
આજે 28 એપ્રિલ 2025ને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બોલમાં સદી ફટકારી. આ ફક્ત IPL ઇતિહાસની જ નહીં પરંતુ ક્રિકેટ ઇતિહાસની સૌથી ખાસ સદી છે. તે કોઈપણ ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. 38 બોલમાં 101 રન બનાવ્યા.
પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 209 રન બનાવ્યા હતા. જોસ બટલરે 26 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 50 બોલમાં 84 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 39 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે 1 વિકેટ લીધી હતી. તિક્ષાનાને 2 વિકેટ મળી હતી. સંદીપ શર્માએ એક વિકેટ લીધી હતી.
પાકિસ્તાનના નોર્થ વેસ્ટર્ન ફ્રન્ટિયર પ્રોવિન્સમાં સ્થિત વઝીરિસ્તાનમાં બ્લાસ્ટ થયાના સમાચાર છે. આ વિસ્ફોટમાં સાત લોકોના મોતની આશંકા છે. વઝીરિસ્તાને પોતાને એક સ્વતંત્ર રાજ્ય જાહેર કર્યું છે. જોકે, તેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી નથી.
પાવરપ્લેમાં ગુજરાતે રાજસ્થાન સામે 53 રન બનાવ્યા હતા. સંદીપ શર્માએ છઠ્ઠી ઓવરમાં માત્ર 6 રન આપ્યા હતા.
એપ્રિલ મહિનાના અંત સુધીમાં ગુજરાત રીતસરનું અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. બપોરના સમયે આકાશમાંથી અગનવર્ષા અનુભવાઈ રહી છે. સૌથી વઘુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે. રાજકોટમાં ગરમીનો પારો પાછલા વર્ષોના રેકર્ડ તોડીને 46.2 ડિગ્રીએ પહોચ્યો છે. તો કંડલા પોર્ટ ખાતે ગરમીનો પારો 45.1 ડિગ્રીએ અટક્યો હતો. સુરેન્દ્રનગરમાં પણ ગરમીનો પારો 44.8 ડિગ્રીએ અટક્યો હતો. જુઓ ગુજરાતના વિવિધ શહેરોમાં નોંધાયેલ ગરમીના પ્રમાણ પર ( તાપમાન ડિગ્રીમાં)
રાજકોટ 46.2
કંડલા પોર્ટ 45.1
સુરેન્દ્રનગર 44.8
ભાવનગર 42.2
અમરેલી 44.1
અમદાવાદ 44
ભાવનગર 42.1
ભુજ 42.2
ડીસા 41.6
ગાંધીનગર 43.2
વડોદરા 40.6
ગુજરાતમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીને લઇ રાજ્યમાં જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમાં કુલ 6500 લોકોને ડિટેન કરવામાં આવ્યા હોવાનું ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે ખેડા ખાતે જણાવ્યું હતું. અમદાવાદમાંથી કુલ 890 બાંગ્લાદેશી લોકો ડિટેન કરવામાં આવ્યા હતા. સુરતમાં 145 લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 450 લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું છે. જેને લઇ કેન્દ્રીય સંસ્થા સાથે સંકલન કરીને આવા લોકોને પરત બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ વિકાસ સહાયે જણાવ્યું હતું. રાજ્યમાં કુલ 7 પાકિસ્તાની નાગરિકો વિઝીટર વિઝા પર આવ્યા હતા તેઓને પરત મોકલી દેવામાં આવ્યા છે તેમ પણ તેમણે કહ્યું હતું.
અમદાવાદમાં ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વસવાટ કરતા ઘૂસણખોર બાંગ્લાદેશીઓ સામે પોલીસે કરેલ કાર્યવાહીમાં પુરુષો કરતા મહિલાઓ વધુ સંખ્યામાં સામે આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગિરકોની ક્રાઇમ બ્રાન્ચે તપાસ અર્થે અટકાયત કરીને 890 બાંગ્લાદેશીઓની પુછપરછ કરી હતી. જૈ પૈકી 143 થી વધુ બાંગ્લાદેશી ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું ફલિત થયું હતું.
પુરુષો કરતા મહિલાઓ વધુ પ્રમાણમાં ગેરકાયદેસર વસવાટ કરતી મળી આવી છે. તેના માટે એવી વિગતો સામે આવી છે કે, અનેક મહિલાઓ દેહવ્યાપાર સાથે સંકળાયેલી હોવાની આશંકા છે. અમદાવાદ ગ્રામ્યમાં 7 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પાસે ડુપ્લીકેટ આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના પુરાવા મળી આવ્યા છે. ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ મામલે અલગથી નોંધાઈ શકે છે ફરિયાદ.
ખેડા જિલ્લામાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની ક્રાઇમ કોન્ફ્રન્સ યોજાઈ હતી. ગયા મહિનામાં રાજ્યમાંથી
નાસતા ફરતા 400 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું. 222 આરોપીઓ જે 1 વર્ષ થી નાસ્તા ફરતા હતા તેમને પકડવામા આવ્યા છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં 772 કાર્યક્રમ થયા હતા. જેમાં 25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યો છે. સાઇબર ક્રાઇમ પડકાર આજે સૌથી મોટો પડકાર છે, જેમાં તપાસની સાથે અવેરનેશ પ્રોગ્રામ પણ કરવામાં આવે છે. જેમાં સાઇબર ફ્રોડમાં રૂપિયા ગુમાવનાર ને પાછા 13.5 કરોડ રૂપિયા પાછા અપાવ્યા છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં પાંચ સગીરોએ મળી એક સગીરની હત્યા કરી નાખી છે. મૃતક અન્ય સગીરોને માં બહેનની ગાળો આપતા અન્ય પાંચ સગીરોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એક સગીર તેના ઘરેથી ચપ્પુ લાવી અન્ય સગીરો સાથે મળીને હત્યા કરી નાખી. સગીરો વચ્ચે રમવા બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. ભેસ્તાન વિસ્તારમાં ધોરણ 10 ના વિદ્યાર્થીની હત્યા કરી છે. પોલીસે હત્યા કરનાર પાંચ સગીરોની ધરપકડ કરી છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ, દારુની હેરાફેરીમાં સંડોવાયેલા 2 પોલીસ કોન્સ્ટેબલને ડિસમિસ કરવા નોટિસ ફટકારી છે. જિલ્લા પોલીસે વડા મનોહરસિંહ જાડેજાએ, હેડ ક્વાટરમાં ફરજ બજાવતા કરશન લાખા રાઠોડ અને બિપિન ગિરી વાલમ ગિરી ગોસ્વામીને ડિસમિસ કરવા નોટિસ ફટકારી છે. બન્ને પોલીસ કર્મીના નામ દારૂની હેરાફેરીમાં સામે આવ્યા હતા, જેની ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં પડેલા પહલગામ હુમલાને લઈને નિવેદન આપતા કહ્યું કે, ” 26 મૃતકોના પરિવારો સાથે મારી સંવેદના છે. હું આ ભૂમિકા નિભાવનાર યજમાન તરીકે મારી જવાબદારી માનીને તેમને સલામત ઘરે મોકલવાનો પ્રયત્ન કરવો જોઈએ હતો. માફી માંગવા માટે મારી પાસે શબ્દો પણ નથી. આ હુમલા વિરુદ્ધ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં રોષ છે. 26 વર્ષમાં પહેલીવાર કોઈ હુમલાના બાદ લોકો આ રીતે બહાર આવ્યા છે.”
વડોદરા શહેરમાં આસામાજિક તત્વોનો આતંક યથાવત છે. સરદાર એસ્ટેટ વિસ્તારમાં લુખ્ખાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે. કે જ્યાં માથાભારે ભાવેશ લંગડો અને મિતેષ રાજપૂત પાન પાર્લર પર જઈને દુકાનદાર સાથે બબાલ કરી. દુકાનદાર સાથે જાહેરમાં મારામારી કરી. બે શખ્સોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. દુકાનદારને જાહેરમાં મારમારી ધાક જમાવવાનો પ્રયાસ કર્યો.
વડોદરાઃ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓએ બંધ રાખ્યુ છે. વેપારી મંડળે બંધ પાળી વિરોધ નોંધાવ્યો. મંગળ બજાર, ચોખંડી, નવા બજાર વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યુ. આતંકવાદી અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી ઘટનાને વખોડી. બજારો બંધ રાખી વેપારીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી.
સુરતઃ પુણામાં બાળમજૂરી સામે પોલીસે કાર્યવાહી કરી છે. 6 સગીરને પોલીસે બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા. દરોડા પાડી પોલીસે બાળમજૂરને મુક્ત કરાવ્યા. બાળકો પાસેથી કામ લેનારા બે શખ્સની અટકાયત કરવામાં આવી. નિયમ વિરુદ્ધ બાળકો પાસે મજૂરી કરાવાતી હતી.
કેન્દ્ર સરકાર પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન, ગૃહ મંત્રાલયની ભલામણો પર, ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી ઘટનાની પૃષ્ઠભૂમિમાં ભારત, તેના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટી અને ભ્રામક વાર્તાઓ અને ખોટી માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.
On the recommendations of the Ministry of Home Affairs, the Government of India has banned the 16 Pakistani YouTube channels including Dawn News, Samaa TV, Ary News, Geo News for disseminating provocative and communally sensitive content, false and misleading narratives and… pic.twitter.com/AusR1fCkvN
— ANI (@ANI) April 28, 2025
આતંકી હુમલા બાદ રાજ્યમાં પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. યાત્રાધામ અંબાજીની બજારો આજે બંધ રહેશે. ગબ્બર કોટેશ્વર પણ બંધ રાખવાની જાહેરાત કરાઇ. દવાની દુકાનોને ખુલ્લી રાખવાની છુટ છતાં બંધ. બપોર બાદ વેપારીઓની ખોડિયાર ચોકમાં સભા મળશે. વેપારી એસોસિએશન અને હિન્દુ સંગઠનોએ આપ્યું બંધનું એલાન આપવામાં આવ્યુ છે.
કચ્છ: સિનોગ્રા ગામે આરોપીઓના મકાન પર બુલડોઝર ફર્યુ છે. આરોપીના મકાન પર બુલડોઝર ફરી વળ્યુ છે. અનવર ઇંગલિશ દારૂના અલગ અલગ છ ગુનાઓ નોંધાયેલા છે. સીનોગ્રા ગામે આરોપીના રહેણાંક મકાન પર બુલડોઝર ફર્યું.
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની મુલાકાત બાદ થયેલી બબાલને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપની આંતરિક બબાલ ગણાવી છે..ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે ગોંડલની બબાલ પાછળ કોંગ્રેસનો હાથ છે..જેનો જવાબ આપતા અમિત ચાવડાએ કહ્યું કે ભાજપની આંતરિક લડાઈ ખૂલ્લી પડી ગઈ છે. ગોંડલમાં યૂપી-બિહાર જેવા દ્રશ્યો જોવા મળ્યા. જાહેરમાં ગાડીના કાચ તૂટ્યા. ગુંડાગીરી કરવામાં આવી. જે બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી. સાથે તેમણે ગૃહપ્રધાનને સવાલ કર્યો કે સામાન્ય આરોપીનો વરઘોડો કાઢતી પોલીસ શું ગોંડલમાં બબાલ કરાનારા લોકો સામે કાર્યવાહી કરશે?
સુરતમાં ફરી બેફામ રફ્તારે લીધો માસૂમનો ભોગ. સુરતના વેસુમાં બેફામ ઝડપે દોડી રહેલી કારે રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં સવાર દોઢ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. કારચાલક રોંગ સાઇડમાંથી આવતા અકસ્માત થયો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. અકસ્માત બાદ સ્થાનિકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો. અકસ્માતમાં અન્ય 4 લોકો પણ ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહનો પ્રથમ તબક્કો રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. આમાં કુલ 71 હસ્તીઓને સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 4 પદ્મ ભૂષણ, 10 પદ્મ વિભૂષણ અને 57 પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરશે. તે જ સમયે, આવતા મહિને બીજા તબક્કામાં 68 પદ્મ પુરસ્કારોનું સન્માન કરવામાં આવશે.
ગઈકાલે રાત્રે, કુપવાડા અને પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેનાની ચોકીઓએ નાના હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો. ભારતીય સૈનિકોએ ઝડપી અને અસરકારક રીતે જવાબ આપ્યો.
Published On - 7:29 am, Mon, 28 April 25