જૂનાગઢ (Junagadh) પંથકમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ (Rain) વરસ્યો છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને, પવિત્ર દામોદર કૂંડ (Damodar Kund) માં નવા નીર આવ્યા છે. પાણી વહેતા દામોદર કૂંડ જાણે કે જીવંત બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો સોનરખ નદીમાં પણ નવા નીર આવ્યા છે અને ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. આ તરફ જૂનાગઢ શહેરમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.
ગિરનાર પર 4 ઇંચ જેટલો વરસાદ પડી જતાં પર્વત પરથી ઝરણાં વહેતાં થયાં છે. પ્રવાસીઓએ વરસાદને પગલે ગિરનાર પરથી વહેતા પાણીમાં ન્હાવાની મજા માણી હતી અને મોબાઇલમાં આ અપ્રતિમ સૌંદર્યના વીડિયો પણ લીધા હતા. જોકે વરસાદને પગલે ગિરનાર પર અવરજવર માટે રોપ વે બંધ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં અષાઢી બીજના વરસાદનું આગવું મહત્વ હોય છે ત્યારે જૂનાગઢમાં થયેલા વરસાદથી લોકો વધારે ખુશ થઈ ગયા હતા અને વરસાદી વાતાવરણમાં અષાઢી બીજના પર્વનો આનંદ માણ્યો હતો. જૂનાગઢ નજીક આવેલા ગીર જંગલ પાસે આવેલી મછુન્દ્રી નદીમાં નવા પાણીની આવક થતા દ્રોણેશ્વર ડેમનો બંધારો પ્રથમ વાર છલકાઈ ગયો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદ, માંગરોળ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તાર સહિતના તાલુકામાં સરેરાશ અડધાથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢમાં ગિરનારનું સૌંદર્ય એવું ખીલે છે જે દૂરથી પણ દેખાય છે અને ખાસ આ જ નજારો જોવા માટે કેટલાક પ્રવાસીઓ દૂરદૂરથી આવતા હોય છે અને પ્રકૃતિના ખોળે સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે. થોડા દિવસ અગાઉ પણ ગિરનાર પરથી વહેતા પાણીનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે ગિરનારની વિવિધ કંદરાઓમાંથી વહેતા પાણીને લીધે શિવજીની જટામાંથી ગંગાજી વહી રહ્યા હોય તેવો નજારો સર્જાયો હતો. જૂનાગઢમાં વરસાદ થતા હંમેશાં નયનરમ્ય નજારો જોવા મળતો હોય છે અને પ્રવાસીઓ ખાસ આ કુદરતી દ્રશ્યોને માણવા માટે જૂનાગઢની મુલાકાત લેતા હોય છે.
છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે જેના પગલે ગિરનાર પર્વત ઉપર લીલોતરીને પગલે હરિયાળું વાતાવરણ સર્જાઈ ગયું છે અને તળેટી વિસ્તારમાં આવેલા દામોદર કુંડ, મુચકંદ ગુફા પાસે આવેલા કુંડમાં પણ ડુંગર ઉપરથી નવું પાણી આવી રહ્યું છે. આ દ્રશ્યો જોઈને સ્થાનિકો તેમજ જૂનાગઢમાં આવેલા પ્રવાસીઓ મનભરીને આ દ્રશ્યો માણી રહ્યા છે તેમજ ફોટોગ્રાફીનો આનંદ પણ માણતા હોય છે.
Published On - 2:39 pm, Sat, 2 July 22