
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે વિદેશ પ્રવાસ દરમિયાન કરેલી અંગત ખરીદીના બિલ યુનિવર્સિટીના ખાતામાં મૂકીને નાણાં મેળવ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. નિવૃત્ત જજની ચાલી રહેલી તપાસ વચ્ચે અમેરિકા અને દુબઈથી ખરીદવામાં આવેલી લિપસ્ટિક, આઈલાઈનર, કપડાં અને બ્રાન્ડેડ બ્યુટી પ્રોડક્ટ્સના બિલ સામે આવતાં શિક્ષણ જગતમાં મોટો વિવાદ સર્જાયો છે.
વિદ્યાર્થી સંગઠન NSUIના દાવા અનુસાર, વર્ષ 2024માં નીરજા ગુપ્તા એવોર્ડ સ્વીકારવા માટે અમેરિકા ગયા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે ન્યૂ જર્સીના ઝારા સ્ટોરમાંથી 149 ડોલર, સેફોરામાંથી 139 ડોલર અને દુબઈ એરપોર્ટ પરથી 97.50 ડોલરની ખરીદી કરી હતી. આશરે 386 અમેરિકન ડોલરની આ અંગત ખરીદીના તમામ બિલ ગુજરાત યુનિવર્સિટીમાં ચૂકવણી માટે રજૂ કરાયા હોવાના આક્ષેપ સાથે સંગઠને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસે પણ આ મામલે કડક વલણ અપનાવી તપાસની માંગણી કરી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, ઉચ્ચ પદ પર બેઠેલા જવાબદાર વ્યક્તિ દ્વારા નિયમો નેવે મૂકીને યુનિવર્સિટીની ગરિમા અને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સરકારે આ સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ કરાવી થયેલા આર્થિક નુકસાનની તાત્કાલિક ભરપાઈ કરાવવી જોઈએ.
કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીના પૈસે વિદેશ પ્રવાસે જલસા કરવા ગયા હતા કે માત્ર એવોર્ડ સ્વીકારવા ગયા હતા, તેવા સવાલો હવે શિક્ષણ જગતમાં જોરશોરથી ઊઠી રહ્યા છે. આટલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયા પછી પણ આજદિન સુધી કોઈ સત્તાવાર FIR કેમ નોંધવામાં નથી આવી અને માત્ર SIT ની તપાસ કમિટી રચીને મામલાને કેમ રફેદફે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? સરકાર ક્યાં સુધી અને ક્યાં સુધી આવા ભ્રષ્ટ અધિકારીઓને છાવરતી રહેશે તે સમજાતું નથી. કોલેજો અને યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે હોય છે, પરંતુ ત્યાં અવારનવાર દારૂની બોટલો મળી આવવાના ગંભીર કિસ્સાઓ બને છે અથવા પ્રોફેસરો-અધ્યાપકો વિવાદોમાં ઘેરાયેલા રહે છે.
આ બધું ઓછું હોય તેમ નીરજા ગુપ્તા જેવા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ પોતાની સત્તા અને પદનો ખુલ્લેઆમ દુરુપયોગ કરી રહ્યા છે. વિદ્યાના ધામમાં ચાલતી આવી અનૈતિકતાની સીધી માઠી અસર યુવા પેઢીના ભવિષ્ય પર પડી રહી છે. જો વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં આવા અધિકારીઓના પગલે ચાલીને સત્તા મેળવી માત્ર કમાણી કરવામાં જ વ્યસ્ત રહેશે તો શિક્ષણનું શું મૂલ્ય રહેશે? એક તરફ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ વિદ્યાધામોમાં જ ભ્રષ્ટાચારને છાવરીને ખુલ્લેઆમ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
With Input: Narendra Rathod