30 મેના મોટા સમાચાર: મણિપુર: ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 11:55 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

30 મેના મોટા સમાચાર: મણિપુર: ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજી
Gujarat latest live news and samachar today 30th May 2023

આજે 30 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ આજે જાણો વરસાદ અને હવામાનનો હાલ. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 May 2023 11:54 PM (IST)

    Bharuch: અંકલેશ્વરમાં આંગડિયા સાથે 45 લાખની લૂંટનો કેસ, પેઢીના સંચાલકે જ લૂંટનું રચ્યું હતુ તરકટ

    Bharuch: આરોપી ગમે તેટલો શાતિર હોય પણ તે કાયદાની નજરમાંથી ક્યારેય બચી શકતો નથી. આવી એક ઘટના સામે આવી છે. ભરૂચના અંકલેશ્વરમાં આંગડિયા પેઢીના સંચાલકે 45 લાખની લૂંટનું તરકટ રચ્યું. પરંતુ પોલીસ તપાસમાં આ શાતિર આરોપીની પોલી ખુલી ગઇ. ઘટના એવી હતી કે ગઇકાલે રાત્રે અંકલેશ્વર રોડ પર આંગડિયા પાસેથી 45 લાખની લૂંટ થઇ હોવાની પોલીસને ફરિયાદ મળી. બાઇક પર આવેલા બે બુકાનીધારી શખ્સો ચપ્પુ બતાવી આંગડિયા પેઢીના સંચાલકની આંખોમાં મરચુ નાખી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ આ હકીકત પોલીસ સમક્ષ રજૂ કરી. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

  • 30 May 2023 11:46 PM (IST)

    મણિપુર હિંસા પર અમિત શાહ કડક, કહ્યું- શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે હિંસાગ્રસ્ત મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. આ દરમિયાન, તેમણે સેનાના ટોચના અધિકારીઓને રાજ્યમાં શાંતિ ભંગ કરનારાઓ સાથે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે પ્રથમ પ્રાથમિકતા મણિપુરમાં શાંતિ સ્થાપવાની છે. ઇમ્ફાલમાં શાહની આ બેઠકમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે મણિપુર પોલીસ, CAPF, આર્મીના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

  • 30 May 2023 11:34 PM (IST)

    SCO Summit: 4 જુલાઈએ SCO સમિટનું આયોજન, PM મોદી કરશે અધ્યક્ષતા

    Delhi: ભારત 4 જુલાઈએ SCO સમિટનું (SCO Summit) આયોજન કરશે. આ મીટિંગ વર્ચ્યુઅલી હશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે 22મી SCO સમિટ વર્ચ્યુઅલ રીતે 4 જુલાઈના રોજ યોજાશે, જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જો કે મંત્રાલયે આ પાછળના કારણો આપ્યા નથી. આ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. સોમવારે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, તેણે એ પણ જણાવ્યું કે આ નિર્ણય શા માટે અને કયા કારણોસર લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે SCO સમિટ માટે તમામ સભ્ય દેશો ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

  • 30 May 2023 11:16 PM (IST)

    ખેડામાં વિનાશક વાવાઝોડામાં ખેતીને ભારે નુકસાન, 300 વીઘામાં કેળનો ઉભો પાક વિનાશક વાવાઝોડામાં ઢળી પડ્યો

    Kheda: છેલ્લા ઘણા સમયથી કુદરત જાણે કે ખેડૂતોથી રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. પહેલા અતિભારે વરસાદ, વાવાઝોડુ, કમોસમી વરસાદ અને હવે ફરી એકવાર વિનાશક વાવાઝોડાની સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. હાલમાં આવેલા વિનાશક વાવાઝોડામાં ખેડા જિલ્લાના ખેડૂતો બરબાદ થઈ ગયા છે. ખેડા જિલ્લાના છેવાડા ગામો એવા રઢુ, વારસંગ, મહેલજ સહિતના ગામોમાં વિનાશક વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે.

    ખેડા જિલ્લાના છેવાડાના ગામો મુખ્યત્વે કેળની ખેતી સાથે સંકળાયેલા છે. કેળની ખેતીમાં પ્રતિ વીઘે અંદાજિત 50 હજારની આસપાસ ખર્ચ થાય છે. ખેડૂતોનો કેળનો ઉભો પાક તૈયાર હતો, ત્યાં જ આ વિનાશક વાવાઝોડુ ત્રાટક્યું અને ખેડૂતોની આશા અને ઉભા પાક પર પાણી ફરી વળ્યું. ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો કેળનો ઉભો પાક ઝડપી પવન ફૂંકાતા ઢળી પડ્યો. એક અંદાજ મુજબ આશરે 300 વીઘામાં કેળનો ઉભો પાક વિનાશક વાવાઝોડામાં ઢળી પડ્યો છે. કેળની સાથે સાથે બાજરીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. હાલ તો વિનાશક વાવાઝોડા સામે લાચાર બનેલા અને આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા ખેડૂતો સરકાર સમક્ષ વળતરની માગ કરી રહ્યા છે.

  • 30 May 2023 10:51 PM (IST)

    બાબા બાગેશ્વરના હિંદુ રાષ્ટ્ર બનાવવાના નિવેદન અંગે બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહાએ આપી આ પ્રતિક્રિયા

    અમદાવાદમાં વટવામાં બાગેશ્વધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો છે. બાબા આજકાલ તેમના દરેક દરબારમાં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે બાબાના આ નિવેદન પર શું કહેવુ છે. બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહા પહોંચ્યા હતા. તેમણે બાબાના હિંદુ રાષ્ટ્ર બનાવવાના નિવેદન અંગે જણાવ્યુ કે ભાજપના સતત પ્રયત્નથી લોકો આ વાત કરતા થયા છે કે હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે. ભાજપે RSSના વિચારસરણી સાથે વણાયેલી પાર્ટી છે. જેની શરૂઆતથી જ જ્યારે ભારત પાકિસ્તાન અલગ થયુ ત્યારે જ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે તેવી ઈચ્છા હતી. ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યુ ન હતુ.

  • 30 May 2023 10:19 PM (IST)

    Wrestlers Protest At India Gate: ઈન્ડિયા ગેટ પર કુસ્તીબાજોની ‘નો એન્ટ્રી’, દિલ્હી પોલીસે તેમને ઉપવાસ કરતા રોક્યા

    Wrestlers India Gate Protests: WFI પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોનું પ્રદર્શન એક મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. મંગળવારે આ કુસ્તીબાજો હરિદ્વારમાં પોતાના મેડલનો ગંગા નદીમાં પધરાવવા ગયા હતા. પરંતુ ખેડૂત નેતા નરેશ ટિકૈતે તેમને આમ કરતા રોક્યા હતા. આ પછી, કુસ્તીબાજો તરફથી કહેવામાં આવ્યું કે તેઓ દિલ્હીના ઈન્ડિયા ગેટ પર ભૂખ હડતાળ કરશે.

    પરંતુ દિલ્હી પોલીસે આમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. દિલ્હી પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ઈન્ડિયા ગેટ કોઈ વિરોધ સ્થળ નથી. અમે કુસ્તીબાજોને અહીં કોઈપણ બાજુથી કોઈપણ પ્રકારનું પ્રદર્શન કે ઉપવાસ કરવાની મંજૂરી આપીશું નહીં. દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર સુમન નલવાએ કહ્યું કે જો તેઓ અન્ય કોઈ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવા ઈચ્છે છે તો તેમણે તેના માટે પરવાનગી લેવી પડશે.

  • 30 May 2023 09:37 PM (IST)

    Ahmedabad: ટેક્સ રિકવરી માટે ટેલિકોમ કંપનીઓની સામે કડક કાર્યવાહી કરવા AMCની તૈયારી, 2000ની નોટથી ભરી શકશે એડવાન્સ ટેક્સ

    Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેક્સ રિકવરી કરવા માટે ટેલિકોમ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. હવે AMC 2000ની નોટથી પણ એડવાન્સ ટેક્સ સ્વીકારશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દ્વારા તા.14.02.23 થી તા. 30.04.23 સુધી 100 % વ્યાજ માફીની “One Time Settlement” યોજના અમલમાં હતી. આ યોજનાનો કરદાતાઓએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. આ સમયગાળા દરમિયાન અંદાજીત રૂ. 700 કરોડથી વધુ વસૂલાત કરાઈ છે. આમ, ટેક્સની આવકમાં વિક્રમજનક વધારો નોંધાયેલ છે. તા.18.04.23 થી એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને 12% થી 15% સુધીનું રીબેટ આપવામાં આવે છે. જેનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધી સમગ્ર શહેરના 37% જેટલા કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે. વધુ વાંચો

  • 30 May 2023 08:35 PM (IST)

    જામનગરના બેડી વિસ્તારમાં નળમાં ગટર જેવી દુર્ગંધ મારતું આવે છે પાણી

    Jamnagar: સરકારની યોજના છે કે દરેક ઘરમાં નળ પહોંચે પરંતુ પરિસ્થિતિ એવી છે કે ઘરોમાં નળ તો છે પરંતુ આ નળમાં નથી આવતું જળ. આવી સ્થિતિ જામનગરના બેડી વિસ્તારની છે. જ્યાં પીવાના પાણી માટે મહિલાઓને દરરોજ સવારે પગપાળા યાત્રા કરવાનો વારો આવે છે. પાણી માટે મહિલાઓને રીતસર જહેમત ઉઠાવવી પડી છે. આ સ્થિતિ આજકાલની નહીં પરંતુ પાછલા કેટલાય સમયથી બેડી વિસ્તારમાં પાણીનો સૌથી વિકટ પ્રશ્ન સર્જાયો છે. કેટલાક ઘરમાં નળ છે પરંતુ તેમાં જળ આવતું નથી.

    કેટલાક ઘરોમાં ગટરનું દુર્ગંધ મારતુ પાણી મહિલાઓની મુશ્કેલી વધારી રહ્યું છે. મહિલાઓની ફરિયાદ છે કે અનેકવાર રજૂઆત કરી હોવાછતાં પીવાના પાણીની સુવિધા આપવામાં તંત્ર નપાણીયુ સાબિત થયું છે. સ્થાનિક કાઉન્સિલર પણ સમગ્ર મુદ્દે દોષનો ટોપલો અધિકારીઓ અને શાસકો પર ઢોળી રહ્યાછે. કોર્પોરેટરનો દાવો છે કે 2 વર્ષથી પાણીનો પ્રશ્ન છે, પરંતુ શાસકો પાણીના પ્રશ્નના ઉકેલમાં નિષ્ફળ રહ્યા છે.

  • 30 May 2023 08:05 PM (IST)

    Gujarat News Live: હવામાન વિભાગે કરી આગાહી, આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં પડશે વરસાદ

    હવામાન વિભાગે આગાહી કરી છે કે, સાંજે સાત વાગ્યાથી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે આગામી 3 કલાકમાં અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં વરસાદની કરી આગાહી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સાથોસાથ 40 km ની ઝડપે પવન ફુંકાવાની આગાહી પણ કરવામાં આવી છે.

  • 30 May 2023 07:38 PM (IST)

    Gujarat News Live: કોસ્ટગાર્ડે મધદરિયે ફસાયેલા 9 માછીમારોને કર્યા રેસ્ક્યુ

    માંગરોળથી 120 કિમી દૂર અરબી સમુદ્રમાં માછીમારો બોટ બંધ પડવાને કારણે ફસાઈ ગયા હતા. માછીમારો મધદરિયે ફસાયા હોવાની જાણ થતા, ગુજરાત કોસ્ટગાર્ડ, અને ભારતીય નૌકાદળે બચાવ કામગીરી હાથ ધરી હતી. રોશના નામની ફિશિંગ બોટમાં ફસાયેલા 9 માછીમારોને, ગુજરાત કોસ્ટ ગાર્ડના ICGS શૂર જહાજની મદદથી કરાયુ બચાવી લેવાયા હતા. તમામ માછીમારોને પોરબંદર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા.

  • 30 May 2023 07:19 PM (IST)

    Gujarat News Live: બનાસકાંઠાના અમીરગઢના 41 ગામમાં બે દિવસથી વીજળી ગુલ, તોફાની પવનને કારણે વીજપોલ પડી ગયા

    બનાસકાંઠામાં ફુંકાયેલા ભારે તોફાની પવનને કારણે, અમીરગઢના 41 ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે. તોફાની પવનને કારણે 86થી વધુ વીજપોલ તુટી ગયા હતા. જેના કારણે 41 ગામમાં અંધારપટ છવાયો છે. UGVCLની અનેક ટિમો સમારકામમાં લાગી ગઈ છે. જો કે બે દિવસથી 41 ગામમાં વીજળી ના હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

  • 30 May 2023 07:14 PM (IST)

    Gujarat News Live: ગુજરાતના કૃષિ વિભાગે, ઘઉં, ચણા, રાઈ, શેરડીના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને ભલામણ અર્થે મોકલાશે

    કૃષિપ્રધાન રાધવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ કૃષિ વિભાગની બેઠકમાં રવિ પાકના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. સરકારે નક્કી કરેલ રવિપાકના ભાવ, કેન્દ્ર સરકારને ભલામણ અર્થે મોકલવામાં આવશે. ઘઉં, ચણા, રાઈ અને શેરડી જેવા રવિ પાકોના ભાવો નક્કી કરાયા છે. જેમાં ઘઉં 3850, ચણા 6710, રાઈ 6820 અને શેરડી 550 પ્રતિ મણ ભાવોની ભલામણ નક્કી કરવામાં આવી છે.

  • 30 May 2023 06:53 PM (IST)

    Gujarat News Live: બેસ્ટ બેકરી કેસનો આવતીકાલે આવી શકે છે ચુકાદો

    મુંબઈ સેશન્સ કોર્ટ આવતીકાલે ચુકાદો સંભળાવી શકે છે. 2002માં ગોધરાકાંડ પછી ગુજરાતમાં ફાટી નીકળેલી હિંસા દરમિયાન મોટા કેસોમાંનો એક કેસ વડોદરાનો બેસ્ટ બેકરી હત્યાકાંડનો હતો. આ ઘટનામાં ટોળા દ્વારા 14 લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બે ભાગેડુ આરોપીઓ સામેનો કેસ તાજેતરમાં બોમ્બે સેશન્સ કોર્ટની વિશેષ અદાલતમાં પૂર્ણ થયો છે. કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

  • 30 May 2023 06:40 PM (IST)

    Gujarat News Live: લોભ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાના આરોપમાં છત્તીસગઢના એક પાદરીની મધ્યપ્રદેશ પોલીસે કરી ધરપકડ

    પોલીસે મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં ધર્મ પરિવર્તનના આરોપમાં છત્તીસગઢના એક પાદરીની ધરપકડ કરી છે. શાહડોલના પોલીસ અધિક્ષક કુમાર પ્રતીકે પીટીઆઈને જણાવ્યું કે, જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નાગપુરા ગામના ડોંગરી ટોલાના રહેવાસી રોદલ સિંહ (35)એ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે 28 મેના રોજ ઈન્દરપાલના ઘરે ગ્રામ પંચાયત નાગપુરામાં સિંહ ગોડે. ત્યાં ઉપસ્થિત પાદરી શંકરસિંહ શ્યામ અને અન્યોએ ગ્રામજનોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રેરિત કર્યા હતા.

    તેમણે કહ્યું કે ફરિયાદ મુજબ, આ લોકો આર્થિક સહાય, શિક્ષણ, સ્વાસ્થ્ય લાભો, રોજગાર વગેરે આપવાના વચન સાથે ખ્રિસ્તી સાહિત્યના પુસ્તકો અને બાઇબલનું વિતરણ કરતા હતા. પોલીસ અધિક્ષકે કહ્યું કે અરજદારની ફરિયાદ પર, પાદરી શંકર સિંહ શ્યામ અને ઈન્દ્રપાલ સિંહ, છત્તીસગઢના માલકાડોલના રહેવાસીઓ વિરુદ્ધ મધ્ય પ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

  • 30 May 2023 06:10 PM (IST)

    Gujarat News Live: ખેડૂતોના પ્રશ્ને ભારતીય કિસાન સંઘ, સરકાર સાથે યોજશે બેઠક

    ભારતીય કિસાન સંધ, ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓને લઈને ગુજરાત સરકાર સાથે બેઠક યોજશે. કૃષિપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં, રવિ સીઝનના પાકો માટે ટેકાના ભાવની ચર્ચા કરાશે. ટેકાના ભાવો નક્કી કરી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારને ભલામણ કરશે.

  • 30 May 2023 06:07 PM (IST)

    Gujarat News Live: અમદાવાદમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની જગ્યા શ્રદ્ધાળુઓથી થઈ છલોછલ

    અમદાવાદના વટવામાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. આ દિવ્ય દરબારમાં ભાગ લેવા માટે મોટી સંખ્યમાં ભક્તો પહોચ્યા છે. વટવાના શ્રીરામ મેદાન સામેના રોડ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. અમદાવાદમાં સતત બે દિવસ સુધી વરસેલા કમોસમી વરસાદને પગલે, બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર મોકૂક રહ્યો હતો. બે દિવસ બાદ, વટવામાં યોજાઈ રહેલા દિવ્ય દરબારમાં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે.

  • 30 May 2023 05:06 PM (IST)

    Gujarat News Live: મુંબઈના થાણે, ભિવંડીના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન સાથે વરસ્યો વરસાદ

    મુંબઈને અડીને આવેલા થાણે, ભિવંડીનો ગ્રામીણ વિસ્તાર પડઘા બોરીવલીમાં ભારે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો છે. ફુંકાયેલા ઝડપી પવનને કારણે અનેક ઘરોના પતરા ઉડી ગયા છે. આ જ પડગા બોરીવલી વિસ્તારમાં અનેક વીજ થાંભલાઓ પણ નમી ગયા હતા. રોડ પર ઉભી રહેલી ઓટો રીક્ષા પણ પલટી ગઈ છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ઘણું નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.

  • 30 May 2023 05:01 PM (IST)

    Gujarat News Live: મધ્યપ્રદેશના રાજ્ય મંત્રી ઓપીએસ ભદૌરિયા રોડ અકસ્માતમાં ઘાયલ

    મધ્યપ્રદેશના ભિંડમાં શહેરી વિકાસ અને આવાસ રાજ્ય મંત્રી ઓપીએસ ભદૌરિયા રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. OPS ભદોરિયાની કારનો અકસ્માત ગ્વાલિયર-ઈટાવા હાઈવેના માલનપુર પાસે થયો હતો. ભદૌરિયાની કાર ટ્રેક્ટર સાથે અથડાતાં આ અકસ્માત થયો હતો.

  • 30 May 2023 04:00 PM (IST)

    Gujarat News Live: અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ક્યાંક પડ્યા કરા

    જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મંગળવારે કમોસમી વરસાદ વરસ્યો છે. સમગ્ર અમરેલી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જાફરાબાદના લોર, પાટી માણસામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લામા વરસાદી માહોલ છવાયો છે.

  • 30 May 2023 03:55 PM (IST)

    પદથી મને કોઈ ફરક નથી પડતો, સાથે મળીને ચૂંટણી લડીશું: અશોક ગેહલોત

    દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કર્યા બાદ અશોક ગેહલોતે હવે કહ્યું છે કે આ પદથી તેમને કોઈ ફરક નથી પડતો. ગેહલોતે કહ્યું કે તેઓ રાજસ્થાનમાં સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. દિલ્હીમાં સોમવારે અધ્યક્ષ ખડગેએ સચિન પાયલટ અને અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ પછી ખબર પડી કે બંને નેતાઓ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને રાજસ્થાન કોંગ્રેસમાં બધું બરાબર છે.

  • 30 May 2023 03:48 PM (IST)

    બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનના કારણે મંડપ ઉડ્યો, મહેમાનોએ મંડપને પકડી રાખ્યો

    આજે પણ બનાસકાંઠાના (Banaskantha) વાવ પંથકમાં ફરીથી વરસાદ વરસ્યો છે. કુંડાળીયા, રાધા નેસડા, માવસરી સહિતનાં ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સરહદી વિસ્તારમાં બીજા દિવસે કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પવન અને વરસાદના (Rain) કારણે લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમ રાખનારને ભારે નુકસાન પહોંચ્યુ છે. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાના માલોતરા ગામે મામેરા પ્રસંગે બંધાવેલો મંડપ ઉડ્યો હતો. મહેમાનોએ મંડપને પકડી રાખવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે.

  • 30 May 2023 03:16 PM (IST)

    ભારે પવન ફૂંકાતા મહેસાણા જિલ્લામાં વીજપોલ ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીમાં

    મહેસાણા (Mehsana) જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા. ભારે પવનના કારણે રસ્તા પર ધૂળની ડમરી ઉડતા પણ જોવા મળી. ભારે પવન ફૂંકાતા મહેસાણા જિલ્લામાં વીજપોલ ધરાશાયી થયો છે. વિઠ્ઠલપાર્ક સોસાયટી નજીક વીજ થાંભલો (electricity pole) ધરાશાયી થયો છે. વીજ (electricity) પુરવઠો ખોરવાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ વીજ પ્રવાહે થાંભલો ધરાશાયી થતાં વીજ કંપનીને જાણ કરવામાં આવી છે. તો વીજ કંપનીએ પ્રવાહ બંધ કરી સમારકામ શરૂ કર્યું છે.

  • 30 May 2023 02:55 PM (IST)

    સાક્ષી હત્યા કેસ: કેજરીવાલ સરકાર પીડિતાના પરિવારને 10 લાખ આપશે

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે દિલ્હી સરકાર સાક્ષીના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય આપશે. આ સાથે જ કોર્ટ ગુનેગારને કડકમાં કડક સજા કરે તેવો પ્રયાસ કરશે.

  • 30 May 2023 02:41 PM (IST)

    Surat : નવી સિવિલમાં ડીઈઆઇસી સેન્ટરમાં દિવ્યાંગ બાળકો માટે બનાવવામાં આવ્યું કૃત્રિમ ગાર્ડન

    સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક દિવ્યાંગ અને શારીરિક રીતે નબળા બાળકો માટે ડીઇઆઇસી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. જે હાલ પણ કાર્યરત છે. આ કેન્દ્રમાં ખાસ કરીને સાઉથ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી પણ માનસિક વિકલાંગ બાળકો સારવાર માટે આવતા હોય છે. આવા બાળકોમાં માનસિક રીતે બદલાવ આવે અને સેન્સર ડેવલપમેન્ટ થાય તે માટે પ્રથમ વખત એક કુત્રિમ ગાર્ડન બનાવવામાં આવ્યો છે.

  • 30 May 2023 02:24 PM (IST)

    કચ્છના અંજાર માર્કેટ યાર્ડમાં વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન, કેરીના અનેક બોક્સ પલળી ગયા

    સોમવારે કચ્છ (Kutch) જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. જો કે અંજાર માર્કેટ યાર્ડમાં વરસાદથી કેરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. વરસાદના કારણે યાર્ડમાં પડેલી કેરીના  (Mango) અનેક બોકસ પલળી ગયા છે. કેરીના સંખ્યાબંધ બોકસ પલળી જતા નુકસાન થયુ છે.

    કચ્છ જિલ્લામાં ગાંધીધામ, કંડલા, ભૂજમાં સોમવારે ભારે વરસાદ વરસ્યો હતો. ભૂજના વેકરિયા રણ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તો મોખાણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે કચ્છમાં ત્રણ દિવસ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે અનુસાર વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જો કે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન પણ થઇ રહ્યુ છે.

  • 30 May 2023 01:27 PM (IST)

    ગુજરાતમાંથી 1 કરોડની કિંમતનો 4,433 કિલો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો

    ગુજરાતમાંથી 1 કરોડની કિંમતનો 4,433 કિલો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો છે.સેન્ટ્રલ બ્યુરો ઑફ નાર્કોટિક્સ (CBN) મધ્યપ્રદેશ એકમે ગુજરાતમાં મહેસાણા ટોલ પ્લાઝા ખાતે કન્ટેનર ટ્રકમાં બિસ્કિટ બ્રાન્ડના બોક્સ પાછળ છુપાવેલી 206 પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરાયેલ 4,433.45 કિલો પોશના ડોડાનો જથ્થો જપ્ત કર્યો છે.

  • 30 May 2023 01:23 PM (IST)

    વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીની ધરપકડ

    વલસાડ જિલ્લાના વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલાયો છે. વલસાડ જિલ્લા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. બે પરિવાર વચ્ચે અગાઉ થયેલી બબાલના બદલામાં હત્યા થઈ હતી. શરદ પટેલ ઉર્ફે સદીયા સહિતના આરોપીઓએ શાર્પ શૂટરોને સોપારી આપી હતી.

  • 30 May 2023 11:43 AM (IST)

    રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, બે દિવસમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 5 લોકોના મોત

    Gujarat Rain : ચોમાસા પહેલા વરસેલા વરસાદે રાજ્યભરમાં ભારે તારાજી સર્જી છે. વરસાદરૂપી આફતમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. છેલ્લા 2 દિવસમાં તૂટી પડેલા વરસાદ અને મિની વાવાઝોડામાં 5 લોકોનાં મોત થયા છે. જ્યારે 7 વ્યક્તિને ઈજા થઈ છે. રવિવારની મધરાતે સંખેડા તાલુકામાં વીજળી પડતા બે લોકોનાં મોત થયા હતા.

    પાલનપુરમાં દીવાલ તૂટી પડતા યુવકનું મોત થયુ હતુ. જ્યારે પતરુ વાગતા 7 લોકોને ઈજા થઈ હતી. બાબરામાં પણ વીજળી પડતા યુવાનનું મોત થયુ હતુ. અમદાવાદના વાડજમાં છાપરાવાળા મકાન પર વૃક્ષ તૂટી પડતા એક વ્યક્તિનું મોત થયુ હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. શહેરમાં 15થી વધુ સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા. જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

  • 30 May 2023 11:38 AM (IST)

    Breaking News : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બુધવારે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે

    Gandhinagar : ગુજરાત( Gujarat)  બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(Std 12 Result)  પરિણામ બુધવારે સવારે 8 વાગ્યે જાહેર થશે. આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે.ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

    ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66 ટકા આવ્યું હતુ

    થોડા સમય પહેલા ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતુ. ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે પરિણામ ઓછુ આવ્યુ છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66% આવ્યુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું 66.32 ટકા અને નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 64.32 ટકા આવ્યુ છે.આ વર્ષે 83.22 % સાથે મોરબી પ્રથમ સ્થાને આવ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22 % સાથે છેલ્લા ક્રમે આવ્યુ છે

  • 30 May 2023 10:19 AM (IST)

    મણિપુર: અમિત શાહ મહિલા પ્રતિનિધિમંડળને મળ્યા

    ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે છે. તેઓ ઇમ્ફાલમાં મહિલાઓને મળ્યા છે.

  • 30 May 2023 09:57 AM (IST)

    ધંધુકા બરવાળા રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના મોત

    અમદાવાદ જિલ્લાના ધંધુકા બરવાળા રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતથતાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

  • 30 May 2023 09:19 AM (IST)

    ગાંધીનગર CBIએ રિવર રેસ્ક્યૂ ટીમને આપ્યો એવોર્ડ, આરોપીના પુરાવા ધરાવતો મોબાઇલ સાબરમતીમાંથી શોધી આપ્યો હતો

    ગાંધીનગર (Gandhinagar) CBIએ રિવર રેસ્ક્યૂ ટીમને એવોર્ડ આપ્યો છે. રિવર રેસ્ક્યૂ ટીમમાં ફાયરમેન ભરત માંગેલાને એચિવમેન્ટ એવોર્ડ આપી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. CBIના કેસમાં સાબરમતી નદીમાંથી મોબાઈલ શોધવાની કામગીરી બદલ આ સન્માન આપવામાં આવ્યુ છે. ફાયરમેન ભરત માંગેલાએ અશક્ય પુરાવા એકઠા કરી આપ્યા હતા.

    કયા કેસમાં આપવામાં આવ્યુ સન્માન ?

    CBI એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એક કેસની તપાસ કરી રહ્યુ હતુ. આ તપાસમાં અમદાવાદના આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનરની ધરપકડ કરી છે. ત્યારે CBIએ 12 ઓક્ટોબર 2022ના રોજ 30 લાખની લાંચ કેસમાં ગુજરાત સરકાર અને ભારત સરકારની સૂચનાના આધારે અમદાવાદના આવકવેરા વિભાગના અધિક કમિશનર સામે કેસ નોંધ્યો હતો.

  • 30 May 2023 09:05 AM (IST)

    પહેલા હથિયારો લૂંટ્યા, પછી હુમલાનું આયોજન, મણિપુરમાં સેના સામે નવો પડકાર

    Manipur: હજુ સુધી મણિપુરની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) ઇમ્ફાલ પહોંચવાના એક દિવસ પહેલા રવિવારે સેનાના જવાનોએ આતંકવાદીઓની મોટી યોજનાને નિષ્ફળ બનાવી હતી. રવિવારે સાંજે ચેકિંગ દરમિયાન જવાનોએ એક વાહનમાંથી ઇન્સાસ રાઇફલ ઉપરાંત મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે.

  • 30 May 2023 08:20 AM (IST)

    આજે સાંજે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ અમદાવાદના વટવા ખાતે યોજાશે

    Ahmedabad : અમદાવાદના વટવામાં આજે બાબા બાગેશ્વરનો પ્રથમ દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. વટવાના શ્રીરામ મેદાનમાં સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન બાબાના દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા ઓગણજમાં બાબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદને કારણે ઓગણજમાં કાર્યક્રમ યોજવો શક્ય બને તેમ ન હોવાથી હવે વટવામાં બાબા દરબાર ભરાવવામાં આવશે.

    શિવકૃપા મિત્ર મંડળ દ્વારા બાબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગત રાત્રે બાબા બાગેશ્વર ચાણક્યપુરી પહોંચ્યા અને ઉપસ્થિત ભક્તો સમક્ષ પ્રવચન આપ્યું હતુ. ચાણક્યપુરીમાં બાબાના આગમન પહેલા ભક્તો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે બાબાએ ભક્તોને સંયમ જાળવવા તેમજ વહીવટીતંત્રને સહાયરૂપ બનવા અપીલ કરી હતી.

  • 30 May 2023 08:17 AM (IST)

    અમરેલીના વડીયામાં ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

    Amreli  :અમરેલીના(Amreli)  વડીયામાં કાળા ડીબાંગ વાદળો સાથે ભારે પવન ફુંકાવાની શરૂઆત થઈ હતી. જેમાં શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ(Rain)  પડતા  વીજળી ગુલ થઇ હતી. આ ઉપરાંત વડીયામાં ભારે પવન ફૂંકાતા મંદિરના પૂજારીના મકાનના પતરા ઉડયા હતા. GEB નજીક રહેતા પૂજારીના ઘરના પતરા ઉડી ગયા હતા. જો કે ઘરમાં કોઈ ના હોવાથી જાનહાનિ ટળી હતી.

  • 30 May 2023 08:09 AM (IST)

    મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત બાદ ગેહલોત અને પાયલોટનું સમાધાન, બંને એકસાથે લડશે વિધાનસભા ચૂંટણી !

    જયપુરઃ રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે. તે જ સમયે, પ્રદેશ કોંગ્રેસમાં ખેંચતાણના સમાચાર સતત સામે આવી રહ્યા છે. આ અંગે બેઠકોનો દોર શરૂ થયો છે. સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષના નિવાસસ્થાને સીએમ અશોક ગેહલોત, રાહુલ ગાંધી અને ખડગે વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સચિન પાયલટે પણ ભાગ લીધો હતો. 4 કલાક સુધી ચાલેલી બેઠક બાદ સચિન પાયલટ અને સીએમ અશોક ગેહલોત વચ્ચે સમાધાન થયું હતું. રાજસ્થાનના બંને ટોચના નેતાઓ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે.

  • 30 May 2023 07:47 AM (IST)

    આજે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે, તો કેટલાક જિલ્લાઓમાં ગરમી રહેશે યથાવત

    હવામાન વિભાગની આગાહી (Meteorological Department) અનુસાર છેલ્લા બે – ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલી, વલસાડ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. તો કેટલાક જિલ્લાઓમાં ઉકળાટ સાથે ગરમી પડશે.

    આજે અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 46% રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 45% રહેશે.

  • 30 May 2023 07:46 AM (IST)

    રાજકોટના ગોંડલ પંથકમાં ભારે પવન અને કરા સાથે વરસાદ

    Rajkot : રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ગોંડલ પંથકમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના અનેક ગામમાં ભર ઉનાળે 2 થી 3 ઈંચ વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યુ છે. કોલીથડ, હડમતાળા, પડવલા, નાગડકા, પાટીયાળી,પાંચીયાવદર, ભૂણાવા, બાદરા ગામમાં 2થી 3 ઈંચ વરસાદ વરસ્યો છે.

    ગોંડલ પંથકની પડવલાની છાપરવડી નદીમાં વરસાદના કારણે પૂર આવ્યુ હોવાનું પણ સામે આવી રહ્યુ છે. ગોંડલ પંથકમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.

  • 30 May 2023 07:26 AM (IST)

    જમ્મુ-શ્રીનગર હાઈવે પર મોટો માર્ગ અકસ્માત, બસ ખાડીમાં પડી, 10ના મોત, 20 ઘાયલ

    જમ્મુ-શ્રીનગર હાઈવે પર મોટો માર્ગ અકસ્માત, બસ ખાડીમાં પડી, 10ના મોત, 20 ઘાયલ હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનાની જાણ થયા બાદ તંત્ર દ્વારા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

  • 30 May 2023 06:50 AM (IST)

    IPLની ફાઈનલ મેચ દરમ્યાન ઘર્ષણની ઘટના, પોલીસે કર્યો હતો હળવો લાઠીચાર્જ

    Ahmedabad : અમદાવાદમાં  (Ahmedabad) આઇપીએલની(IPL) ફાઈનલ મેચ દરમ્યાન ઘર્ષણની ઘટના બની હતી. જેમાં પોલીસ  અને પ્રેક્ષક વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેના પગલે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. જેમાં સ્ટેડિયમની અંદર જવા મામલે ઘર્ષણ થયું હતું. સ્ટેડિયમ બહાર વધુ ભીડ એકત્ર થતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી.

  • 30 May 2023 06:42 AM (IST)

    ભરૂચના અંકલેશ્વર રોડ ઉપર આંગડિયા પાસે લૂંટની ઘટના સામે આવી, ચપ્પુ બતાવી 45 લાખની ચલાવી લૂંટ

    ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગમાં ભરૂચની આંગડિયા પેઢીમાંથી 45 લાખ રૂપિયા લઇને જઈ રહેલા વ્યક્તિને ચાર લૂંટારુંઓએ આંતરીને ચપ્પુ બતાવી 45 લાખની લૂંટ ચલાવી છે. આંખમાં મરચાની ભૂકી નાખી પૈસા ભરેલી બેગ લઈને ત્યાથી પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને થતાં અંકલેશ્વર Dy.SP સહિતના LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.

    ભરૂચના ચકલા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાંથી ભરત મણિલાલ નામનો વ્યક્તિ એક્ટિવા લઈને 45 લાખ રૂપિયા લઇને જઈ રહ્યો હતો. ટુવ્હિલરની ડીકીમાં નાણાં મૂકીને અંકલેશ્વર તરફ જવા માટે ભોગ બનનાર નીકળ્યો હતો. જે સમયે તેમની પાછળ બે બાઈક સવાર  ચાર જેટલા ઈસમોએ તેમને આંતરીને ચપ્પુ બતાવી રોકી આંખોમાં મરચાની ભુક્કી નાખીને ડીકીમાં મુકેલા રૂપિયા 45 લાખની લૂંટ ચલાવીને પાલયન થઈ ગયા હતાં. આ બનાવની જાણ પોલીસ મથકે કરવામાં આવતા અંકલેશ્વર Dy.SP ચિરાગ દેસાઈ સહિત LCB, SOG અને શહેર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો.

  • 30 May 2023 06:40 AM (IST)

    શિક્ષકે વિદ્યાર્થિનીઓને સ્કૂલમાં નમાઝની પ્રેક્ટિસ કરાવી, પ્રિન્સિપાલે કહ્યું- આ નાટકનું રિહર્સલ હતું

    ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલીક વિદ્યાર્થિનીઓ ક્લાસની અંદર નમાજની મુદ્રામાં જોઈ શકાય છે. વીડિયોમાં એક શિક્ષિકા પણ દેખાઈ રહી છે, જેની સામે આ બધું થઈ રહ્યું છે.

    હિન્દુ સંગઠનોએ આ વીડિયો પર કાર્યવાહીની માંગ કરી છે. શાળા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં તેને ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં એક નાટકની પ્રેક્ટિસનો ભાગ ગણાવવામાં આવ્યો હતો. હાલમાં તપાસના આધારે બાગપત પોલીસે ટ્વીટ કર્યું છે કે શાળામાં નમાઝ પઢવામાં આવી રહી છે તેવી વાત સાચી નથી, પરંતુ તે એક નાટકનો ભાગ હતો, જેને કોઈએ રેકોર્ડ કરીને વાયરલ કરી દીધો હતો.

  • 30 May 2023 06:40 AM (IST)

    તોફાની વરસાદમાં બહુચરાજી CHCને ભારે નુકસાન, કેમ્પસમાં અનેક વૃક્ષો ધરાશાયી

    મહેસાણામાં રવિવારે આવેલા વિનાશક વરસાદમાં બહુચરાજી CHCમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા CHC કેમ્પસમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષો ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે. જનરેટર પર વૃક્ષ પડતા ભારે નુકસાન પહોંચ્યુ છે. તથા CHC કેમ્પસમાં આવેલા શેડને પણ ભારે નુકસાન થયુ છે.

    યાત્રાધામ બહુચરાજીમાં પ્રથમ વરસાદમાં જ રેલવે વિભાગની પણ પોલ ખુલ્લી પડી છે. રેલવે વિભાગની બેદરકારીને કારણે લોકો ટ્રેનના ડબ્બાની નીચેથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યાં છે. બહુચરાજીમાં રેલવે અંડરપાસ તો બનાવવામાં આવ્યો છે. પરંતુ લોકોની અવરજવર માટે પગદંડી બનાવવામાં આવી નથી.જેને કારણે લોકો ટ્રેનના ડબ્બાની નીચેથી જીવના જોખમે નીકળવા મજબૂર બન્યાં છે. નાના બાળકોથી લઈ વૃદ્ધો ઉભી રહેલી ટ્રેનના ડબ્બા નીચેથી પસાર થઇ રહ્યાં છે. અંડરપાસમાં પાણી ભરાવાના કારણે લોકો પાટા પર ઉભેલી ટ્રેન નીચેની પસાર થઇ રહ્યાં છે.

  • 30 May 2023 06:39 AM (IST)

    ફાઈનલ મોડી શરુ થવાને લઈ હરભજન સિંહને ગુસ્સો આવ્યો કે આક્ષેપ કર્યો? પૂછ્યૂ-કેમ તૈયાર નહોતા

    IPL 2023 Final અગાઉથી જારી થયેલા શેડ્યૂલ મુજબ 28 મેને રવિવારના રોજ રમાનારી હતી. પરંતુ રવિવારે ટોસ થવા અગાઉ જ અમદાવાદનુ વાતાવરણ પલટાયુ હતુ અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદની આવન-જાવનને લઈ મેચ શરુ થઈ શકી નહોતી અને અંતે રવિવારના બદલે રિઝર્વ ડે પર મેચ રમવાનો નિર્ણય જાહેર થયો હતો. પરંતુ સોમવારે રિઝર્વ ડેએ મેચ તો નિર્ધારિત સમયે જ શરુ થઈ હતી, જોકે મેચ ચેન્નાઈની બેટિંગ ઈનીંગની શરુઆત થતા જ અટકી ગઈ હતી. વરસાદ વરસવાને લઈ રમતમાં વિક્ષેપ પડ્યો હતો. મેચ ફરીથી રાત્રીના 12.10 વાગ્યે શરુ થઈ હતી અને ઓવર ઘટાડવામાં આવી હતી.

  • 30 May 2023 06:38 AM (IST)

    અલીગઢમાં ક્રિકેટને લઈને બે પક્ષો વચ્ચે ગોળીબાર, ત્રણને ગોળી વાગી

    અલીગઢમાં ક્રિકેટને લઈને બાળકો વચ્ચે શરૂ થયેલો ઝઘડો થોડા જ સમયમાં બંને પક્ષો વચ્ચે મોટા વિવાદમાં ફેરવાઈ ગયો. મામલો એટલો વધી ગયો કે બંને તરફથી ઝડપી ગોળીબાર થયો. આ ઘટનામાં ત્રણ લોકોને ગોળી વાગી છે. ઘટનાની જાણ થતાં પહોંચેલી પોલીસે ઘાયલોને જેએન મેડિકલ કોલેજમાં દાખલ કર્યા છે.

Published On - May 30,2023 6:37 AM

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">