
ગુજરાતભરમાં આવેલ 39 રિજનલ RTO ઓફિસમાં અચાનક તમામ ઓનલાઈન સેવાઓ ઠપ થઈ ગઈ છે. RTOના સર્વરમાં આવેલી ટેકનિકલ ખામીને કારણે વાહન રજીસ્ટ્રેશન, લાઈસન્સની કામગીરી અને ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા સંપૂર્ણપણે અટકી પડી છે. બીજું કે, ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ, ડુપ્લિકેટ લાઇસન્સ જારી કરવા અને સરનામામાં ફેરફાર જેવી નિયમિત સેવાઓ ખોરવાઈ છે.
દૂર-દૂરથી આવેલા અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ કામ ન થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ અટકી પડવાના કારણે અરજદારોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો વહેલી તકે સર્વરની આ ખામી દૂર કરવાની માગ કરી રહ્યા છે.
બીજી તરફ, રાજસ્થાનમાં બોગસ લાઈસન્સ કઢાવવાનું એક મોટું કૌભાંડ ઝડપાતા રાજ્ય પરિવહન કચેરી દ્વારા ગુજરાતની તમામ RTOને કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પ્રાથમિક વિગતો મુજબ, કેટલાક તત્વો ગુજરાતમાંથી ઓનલાઈન લર્નિંગ લાઈસન્સ કઢાવી લેતા હતા અને ત્યારબાદ ગેરકાયદેસર રીતે રાજસ્થાનથી પાકું લાઈસન્સ મેળવી લેતા હતા. આ લાઈસન્સ મેળવ્યા બાદ ફરીથી ગુજરાતમાં એડ્રેસ ચેન્જ કરાવીને અહીંનું લાઈસન્સ મેળવી લેવાતું હતું.
આ ગંભીર મામલે અમદાવાદ RTO કચેરી દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં એડ્રેસ ચેન્જ માટે આવેલી તમામ શંકાસ્પદ અરજીઓની વિશેષ ચકાસણી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આવા તમામ બોગસ લાઈસન્સ રદ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Published On - 10:04 pm, Wed, 17 June 26