
ગુજરાતમાં હાલ વરસાદના નામે શાંતિ છે પણ હવે ફરીથી છત્રીઓ કાઢવાનો અને પાણીમાં વાહનો ડૂબી જવાનો સમય આવી રહ્યો છે. હવામાન ખાતુ કહે છે કે હવે 19 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ પડશે. એવી સિસ્ટમ તૈયાર થઈ રહી છે. ચાલો જાણી લઈએ કે કેવો, કેટલો અને ક્યારે ગુજરાતમાં વરસાદ પડવાનો છે.
ઓગસ્ટનો આ મહિનો અડધો ખાલી ગયો છે પણ હવે પછીના દિવસો ભારે વરસાદના આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ હવામાનની સિસ્ટમ જે રીતે ગોઠવાઈ છે એ જોતાં 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. જેનાથી ગુજરાતના ખેડૂતોને સૌથી વધુ લાભ થવાનો છે. જો તમને સવાલ એ થતો હોય કે આ વરસાદ ક્યાં ક્યાં પડશે ? તો જાણી લો કે સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી એટલે આખાય ગુજરાતને મેઘરાજા ધમરોળશે.
કેટલાક સ્થળોએ તો 8થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદની ઘટ જોવા મળી રહી છે. પરંતુ એ ઘટ પણ આ વખતના રાઉન્ડમાં વધતા ઓછા અંશે પૂરી થઈ શકે છે.
કારણ એ છે કે ગુજરાત પર અત્યારે એક બે નહીં, પરંતુ ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે..ત્યાર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પણ વરસાદમાં નહાશે.
આ વાત માત્ર હવામાન વિભાગની જ નથી. પરંતુ પ્રખર આગાહીકારો પણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી રહ્યા છે. અલબત્ત તેમની તારીખો થોડી આગળ પાછળ છે પરંતુ પડશે એ નક્કી છે. .જેમકે પરેશ ગોસ્વામી કહે છે કે ગુજરાતમાં 16 ઓગસ્ટથી લઇને 24 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ પડી શકે છે. એમાં પણ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે અને સારી વાત એ હશે કે આ નવા રાઉન્ડમાં ગુજરાતના 95 ટકા વિસ્તારને સારા વરસાદનો લાભ મળશે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સવારે 5:30 વાગ્યે પશ્ચિમ બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા નજીક લો પ્રેશર સક્રિય થયું છે. જે હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 24 કલાકમાં આ લો પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર બની શકે છે. વાત દેશની પણ કરી લઈએ તો આ સિસ્ટમ સક્રિય થતાં જ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તાર અને તેલંગાણામાં પણ રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે.
એક જ દિવસમાં 8 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે. મહારાષ્ટ્રના મરાઠવાડા તથા વિદર્ભમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. એક જ દિવસમાં સાડા ચારથી લઈને આઠ ઈંચ વરસાદની સંભાવના છે. છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ઓડિશામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:05 am, Thu, 14 August 25