KUTCH : નર્મદા કેનાલના કામ મુદ્દે ખેડૂતો રજૂઆત કરીને થાક્યા, હવે 22 ડિસેમ્બરથી કરશે વિરોધ પ્રદર્શન
BHUJ : ભારતીય કિસાન સંઘના આગેવાને કહ્યું કે આ પ્રશ્ન છેલ્લા 40 વર્ષથી છે પણ છેલ્લા 22 મહિનાથી સતત નર્મદા અને મીટર બાબતે સરકારમાં રૂબરૂ અને લેખિત રજૂઆતો કરી છે, પણ સરકાર દ્વારા અમને કોઈ પણ આશ્વાસન મળ્યું નથી.
KUTCH : કચ્છમાં સતત મુશ્કેલીઓના સામનો કરી રહેલા ખેડૂતો હવે સરકાર સામે રણશિંગું ફૂંક્યું.કચ્છ જિલ્લામાં નર્મદાના અટકી ગયેલા કામો ઝડપથી શરૂ થાય તે માટે ખેડૂતો કિસાન સંઘની આગેવાનીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરશે.ખેડૂતોનો આક્ષેપ છે કે, કેનાલનું કામ ઝડપથી થાય તે માટે તંત્રને અનેક વખત રજૂઆત કરી, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું.જેથી 22 ડિસેમ્બરથી ખેડૂતો નર્મદાના પાણી, વીજળી સહિતના પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવશે.
કુદરતી આફતોથી લઈને સરકાર દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે ત્યાં સુધી કચ્છને હમેશા અન્યાય થયાના આક્ષેપો કરવામાં આવ્યાં છે. ખાસ કરીને નર્મદાના પાણી મુદ્દે કચ્છના ખેડૂતો વર્ષોથી લડત કરી રહ્યાં છે, પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. હવે જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય કિસાન સંઘે લડતની તૈયારી કરી લીધી છે. આજે કચ્છના તમામ તાલુકા મથકોએ ભારતીય કિસાન સંઘે આ અંગે મિટીંગો કરી હતી અને ભૂજમાં પણ આ મિટીંગ થઇ હતી.
ભારતીય કિસાન સંઘની આ મિટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 23 તારીખ બાદ કચ્છના તમામ તાલુકા મથકોએ નર્મદા સહીત ખેડૂતોને સતાવતા જે પ્રશ્નો છે તેના મુદ્દે જલદ કાર્યક્રમો કરવામાં આવશે.
આ અંગે ભૂજમાં ભારતીય કિસાન સંઘના આગેવાને કહ્યું કે આ પ્રશ્ન છેલ્લા 40 વર્ષથી છે પણ છેલ્લા 22 મહિનાથી સતત નર્મદા અને મીટર બાબતે સરકારમાં રૂબરૂ અને લેખિત રજૂઆતો કરી છે, પણ સરકાર દ્વારા અમને કોઈ પણ આશ્વાસન મળ્યું નથી. અંતે ભારતીય કિસન સંઘે કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકે બેઠક બોલાવીને આવો નિર્ણય કર્યો છે કે આવતી 22 તારીખે કચ્છના કુલ 905 ગામ છે એમાં સાંજના 7 થી 8 વાગ્યાની વચ્ચે નર્મદા માતાની આરતી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે ભારતીય કિસાન સંઘે આવું આયોજન એટલા માટે કર્યું છે કે 905 ગામમાં નર્મદા આરતી કરીને અમે સરકારને કહેવા માંગીએ છીએ કે વહેલી તકે અમને વહીવટી મંજૂરી આપો. અને જે મીટર રાખ્યા એ પરત લઇ જાઓ. 22 તારીખના આયોજન પછી પણ સરકારને કોઈ સાન ન આવે તો આવતી 3 તારીખે કચ્છના તમામ 10 તાલુકા મથકો પર 3000 થી 5000 ની સંખ્યામાં ધરણા કરવામાં આવશે. જો ધરણા બાદ પર સરકારની સાન ઠેકાણે ન આવે તો આવતી 10 તારીખે ભૂજમાં 30 થી 40 હજારની સંખ્યામાં ખેડૂતો વિરોધ કરશે.