Vadodara: ભક્તિમાં ભેદભાવ શા માટે? દલિત સમાજની મહિલાને ગરબે રમતા રોકાતા 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

|

Oct 11, 2021 | 5:24 PM

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામે દલિત સમાજની મહિલાઓને સુવર્ણ સમાજના આયોજનમાં ગરબે રમતા રોકવામાં આવ્યાં હતા. આ બાદ મોટો વિવાદ સર્જાયો હતો. પોલીસે ચાર લોકો સામે કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામે મોટી ઘટના સામે આવી. જ્યાં દલિત સમાજની મહિલાઓને સુવર્ણ સમાજના આયોજનમાં ગરબે રમતા રોકવામાં આવ્યાં હતા. આ બાદ મોટો વિવાદ સર્જાયો હતો.

પિલોલ ગામના દલિત સમાજની કેટલીક મહિલાઓ માતાજીના મંદિરમાં સવર્ણ સમાજ દ્વારા આયોજિત ગરબાં રમવા માટે પહોંચી હતી. ત્યાં મહિલાઓ ગરબે ધૂમે તે પહેલા જ અગ્રણી મહિલા દ્વારા તેમને રોકીને ત્યાંથી હાંકી કાઢવામાં આવી હતી. મહિલાએ આ વાતની જાણ પતિને કરતા મામલાએ જોર પકડ્યું હતું. અને વાત વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળા એકત્ર થયા હતા. દલિત મહિલાનો આરોપ છે કે તેઓ દલિત સમાજમાંથી આવતા હોવાથી માતાજીના ગરબામાં રમતા અટકાવવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સાવલી ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો પિલોલ ગામે પહોંચ્યો હતો. અને ઘટનાને થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હાલ આ સમગ્ર મામલે સાવલી પોલીસે 4 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જેમાં છત્રસિંહ પરમાર, મુકેશ પરમાર, લાલજી પરમાર અને તારાબેન પરમારનો સમાવેશ થાય છે. જોકે ધરપકડના ડરથી આ તમામ ઇસમો ફરાર છે. જેમને શોધવા માટે સાવલી પોલીસ, એસ.ઓ.જી તથા એલ.સી.બીની 5 ટીમો બનાવવામાં આવી છે. અને આ ટીમોએ ફરાર ઇસમોને શોધવા તપાસ શરૂ કરી હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે.

આમ અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ જાતિ અને ધર્મની ભેદભાવની રેખા સમાજ વચ્ચે ખેંચાયેલી જોવા મળી રહી છે. અને પિલોલ ગામની ઘટના આ વાતને સાર્થક કરી રહી છે. ત્યારે ભક્તિમાં ભેદભાવ અને સમાજમાંથી નાતજાતના વાડા ક્યારે દૂર થશે? તે એક સવાલ છે.

 

આ પણ વાંચો: Rajkot : મોંઘવારીમાં પિસાતી સામાન્ય જનતા, તહેવારો ટાણે જ શાકભાજીના ભાવમાં વધારો

આ પણ વાંચો: માસૂમ શિવાંશને દત્તક લેવા ઈચ્છે છે હજારો લોકો: પરંતુ શું તમે જાણો છો બાળક દત્તક લેવાના આ નિયમ અને પ્રક્રિયા વિશે?

Published On - 5:06 pm, Mon, 11 October 21

Next Video