3 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સવારના 6થી રાત્રીના 8 સુધીમાં 191 તાલુકામાં વરસાદ, વાલિયામાં 156 મિ.મી. વરસાદ

|

Sep 03, 2024 | 9:02 PM

Gujarat Live Updates : આજે 3 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

3 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સવારના 6થી રાત્રીના 8 સુધીમાં 191 તાલુકામાં વરસાદ, વાલિયામાં 156 મિ.મી. વરસાદ

Follow us on

આજથી વડાપ્રધાન મોદી ત્રિદિવસીય દક્ષિણ-પૂર્વ એશિયા દેશોની મુલાકાતે છે. બ્રુનેઈ અને સિંગાપુરમાં દ્વિપક્ષીય મંત્રણા કરશે.  અમદાવાદના હડતાળિયા જુનિયર તબીબોને સરકારે અલ્ટિમેટમ આપ્યુ. ડ્યુટી પર હાજર નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવાશે. રાજ્યના 123 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ તાપીના સોનગઢમાં સાડા 8 ઈંચ વરસાદ વરસ્યો છે. તો 25 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નવસારીમાં સિઝનમાં સતત ત્રીજી વખત પૂરની સ્થિતિ છે. શહેરનો 20 ટકા વિસ્તાર જળમગ્ન છે. પૂર્ણા અને અંબિકાએ ભયજનક સપાટી વટાવી છે. અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે.  આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આજે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Sep 2024 08:59 PM (IST)

    સવારના 6થી રાત્રીના 8 સુધીમાં 191 તાલુકામાં વરસાદ, વાલિયામાં 156 મિ.મી. વરસાદ

    ગુજરાતમાં આજે મંગળવાર 3 સપ્ટેમ્બરના રોજ,  સવારે 6 વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીના 14 કલાકમાં 191 તાલુકામાં એક મિલીમીટરથી લઈને 156 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં સૌથી વધુ 156 મિલીમીટર એટલે કે, સવાછ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે મુખ્યત્વે સવારે 6થી 10 સુધીના ચાર કલાકના સમયગાળામાં જ વરસ્યો છે. ભરૂચના નેત્રંગમાં પાંચ ઈંચ વરસાદ સવારના સમયે ખાબક્યો હતો. સુરતના ઉમરપાડામાં સવા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

  • 03 Sep 2024 07:57 PM (IST)

    કોંગોમાં જેલ તોડીને ભાગવાનો પ્રયાસ, નાસભાગમાં 129 કેદીઓના મોત

    કોંગોએ કહ્યું કે રાજધાનીની જેલમાંથી ભાગી જવાના પ્રયાસ દરમિયાન 129 કેદીઓ મૃત્યુ પામ્યા છે. નાસભાગમાં મોટાભાગના લોકોએ જીવ ગુમાવ્યો હતો.


  • 03 Sep 2024 07:51 PM (IST)

    મહીસાગરના કડાણા ડેમના 10 ગેટ ખોલાયા, હેઠવાસના 128 ગામને કરાયા સાવધ

    મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં, કડાણા ડેમના કુલ 10 ગેટ ખોલી 1,33,248 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. જેના પગલે, નીચાણવાળા વિસ્તારના 128 ગામોને એલર્ટ કરાયા છે.
    મહીસાગર જિલ્લામાં આવેલ  કડાણા ડેમ એ ગુજરાત રાજ્યનો જીવાદોરી સમાન ત્રીજા સૌથી મોટો ડેમ છે. કડાણા ડેમમાં ઉપરવાસમાંથી ભારેથી અતિભારે વરસાદના પગલે ભારે પાણીની આવક નોંધાઇ છે.  જેના પગલે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ઉપરવાસમાં અનાસ નદીમાંથી 137000 ક્યુસેક જ્યારે મહી બજાજમાંથી 22715 ક્યુસેક મળી કુલ 1,54,549 ક્યુસેક પાણીની આવકના પગલે ડેમની જળસપાટી 417.4 ફૂટે પહોંચી છે. જ્યારે કુલ સપાટી 419 ફૂટ કરતા માત્ર 1.8 ફૂટ જ ખાલી છે.

  • 03 Sep 2024 07:48 PM (IST)

    કીમ નદીની જળ સપાટીમાં વધારો, ઓલપાડ, માંગરોળ, હાંસોટ તાલુકાના ગામોને થઈ શકે છે અસર

    સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદીની જળ સપાટીમાં વધારો થયો છે. કીમ નદીનું પાણી સુરતના ઓલપાડ, માંગરોળ, હાંસોટ એમ ત્રણ તાલુકાને અસર કરે છે. તંત્ર દ્વારા કીમ નદી તટના ગામોને એલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં  લોકોએ કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી લોકોએ સૂચના આપી છે. ઓલપાડ તાલુકાના કીમ, કઠોદરા, કીમામલી, કઠોદરા, વડોલી, ઉમરાછી ગામોને એલર્ટ કરાયા છે. તો માંગરોળના પાનસરા, બોરસરા, સિયાલજ, શેઠિ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

  • 03 Sep 2024 07:43 PM (IST)

    એટલાસ સાયકલ કંપનીના પૂર્વ પ્રમુખે કરી આત્મહત્યા, ઘરમાં જ પોતાને ગોળી મારી

    દિલ્હીના અબ્દુલ કલામ લેન વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના બની છે. અહીં રહેતા સલિલ કપૂરે આત્મહત્યા કરી લીધી છે. સલિલ કપૂર એટલાસ સાયકલ કંપનીના પ્રમુખ રહી ચૂક્યા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી છે.

  • 03 Sep 2024 07:30 PM (IST)

    અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર છાપરી ગામ પાસે ભેખડો ધસી પડી

    બનાસકાંઠામાં અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ધસી પડી છે. છાપરી ગામ પાસે ભેખડો ધસી પડતા કોઈ જાનહાની થવા પામી નથી. એક તરફનો અંબાજી આબુરોડ હાઇવે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. બનાવને પગલે છાપરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આજે દિવસ ભર ધીમી ધારે વરસાદ વરસતા ભેખડો રોડ પર ધસી આવી હતી. ગુજરાત અને રાજસ્થાનને જોડતો હાઇવે માર્ગ પહાડી વિસ્તાર હોઈ ભેખડો ધસવાના બનાવ અવારનવાર બનતા હોય છે.

  • 03 Sep 2024 07:25 PM (IST)

    પોરબંદર નજીક અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડના બે જવાન શહીદ

    પોરબંદર નજીક દરિયામાં તુટી પડેલા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરના 2 જવાન શહિદ થયા છે. ગઈકાલે મોડી રાત્રે માલવાહક જહાજમાં મેડીકલ ઈમરજન્સીને લઈને કોલ આવતા, હેલિકોપ્ટર બચાવ કામગીરી માટે ગયુ હતું. તે દરમિયાન દરિયામાં ઈમરજન્સી લેન્ડીગ કરતા તુટી ગયું હતું. હેલિકોપ્ટરમાં સવાર ચાર પૈકી બેને બચાવી લેવાયા છે. બચી જનારા બન્નેને જામનગર ખાતેની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

  • 03 Sep 2024 07:20 PM (IST)

    સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2,44,956 ક્યુસેક પાણી છોડાયું

    નર્મદા ડેમ ની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે. ઉપરવાસથી આવી રહેલા પાણીને કારણે, નર્મદા ડેમમાં પાણી આવક વધીને 1,72,663 ક્યુસેક થઈ છે. આવક વધતા ફરી 15 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.  દરવાજા મારફતે 2,00,000 ક્યુસેક અને પાવર હાઉસ મારફતે 44,956 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ નર્મદા નદી માં 2,44,956 ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થતાં કાંઠા વાળા વિસ્તારને સાવધ કરાયા

  • 03 Sep 2024 05:32 PM (IST)

    વડોદરામાં પૂરની પરિસ્થિતિમાં, ઈન્ટરવ્યૂ દરમ્યાન ભાજપના મહિલા નેતાના નામ સાથે અભદ્ર ઈશારો કરનારા સામે ગુનો નોંધાયો

    વડોદરામાં ભાજપના મહિલા નેતાના નામ સાથે અભદ્ર ઈશારો કરનારા સામે ગુનો નોંધાયો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં, અભદ્ર ઈશારો કરનારા શખ્સ સામે ગુનો દાખલ કરાયો છે. હરણીના સિલ્વર ઓક ફ્લેટમાં રહેતા કુલદીપ ભટ્ટ નામના શખ્સની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરાઈ છે. વડોદરામાં આવેલા પૂરની પરિસ્થિતિમાં, ઈન્ટરવ્યૂ દરમ્યાન હરણીના સિલ્વર ઓક ફ્લેટમાં રહેતા કુલદીપ ભટ્ટે, ભાજપ મહિલા નેતાના નામ સાથે અભદ્ર ઈશારો કર્યો હતો.

     

     

  • 03 Sep 2024 04:22 PM (IST)

    પૂરથી નવસારી-બીલીમોરાના એક લાખ લોકો પ્રભાવિત, હવે નદીઓનુ જળસ્તર ઘટતા રાહત

    દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદનું પાણી નદીઓ દ્વારા નવસારીમાં પ્રવેશીને પ્રલયની સ્થિતિ ઊભી કરી હતી. નવસારીમાં ચોમાસાની ચાલુ સિઝનમાં ચોથી વખત જળ પ્રલયની સ્થિતિએ શહેરીજનોને અકળાવી દીધા હતા. પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તર નવસારી શહેર અને બીલીમોરા શહેરમાં પ્રવેશતા જિલ્લાના એક લાખથી વધુ લોકો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રભાવિત થયા હતા. નવસારી જિલ્લામાં 20 કલાક જેટલો સમય પૂર રહ્યું હતું જેમાં 2000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી. હાલ નદીઓના જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર આરોગ્ય લક્ષી કામગીરીમાં જોતરાયું છે, સાથે નુકસાની અને વળતરની સર્વેની માટે 70 જેટલી ટીમો બનાવીને કામગીરી શરૂ કરી છે.

  • 03 Sep 2024 03:05 PM (IST)

    ગોધરામાં વરસાદ વિરામના 12 કલાક બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી

    વરસાદ વિરામ લીધાના 12 કલાક ઉપરાંતનો સમય વીતી ગયા બાદ પણ ગોધરા નગરના મુખ્ય માર્ગો પણ વરસાદી પાણી નથી ઓસર્યા. ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર નદીઓની જેમ વહી રહ્યા છે વરસાદી પાણી. રાહદારીઓ, વાહન ચાલકો, વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ભાગોળ, સ્ટેશન રોડ, ભૂરાવાવ, જુના બસ સ્ટેન્ડ, જહુરપુરા શાકમાર્કેટને જોડતા મુખ્ય માર્ગ પર  વરસાદી પાણી ભરાયા છે. ઘૂંટણ સમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે.

     

  • 03 Sep 2024 02:30 PM (IST)

    ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ-પરેશ ગોસ્વામી

    ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે. અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાનું પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે.

  • 03 Sep 2024 02:09 PM (IST)

    વડોદરા: ભૂખી નદીના પાણી વહેતા થતા રસ્તો કરાયો બંધ

    વડોદરા: ભૂખી નદીના પાણી વહેતા થતા રસ્તો બંધ કરાયો છે. સાધલીથી કાયાવરોહણ થઈ વડોદરા તરફના મેઇન રોડ બંધ કરાયા છે. સાધલી ટીમ્બરવા ગામ વચ્ચેથી ભૂખી નદી પસાર થાય છે. નદીના પાણી રસ્તા પર આવતા તંત્રએ રસ્તો બંધ કર્યો છે. ભૂખી નદી પાસે રોડ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રોડ પર લોકોને ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

  • 03 Sep 2024 01:04 PM (IST)

    ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન

    ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન શરુ થયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  પ્રાથમિક સભ્ય તરીકે ભાજપની સદસ્યતા લીધી છે. કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલ સદસ્યતા અપાવશે. રાજ્ય સરકારના તમામ મંત્રીઓ કાર્યક્રમમાં હાજર છે. તમામ સાંસદો, ધારાસભ્યો, જિલ્લાના પદાધિકારીઓ, હોદ્દેદારો હાજર છે. પ્રદેશ ભાજપના સદસ્યતા અભિયાનમાં 2 કરોડથી વધુ લોકોને જોડવાનું લક્ષ્ય છે.

  • 03 Sep 2024 12:30 PM (IST)

    તાપીમાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલી વધી

    તાપીમાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલી વધી છે. ઓલણ નદી પરનો લો લેવલ પાણીમાં ધોવાયો છે. પંચોલ ગામથી પાટી ગામને જોડતો લો લેવલ ધોવાયો છેે. લોકો જીવન જોખમે વાહન ચલાવવા મજબુર બન્યા છે. લો લેવલ ધોવાતા 10થી વધુ ગામોને હાલાકી પહોંચી રહી છે.

  • 03 Sep 2024 11:52 AM (IST)

    સુરત: AAP કોર્પોરેટર વિપુલ સુહાગિયાને ACBએ ઝડપ્યો

    સુરત: AAP કોર્પોરેટર વિપુલ સુહાગિયાને ACBએ ઝડપ્યો છે.  પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે રૂપિયા માગ્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. SMCના પાર્કિંગ બાબતે કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા માગ્યાનો આક્ષેપ છે. કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા પણ સામેલ હોવાની ફરિયાદ છે. બંને કોર્પોરેટરે 10 લાખની ખંડણી માગી હોવાનો આક્ષેપ છે. મલ્ટીલેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટરને ધમકી આપ્યાની પણ ફરિયાદ છે. શાક માર્કેટની જગ્યામાં દબાણ કર્યાની કોન્ટ્રાક્ટરને ધમકી આપી હોવાની ફરિયાદ છે.

  • 03 Sep 2024 11:51 AM (IST)

    મહેસાણા: બહુચરાજી મંદિરે ભોજનની થાળીનો દર ડબલ થયો

    મહેસાણા: બહુચરાજી મંદિરે ભોજનની થાળીનો દર ડબલ થયો છે. લાડુ ઉમેરી થાળીનો દર ₹30થી વધારીને ₹60 કરાયો છે. બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયમાં ભોજન અપાય છે, 2018ના ટેન્ડર મુજબ બપોરે ₹30, રાત્રે ₹24માં ભોજન અપાતું હતું. હવે બપોરનું ભોજન લાડુ સાથે ₹60માં અને રાત્રે ₹36માં અપાશે. વર્ષે અંદાજે 5.50 લાખ શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદનો લાભ લે છે. અંબાજીની જેમ બહુચરાજીમાં પણ વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા કરવા માગ છે.

  • 03 Sep 2024 11:24 AM (IST)

    અમદાવાદ: વેજલપુરના મધુરમ ફ્લેટમાં વહેલી સવારે દુર્ઘટના

    અમદાવાદ: વેજલપુરના મધુરમ ફ્લેટમાં વહેલી સવારે G બ્લોકમાં દાદરનો ભાગ ધરાશાયી થયો છે. કોલ મળતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. બ્લોકમાંથી 26 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સતર્કતાના ભાગરૂપે વીજ પ્રવાહ અને ગેસ પ્રવાહ બંધ કરાયો છે.

  • 03 Sep 2024 10:16 AM (IST)

    ગીર-સોમનાથ: વેરાવળના લુંભા ગામે ખીણમાં ખાબકી ટ્રક

    ગીર-સોમનાથ: વેરાવળના લુંભા ગામે ટ્રક ખીણમાં ખાબકી છે. ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા 50 ફૂટ પાણી ભરેલી ખીણમાં ટ્રક ખાબકી છે. સમગ્ર દુર્ઘટનાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. રેસ્ક્યુ માટે સ્કુબા ટીમની મદદ લેવામાં આવી.

  • 03 Sep 2024 09:38 AM (IST)

    છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ

    છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

    • સૌથી વધુ ભરૂચના વાલિયામાં 12 ઈંચ વરસાદ
    • તાપીના સોનગઢમાં 10 ઈંચથી વધુ વરસાદ
    • તાપીના વ્યારામાં 9 ઈંચથી વધુ વરસાદ
    • સુરતના માંગરોળમાં 8 ઈંચ વરસાદ
    • ડાંગના વઘઈમાં 8 ઈંચ વરસાદ
    • ભરૂચમાં 7.5 ઈંચ વરસાદ
    • નર્મદાના તિલકવાડામાં 7 ઈંચ વરસાદ
    • તાપીના ઉચ્છલમાં 7 ઈંચ વરસાદ
    • તાપીના ડોલવણમાં 6.8 ઈંચ વરસાદ
    • ખેડાના નડિયાદમાં 6.8 ઈંચ વરસાદ
    • વાંસદામાં 6.6 ઈંચ વરસાદ
    • ડાંગના સુબિરમાં 6.6 ઈંચ વરસાદ
    • 15 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ
    • 20 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ
    • 39 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ
    • 44 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
  • 03 Sep 2024 08:05 AM (IST)

    ભરૂચઃ ઇન્દીરાનગર વિસ્તાર પાણીમાં ડૂબ્યો

    ભરૂચઃ ઇન્દીરાનગર વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે. પાણીનો પ્રવાહ વધતા 200 લોકોનું સ્થળાંતર કરાયુ. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યુ છે. નાના બાળકો સહિત પરિવારોને સલામત સ્થળે ખસેડાયા છે. વરસાદી પાણી ઇન્દીરાનગરમાં ઘૂસતા ચિંતા વધી છે.

  • 03 Sep 2024 07:56 AM (IST)

    ગુજરાત પર વરસાદની 4 સિસ્ટમ સક્રિય

    આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે.ઓગસ્ટ બાદ ફરી એકવાર રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આગામી બેથી ત્રણ દિવસ સુધી દક્ષિણ, મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે તો કોઈ સ્થળે અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.

  • 03 Sep 2024 07:42 AM (IST)

    મહીસાગરના રણજીતપુરાનું તળાવ ક્ષતિગ્રસ્ત

    મહીસાગરના રણજીતપુરાનું તળાવ ક્ષતિગ્રસ્ત થયુ છે. તળાવનો પાળો તૂટવાની દહેશત છે, તંત્ર સતર્ક બન્યુ છે. તળાવ તૂટે તો બાયડના ગામોને અસર થવાની સંભાવના છે. રામસીકમ્પા, પીપોદ્રા, આંબગામ,દખનેશ્વર ગામને એલર્ટ કરાયા છે. ખરોડ અને બાયડ શહેરને પણ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

  • 03 Sep 2024 07:41 AM (IST)

    સુરતમાં નેશનલ હાઇવે પર પડેલ ખાડાઓને લઇને NHAI વિભાગ એક્શનમાં

    સુરતમાં નેશનલ હાઇવે પર પડેલ ખાડાઓને લઇને NHAI વિભાગ એક્શનમાં છે. અમદાવાદ- મુંબઈ નેશનલ હાઇવે પર ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાં હાલ કામગીરી કરાઇ રહી છે.
    સરકારે આપેલી સૂચના બાદ તંત્ર કામે લાગ્યુ છે.

  • 03 Sep 2024 07:41 AM (IST)

    ખેડા : યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ

    ખેડામાં યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યુ છે. 32 રસ્તાઓ બંધ થયા હતા. હવે 32માંથી 30 રસ્તાનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. સમારકામ માટે 19 ટીમ સેવારત છે. બે રસ્તાનું સમારકામ હજુ બાકી છે.

Published On - 7:36 am, Tue, 3 September 24