
ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિ જ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા 'વંદે માતરમ' લખેલ ધ્વજની યશોગાથાનું વર્ણન, 'ચરખા'ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન 'આત્મનિર્ભર ભારત' અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઉભી કરે છે.

આ ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાને સ્વરચિત 'વંદે માતરમ' લિખિત ધ્વજ સાથે દર્શાવવામાં આવ્યા છે. જે તેમણે સૌ પ્રથમ વખત વિદેશીભૂમિ પર વર્ષ 1907માં પેરિસમાં લહેરાવ્યો હતો. આ ધ્વજ જર્મનીના બર્લિનના સ્ટુટગાર્ટની 'ઇન્ડિયન સોશિયાલિસ્ટ કોન્ફરન્સ'મા પણ રજુ કરવામાં આવ્યો હતો. મેડમ કામાની આ ધ્વજ લહેરાવતી અર્ધ-પ્રતિમાની નીચે દેશના બંધારણમાં સ્વીકૃત વિવિધ ભારતીય ભાષામાં 'વંદે માતરમ'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ટેબ્લોના હૃદયસમા પૃષ્ઠભાગમાં રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખને વર્ણવવામાં આવી છે, જેનો પ્રારંભ વર્ષ 1906થી થાય છે. કોલકાતાના પારસી બાગાનમાં વિદેશી ચીજવસ્તુઓની હોળી અને સ્વદેશીનો સ્વીકાર કરતી વખતે ક્રાંતિકારીઓએ 'વંદે માતરમ' લખેલો ધ્વજ સૌ પ્રથમ વખત ફરકાવ્યો હતો. ત્યારબાદના ક્રમે, 1907મા વિદેશીભૂમિ પરથી ભારતીય ક્રાંતિની જ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તેમણે તૈયાર કરેલો ધ્વજ પેરિસમાં લહેરાવ્યો હતો.

વર્ષ 1917મા હોમરુલ ચળવળના ભાગરૂપે એની બેસન્ટ અને બાળગંગાધર તિલક દ્વારા એક નવતર ધ્વજ ફરકાવવામાં આવ્યો, જયારે વર્ષ 1921મા વિજયવાડામાં યુવા ક્રાંતિવીર પીંગળી વેંકૈયાએ એક નવી ડિઝાઈનનો ધ્વજ બનાવ્યો અને ગાંધીજી સમક્ષ રજુ કર્યો.

1931મા પીંગળીએ તૈયાર કરેલા ચરખા અને ત્રણ રંગો સાથે કેટલાક સુધારા સાથેનો ધ્વજ લગભગ સ્વીકૃતિ પામ્યો. જો કે આખરે 22 જુલાઈ, 1947ના રોજ મધ્યમાં ધર્મચક્ર સાથેના ત્રિરંગાને ભારતીય બંધારણ સભાએ સ્વીકૃતિ આપી. પ્રવર્તમાન રાષ્ટ્રધ્વજની આ નિર્માણયાત્રા સાથે ભારતીય સ્વતંત્રતાની મહત્વની ચળવળોનું પણ આ ટેબ્લોમાં નિદર્શન કરવામાં આવ્યું છે.

'ચરખા'ના માધ્યમથી સ્વદેશીના પ્રયોગ મારફતે સ્વતંત્રતાની હાકલ કરનારા મહાત્મા ગાંધીના શિલ્પને ટેબ્લોના અંતિમ ચરણમાં વિશાળ ધર્મચક્ર સાથે દર્શાવવામાં આવ્યું છે. સ્વદેશી-આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના આ સશક્ત મૂલ્યોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ સતત સંવર્ધિત કરવાનું સ્તુત્ય કાર્ય કરી રહયા છે. સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત 'કસુંબીનો રંગ'ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા છે.