ઈટાલિયાની સભામાં ફરી જૂતાકાંડ! માળિયાહાટીનામાં ઇટાલિયા પર જૂતું ફેંકનારની અટકાયત, સસ્તી પ્રસિદ્ધી માટે આવા કૃત્ય કરાવતા હોવાનો ભાજપનો આરોપ – જુઓ Video

જૂનાગઢના માળિયા હાટીનામાં યોજાયેલી એક જાહેર સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ સત્તાધારી પક્ષ પર ગંભીર આરોપો લગાવ્યા, જ્યારે જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ વાક્પ્રહાર કર્યા.

| Edited By: | Updated on: Jan 17, 2026 | 7:46 PM

જૂનાગઢના માળિયા હાટીનામાં યોજાયેલી એક જાહેર સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ સત્તાધારી પક્ષ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, આ ઘટનાની પાછળ ભાજપનો દોરીસંચાર હોવાની આશંકા છે.

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, AAPને વિસાવદર બેઠક પર જીત મળ્યા બાદ ભાજપ નારાજ છે અને તેના કારણે આવી ઘટનાઓ બની રહી છે. ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે, તેમની પાર્ટીની લગભગ દરેક સભામાં હિન કક્ષાના કૃત્યો કરવામાં આવે છે અને ષડયંત્ર રચીને સભામાં ન્યૂસન્સ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે, પ્રજાના પ્રતિનિધિ પર હુમલો કરવો નિમ્ન કક્ષાની રાજનીતિ છે અને આવી ઘટનાઓ લોકશાહી માટે યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પોતે ગોપાલ ઈટાલિયા પણ જૂત્તું ફેંકવાનું કામ કરી ચુક્યા છે. એવામાં સમગ્ર મામલે તેમનું કહેવું છે કે, સત્તા પક્ષ પર જૂત્તું ફેંકી સવાલ ઊઠાવવા એ તો હિંમતનું કામ છે, જ્યારે વિરોધ પક્ષ પર જૂત્તું ફેંકવું એ કાયરતાની નિશાની છે.

ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં શખ્સે સ્વીકાર્યું છે કે, તેને રૂપિયા આપવાની લાલચ આપવામાં આવી હતી, જેના કારણે તેણે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઉપરાંત જૂતું ફેંકનાર શખ્સે એવો પણ દાવો કર્યો છે કે, ઘટનાથી પહેલા તેને ભારે માત્રામાં દારૂ પીવડાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, શખ્સને માણાવદરથી ગાડીમાં બેસાડી માળિયા હાટીનાની સભા સ્થળે લાવવામાં આવ્યો હતો.

બીજીબાજુ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના પ્રયાસની ઘટનાને લઈને ઘણા રાજકીય નિવેદનો સામે આવ્યા છે. આ મામલે જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ ગોપાલ ઇટાલિયા પર વાક્પ્રહાર કર્યો છે.

સંજય કોરડીયાએ કહ્યું કે, જૂતું ફેંકવાની શરૂઆત ગોપાલ ઇટાલિયાએ જ કરી હતી અને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત પણ આવા કૃત્યોથી થઈ હતી. તેમણે ઉમેર્યું કે, જેમ ઘરમાં બાળકને શીખવાડવામાં આવે છે તે પ્રમાણે જ તેનું ઘડતર થાય છે. કોઈના પર આક્ષેપ કરતાં પહેલા આત્મચિંતન કરવું જરૂરી છે.

કોરડીયાએ વધુમાં જણાવ્યું કે, પહેલાં AAPના કાર્યકરોને પૂછો કે તેમાંથી કોણ નારાજ છે ? કોરડીયાએ એ પણ કહ્યું કે, “અમે કામ કરનારા લોકો, જુત્તું ફેંકી જુત્તું બગાડવા પ્રયાસ નથી કરતા.”

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.