આજે 23 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે, આવતીકાલ 24મી સપ્ટેમ્બરના રોજ, વેજલપુર ફોર લેન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં, અમદાવાદ-બોટાદ રેલવે લાઈન ઉપર અંદાજિત રૂ. 98.60 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ફોર લેન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને, આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતી વખતે અમેરિકા અને ઈઝરાયેલ પર આકરા પ્રહારો કર્યા હતા. પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે, અમેરિકાએ નિર્દોષ લોકો પર હુમલા કર્યા છે અને ઈઝરાયેલે આતંકવાદની કાર્યવાહી કરી છે. તેમણે મિનાબમાં એક શાળા પર થયેલા હુમલાની તસવીર પણ રજૂ કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા “આતંકવાદી” હોવાના આરોપનો જવાબ આપતા ભારપૂર્વક કહ્યું હતું કે ઈરાન કોઈ આતંકવાદી રાષ્ટ્ર નથી, પરંતુ આતંકવાદનો ભોગ બનેલો દેશ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ઈરાનના એક ટોચના નેતાની હત્યા કરવામાં આવી હતી, બાળકોની શાળા પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 50250 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમની હાલની જળસપાટી 138.48 મીટરે પહોચી છે. છેલ્લા 12 કલાક, ડેમની જળસપાટીમાં 13 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી હવે માત્ર 20 સેન્ટિમીટર દૂર રહ્યો છે. સરદાર સરોવર ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. રિવરબેડ પાવર હાઉસના તમામ ટર્બાઇન બંધ છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન કાર્યરત છે. નર્મદા ડેમમાં હાલ 5,639.62 લાઈવ સ્ટોરેજ છે.
અમદાવાદના વાડજ સર્કલ ઉપર બનેલ આધુનિક ઓવરબ્રિજનું આવતીકાલ 24મી સપ્ટેમ્બરના રોજ લોકાર્પણ કરાશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.
નિરજા ગુપ્તાએ પરત કરેલ ગ્રાન્ટ અંગે કાર્યકારી કુલપતિનું નિવેદન સામે આવ્યું છે. 16 કરોડ 53 લાખ રૂપિયા PMJVK હેઠળ ગુજરાત યુનિ.ને પ્રાપ્ત થયા હતા. 40 કરોડ મંજૂર થયા હતા, તે પૈકી પ્રથમ હપ્તામાં 16.53 કરોડ મળ્યા હતા.
ગ્રાન્ટના રૂપિયા પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટરના ખાતામાં જમા થયા હતા. ગ્રાન્ટ પૈકીના 14.59 કરોડ DD બનાવીને પરત કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિએ નવું એકાઉન્ટ બનાવી રકમ જમા લીધી છે. અંદાજિત બે કરોડનો ખર્ચ થયો હોવાની સ્પષ્ટતા થઈ છે. PMJVK ના અત્યારના સ્ટાફને ઓડિટેડ સ્ટેટમેન્ટ જમા કરાવવા સૂચના અપાઈ છે. માર્ચ એન્ડમાં હિસાબો ઓડિટ થઈ જમા નથી થયા જે જમા કરવાવવા સૂચના
GSFC દ્વારા સરદાર બ્રાન્ડ હેઠળ નવી પ્રોડક્ટનું લોંચિંગ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદાર બ્રાન્ડની સાત નવી પ્રોડક્ટનું લોન્ચિંગ કરાયું. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ખાતરથી લઈ પાક પોષણ અને પાક સંરક્ષણ સુધીની ઉકેલ માટે ખેડૂતોને પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અમરેલીમાં શેત્રુંજી નદીના પટમાં ખાણ ખનીજ વિભાગનો દરોડો. અમરેલી તાલુકાના વાંકિયા નજીક રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ટીમે દરોડો પાડ્યો. ગેરકાયદે રેતી ચોરી કરતા 2 ડમ્પર ઝડપાયા. 2 ટ્રેક્ટર અને રેતી ચાળવાના 4 ચારણા કબજે કર્યાં. ખાણ ખનીજ વિભાગે 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. અમરેલી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સાથે રજિસ્ટ્રારની ભૂમિકા સામે પણ પ્રશ્ન ઉભા થયા છે. NSUI કાર્યકરોએ નકલી નોટોના હાર સાથે કર્યા દેખાવો. રજિસ્ટ્રાર પિયુષ પટેલ ઉપસ્થિત ના રહેતા એમની કચેરીનો દરવાજો તોડ્યો. રજિસ્ટ્રાર કચેરીના બે દરવાજા તોડી NSUI કાર્યકરો ચેમ્બરમાં પહોચ્યા હતા. એક કલાકની રાહ જોયા બાદ પણ દરવાજો ના ખોલતા કાર્યકરોએ તોડ્યો દરવાજો. NSUIનો આક્ષેપ, IDSR પ્રોજેક્ટ હેઠળ પિયુષ પટેલે 3.20 લાખ મેળવ્યો હોવાનો દાવો. આજ પ્રોજેક્ટ હેઠળ પૂર્વ કુલપતિએ 24 લાખ મેળવ્યા હોવાનો દાવો. માનીતી કંપનીને 32 કરોડનું કામ સોંપવામાં પણ પિયુષ પટેલની ભૂમિકા શંકાસ્પદ. નીરજા ગુપ્તા અને પિયુષ પટેલે બંટી-બબલી બની યુની ને લૂંટી હોવાનું NSUIએ કર્યું જાહેર.
ખેડા જિલ્લાના નડિયાદના સુરાસામળ ગામે NRIના મકાનમાં લૂંટનો પ્રયાસ કરનાર ટોળકીના 4 આરોપી ઝડપાયા. કુલ 7 આરોપી પૈકી 4 ઝડપાયા છે. ગત તા. 20 સપ્ટેમ્બરના રોજ NRIના મકાનમાં લૂંટના ઈરાદે આરોપીઓ ઘૂસ્યા હતા. ઘટના દરમિયાન 80 વર્ષના જશભાઈ પટેલ નામના વૃદ્ધ જાગી જતા ઓશિકા વડે તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જશભાઈના દીકરા સંદીપ પટેલ વચ્ચે પડતાં તેઓને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતાં LCB, SOG, ચકલાસી પોલીસ અને નડિયાદ ટાઉન પોલીસની ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન CCTV પરથી આરોપીઓનું વાહન ઓળખાયું હતું, જેના આધારે આગળની કડીઓ મળી હતી. તપાસમાં કુલ 7 આરોપીઓના નામ ખૂલ્યા હતા, જેમાંથી 4ની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે જો સુરાસામળમાં લૂંટ કરવામાં સફળતા મળી હોત, તો આરોપીઓ આણંદમાં પણ લૂંટ કરવા જવાના હતા.
સુરતના પુણા સેવા સહકારી મંડળીના સભ્યોમાં ભડકો થયો છે. 21માંથી 14 સભ્યોએ સામૂહિક રાજીનામાં આપ્યા. આંતરિક વિવાદ વચ્ચે સત્તાની ખેંચતાણનો મામલો સામે આવ્યો છે. 14 સભ્યોના રાજીનામાથી મંડળીમાં રાજકીય ભૂકંપ. સામૂહિક રાજીનામાથી મંડળીના વહીવટમાં મડાગાંઠ સર્જાઈ છે. મંડળીમાં બહુમતી સભ્યોના રાજીનામાથી ખળભળાટ મચ્યો છે.
ગાંધીનગર મનપાના કોંગ્રેસ ઉમેદવારો આવતીકાલે જાહેર થશે. 162 દાવેદારોએ ચૂંટણી લડવા દર્શાવી હતી ઈચ્છા. કોંગ્રેસે તમામ વોર્ડ માટે ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને સોંપી જવાબદારી. મુખ્ય આગેવાનો સાથે 10 સભ્યોની ટીમને જવાબદારી. ડોર ટુ ડોર કેમ્પેઈન પર ભાર મૂકવા પ્રભારીએ જવાબદારોને આપી સૂચના.
સુરતમાં કચ્છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોને બાળ પ્રોત્સાહન યોજના અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમાજ દ્વારા ત્રીજા બાળકના જન્મ પર 50 હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમાજમાં ઘટતી વસ્તીના કારણે સર્જાતા સામાજિક અસંતુલનને દૂર કરવા તેમજ એક જ સંતાનની માનસિકતા બદલવાના પ્રયાસરૂપે આ નિર્ણય લેવાયો છે. સાથે જ દીકરા અને દીકરી વચ્ચેના અસંતુલનને દૂર કરવામાં મદદ મળે તેવો હેતુ પણ રાખવામાં આવ્યો છે. 3થી વધુ સંતાન હોય તેવા કિસ્સામાં સમાજ દરેક સંતાન માટે 50 હજાર રૂપિયાની સહાય કરશે. કડોદરામાં યોજાયેલી દક્ષિણ ગુજરાત ઝોનની વાર્ષિક સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદમાં બદલાતી ઋતુ વચ્ચે વાયરલ બીમારીના કેસમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શહેરમાં દરરોજ 5 હજારથી વધુ વાયરલના કેસ નોંધાતા હોવાનો દાવો છે. વાયરલની સારવાર માટે અર્બન હેલ્થ સેન્ટર અને AMC સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ, ખાનગી હોસ્પિટલોમાં પણ વાયરલના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોકે, ખાનગી હોસ્પિટલોમાં નોંધાતા વાયરલના કેસનો સત્તાવાર ડેટા AMC પાસે ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.
દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ સોનાની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી મહિલા સહિત 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. દુબઈથી દિલ્હી આવેલી ફ્લાઈટમાં બે સીટની નીચે છુપાવેલી ત્રણ બેગમાંથી કુલ સાડા છ કિલો સોનું મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે 9 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ એક્ઝિબિશનમાં જવાના બહાને વારંવાર દુબઈ જતા અને પરત ફરતી વખતે સોનું લાવતા હોવાની માહિતી સામે આવી છે. હાલ કસ્ટમ અધિકારીઓ દ્વારા આરોપીઓની પૂછપરછ કરી દાણચોરીની ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
મીરાબાઈ ચાનુએ 2026 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. એશિયન ગેમ્સમાં આ તેમનો પહેલો મેડલ છે. મીરાબાઈએ મહિલાઓની 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો, કુલ 198 કિગ્રા વજન ઉપાડ્યું. મીરાબાઈએ સ્નેચમાં 87 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિગ્રા વજન ઉપાડ્યું. આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ઉત્તર કોરિયાના વેઈટલિફ્ટરને મળ્યો, જેણે 215 કિગ્રા વજન ઉપાડીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
જય મીનાએ ભારત માટે સોફ્ટ ટેનિસમાં ઈતિહાસ રચ્યો છે. તે આ રમતમાં દેશ માટે એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. જય મીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 વર્ષ બાદ અમેરિકાની મુલાકાતે પહોંચશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 23 સપ્ટેમ્બરે જિનપિંગનું જોઈન્ટ બેઝ એન્ડ્ર્યૂઝ ખાતે વ્યક્તિગત રીતે સ્વાગત કરશે. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે વ્હાઇટ હાઉસમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. બેઠકમાં વેપાર અને ટેરિફ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તાઇવાન, મહત્વપૂર્ણ ખનિજો અને રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. જિનપિંગના સન્માનમાં વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 વર્ષ બાદ અમેરિકાની મુલાકાતે પહોંચશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 23 સપ્ટેમ્બરે જિનપિંગનું જોઈન્ટ બેઝ એન્ડ્ર્યૂઝ ખાતે વ્યક્તિગત રીતે સ્વાગત કરશે. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે વ્હાઇટ હાઉસમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. બેઠકમાં વેપાર અને ટેરિફ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તાઇવાન, મહત્વપૂર્ણ ખનિજો અને રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. જિનપિંગના સન્માનમાં વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ઉમેદવારોમાં દાવેદારીનો માહોલ જામ્યો છે. 26 સપ્ટેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. શરૂઆતના બે દિવસમાં એકપણ ફોર્મ ભરાયું નહોતું, જોકે અત્યાર સુધીમાં કુલ 194 ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસના દાવેદારોએ સૌથી વધુ 67 ફોર્મ લીધા છે, જ્યારે ભાજપના દાવેદારોએ 39 અને આમ આદમી પાર્ટીના નામે 38 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. અપક્ષ સહિત અન્ય પક્ષોના દાવેદારોએ આશરે 50 ફોર્મ લીધા છે. હાલ સુધી ભાજપ અને કોંગ્રેસે પોતાના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે.
અમદાવાદના મહત્વપૂર્ણ સરકારી પરિસરો પૈકીના એક શાહિબાગમાં સરકારી મિલકતોના સમારકામ, રિનોવેશન અને આધુનિકીકરણની કામગીરીનો માર્ગ હવે મોકળો થયો છે. ગુજરાત હાઇકોર્ટે શાહિબાગ સ્થિત સરકારી મિલકતોના ટેન્ડર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. આ પ્રોજેક્ટમાં સરકારી રહેણાંક ક્વાર્ટર્સ અને સત્તાવાર બંગલાઓના મહત્વના સમૂહનો સમાવેશ થાય છે. જેમાં પોલીસ મહાનિર્દેશક (DGP), અમદાવાદ પોલીસ કમિશનર અને મુખ્ય સચિવ સાથે સંકળાયેલા સરકારી આવાસો ઉપરાંત અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓના નિવાસસ્થાનોનો પણ સમાવેશ થાય છે. શાહિબાગ એસ્ટેટમાં IPS મેસ, કલેક્ટર માટે ફાળવાયેલ બંગલો અને અન્ય અનેક સરકારી આવાસો પણ આવેલા છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન હવે ઓડિશા-આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ હવામાન પ્રણાલીને કારણે પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધી છે. હવામાન વિભાગે ઓડિશા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.
કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બરથી લાલ-લીલા ટપકાને લઈને નવી જોગવાઈ લાગુ કરી છે. લીગલ મેટ્રોલોજી નિયમોમાં સુધારો કરીને ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ સહિત કોસ્મેટિક્સ અને ટોયલેટરીઝના પેકેટ પર ઉત્પાદન શાકાહારી છે કે નહીં તેની માહિતી દર્શાવવી ફરજિયાત કરવામાં આવી છે. ગ્રાહકોને ઉત્પાદનની પ્રકૃતિ અંગે સ્પષ્ટ માહિતી મળી રહે તે હેતુથી પેકેજિંગ પર લાલ કે લીલા ટપકાની જોગવાઈ લાગુ કરવામાં આવી છે.
પોલીસ સાથે અથડામણમાં આરોપી ઠાર: ઉત્તર પ્રદેશના આઝમગઢમાં હત્યાના આરોપી અરવિંદ સિંહનું પોલીસ સાથેની અથડામણમાં મોત થયું છે. મળતી માહિતી મુજબ, પોલીસે આરોપીને પકડવાનો પ્રયાસ કરતાં તેણે પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જવાબમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતાં અરવિંદ સિંહને ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ અને થન્ડરસ્ટોર્મની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Published On - 7:38 am, Wed, 23 September 26