રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તાઓ પર વરસાદને કારણે પડી ગયેલા ખાડાનો કોઈ નક્કર ઉકેલ આવતો નથી. ખાડા પુરાવા માટે તંત્ર તેના પર માટી નાખી જાય છે. અને બાદમાં આ માટીના કારણે તો રાહદારીઓને વધુ હાલાકી ભોગવવી પડે છે. માટીને કારણે થતા કાદવ-કીચડથી વિદ્યાર્થીઓથી માંડીને એમ્બ્યુલન્સને અવર-જવરમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત આવા ખાડા અને રસ્તાઓમાં વાહન ચલાવવાના કારણે વાહનચાલકોને વાહનોનું મેઈન્ટેનન્સ પણ વધારે આવે છે.
આવી સ્થિતિમાં વાહન સ્લીપ થઈ જવાનો પણ લોકોને ડર રહે છે. લોકોની સમસ્યાને વાચા આપવા વેપારીઓએ જેતુપર રોડ પર પોસ્ટર લગાવીને અને સૂત્રોચ્ચાર કરીને સિમેન્ટનો રોડ બનાવી આપીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
ધોરાજીના ખરાબ રસ્તાઓ અંગે વિપક્ષે તો આક્ષેપો કર્યા જ છે, પરંતુ શહેર ભાજપ મંત્રી પણ આ અંગે સહમત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે આ રીતે ટૂંકા ગાળામાં રસ્તાઓમાં ખાડા પડવા ન જોઈએ. તેમણે રસ્તાનું રિપેરીંગ કરાવવાનો પ્રસ્તાવ ઉચ્ચ સ્તરે મોકલી આપ્યો હોવાનું અને તે ગાંધીનગર પહોંચી ગયો હોવાનું જણાવ્યું હતું.