Breaking News : ભાગતી ફરતી કીર્તિ પટેલને રાજસ્થાનથી ધરપકડ કરી જૂનાગઢ લવાઈ, ધાર્મિક લાગણી દુભાવવા સહિત નોંધાયા ત્રણ ગુના

એક બાદ એક નવા વિવાદનો મધપૂડો છેડનાર કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કર્યા બાદ તેને જુનાગઢ લાવવામાં આવી છે. મૃગીકુંડમાં જ્યાં સંસારીઓના સ્નાન પર કરવા પ્રતિબંધ છે ત્યા સાધુઓ વચ્ચે સ્નાન કરી કીર્તિએ સનાતનની પરંપરા તોડી. આ બાદ પણ વીડિયો બનાવી ધમકી આપતી કીર્તિ પટેલ સામે અલગ અલગ ત્રણ ગુના નોંધાયા છે હવે કીર્તિ પટેલે પર કાયદાનો સકંજો કસાયો છે.

| Updated on: Feb 22, 2026 | 8:03 PM

જૂનાગઢમાં ત્રણ ત્રણ પોલીસ ફરિયાદ કરાઈ હોવા છતા, કીર્તિ પટેલ જાણે જૂનાગઢ પોલીસને પડકાર આપતી હોય તેમ સોશિયલ મીડિયા પર તેના વીડિયો પોસ્ટ કરતી આવી હતી. જો કે, વિવાદાસ્પદ કીર્તિ પટેલ પકડાઈ જતા પોલીસે મોટી રાહત અનુભવી હોવાનું પોલીસ બેડાના સૂત્રોએ જણાવ્યું હતું

જૂનાગઢમાં ભવનાથના મેળામાં મૃગીકુંડમાં શાહી સ્નાન કરવા મુદ્દે વિવાદમાં આવેલ મહિલા કીર્તિ પટેલની આખરે જૂનાગઢ પોલીસે ધરપકડ કરી છે. કીર્તિ પટેલ ઉપર, શિવરાત્રી પર્વ નિમિત્તે, જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ મૃગીકુંડમાં સાધુ સંતો સાથે શાહી સ્નાન સમયે ડૂબકી લગાવી હતી. આ ડૂબકીએ કીર્તિ માટે વિવાદ સર્જયો હતો.

કીર્તિ પટેલ નામની મહિલા સોશિયલ મીડિયા થકી સતત કોઈને કોઈ વિવાદમાં રહેતી આવી છે. આ વખતે, જૂનાગઢ ખાતે યોજાયેલ શિવરાત્રીના મેળામાં સાધુ સંતો માટેના શાહી સ્નાન સમયે સાધુ સંતોના ટોળાની વચ્ચે ઘૂસી જઈને મૃગીકુંડમાં સ્નાન કરીને પરંપરાને તોડી હતી. આ ઘટનાએ ધર્મપ્રેમી જનતાની લાગણી દુભાવી હતી. જેના પગલે, મચેલા હો-હા બાદ, જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશને કીર્તિ પટેલ વિરુદ્ધ બે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત અન્ય એક ફરિયાદ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આમ કુલ ત્રણ પોલીસ ફરિયાદમાં વિવાદાસ્પદ કીર્તિ પટેલ પોલીસની પકડથી સતત ભાગતી ફરતી રહી હતી.

જૂનાગઢના મૃગીકૂંડમાં સ્નાન કરવાના કારણે કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી અને તેની સામે ધાર્મિક લાગણી દુભાવવા, પોલીસની ફરજમાં રૂકાવટ મામલે નોંધાઈ હતી ફરિયાદ.આ ઉપરાંત કીર્તિ સામે 20 લાખની ખંડણી માગવાનો તથા બળાત્કારના કેસમાં ફીટ કરવા ધમકી આપ્યાનો પણ ગુનો નોંધાયેલો છે.ત્યારે કીર્તિ પટેલની ધરપકડ થતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:28 pm, Sun, 22 February 26