વલસાડ જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. વલસાડ શહેર સહિત ગુંદલાવ, ઘડોઈ, ગોરવાડા અને કલવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જોકે હજુ સુધી વાવણીલાયક પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતા યથાવત છે. ખેડૂતો સારા વરસાદની આશા સાથે આકાશ તરફ મીટ માંડી રહ્યા છે.
અમદાવાદમાં જેઠ સુદ પૂનમના પાવન અવસરે 149મી પરંપરાગત જળયાત્રા ભક્તિભાવપૂર્વક નીકળી હતી. ભગવાન બળદગાડામાં સવાર થઈ ભક્તોને દર્શન આપ્યા હતા. 108 કળશમાં ગંગા પૂજન બાદ સાબરમતી નદીમાંથી પવિત્ર જળ લાવવામાં આવશે, જેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ વર્ષમાં માત્ર એક જ દિવસ થતા વિશેષ ગજવેશમાં ભગવાન ભક્તોને દર્શન આપશે. સમગ્ર યાત્રામાં અખાડા, ભજન મંડળીઓ તેમજ ઢોલ-નગારાના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
જૂનાગઢ જિલ્લાના વિશળ હડમતીયા ગામમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન સરકારી શાળાના શિક્ષણના સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો હતો. નાયબ સચિવે ધોરણ 9ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં એક વિદ્યાર્થીએ શિક્ષકની હાજરીમાં જ જણાવ્યું કે તેને ABCD પણ આવડતું નથી. વિદ્યાર્થીઓના જવાબ સાંભળીને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘટનાએ સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
ચીનના શીનચુઆન પ્રાંતમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા અનેક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. યિબિન શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ઈમારતો ધ્રૂજી ઊઠતાં લોકો સુરક્ષાના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના કારણે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.
માત્ર એક કલાકના વરસાદ પછી મહારાષ્ટ્રના ભિવંડીના રસ્તાઓ, બજારો અને સહિત અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.. મહારાષ્ટ્રના ભિવંડીમાં માત્ર એક કલાકના વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચોમાસાની તૈયારીઓને સંપૂર્ણપણે ખુલ્લી પાડી દીધી છે. શહેરના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા, મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થઈ ગયા, દુકાનોમાં પાણી ઘૂસી ગયા અને વાહનો રસ્તાની વચ્ચે જ અટકી ગયા, જેના કારણે લોકોને ધક્કામુક્કી કરવી પડી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે રહેવાસીઓ માટે પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની ગયું.
અમદાવાદની ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલાનો સૌથી પવિત્ર પ્રસંગ એટલે જળયાત્રા, ત્યારે જગન્નાથજી મંદિર દ્વારા પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જળયાત્રા નિજ મંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીએ ભુદરના આરે પહોંચશે. જ્યાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે 108 કળશમાં નદીનું પવિત્ર નીર ભરવાની વિધિ સંપન્ન કરવામાં આવશે. મંદિરમાં લાવવામાં આવેલા આ પવિત્ર જળથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ ભગવાનને વર્ષમાં એક જ વાર થતો ગજવેશ ધારણ કરાવવામાં આવશે. ત્યારબાદ પ્રભુ 15 દિવસ માટે મોસાળ સરસપુરમાં આરામ કરશે અને અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા માટે નગરચર્યાએ નીકળશે.
આજે 28 જૂનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:31 am, Mon, 29 June 26