ગુજરાતમાં 300 કેન્દ્રો ઉપર ખેડૂતો પાસેથી ખરીફ પાકની રૂપિયા 15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરાશે

ગુજરાત સરકારે જણાવ્યું છે કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 480, અડદના ભાવમાં રૂ. 400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 436 નોવધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે મગફળીનો ટેકાનો ભાવ રૂ. 7263 પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8768 પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. 7800 પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. 5328 પ્રતિ કિવ. ટેકાનો ભાવ જાહેર કરાયો હતો.

ગુજરાતમાં 300 કેન્દ્રો ઉપર ખેડૂતો પાસેથી ખરીફ પાકની રૂપિયા 15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરાશે
| Edited By: | Updated on: Nov 05, 2025 | 7:33 PM

ગુજરાતના કૃષિ પ્રધાન અને ગુજરાત સરકારના પ્રવકત્તા, જીતુ વાઘાણીએ કહ્યું કે, ગુજરાતમાં આ વર્ષે ખેડૂતો પાસેથી રૂપિયા 15,000 કરોડ કરતા પણ વધુની ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં મગફળી, સોયાબીન, અડદ અને મગનો સમાવેશ થાય છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવા માટે 300થી વધુ ખરીદ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. જરૂર જણાશે તો ખરીદ કેન્દ્રોમાં વધારો કરવાની પણ રાજ્ય સરકારની તૈયારી હોવાનું જણાવ્યું હતું.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના ખેડૂતોએ ઓછા બજાર ભાવમાં પોતાની જણષ વેચવી નહીં પડે.

રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને પ્રતિ ખેડૂત 125 મણ મગફળી સરકારના ધારાધોરણો મુજબ ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું પણ વાઘાણીએ કહ્યું હતું.

ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને મગફળી મગ, અડદ અને સોયાબીન માટે 300થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જરૂરિયાત જણાય તો કેન્દ્રોની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે, તેમ જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. 7263 પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8768 પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. 7800 પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. 5328 પ્રતિ કિવ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 480, અડદના ભાવમાં રૂ. 400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 436 નો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા સાથેનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળશે.

 

ગુજરાતના રાજકારણને લગતા નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.