જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની રોપ-વે (Rope Way) સેવા સતત ત્રીજા દિવસે બંધ રાખવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ વે સેવા ખોરવાતા મુસાફરોની ભારે હાલાકી થઈ રહી છે. જો કે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી રોપ વે સેવા બંધ રહેવાને કારણે ઘણા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ગિરનાર પર્વત ન ચઢી શકતા મોટી ઊંમરના લોકો તેમજ બાળકોને લઈને આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરી ક્યારે રોપ વે સેવા શરુ થશે, તેની કોઈ જ જાણકારી ન હોવાથી શ્રદ્ધાળુઓને રોપ વે સેવા શરુ થવાની રાહ જોવી કે નહીં તેની દુવિધામાં મુકાયા છે તો ઘણા લોકો ગિરનાર પર્વત સુધી આવીને પરત ફર્યા હતા. એવુ નથી કે ગિરનારની રોપ વે સેવા પહેલી વાર ખોરવાઈ હોય, આ અગાઉ અનેક વાર ભારે પવન અને વરસાદમાં પણ અનેક વાર ઘણા દિવસો સુધી ગિરનાર રોપ-વે સેવા બંધ રાખવાની નોબત આવેલી છે.
જુનાગઢ, ગિરનાર તેમજ આસપાસમાં ગાઢ જંગલો આવેલા છે. જેના કારણે અહીં વારંવાર પવનની ગતિ તેજ રહે છે. તેમજ ચોમાસામાં વરસાદ પણ વધુ પડે છે. જેના કારણે રોપ વે બંધ રાખવાની ફરજ પડે છે અને શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવી પડે છે.
મહત્વનું છે કે હાલમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 28 જાન્યુઆરીના રોજ માવઠાની આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું હતું કે બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠું થઈ શકે છે. વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના કારણે આ માવઠું થઈ શકે છે તેમ હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. આ આગાહીના પગલે પણ રોપ વે સેવા હાલ કાર્યરત કરવામાં આવી નથી.