Monsoon 2023: સાબરમતી અને દાંતીવાડામાં સતત પાણીની નવી આવક, ધરોઈ ડેમની સપાટી 611 ફુટ પહોંચી
સતત ત્રણ દિવસથી ધરોઈ ડેમ (Dharoi Dam) માં પાણીની આવક નોંધાઈ રહી છે. સાબરમતી નદીમાં સતત ત્રીજા દિવસે પાણીની આવક નોંધાતા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસ વિસ્તારમાં વરસાદને લઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે.
ઉત્તર ગુજરાતના જળાશયોમાં છેલ્લા ત્રણેક દિવસથી પાણીની આવક નોંધાઈ રહી છે. વિસ્તારના જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ વરસવાને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. આ ઉપરાંત રાજસ્થાન વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. સાબરમતી નદીમાં સતત ત્રીજા દિવસે પાણીની આવક નોંધાવાને લઈ રાહત સર્જાઈ છે. ડેમની સપાટીમાં પણ વધારો થયો છે.
દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે મોટી આશા રુપ છે. ડેમમાં સતત પાણીની આવક થવાને લઈ ડેમમાં પાણીનો જથ્થો વધવા લાગ્યો છે. બનાસ નદીમાં બે દિવસથી નોધપાત્ર પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસ વિસ્તારમાં વરસાદને લઈ બનાસનદીમાં પાણીની આવક થઈ રહી છે. જેને લઈ ડેમમાં નવા પાણી ઉમેરાઈ રહ્યા છે.
ધરોઈ ડેમની સપાટી 611 ફુટે પહોંચી
સાબરમતી નદીમાં સતત ત્રીજા દિવસે પાણીની આવક નોંધાઈ છે. સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ધરોઈ ડેમથી ઉપરવાસ વિસ્તારોમાં વરસાદ સારો નોંધાતા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. આવી જ રીતે રાજસ્થાનમાં પણ સારો વરસાદ થવાને લઈ ધરોઈ બંધમાં પાણીની આવકમાં વધારો થયો હતો. સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં પણ સારા વરસાદને પગલે હરણાવ નદીમાં પાણીની આવક થઈ હતી. જે નદી આગળ જતા સાબરમતી નદીમાં ભળવાને લઈ પાણીની આવકમાં વધારો થયો હતો. ધરોઈ ડેમમાં હાલ સપાટી 611.2 ફુટ નોંધાઈ છે. જે રુલ લેવરથી હવે માત્ર 7 ફુટ દુર છે. એટલે કે 618 ફુટની સપાટી વટાવતા જ ડેમના દરવાજા ખોલીને આવક સામે કેટલોક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી શકે છે. જોકે સમય સ્થિતી મુજબ આ નિર્ણય લેવામાં આવી શકે છે.
ધરોઈ ડેમ સ્થિતી
- હાલની સપાટી-611.02 ફુટ
- રુલ લેવલ-618.04 ફુટ
- ભયજનક સપાટી-622.04 ફુટ
- વર્તમાન જળ જથ્થો-61.66 ટકા
નોંધાયેલ આવક
- સવારે 6.00 કલાક સુધી 7777 ક્યુસેક આવક
- સવારે 7.00 કલાકે 3980 ક્યુસેક આવક
- સવારે 8.00 કલાકે 3980 ક્યુસેક આવક
દાંતીવાડા ડેમની સ્થિતી
બનાસ નદીમાં પાણીની આવક સારી નોંધાઈ રહી છે. જેને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની આવક સારી નોંધાઈ રહી છે. બનાસ નદીમાં શનિવારે સવારે 4512 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જે મધ્યરાત્રી દરમિયાન ઘટીને 752 ક્યુસેક હતી. જોકે વહેલી સવારે 4 વાગે આવકમાં વધારો થતા 1128 ક્યુસેક આવક નોંધાઈ હતી. જે સવારે 6 કલાકે 2256 ક્યુસેક નોંધાઈ હતી. જ્યારે સવારે 7 કલાકે 4512 ક્યુસેક થઈ હતી. જે સવારે 8 કલાકે એટલી જ જળવાઈ રહી હતી. શુક્રાવારે સાંજે 5 કલાકે ડેમમાં પાણીની આવક 8956 ક્યુસેક નોંધાઈ હતી. જે રાત્રીના 11 કલાક સુધી જળવાઈ રહી હતી.