
આજે 28 ડિસેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
દ્વારકા: રાવલ ગામ નજીક પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયુ. રોજી આઈ માતાજી મંદિર પાસે પાઈપલાઈન તૂટતા હજારો લીટર પાણી વેડફાયુ હતુ. આસપાસના ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ખેતરોમાં પાણી ફરી વળતા શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો અને ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. તત્કાલ રિપેરિંગ નહીં કરાય તો નુકસાન વધવાની શક્યતા છે.
નર્મદા જિલ્લાની ગુલાબી ઠંડી વચ્ચે ફરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરીટ સ્થળ. 31 ડિસેમ્બર સુધી 8 લાખ પ્રવાસી આવવાની શક્યતા
ડિસેમ્બર માસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા. ગુજરાત સહિત સમગ્ર ભારત અને વિદેશથી પણ લોકો SoUની મુલાકાત માટે આવી રહ્યા છે.જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગત રોજ શનિવારે 50 હજાર અને આજે રવિવારે 70 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા છે. ત્યારે 31 ડિસેમ્બર સુધી 8 લાખ પ્રવાસીઓ આવે તેવી શક્યતાને ધ્યાને રાખી.. તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પણ સત્તામંડળ અને હોટેલ, ટેન્ટ સીટીના સંચાલકો દ્વારા તડામાર તૈયારી કરવમાં આવી છે.
જુનાગઢઃ ખડીયા ગામે ગૌવંશની હત્યા સામે ગામલોકોએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો. ગૌવંશના હત્યારાઓ સામે ગ્રામજનોએ SPને રજૂઆત કરી છે. ગુનેગારોને કડકમાં કડક સજા આપવા માગણી કરાઈ છે. બે દિવસ પહેલા ખડિયાના કૃષ્ણનગર વિસ્તારમાં ગૌવંશની હત્યા કરીને ગૌવંશના મૃતદેહના ટૂકડા કરીને ફેંકી દેવાયા હતા. પોલીસે આ મામલે 3 આરોપીની અટકાયત પણ કરી છે. ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી કે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરનારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
પર્યટક સ્થળ દીવમાં ફરી સિંહે પશુઓનો શિકાર કરતા વન વિભાગ દોડતુ થયુ છે. ડાંગરવાડી ગામે ઝોલાવાડીની ગ્રામ પંચાયતની ગૌશાળામાં 20 જેટલા પશુઓ હતા. જે દરમિયાન સિંહ ગૌશાળામાં પ્રવેશ્યો હતો અને 7 જેટલા પશુઓનો શિકાર કરીને મિજબાની માણી હતી તો એક પશુ સિંહના હુમલામાં ગંભીર રીતે ઘાયલ છે. જેના કારણે ખેડૂતો, સ્થાનિકો સહિત પશુપાલકો હવે ચિંતામાં મુકાયા છે. તેઓનું કહેવુ છે કે આ પહેલીવાર નથી અગાઉ પણ અનેક સિંહ દ્વારા પશુના શિકારની ઘટનાઓ ગામ નજીક બની છે. ત્યારે હવે દીવ અને રાજ્યના વન વિભાગે સિંહને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવાર સિંહો શિકારની શોધમાં આંટાફેરા કરતા હોય છે. જેથી લોકો ઘરની બહાર પણ નીકળતા નથી. લોકોની માગ છે કે વહેલીમાં વહેલી તકે સિંહને પાંજરે પૂરીને ગીરના જંગલોમાં છોડવામાં આવે..
અમદાવાદઃ ખોખરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. બે શખ્સોએ દુકાનદાર અને તેના પરિવાર સાથે મારામારી કરીં. નશાની હાલતમાં બંને શખ્સોએ મારામારી કરી. ફાસ્ટ ફૂડ પાર્લર પર આવેલા બે શખ્સો પાસે રૂપિયા માંગતા માથાકૂટ થઈ હતી. પોલીસની PCR સામે જ આતંક મચાવ્યો હતો. પોલીસ હાજરીમાં જ દુકાનમાં તોડફોડ કરી પથ્થરમારો કર્યો હતો. દુકાનદારે બંને શખ્સો સામે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરી. બન્ને આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે.
મહેસાણાઃ 31 ડિસેમ્બર પહેલા SOGએ સપાટો બોલાવ્યો છે. ઊંઝાના મલાઈ તળાવ વિસ્તારમાં SOG ની ટીમ ત્રાટકી અને વિદેસી દારૂ સાથેની કારને ઝડપી લેવામાં આવી. કુખ્યાત બુટલેગર મહેશજી ઉર્ફે સંકીના સ્થળે દરોડા કરાયા હતા. પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
અંબાજીઃ વર્ષ 2025ના અંતિમ રવિવારે શક્તિપીઠમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો. શક્તિપીઠ અંબાજીમાં વર્ષના અંતિમ રવિવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ.
માઇ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી. 2026નું નવું વર્ષ સારૂ જાય તેવી મા અંબાને પ્રાર્થના કરી.
અમદાવાદ ગ્રામ્યમાં ખાણ-ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો. ધોળકા અને બાવળામાં ગેરકાયદે રેતી ખનન પર મોટી કાર્યવાહી કરાઈ. વૌઠા ગામે નદીમાંથી રેતી ખનન ઝડપાયું. બાવળાના નાનોદરા-વાસણા ગામેથી પણ ગેરકાયદે ખનન ઝડપાયું . બે દિવસમાં મોટા પ્રમાણમાં મશીનરી અને રેતી જપ્ત કરાઈ. ખાણ-ખનીજ વિભાગની કાર્યાવાહીથી ખનીજ માફિયામાં ફફડાટ ફેલાયો છે.
દેવભૂમિ દ્વારકામાં તાંત્રિકવિધિના નામે સોનાના દાગીના પડાવી છેતરપિંડી આચારનારા બે આરોપી ઝડપાયા છે. આરોપીઓએ ફરિયાદીની ખાતરી આપી હતી કે અમે તાંત્રિકવિધિ કરીને તમારા ઘરના જે પણ પ્રશ્ન હશે તેનો ઉકેલ લાવીશું. આરોપીઓએ તાંત્રિકવિધિ માટે ઘરમાં રહેલા દાગીના માગ્યા હતા અને આ દાગીનાનો ઉપયોગ તાંત્રિકવિધિમાં કરવો પડશે તેમ જણાવ્યું હતું..ત્યાર બાદ આરોપીઓએ વિધિના બહાને દાગીના મેળવીને ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે પોલીસે બે આરોપીને દ્વારકા નજીકથી જ ઝડપી પાડ્યા છે અને આરોપીઓ પાસેથી 9 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં આરોપીઓએ આચરેલી અન્ય છેતરપિંડીઓના પણ ખુલાસા થઈ શકે છે.
આરતી સાંગાણીએ સમાજ બહારના છોકરા સાથે લગ્ન કરી લેતા SPG ના નેતા લાલજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યુ સમાજ પ્રેમ લગ્નનો વિરોધી નથી પરંતુ ભાગીને લગ્ન કરનારાનો વિરોધ છે. પ્રેમલગ્ન મુદ્દે લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની તેમણે ઉગ્ર માગ કરી. તેમણે કહ્યુ કે સમાજની દીકરીઓ જેના જોડે ભાગીને લગ્ન કરે છે તે અસમાજિક અને વ્યસની હોય છે. આ કાયદા મામલે લાલજી પટેલે આંદોલનની ચમીકી ઉચ્ચારી છે, તેમણે કહ્યુ સરકાર કાયદામાં સુધારો નહીં કરે તો આંદોલન કરશુ. GMDC ગ્રાઉન્ડમાં એક મોટુ સંમેલન કરવાની તેમણે સરકારને ચીમકી આપી છે.
સુરતઃ આરતી સાંગણીના આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે, તેમણે કહ્યુ આરતી સાંગાણી લોકોને ગેરમાર્ગે દોરે છે. આરતી સમાજની સામે આંગળી ચિંધવાનું બંધ કરે. સમાજને બળાત્કારી સામે વાંધો નથી એમ કહેવુ અયોગ્ય નથી. તમે પ્રેમલગ્ન નહીં ભાગીને લગ્ન કર્યા છે. દીકરી માતાપિતાનો વિશ્વાસઘાત કરે ત્યારે સમાજ તેને બળવાખોર જાહેર કરે છે.
અમદાવાદના સરખેજના વનઝર વિસ્તારાં વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. અમિત શાહે કહ્યુ અમે 370 હટાવીએ તો વિરોધ કરે, રામ મંદિર બનાવીએ તો વિરોધ કરે, પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરી તો વિરોધ કરે. જનતાને જે ગમે તેનો રાહુલ ગાંધી વિરોધ કરે તો મત ક્યાંથી મળે. આ સાથે અમિત શાહે કહ્યુ રાહુલ બાબા તમે હારથી થાકો નહીં બંગાળ અને તમિલનાડુમાં પણ હારવાનું નક્કી રાખજો. 2029માં ફરી મોદીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે.
રાજકોટઃ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. દેવાયત ખવડ અને ભગવંતસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થયું છે. સનાથલ ખાતે ડાયરા અંગે થયેલી માથાકૂટ બાદ આખરે સમાધાન થયુ છે. ડાયરા બાબતે માથાકૂટ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગીર-સોમનાથમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલા મામલે પણ દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધાઈ હતી.
છોટાઉદેપુર: 13 વર્ષીય સગીરાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. કદવાલ તાલુકાના એક ગામમાં આ ઘટના બની હતી. ઘરની બાજુમાં આવેલા ખેતરમાંથી સગીરાનો મૃતદેહ મળ્યો. પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સગીરાની હત્યા કોને અને કેમ કરાઈ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરી બજારમાં ઘેટા-બકરાના વેચાણથી વિવાદ થયો છે. જૂની-નવી વસ્તુને બદલે ઘેટા-બકરાનું વેચાણ થતુ હોવાનો આરોપ લાગ્યો છે. આ અંગે ભાજપ નેતા ભૂષમ ભટ્ટે પોલીસ કમિશનર અને મનપાને પત્ર લખ્યો છે. અત્યાર સુધી આ પ્રકારે ઘેટા બકરાનું વેચાણ નહોંતુ થતુ. ભવિષ્યમાં આ વિસ્તાર બકરા મંડી ન બની જાય તે માટે રજૂઆત કરી
બનાસકાંઠાઃ રસ્તાના ખાતમુહૂર્ત મામલે રાજકારણ ગરમાયુ છે. મંત્રી ખાતમુહૂર્ત કરે તે પહેલા કોંગ્રેસના નેતાએ રસ્તાનું ખાતમુહૂર્ત કરતા વિવાદ થયો છે. MLA કાંતિ ખરાડી પર મંત્રી પ્રવીણ માળીએ પલટવાર કરતા કહ્યુ હું આવતો હતો ત્યારે રોડ પર કંકુ પડ્યું હતું, ખબર પડી કે 2 બુટવાળા ભાઈ આવી ખાતમુહૂર્ત કરી ગયા.
સ્થાનિક ધારાસભ્યની અવગણનાના આરોપને મંત્રીએ ફગાવ્યા. પ્રવિણ માળીએ કહ્યુ કે ધારાસભ્ય દ્વારા એકપણ વાર રજૂઆત કરાઈ નથી. મારી ઓફિસ તરફથી આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. કાંતિ ખરાડીએ પ્રજાનું કામ ન થાય તેવો પ્રયાસ કર્યો..
ઉલ્લેખનિય છે કે ભાજપના પ્રધાન પ્રવીણ માળીના હસ્તે કપાસિયા-સરોતરાના રસ્તાની રિસરફેસિંગની કામગીરીનું ખાતમુહૂર્ત થવાનું હતું. ત્યારે કોંગ્રેસના દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રધાન પહેલા જ કામગીરીનું ખાતમુહૂર્ત કરી દીધુ. જેના પગલે વિવાદ સર્જાયો છે. કાંતિ ખરાડીએ સ્થાનિક ધારાસભ્યની અવગણનાનો આરોપ લગાવ્યો. જેને લઈ પ્રવિણ માળીએ પણ વળતા પ્રહાર કર્યા છે.
બોટાદઃ પીકઅપ વાને પલટી મારતા બે મહિલાનાં મોત થયા છે જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. બોટાદના મિલિટ્રી રોડ પર આ ઘટના બની હતી. સંબંધીની વાડીએ રજાની મજા માણવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. પીકઅપ વાનમાં આશરે 18 લોકો સવાર હતા. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા પીકઅપ વાન પલટી ગઈ હતી. અકસ્માતમાં ઘવાયેલાઓને સબિહા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
સુરતઃ પાટીદાર ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. આરતી સાંગાણીએ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કરી લીધાનો દાવો કરાયો છે.
દેવાંગ ગોહેલના ભારતીય લગ્ન કાયદા અનુસાર 21 વર્ષ પૂરા નહીં થયાનો દાવો તેના પિતાએ કર્યો છે. 21 વર્ષ પૂરા થયા નહીં હોવાના દસ્તાવેજ પણ વાયરલ થયા છે.
પુરાવામાં આરતીની ઉંમર 22 વર્ષ અને દેવાંગની ઉંમર 20 વર્ષ હોવાનો દાવો કરાયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા દસ્તાવેજોની TV9 પુષ્ટિ કરતું નથી. આરતી સાંગાણી અને તબલા વાદક દેવાંગ ગોહેલ સાથે જોડાયા હોવાના મહત્વના પુરાવા મળ્યા છે. દેવાંગ ગોહેલ અને આરતી સંગાણીએ લીવ એન્ડ રિલેશનનો એગ્રીમેન્ટ કર્યો હોવાનો સૂત્રો દ્વારા દાવો કરાયો છે. આરતી લગ્ન વગર જ માથામાં સિંદૂર અને મંગલસૂત્ર પહેરી લગ્નનો દાવો કરી રહી હોવાના આક્ષેપ કરાયા છે.
વડોદરાઃ ડભોઇ પાલિકામાં કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર કર્યા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરદાર બાગની મુલાકાત લીધી હતી. 2.30 કરોડના કામમાં 2 કરોડની ખાયકી કરી હોવાનો ચાવડાએ આક્ષેપ કર્યો. 5 દિવસમાં સાધનોનો ક્લર ઊખડી ગયો અને કાંટ આવી ગયો, ચીફ ઓફિસરની બદલી થઈ છતાં છૂટા કરાયા નથી. EDને ચીફ ઓફિસરની ત્યાં મોકલે તો ખબર પડે, તેમ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ.
રાજકોટ: જસદણમાં નવજાત શિશુ મળવા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. બાળકને જન્મ આપનારી યુવતી અપરણીત હોવાનું સામે આવ્યું છે. જસદણનો પરણીત યુવક પણ સમગ્ર કેસમાં સામેલ હોવાનું ખુલ્યું છે. CCTVને આધારે પણ પોલીસને મહત્વની અન્ય માહિ મળી છે. પ્રસૂતિ માટે યુવતીએ પલ હોસ્પિટલ અને માધવ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તબીબોને શંકા જતા યુવતીને અન્ય હોસ્પિટલમાં ખસેડી હતી અપરિણીત યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ મિરેકલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. કઈ જગ્યા પર યુવતીએ બાળકને જન્મ આપ્યો તે અંગે જુદી-જુદી હોસ્પિટલમાં તપાસ હાથ ધરાઈ છે. પરિવારે જ નવજાતને ગંગા ભવન નજીક ફેંક્યુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી ઠેય પોલીસે યુવતીની ધરપકડ કરીને આગળની પૂછપરછ શરૂ કરી
18 નવેમ્બરે પ્રમુખ પાર્ક સોસાયટીમાં ઝાડી-ઝાંખરામાંથી નવજાત શિશુ મળી આવ્યુ હતુ.. સ્થાનિકોને બાળકનો રોવાનો અવાજ સતત આવતા ત્યાં તપાસ કરી હતી ત્યારે આ બાળક મળ્યુ હતુ. જ્યારબાદ 108ની ટીમે શિશુને કાંટામાંથી બહાર કાઢીને સિવિલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. પરંતુ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા બાદ નવજાતનું મોત થયુ હતુ. જોકે તપાસ દરમિયાન યુવતીએ પોતાનું બાળક હોવાનું ન સ્વીકારતા પોલીસને શંકા ગઈ હતી અને DNA કરાવ્યાં બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
જમ્મુ અને કાશ્મીરમાં અંદાજે 30 થી 35 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા છે. સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે, અને નવા વર્ષ પહેલા સમગ્ર પ્રદેશમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આગનો બનાવ બન્યો છે. સલ્ફર મિલ કંપનીમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી છે. આગને કારણે દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા નજરે પડી રહ્યાં છે. આગની જાણ થતા જ ફાયર ફાયટરો ઘટના સ્થળે રવાના થયા છે.
આજે ઈસવીસન 2025નો છેલ્લો રવિવાર છે. વર્ષના છેલ્લા રવિવારે યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભક્તોની આસ્થાનો રવિવાર બન્યો છે. અંબાજી મંદિરમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા છે. સમગ્ર મંદિર પરિષર માં અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. શ્રદ્ધાળુઓએ આસ્થા પૂર્વક માં અંબેના દર્શન કરી આવનાર વર્ષ2026 ની સારી કામના કરી છે. અનેક શ્રદ્ધાળુઓએ વર્ષ ના છેલ્લા રવિવારે બાધાઓ પણ પૂર્ણ કરી છે. સમગ્ર ગુજરાતને દેશ ઉપરમાં અંબેના આશીર્વાદ બને તેવી કરી પ્રાર્થના કરી છે.
દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા બંદર રોડ પર અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માછીમારી મંડળીના ડીઝલ પંપ બિલકુલ નજીક આગના કારણે લોકોના શ્વાસ અધ્ધર થવા પામ્યા હતા. આગની જ્વાળા જોતા જ આસપાસના રહીશો મચી ભારે દોડધામ મચી જવા પામી હતી. ડીઝલ પંપ પાસે આગ લાગવાનું કારણ અકબંધ.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તુટી છે. કોંગ્રેસના મહિલા મોરચાના 11 સભ્યોએ સાગમટે રાજીનામાં આપ્યા છે. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાની મનમાનીથી કોંગ્રેસના કાર્યકર્તા ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તમામ સભ્યોએ ઉલ્લેખ કર્યો કે, કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાની મહિલા વિરોધી માનસિકતા અને અસભ્ય વર્તનથી તેઓ ત્રાહિમામ છે. એક સાથે 11 મહિલા કાર્યકર્તાઓએ પદ પરથી રાજીનામાને લઇ કોંગ્રેસમાં ભડકો થયો છે. વિપુલ ઉધના વાલા શહેર પ્રમુખ બન્યા ત્યારથી જ તેઓ મનમાની કરતા હોવાના કોંગ્રેસના કાર્યકર્તાઓના આક્ષેપ છે. અગાઉ પણ વિપુલ ઉધના વાલા ને લઈને પ્રદેશ કક્ષા સુધી ફરિયાદો કાર્યકર્તાઓ કરી ચૂક્યા છે. પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતા પટેલને તમામ કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે.
અમીરગઢ તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહર્ત મંત્રી કરે તે પહેલા કોંગ્રેસના ધરાસભ્યએ કર્યું ખાત મુહર્ત. આજે વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી અમીરગઢ તાલુકાના કપાસિયા અને સરોતરાના રસ્તાનું ખાત મહુર્ત કરવાના હતા. મંત્રી ખાત મુહર્ત કરવા આવે તે પહેલા જ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ખાત મહુર્ત કર્યું. જે રસ્તાઓ 60 વર્ષથી બનેલા છે તે રસ્તાઓનું રી સરફેશ માટેના કામનું ખાત મહુર્ત મંત્રી દ્વારા કરવામાં આવે તે પહેલા મે વહેલી સવારે 3 જગ્યાઓ પર ખાત મુહર્ત કર્યું તેમ કાંતિ ખરાડીએ જણાવ્યું હતું. મારા વિસ્તારમાં મંત્રીએ મારી અવગણના કરી એટલે એક ધારાસભ્ય તરીકે મેં ખાતમુહર્ત કર્યું. અંબાજીના પાડલીયાની ઘટના અને ડીસા બ્લાસ્ટની ઘટનામાં ક્રાંતિ ખરાડીએ મંત્રી પ્રવીણ માળી પર લગાવ્યા આરોપ. પ્રવીણ માળી ખાતમુરત કરવાના છે એ જગ્યાએ કાંતિ ખરાડી જઈ અને વિરોધ કરે તેવી શક્યતાઓ પોલીસ અટકાયત કરે તેવી શક્યતાઓ.
સુરતમા દીકરી અને પુત્રે સાથે મળી માતાની પ્રોપર્ટી વેચી સુરતમાં મકાન લઈ વૃદ્ધ માતાને માનસિક ત્રાસ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વાલક ગ્રીનવેલી રેસિડેન્સીમાં પોતાની દીકરી સાથે રહેતા હતા. માતાને વારંવાર અપશબ્દો કહીને અપમાનિત કરતી હતી દીકરી. આ ઉપરાંત દીકરી તેના ભાઈઓ સાથે મળી માતાની તમામ મિલકત પણ સરખા ભાગે લખાવી લીધી હતી. સગી દીકરી એ જ માતાને પ્રોપર્ટી વગરની કરીને હેરાન પરેશાન કરી મૂક્યા. દીકરીના ત્રાસથી અલગ રહેવા માટે માતાએ, સુરત સ્થિત વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. વૃદ્ધાની પ્રોપર્ટીમાંથી ભાઈ-બહેને મકાન લીધા અને મકાનના ભાડાના પૈસાથી તેઓ પોતાનો ગુજરાત ચલાવતા પરંતુ માતાને સરખી રીતે સાચવતા ન હતા. વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ માતાને લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય આપ્યો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, આજે રવિવારે તેમના મતવિસ્તાર ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેઓ દિવસના અંતે શેલા ખાતે આવેલ સંસ્કારધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં ખાસ હાજરી આપશે.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah ના અમદાવાદમાં આયોજિત વિવિધ કાર્યક્રમો
તારીખ: 28 ડિસેમ્બર, 2025 – રવિવાર
લાઈવ નિહાળો:
* https://t.co/dSqhPS9V6b
* https://t.co/k3tr0NavcC
* https://t.co/gDXaSM7RFO pic.twitter.com/FxRNo5lPBI— BJP Gujarat (@BJP4Gujarat) December 27, 2025
કચ્છના ભચાઉના વોંધ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મિની બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ મિની બસમાં ભયાનક આગ લાગી હતી. મિની બસમાં સવાર 14 મુસાફરોને બચાવી લેવાયા છે.
ભચાઉ ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ, ગઈકાલ શનિવારે મોડી રાત્રે, પ્રદેશ સંગઠનના માળખાની જાહેરાત કરી હતી. ગુજરાત ભાજપના નવા સંગઠન માળખામાં જૂના ચહેરાની બાદબાકી કરી છે.
પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા પ્રદેશ મોરચાના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને હૃદયપૂર્વક… pic.twitter.com/5EKCXWj3FP
— Jagdish Vishwakarma (@J_I_Vishwakarma) December 27, 2025
Published On - 7:17 am, Sun, 28 December 25