
ગુજરાત રાજ્યની આસપાસ સર્જાયેલ વરસાદી સિસ્ટમને પગલે, રાજ્યમાં ફરી એકવાર ચોમાસુ જોર પકડશે. હવામાન અંગેના જાણકાર અંબાલાલ પટેલે, આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે તેવી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના આંબલી, બોપલ, ઘુમા, સિંધુ ભવન, વસ્ત્રાપુર અને ગોતા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમરાઈવાડી, ઓઢવ, નિકોલ અને મહાદેવનગર ટેકરા વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે હોવાથી સ્થાનિક તંત્રને જળનિકાલની વ્યવસ્થા સજ્જ રાખવાની સલાહ આપવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં માણસા, કલોલ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે. જ્યારે સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા, મોરબી, રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંથી લઈને ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 1થી 3 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે.
જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ અને ગીર વિસ્તારમાં પણ સારો વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, નવસારી અને સુરત જિલ્લાઓ માટે વિશેષ ચેતવણી આપવામાં આવી છે. અહીં 8થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે નદીઓમાં જળસ્તર ઝડપથી વધી શકે છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. સમગ્ર વરસાદી તબક્કા દરમિયાન કેટલાક વિસ્તારોમાં કુલ 15થી 20 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વચ્ચે મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં આગામી 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની અસર યથાવત રહી શકે છે. સતત વરસાદને કારણે તાપી નદીનું જળસ્તર વધવાની સંભાવના છે. જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
નોંધ: આ આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી સંભાવનાઓ પર આધારિત છે. વરસાદની સત્તાવાર આગાહી અને ચેતવણીઓ માટે ભારતના હવામાન વિભાગ (IMD) અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી સૂચનાઓને અનુસરવી જરૂરી છે.
Published On - 2:10 pm, Thu, 30 July 26