કૃત્ય બંધ કરવું જોઈએ.
(Tv9 ગુજરાતીના રિપોર્ટર નરેન્દ્ર રાઠોડે પ્રધાન ઋષિકેશ પટેલ સાથે કરેલ વાતચીતના આધારે)