Jagannath Rath Yatra Live Updates : નિજ મંદિર પરિસરમાં પહોંચી રથયાત્રા, સમગ્ર રાત્રિ દરમ્યાન ભગવાન રથમાં રહેશે બિરાજમાન

|

Jul 07, 2024 | 10:20 PM

Ahmedabad Jagannath 147th Rath Yatra Live Updates in Gujarati : ભાવિ ભક્તોને ભગવાન જગન્નાથજી આજે દર્શન આપશે. પોલીસ પણ રથયાત્રાની સુરક્ષાને લઇને સતત સતર્ક છે. આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી નજર રખાશે. ભક્તોનો વહેલી સવારથી જ મંદિરમાં જમાવડો જોવા મળી રહ્યો છે. રથયાત્રાના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

Jagannath Rath Yatra Live Updates : નિજ મંદિર પરિસરમાં પહોંચી રથયાત્રા, સમગ્ર રાત્રિ દરમ્યાન ભગવાન રથમાં રહેશે બિરાજમાન

Follow us on

ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા છે. દર વર્ષે ચુસ્ત સુરક્ષા વચ્ચે આ યાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદ રથયાત્રા ઔપચારિક રીતે મંગળા આરતીથી શરૂ થાય છે. આ પહેલા ધાર્મિક વિધિ કરવામાં આવે છે અને પછી સવારે 7 વાગ્યે રથયાત્રા શરૂ થાય છે. જગન્નાથજીની રથયાત્રા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભાવિ ભક્તોને ભગવાન જગન્નાથજી આજે દર્શન આપશે. પોલીસ પણ રથયાત્રાની સુરક્ષાને લઇને સતત સતર્ક છે. આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી નજર રખાશે. ભક્તોનો વહેલી સવારથી જ મંદિરમાં જમાવડો જોવા મળી રહ્યો છે. રથયાત્રાના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Jul 2024 10:15 PM (IST)

    આજે સમગ્ર રાત્રિ દરમ્યાન ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન રહેશે

    ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ હવે સમગ્ર રાત્રિ દરમ્યાન ભગવાન રથમાં જ બિરાજમાન રહેશે. અહીં ભગવાન જગન્નાથજીની આરતી પણ કરવામાં આવી. જોકે આવતી કાલે સવારે ભગવાન મંદિરમાં પ્રવેશ કરશે.

  • 07 Jul 2024 10:13 PM (IST)

    અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્ણ, જુઓ આરતી


  • 07 Jul 2024 09:24 PM (IST)

    નિજ મંદિરે પહોંચી રથયાત્રા

    ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા દર વર્ષે ચુસ્ત સુરક્ષા વચ્ચે આ યાત્રા કાઢવામાં આવે છે. આ વખતે પણ સુચારું આયોજન સાથે આ યાત્રા કાઢવામાં આવી હતી. અમદાવાદ રથયાત્રા ઔપચારિક રીતે મંગળા આરતીથી શરૂ થઈ હતી. આ પહેલા ધાર્મિક વિધિ કરવામાં આવી અને બાદમાં સવારે 7 વાગ્યે રથયાત્રા શરૂ થઈ અને રાત્રે 9:20 કલાકે ત્રણ રથ મંદિરમાં પહોંચ્યા હતા.

  • 07 Jul 2024 09:14 PM (IST)

    પ્રથમ રથ મંદિર પહોંચતા જ અમીછાંટણા

    ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિરે પહોંચી નિજ મંદિરમાં પ્રથમ રથ પહોંચતાજ અમીછાંટણા થયા હતા. ભક્તો સવારથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આખરે આવી.

  • 07 Jul 2024 09:12 PM (IST)

    જગતના નાથના દર્શન માટે ભક્તોની લાગી લાઇન

  • 07 Jul 2024 09:05 PM (IST)

    નિજ મંદિર પર ભક્તોની ભારે ભીડ, જુઓ આકાશી દ્રશ્યો

  • 07 Jul 2024 08:14 PM (IST)

    અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 108 ઇમરજન્સી સર્વિસને મળ્યાં 35 કોલ

    અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 108 ઇમરજન્સી સેવાને 35 કોલ મળ્યા હતા. જે પૈકી પ્રાથમિક-તબીબી સારવારના 5 કોલ, નીચે પડવાના એક કેસ, મૂર્છા આવી જવાના 21 કેસ, આંચકી આવવાના એક કેસ, પેટના દુખાવાનો 2 કેસ, ઝાડા ઉલટીના 4 કેસ તેમજ સ્ટોકના એક કેસને લગતો કોલ આવ્યો હતો.

  • 07 Jul 2024 08:04 PM (IST)

    ભાવિક ભક્તોની ભારે ભીડ વચ્ચે ઘીકાંટા ખાતે રથ પહોચ્યાં

    ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વર્ષે ભાવિક ભક્તોનો ભાવ જોવા મળ્યો છે. ઠેર ઠેર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામના દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. ભાવિક ભક્તોની ભારે ભીડને કારણે આ વર્ષે રથયાત્રાનુ નિજ મંદિર પરત ફરવાનું સમયપત્રક ખોરવાઈ ગયું છે.

  • 07 Jul 2024 07:37 PM (IST)

    શાહપુર અર્બન હેલ્થ સેન્ટર પાસેથી રથ પસાર

    શાહપુર અર્બન હેલ્થ સેન્ટર પાસેથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામના રથ પસાર થયા છે.

  • 07 Jul 2024 07:04 PM (IST)

    દિલ્હી ચકલા પાસેથી ત્રણેય રથ પસાર

    આજે સવારે શરુ થયેલી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા, મોસાળ સરસપુરથી પરત નિજ મંદિર તરફ ફરતા બહેન સુભદ્રા, ભ્રાતા બલરામ અને ભગવાન જગન્નાથના રથ દિલ્હી ચકલા ખાતેથી પસાર થયા છે.

  • 07 Jul 2024 06:09 PM (IST)

    નિજ મંદિરે પરત ફરતી રથયાત્રામાં, રથ પ્રેમ દરવાજા પહોંચ્યા

    ભગવાનના મોસાળ ગણાતા સરસપુરથી રથયાત્રા પરત નિજ મંદિરે ફરી રહી છે. પરત ફરતા રથ પ્રેમ દરવાજા ખાતે પહોચ્યા છે. જ્યાં મહામંડલેશ્વર શિવરામ દાસજી મહારાજે પ્રેમ દરવાજા બહાર રથનું પૂજન કર્યું હતું.

  • 07 Jul 2024 05:12 PM (IST)

    રથયાત્રામા ગીચ માર્ગ વચ્ચે 108 એમ્બ્યુલન્સને રસ્તો આપવાના બનાવને બિરદાવતા ગૃહપ્રધાન હર્ષ સંઘવી

    રથયાત્રા દરમિયાન દરિયાપુર તંબુ ચોકી ખાતે,  ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, આ વર્ષે રથયાત્રામાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. આસ્થાપૂર્વક અને ધૈર્યપૂર્વક લોકોએ જગન્નાથના દર્શન કર્યાં છે. રથયાત્રા નીહાળવા આવેલ ભાવિક ભક્તોએ ગીચ માર્ગમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હોવાની ઘટનાને હર્ષ સંધવીએ બિરદાવી હતી.

  • 07 Jul 2024 04:55 PM (IST)

    શાહપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી ગજરાજ થઈ ગયા પસાર

    શાહપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી ગજરાજ પસાર થઈ ગયા. હવે આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે શાહપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી રથયાત્રામાં સામેલ વિવિધ ટેબ્લો વાળી ટ્ર્ક પસાર થઈ રહી છે.

  • 07 Jul 2024 03:42 PM (IST)

    અષાઢી બીજ નિમીત્તે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઉત્સાહભેર નીકળી ભગવામ જગન્નાથની રથયાત્રા

    અષાઢી બીજ નિમિતે રાજકોટ, ભાવનગર, ખેડા અને અરવલ્લી સહિતના જિલ્લામાં રથયાત્રા યોજવામાં આવી.  રાજકોટના નાનામવા ગામથી ભવ્ય રથયાત્રા નીકળી… જે શહેરના વિવિધ વિસ્તારમાં ફરી. જેમાં વૃંદાવનની રાસલીલાની ઝાંખી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની. ભાવનગરના સુભાષનગરથી રાજમાર્ગો પર ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા નીકળી. જેમાં સંતો, મહંતો સહિત ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ રણછોડરાયની 252મી રથયાત્રા નગરચર્યાએ નીકળી. જેમાં બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજમાન થયા. 9 કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભક્તો સાથે ભજન મંડળીઓ પણ જોડાઇ. અરવલ્લીમાં પણ ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરાજમાન કરીને રથયાત્રા કાઢી. ઉલ્લેખનીય છે, આજે ચારેય તરફ જગન્નાથ ભગવાનની ગૂંજ જોવા મળી રહી છે.

     

     

  • 07 Jul 2024 01:54 PM (IST)

    મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત, ભાણેજને વધાવવાનો દેખાયો ઉત્સાહ

    ભગવાન જગન્નાથજીના મોસાળ એટલે સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ખૂબ જ ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ભાણેજને વધવવા સરસપુરવાસીઓ હરખ ખેલા થયા હતા. હર્ષો ઉલ્લાસ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા. ભક્તોની આંખો ખુશીના આંસુઓથી ભીંજાઈ. મહાપ્રભુના દર્શન કરી તમામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.  જય રણછોડ….માખણચોરનો નાદ પણ સંભળાઈ રહ્યો હતો. ત્યારે આટલી મોટી ભક્તોની સંખ્યા વચ્ચે મોસાળમાં ભગવાન જગન્નાથજીને મામેરું અર્પણ કરવામાં આવ્યું.

  • 07 Jul 2024 01:21 PM (IST)

    ઓડિશાના પુરીમાં આજથી જગ્ન્નાથ ભગવાનની રથયાત્રાનો શુભારંભ, જે 16 જુલાઈ સુધી ચાલશે

    ઓડિશાના પુરીમાં આજથી ભગવાન જગ્ન્નાથજીની રથયાત્રાનો શુભારંભ થયો છે. આ રથયાત્રામાં સહભાગી થવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. 16મી જૂલાઈ સુધી ચાલનારી આ રથયાત્રામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ પણ સામેલ થશે. પુરીની રથયાત્રા સાત દિવસ સુધી ચાલે છે. કહેવાય છે કે બહેન સુભદ્રાએ નગરચર્યાની ઈચ્છા વ્યક્ત કરતા મોટાભાઈ બલભદ્ર અને ભાઈ શ્રીકૃષ્ણએ બહેન માટે રથ તૈયાર કરાવ્યો હતો અને તેઓ નગરચર્ચા કરીને તેમના માસીના ઘરે ગુંડીચા પહોંચ્યા હતા. ત્યાં સાત દિવસ રોકાઈને પરત ફર્યા હતા. આ કથા પ્રમાણે દર વર્ષે ભવ્યાતિભવ્ય યાત્રા યોજાય છે.

  • 07 Jul 2024 01:21 PM (IST)

    પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા કરાયુ રામદેવજીની પાલખીયાત્રાનું આયોજન

    અષાઢી બીજ નિમિતે પોરબંદરમાં યોજાઇ રામદેવજીની પાલખીયાત્રા. ખારવા સમાજ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં રાજપૂત સમાજ પણ જોડાયો હતો. રાજપૂત સમાજે માતાજીનો પ્રસાદ, ચુંદડી અને તલવાર ભેટ આપીને પાલખીયાત્રાને વધાવી. સાથે, પરંપરાગત રીતે ખારવા સમાજના પ્રમુખને સાફો બાંધીને ભાઇચારાને જાળવવા સંદેશો આપ્યો. મહત્વનું છે, ખારવા સમાજ 75 વર્ષથી તેમના આરાધ્ય દેવ રામદેવજીની પાલખીયાત્રા યોજે છે. આ યાત્રા ખારવા પંચાયત મંદિરથી શહેરના વિવિધ માર્ગો પર ફરી.. સમાજની બહેનોએ પણ કુમકુમ તિલક કરીને ચોખાથી વધાવ્યા. આ દરમિયાન અનેક ફોલ્ટસ અને અખાડાના બાળકોએ વિવિધ કરતબ બતાવ્યા.

  • 07 Jul 2024 12:35 PM (IST)

    રાજકોટની રથયાત્રામાં વૃંદાવનની રાસલીલાની ઝાંખી બની આકર્ષણ

    રાજકોટમાં અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું. શહેરમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા. આ રથયાત્રા ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામથી પ્રસ્થાન થઇ હતી. જેમાં રથયાત્રામાં વૃંદાવનની રાસલીલા આકર્ષણનું કેન્દ્ર રહી.

  • 07 Jul 2024 12:32 PM (IST)

    ભાવનગરમાં નીકળી ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા

    અમદાવાદ બાદ જો કોઈ રથયાત્રા આકર્ષણના કેન્દ્રમાં રહેતી હોય તો તે છે ભાવનગરની 39મી રથયાત્રા. જેનું પણ પ્રસ્થાન થઈ ચુક્યું છે. મહાપ્રભુ જગન્નાથ ભાવનગરમાં પણ ભક્તોને દર્શન આપી રહ્યા છે. 17.5 કિલોમીટરના રૂટમાં 4000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 4થી 5 લાખ લોકો ભગવાનના દર્શનનો લાભ લેશે.

  • 07 Jul 2024 12:30 PM (IST)

    બોટાદના સાળંગપુરમાં કષ્ટભંદન દેવને કરાયો વિશેષ શણગાર

    અષાઢીબીજ હોવાથી બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. હનુમાનજી દાદાને 500 કિલો જાંબુનો અન્નકુટ ધરાવાયો છે અને હનુમાનજી દાદાની મૂર્તિને રથયાત્રા પ્રતિકૃતિ બનાવી શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગાર અને અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે..

  • 07 Jul 2024 12:26 PM (IST)

    શામળાજીમાં ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળ્યા જગતના નાથ

    અરવલ્લીના પ્રરિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાની ચાંદીના રથમાં રથયાત્રા કાઢવામાં આવી.નવા બનાવાયેલા ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નિકળી.મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા

  • 07 Jul 2024 11:18 AM (IST)

    ભવ્ય જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ સામેલ

    રથયાત્રાને લઈ અમદાવાદના રસ્તા પર માનવ મહેરામણ ઉમટ્યું છે. ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્ય અનુભવે છે. અમદાવાદમાં ભવ્ય જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ સામેલ થઇ છે. જેમાં T20 વર્લ્ડ કપની જીતની ઝલક પણ જોવા મળી ને રામ મંદિરનો ટેબલો પણ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહ્યો.

  • 07 Jul 2024 10:28 AM (IST)

    રથ નંબર 1 જમાલપુર દરવાજાથી આગળ નીકળ્યો

    રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે. ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. રથ નંબર 1 જમાલપુર દરવાજાથી આગળ નીકળ્યો છે. બીજો રથ જમાલપુર દરવાજાથી રવાના થયો છે. ત્રણેય રથ જમાલપુર દરવાજા ક્રોસ કરી ગયા છે.

  • 07 Jul 2024 10:13 AM (IST)

    રથયાત્રાના પર્વ પર અમિત શાહે ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી

    રથયાત્રાના પર્વ પર અમિત શાહે X પર પોસ્ટ લખીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને લખ્યુ કે ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.

  • 07 Jul 2024 09:59 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા અકાઉન્ટ X પર પોસ્ટ મુકીને દેશવાસીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવી.

  • 07 Jul 2024 09:37 AM (IST)

    ખમાસા ખાતે કર્યુ રથયાત્રાનું મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સ્વાગત

    ખમાસા ખાતે રથયાત્રા અને તેની સાથે જોડાયેલા જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતુ.

  • 07 Jul 2024 09:35 AM (IST)

    સમગ્ર રથયાત્રાના રુટ પર પોલીસની ચાંપતી નજર

    સમગ્ર રથયાત્રાના રુટ પર સુરક્ષાને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ નાનામાં નાની ચહલ પહલ પર પણ બાજ નજર રાખી રહી છે.

  • 07 Jul 2024 08:43 AM (IST)

    ગજરાજ ઢાળની પોળ પાસે પહોંચ્યા

    રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે. રથયાત્રા સાથે જોડાયેલા ગજરાજ ઢાળની પોળ પાસે પહોંચ્યા છે. 18 ગજરાજ પૈકી એક ગજરાજ પર ચાંદીના વરખનો મુકટ પહેરાવવામાં આવ્યો છે.

  • 07 Jul 2024 08:26 AM (IST)

    રથયાત્રાના માર્ગ પર ભક્તોનો જમાવડો

    ભગવાન જગન્નાથ પોતાના ભાઇ અને બહેન સાથે આજે નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે ભગવાનના દર્શન કરવા માટે સવારથી જ રથયાત્રાના રુટ પર ભક્તો ભેગા થઇ ગયા છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તો આતુર જોવા મળી રહ્યા છે.

  • 07 Jul 2024 08:13 AM (IST)

    મંદિરમાં બનાવાયો ચોખ્ખા ઘીના ખીચડાનો પ્રસાદ

    ભગવાનને જ્યારે આંખો આવી હોય છે ત્યારે તેની આંખો સારી થઈ જાય એટલે કે સાજી થઈ જાય તે હેતુસર ખીચડાનો પ્રસાદ વર્ષોથી ધરાવવામાં આવે છે. હજારો કિલોવસ્તુઓનો ઉપયોગ કરીને ચોખા, ડ્રાયફ્રુટ, ગવારફળીનું શાક વગેરે સામગ્રીનો ઉપયોગ કરીને ચોખ્ખા ઘીનો આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. 1 લાખથી વધારે ભક્તો માટે આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. સ્વયંસેવકમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

  • 07 Jul 2024 07:07 AM (IST)

    અમદાવાદની 147મી રથયાત્રાનું થયુ પ્રસ્થાન

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યુ છે. આખરે ભક્તો જે પળનો આતુરતાથી રાહ રાહ જોઇ રહ્યા હતા તે પળ આવી ગઇ છે. રથયાત્રાની શરુઆત થઇ ગઇ છે.

  • 07 Jul 2024 06:39 AM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલ થોડી જ વારમાં કરશે પહિંદ વિધિ

    અમદાવાદના જગન્નાથ મંદિરેથી થોડી જ વારમાં રથયાત્રાનું પ્રસ્થાન થશે. CM ભૂપેન્દ્ર પટેલ થોડી જ વારમાં પહિંદ વિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવશે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ મંદિરમાં હાજર છે.

  • 07 Jul 2024 06:04 AM (IST)

    ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્વા રથોમાં થયા બિરાજમાન

    રથયાત્રા શરુ થવાને હવે થોડા જ સમયની વાર છે. જે પહેલા ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્વા પોતા પોતાના રથોમાં  બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ, ભાઇ બલભદ્ર તાલધ્વજ રથ અને બહેન સુભદ્રા પદ્મધ્વજમાં બિરાજમાન થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કર્યા બાદ નગરચર્યા માટે રથોનું પ્રસ્થાન કરાવવામાં આવશે.

  • 07 Jul 2024 05:50 AM (IST)

    રથયાત્રાનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત

    રથયાત્રાની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. 18,784 સુરક્ષાકર્મીઓની સમગ્ર રૂટ પર ફરજ પર છે. 4,500થી વધુ સુરક્ષાકર્મીઓનો મુવિંગ બંદોબસ્ત ગોઠવાયો છે.  રથ, અખાડા અને ભજન મંડળીની સુરક્ષામાં તૈનાત કરાયા છે. ટ્રાફિક નિયમન માટે 1,931 સુરક્ષાકર્મી છે. તો 16 ક્રેઈનની વ્યવસ્થા ગોઠવાઈ છે. 47 સ્થળ પરથી 96 કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. 20 ડ્રોનથી સમગ્ર રથયાત્રા પર નજર રખાશે. રથયાત્રામાં દરેક ગતિવિધિ પર નજર રાખવા 1,733 બોડીવોર્ન કેમેરા લગાવાયા છે. બોડીવોર્ન કેમેરાથી સતત લાઈવ મોનિટરિંગની સુવિધા રાખવામાં આવી છે. 16 કિ.મીના સમગ્ર રૂટમાં 1,400 CCTVથી નજર રખાશે.

  • 07 Jul 2024 05:29 AM (IST)

    ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક રહેશે

    અમદાવાદમાં રથયાત્રાના અલગ અલગ રંગ જોવા મળશે. રથયાત્રામાં શણગારેલા 18 ગજરાજ જોવા મળશે. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડબાજા, સાધુ સંતો સાથે 1000થી 1200 ખલાસી રથ ખેંચવા જોડાશે. 2000 જેટલાં સાધુ સંતો રથયાત્રામાં હાજર રહેશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિકથી પણ સંતો આવ્યા છે. ઉજ્જૈન, જગન્નાથ પુરીથી સાધુ સંતો આવ્યા છે.

  • 07 Jul 2024 04:13 AM (IST)

    નગરચર્યા પર નીકળતા રથોની હોય છે વિશેષતા

    અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ,ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બીરાજીને નગરચર્યાએ નીકળતા હોય છે. બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે. બલભદ્રજીના રથની ધ્વજાને ઉન્ના કહેવાય છે. બલભદ્રજીના રથના દોરડાને વાસુકી કહેવાય છે. સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ છે. સુભદ્રાજીના રથના દોરડાનું નામ સ્વર્ણચૂડ છે. તો જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે. જગન્નાથજીના રથના દોરડાનું નામ શંખચૂડ છે. જગન્નાથજીના રથની ધ્વજાને ત્રિલોક્યવાહિની કહેવાય છે. જગન્નાથજીના રથની ઊંચાઈ સૌથી વધારે હોય છે.

  • 07 Jul 2024 04:07 AM (IST)

    ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો

    અમદાવાદના જમાલપુુરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પહોંચી ગયા છે અને તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં ભાગ લેવા જોડાયા છે.

  • 07 Jul 2024 04:02 AM (IST)

    અમદાવાદના જગન્નાથ મંદિરનો ઈતિહાસ

    મંદિરનો ઈતિહાસ 450 વર્ષ જૂનો છે. સારંગજીદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી. 450 વર્ષ પહેલા જમાલપુરમાં ગાદીની સ્થાપના થઈ. જગન્નાથ મંદિર પહેલા ત્યાં હનુમાનજી મંદિર હતું. સારંગજીદાસજીને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા. સપનામાં જગન્નાથજીની સ્થાપના કરવા આદેશ મળ્યો. પુરીથી નીમકાષ્ઠની બનેલી મૂર્તિઓ અમદાવાદ લવાઈ. જે પછી વિધિવિધાન સાથે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ. મહંત નરસિંહદાસજીએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. 2 જુલાઈ 1879ના રોજ થયો રથયાત્રાનો પ્રારંભ હતો.

  • 07 Jul 2024 03:56 AM (IST)

    ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને બહેન સુભદ્રાજીના વિશેષ વાઘા તૈયાર

    રથયાત્રાને લઇને ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને બહેન સુભદ્રાજીના વિશેષ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદના કારીગરો દ્વારા વાઘામાં વર્ક કરવામાં આવ્યું છે. સુનિલભાઈ નામના વ્યક્તિ 20 વર્ષથી ભગવાનના વાઘા બનાવી રહ્યા છે. નવા રથમાં ભગવાન જગન્નાથજી લાલ રંગના વાઘા પહેરશે. બીજના દિવસે મંગળા આરતીમાં ભગવાન જગન્નાથજી ગજી સિલ્કના વાઘા પહેરશે. જગન્નાથજી ભગવાનના વાઘામાં રેશમ વર્ક કરાયું છે. ભગવાનની પાઘમાં પણ વિશેષ વર્ક કરાયુ છે. એકમ બીજ અને ત્રીજની દિવસે ભગવાનના તૈયાર વિશેષ વાઘા અને પાઘ પહેરે છે. રજવાડી અને ગુજરાતી અને 3 છોગા વાળી પાઘ સાથે જગન્નાથજી ભક્તોને દર્શન આપશે.

  • 07 Jul 2024 03:53 AM (IST)

    રથયાત્રાએ પ્રભુ જગન્નાથજીના પ્રસાદનું આગવું મહત્વ

    રથયાત્રાએ પ્રભુ જગન્નાથજીના પ્રસાદનું આગવું મહત્વ છે. રથયાત્રાના પ્રસાદ માટે મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાનને ધરાવ્યા બાદ 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ પ્રસાદમાં વહેંચાશે. ભક્તોને કેરી, કાકડી અને દાડમનો પ્રસાદ આપવામાં આવશે. 2 લાખ શ્રદ્ધાળુઓને ‘ઉપરણા’ પ્રસાદનો લાભ મળશે.

  • 07 Jul 2024 03:52 AM (IST)

    તંત્રની પરવાનગી મુજબ રથયાત્રામાં જોડાશે 18 ગજરાજ

    અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળશે, ત્યારે તંત્રની પરવાનગી મુજબ રથયાત્રામાં 18 ગજરાજ જોડાશે. સાંસ્કૃતિક ઝાંખી સાથેના 101 ટ્રક રથયાત્રામાં જોડાશે. અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રામાં સામેલ થશે. સાધુ-સંતો સાથે લગભગ 1200 ખલાસી ભાઈઓ રથ ખેંચશે. દેશભરમાંથી 2000 જેટલાં સાધુ-સંતો રથયાત્રામાં ભાગ લેશે.

  • 07 Jul 2024 03:50 AM (IST)

    રથયાત્રાને લઈ સમગ્ર અમદાવાદમાં ગોઠવાયો લોખંડી બંદોબસ્ત

    રથયાત્રાને લઈ સમગ્ર અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. રથયાત્રાના રૂટ પર પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 18,784 સુરક્ષાકર્મીઓ સમગ્ર રૂટ પર ફરજ પર છે. પેરામિલેટરી ફોર્સ સહિત તમામ ફોર્સ તૈનાત રહેશે. 20 ડ્રોનથી સમગ્ર રથયાત્રા પર બાજ નજર રખાશે. 1400થી વધુ CCTVથી સુરક્ષાની ચકાસણી કરાશે. બોડીવોર્ન કેમેરાથી રથયાત્રાનું સતત લાઈવ મોનિટરિંગ કરાશે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી તમામ ગતિવિધિ પર નજર રખાશે. રથયાત્રાનું ચાર જગ્યાએ લાઈવ સ્ટ્રીમિંગ કરાશે.

Published On - 3:46 am, Sun, 7 July 24