29 મેના મહત્વના સમાચાર : ગીરના સિંહના ટપોટપ થઈ રહેલા મોત અંગે સાંસદ ભરત સુતરીયા PMOમાં કરશે ચર્ચા

આજે 29 મેને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

29 મેના મહત્વના સમાચાર : ગીરના સિંહના ટપોટપ થઈ રહેલા મોત અંગે સાંસદ ભરત સુતરીયા PMOમાં કરશે ચર્ચા
| Edited By: | Updated on: May 29, 2026 | 6:46 PM

LIVE NEWS & UPDATES

  • 29 May 2026 06:46 PM (IST)

    ગીરના સિંહના ટપોટપ થઈ રહેલા મોત અંગે સાંસદ ભરત સુતરીયા PMOમાં કરશે ચર્ચા

    ગીરમા સિંહોના મોતનો મામલે, સાંસદ ભરત સુતરીયાએ, વન પ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને, આગામી સપ્તાહે  PMOમાં કરશે ચર્ચા. સાંસદ ભરત સુતરીયાએ વનપ્રધાન સાથે ટેલિફોનિક વાત કરી.
    સિંહોના ટપોટપ થઈ રહેલા મોત અંગે હાલ શું છે ? કેવી રીતે મોત થાય છે ? સહીત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી છે. સિંહોમા બીમારીના કારણે મોત વધતા સાંસદ ભરત સુતરીયા અને કેન્દ્ર સરકારના વનમંત્રી, PMOમાં કરશે ચર્ચા. 2 દિવસમાં દિલ્હી પહોંચી સાંસદ ભરત સુતરીયા સિંહોના વધતા જતા મોત અંગે રજુઆત કરશે.

  • 29 May 2026 06:08 PM (IST)

    ચોમાસામાં ભરાતા વરસાદી પાણીની ફરિયાદો માટે ઔડા શરુ કરશે કંટ્રોલરૂમ

    ઔડાના ટુંકા નામે ઓળખાતા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ચોમાસામાં ઔડા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની ફરીયાદ કરવા માટે આગામી 1 જૂનથી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. કંટ્રોલ રુમના ટેલિફોનનો નંબર છે, 079-27545051-54 આ કંટ્રોલ રૂમમાં રસ્તા, ડ્રેનેજ કે વરસાદી પાણી ભરાઈ જવા બાબતની ફરીયાદ કરી શકાશે.


  • 29 May 2026 05:33 PM (IST)

    પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને મુંબઈ વચ્ચે બે જોડી વિશેષ ટ્રેન દોડાવશે

    પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી તેમની સુવિધા માટે વિશેષ ભાડા પર મુંબઈ અને અમદાવાદ વચ્ચે બે જોડી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.  ટ્રેન નંબર 09021/09022 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ તરીકે દોડાવામાં આવશે. જ્યારે ટ્રેન નંબર 09044/09043 અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ-વટવા સુપરફાસ્ટ સ્પેશિયલ તરીકે દોડાવવામાં આવશે.

     

  • 29 May 2026 04:42 PM (IST)

    BJP સરકારમાં ખેડૂતો હેરાન પરેશાન, 15 જૂને ટ્રેકટર રેલીથી ગાંધીનગર પહોંચશે ખેડૂતો

    ગુજરાતમાં ભાજપની સરકારમાં ખેડૂતો હેરાન પરેશાન થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસની કિસાન સેલે કર્યો છે. ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ કિસાન કોંગ્રેસ આંદોલન કરશે. 15 જૂને ગાંધીનગરમાં 1111 ટ્રેક્ટરની રેલી સાથે પહોચવાનું એલાન કરાયું છે. આવતીકાલ, 30મી મેના રોજ સુરેન્દ્રનગરમાં ખેડૂતો ટ્રેક્ટર સાથે પહોચી આંદોલનની શરૂઆત કરશે. 12 જૂને અલગ અલગ જિલ્લાના ખેડૂતો અમદાવાદના શાંતિપુરા પાસે પહોંચશે. જમીન માપણી, ટેકાના ભાવ, ખેડૂત દેવા માફી અને મફત વીજળી સહિતના મુદ્દે આંદોલન કરશે ખેડૂતો. કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસ આંદોલન ચલાવશે.

  • 29 May 2026 03:28 PM (IST)

    સિંહોના શંકાસ્પદ મોતની માહિતી કેન્દ્ર સરકારથી છુપાવી હોવાનું સામે આવ્યું, હવે વનતારાના એનિમલ ડોકટરો કરશે બિમાર સિંહની સારવાર

    અમરેલીમાં સિંહોના મોત અંગે સ્થિતિ ગંભીર બની CDV જેવા લક્ષણોની માહિતી કેન્દ્ર સરકાર સુધી પહોચી છે. જામનગર “વનતારા”ના એનિમલ ડોકટરો અને ખાસ નિષ્ણાંતોની ટીમ મોડી રાત સુધીમા જસાધાર એનિમલ કેર સેન્ટર પોંહચશે. જસાધાર એનિમલ કેર સેન્ટમાં સૌથી વધુ સિંહોને ઓબ્ઝર્વેશનમા રાખવામા આવ્યા છે.  સૌથી વધુ સિંહોના શંકાસ્પદ મોત જસાધાર રેન્જ વિસ્તારમાં મૃત્યુ થયા છે. હવે સિંહોને બચાવવા કવાયત સિંહો ઉપર ડોક્ટરો જવાબદાર IFS કક્ષાના અધિકારી ખડેપગે રાખ્યા.  ગીર પચ્છિમ અને ગીર પૂર્વના સિંહોના શંકાસ્પદ મોતની માહિતી શરૂઆતમા છુપાવ્યાની માહિતી કેન્દ્ર સરકાર સુધી પહોચી.

  • 29 May 2026 03:23 PM (IST)

    તથ્ય પટેલના જામીન માટે બોન્ડ સ્વરૂપે 1 કરોડ જમા કરાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

    ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમા સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવનાર આરોપી તથ્ય પટેલને, જામીન બોન્ડ તરીકે ₹.1 કરોડ જમા કરાવવા SC નો આદેશ. 15 દિવસમાં રકમ જમા કરાવવા કોર્ટે આપ્યો નિર્દેશ. અગાઉ સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન કર્યા હતા મંજુર. રાજ્ય સરકારે પણ બોન્ડની રકમ અંગે દર્શાવી સહમતિ. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના થયા હતા મૃત્યુ.

     

     

  • 29 May 2026 02:53 PM (IST)

    રાજકોટ: સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા ભાડામાં 10 ટકા નો વધારો કર્યો

    રાજકોટમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વાલીઓને મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે. સ્કૂલ વાહન એસોસિએશને પેટ્રોલ, ડીઝલ અને CNGના વધતા ભાવોને ધ્યાનમાં રાખી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 10 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ રૂ. 1200થી 1250 સુધી વસૂલાતું માસિક ભાડું હવે વધીને રૂ. 1350થી 1400 સુધી પહોંચી શકે છે. 8 જૂનથી શરૂ થતા નવા સત્ર સાથે જ વધારેલા ભાડાના નિયમો અમલમાં મુકવામાં આવશે. આ નિર્ણય અંગે રાજકોટના સ્કૂલ વાહન એસોસિએશનના હોદ્દેદારો પંચાયત ચોક ખાતે ભેગા થયા હતા. એસોસિએશનના જણાવ્યા મુજબ દરેક વસ્તુના ભાવમાં સતત વધારો થતાં સ્કૂલ વાહન ભાડામાં દર મહિને અંદાજે રૂ. 150નો વધારો કરવો ફરજિયાત બન્યો છે.

  • 29 May 2026 02:50 PM (IST)

    અમદાવાદઃ સુભાષબ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી પુર જોશમાં

    અમદાવાદના સુભાષબ્રિજ પર સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. ક્રેઇનની મદદથી બ્રિજના ભાગો દૂર કરવામાં આવી રહ્યા છે. કામગીરી દરમિયાન સુરક્ષા માટે નદીમાં ખાસ પટ બનાવાયો છે. કામને કારણે રિવરફ્રન્ટનો 500 મીટર વિસ્તાર અને લોઅર પ્રોમીનાડ અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં અંદાજે 9 મહિનાનો સમય લાગી શકે છે.

  • 29 May 2026 02:33 PM (IST)

    અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમકોર્ટમાં કાર્યવાહી

    અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમકોર્ટમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી તથ્ય પટેલની જામીન અરજી મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે તેને 1 કરોડ રૂપિયાનો જામીન બોન્ડ ભરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તથ્ય પટેલને 15 દિવસની અંદર આ રકમ જમા કરાવવા નિર્દેશ આપ્યો છે. નોંધનીય છે કે અગાઉ સુપ્રીમકોર્ટે તથ્ય પટેલના નિયમિત જામીન મંજૂર કર્યા હતા. બોન્ડની રકમ મુદ્દે રાજ્ય સરકારે પણ પોતાની સહમતિ દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ભયાનક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી હતી.

  • 29 May 2026 02:32 PM (IST)

    રાજકોટ: પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ

    રાજકોટ શહેરમાં પતિ દ્વારા પત્નીની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક પતિએ પોતાની પત્નીને હથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હુમલા દરમિયાન મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • 29 May 2026 02:05 PM (IST)

    અમદાવાદ: કુખ્યાત ધમા બારડને હોસ્પિટલમાંથી મળી રજા

    અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે તેનો કબજો મેળવી લીધો છે. ધમા બારડ અને પોલીસ વચ્ચે અગાઉ ઘર્ષણ થયું હતું, જેમાં ઝપાઝપી દરમિયાન તેના પગમાં ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં ધમો સારવાર હેઠળ હતો. ધમા બારડ સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. કૃષ્ણનગર વિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં પણ તે ફરાર હતો. હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા પોલીસે વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.

  • 29 May 2026 01:33 PM (IST)

    અમદાવાદ: રિક્ષા ચાલકોએ રિક્ષા ભાડામાં રાતોરાત કર્યો વધારો

    અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા રેટ રિવિઝન મુદ્દે બેઠક ન બોલાવવામાં આવતા રિક્ષાચાલક એસોસિએશને પોતે જ ભાડા વધારવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. એસોસિએશનના જણાવ્યા મુજબ છેલ્લા ચાર વર્ષથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો અને ચૂંટણી પહેલાં ભાડા વધારાનો નિર્ણય પરિણામ બાદ કરવા મૌખિક મંજૂરી આપવામાં આવી હતી. ચૂંટણી બાદ CNGના ભાવમાં પણ રૂ. 7નો વધારો થયો હોવા છતાં ભાડું યથાવત રાખવામાં આવ્યું હતું. હવે રેટ કમિટીની સત્તાવાર મંજૂરી વગર જ રિક્ષા ભાડામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા દર મુજબ મિનિમમ ભાડું રૂ. 20થી વધારી રૂ. 30 કરવામાં આવ્યું છે, જ્યારે મિનિમમ બાદ પ્રતિ કિલોમીટર રૂ. 5નો વધારો કરવામાં આવ્યો છે. હવે મુસાફરોએ પ્રતિ કિલોમીટર રૂ. 15ના બદલે રૂ. 20 ચૂકવવા પડશે. રિક્ષાચાલકોએ ગ્રાહકોને વધારેલું ભાડું ચૂકવવા અપીલ પણ કરી છે.

  • 29 May 2026 01:07 PM (IST)

    રાજકોટઃ જસદણના નવા બસ સ્ટેન્ડ પાસે યુવકને લાગ્યો વીજ કરંટ

    રાજકોટ જિલ્લાના જસદણમાં નવા બસ સ્ટેન્ડ નજીક વીજ કરંટ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. આનંદનગર વિસ્તારમાં રમેશ ગોહિલ નામનો યુવક અચાનક વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો. દરમિયાન તેને જોરદાર વીજ કરંટ લાગતા યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને બાદમાં યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • 29 May 2026 12:48 PM (IST)

    અમદાવાદ: કોફીમાંથી જીવાત મળવાનાં મામલે કાર્યવાહી

    અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી મોકા કેફેમાં કોફી અને ખાદ્ય પદાર્થોમાંથી મરેલી જીવાત મળતાં ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. તપાસ દરમિયાન કેફે દ્વારા નિયમિત પેસ્ટ કન્ટ્રોલ પણ ન કરાતું હોવાનું સામે આવ્યું હતું, સાથે જ ફૂડ સેફ્ટીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનો ખુલાસો થયો છે. AMCની ટીમે કેફેને સીલ કરવાની કાર્યવાહી તો કરી, પરંતુ લોકોમાં એવી લાગણી છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર રેસ્ટોરન્ટ માલિકો સામે વધુ કડક પગલાં લેવાં જોઈએ.

  • 29 May 2026 11:31 AM (IST)

    કર્ણાટક: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું સ્વીકારાયું

    કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું સ્વીકાર્યું છે. સિદ્ધારમૈયાએ ગઈકાલે, 28 મેના રોજ રાજીનામું આપ્યું હતું.

  • 29 May 2026 11:29 AM (IST)

    જુનાગઢ: વ્યાજખોરના આતંકથી યુવકે આપઘાત કરતાં ચકચાર

    જૂનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકાના નાનડીયા ગામે વ્યાજખોરના આતંકથી યુવકે આપઘાત કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. ખેતીકામ માટે મૃતકે રૂ. 6 લાખ વ્યાજે લીધા હતા અને વ્યાજ ચૂકવ્યા હોવા છતાં પણ આરોપીઓ દ્વારા તેમના ખેતરના દસ્તાવેજ પડાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચેક રિટર્ન થયાનું બહાનું આપી આરોપીઓએ મૃતક સાથે ગાળો ગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ પરિવારજનોએ આરોપ કર્યો છે. સતત માનસિક તણાવથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે મૃતકના પિતાએ ચાર આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

  • 29 May 2026 11:03 AM (IST)

    અમદાવાદઃ કાળઝાળ ગરમીમાં પાણીના મુદ્દે સ્થાનિકોનો હલ્લાબોલ

    અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યાને લઈને વસ્ત્રાલના EWS 63 આવાસ યોજનાના સ્થાનિકોએ ભારે હલ્લાબોલ કર્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી પાણીની તકલીફના સમાધાન માટે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ મામલે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પર પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પાણીની સમસ્યા ઉકેલવા અને યોગ્ય સુવિધા આપવા માંગ કરી હતી.

  • 29 May 2026 10:31 AM (IST)

    સુરત: અમરોલી વિસ્તારમાં નકલી CBI અધિકારીની ધરપકડ

    સુરતમાં અમરોલી વિસ્તારમાં નકલી CBI અધિકારી બની વૃદ્ધાને ઠગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ પોતાને CBI ઓફિસર તરીકે ઓળખ આપી વૃદ્ધાને ડરાવ્યા હતા અને તેમના નામે ડ્રગ્સનું પાર્સલ મળ્યું હોવાનું કહી ડિજિટલ અરેસ્ટ કરી હતી. આ દરમિયાન 90 વર્ષીય વૃદ્ધા પાસેથી આરોપીએ ધમકી અને છેતરપિંડી દ્વારા કુલ રૂ. 1.34 કરોડ પડાવી લીધા હતા. સમગ્ર મામલાની ફરિયાદ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઠગબાજ જીગ્નેશ વઘડિયાની ધરપકડ કરી છે. જાણવા મળ્યું છે કે આ કેસ અંગે પહેલેથી જ કર્ણાટક સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયેલો હતો અને ત્યાંથી પણ તપાસ ચાલી રહી હતી.

  • 29 May 2026 07:57 AM (IST)

    કોંગોથી આવેલા યુવકનો ઇબોલા ટેસ્ટ નેગેટિવ, ફાલ્સીપારમ મલેરિયાનું નિદાન

    અમદાવાદમાં ઇબોલાના શંકાસ્પદ કેસને લઈને આરોગ્ય તંત્ર સક્રિય બન્યું હતું. કોંગોથી આવેલા એક યુવકમાં ઇબોલા જેવા લક્ષણો જોવા મળતા તેને વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. યુવકના સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં ઇબોલા ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હાલ તબીબોએ યુવકને ફાલ્સીપારમ મલેરિયા હોવાનું નિદાન કર્યું છે. જોકે, ડોક્ટરોના જણાવ્યા મુજબ બીજા ટેસ્ટ બાદ યુવકની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. બીજી તરફ, દર્દીના સંપર્કમાં આવેલા ત્રણ લોકોને હાલ આરોગ્ય વિભાગ દ્વારા દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

  • 29 May 2026 07:47 AM (IST)

    વડોદરાઃ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો

    વડોદરાના અટલાદરા પોલીસ સ્ટેશનમાં અપહરણ કેસને લઈને ભારે હોબાળો સર્જાયો હતો. કેસમાં ઝડપાયેલા આરોપીના પરિવારજનોએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરી પોલીસ મથકમાં ઉગ્ર બખેડો કર્યો હતો. હોબાળા દરમિયાન કેટલાક લોકો દ્વારા પોલીસ સ્ટેશનમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આરોપી અને તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનની બારીઓના કાચ તોડી નાંખ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે આરોપી અને તોડફોડમાં સામેલ લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 29 May 2026 07:44 AM (IST)

    બોડકદેવ વિસ્તારમાં આવેલી ‘મોકા કેફે’ની કોફીમાંથી નીકળી જીવાત

    અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી મોકા કેફે ફરી એકવાર વિવાદમાં આવી છે. ગ્રાહકે ઓર્ડર કરેલી કોફીમાં જીવાત નીકળતા કેફેમાં હોબાળો મચી ગયો હતો. ઘટનાને લઈને ગ્રાહકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રાહકોનો આક્ષેપ છે કે કેફેના રસોડામાં પણ ગંદકી અને વંદાઓનું સામ્રાજ્ય છે, જેના કારણે સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ મનપાના આરોગ્ય વિભાગને તાત્કાલિક તપાસ કરી કેફે સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આજે 29 મેને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:38 am, Fri, 29 May 26

Follow Us