
આજે 27 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદનો કેર જોવા મળી રહ્યો છે. બીજી તરફ બિહારમાં છઠ્ઠ પર્વ દરમિયાન પણ વિવિધ રાજનીતિ ચરમ પર છે. નીતિશ કુમારે ચિરાગ પાસવાનને ત્યાં જઈને પ્રસાદ ગ્રહણ કરતા NDA દ્વારા એક મોટો સંદેશ આપવાનો પ્રયાસ થયો છે.આ સાથે દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
રાજ્યમાં શિયાળાની વચ્ચે જાણે ‘ભર ચોમાસા’ જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 10 કલાકમાં કુલ 187 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેમાંથી 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 10 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
જણાવી દઈએ કે, સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલા વિસ્તારમાં 6.73 ઈંચ નોંધાયો છે. લીલીયામાં 4.49 ઈંચ અને ઉનામાં 4.41 ઈંચ વરસાદ પડ્યો છે. અચાનક પડેલા આ વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન થયું છે.
ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર હજી પણ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર ‘ડીપ ડિપ્રેશન’ સક્રિય થવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે થશે ભારે વરસાદ થશે, તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પરથી ઝડપથી વિકસતું વાવાઝોડું ‘મોન્થા’ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો તરફ વધી રહ્યું છે. 28 ઓક્ટોબરે કાકીનાડા નજીક તીવ્ર બનીને કાંઠે પહોંચશે, જેનાથી 100 કિમીથી વધુ ઝડપી પવન અને મુશ્કેલીથી વરસાદની આશંકા છે. આ તોફાનથી લોકોના જીવનને જોખમ છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધારે મુશ્કેલી પડી શકે છે. એવામાં સરકારે તાત્કાલિક પગલાં લીધા છે પરંતુ સાવધાની હજી પણ જરૂરી છે.
અમદાવાદમાં છઠ મહાપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. CM ભૂપેન્દ્ર પટેલે પણ છઠ પર્વ નિમિત્તે પૂજા અર્ચના કરી. આ પ્રસંગે સંબોધન દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે પોતાના તાજેતરના બિહાર પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બિહારમાં છઠ પૂજા સાથે લોકતંત્રના પર્વને લઈને પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, બિહારમાં લોકોનો આ ઉત્સાહ NDA સરકાર બનવાની દિશામાં સંકેત આપી રહ્યો છે. સાથે સાથે તેમણે બિહાર અને ગુજરાત વચ્ચેના સંબંધનો પણ ઉલ્લેખ કર્યો.
ભારતીય કિસાન સંઘે સરકારને પત્ર લખીને માવઠાથી થયેલા પાકના નુકસાન અંગે તાત્કાલિક નિર્ણય લેવાની માગ કરી છે. કિસાન સંઘે ખેડૂતોને વધુમાં વધુ આર્થિક વળતર આપવામાં આવે તેવી માગ કરી છે. આ સાથે જ સરકારી સહાયના ધારાધોરણ બદલવા પણ રજૂઆત કરી છે.
કિસાન સંઘે કપાસ અને મગફળીની ખરીદી માટે સ્પષ્ટ માનાંકો નક્કી કરવા સરકારને અપીલ કરી છે. હાલ મગફળીની ખરીદી અંગે અસમંજસની સ્થિતિ છે, જેના કારણે ખેડૂતો મૂંઝવણમાં છે. વેપારીઓ ઓછી કિંમતે મગફળી ખરીદી રહ્યા હોવાની પણ ખેડૂતો ફરીયાદ કરી રહ્યા છે. કિસાન સંઘે જણાવ્યું કે, રાજ્યમાં આશરે 66 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થયું છે.
રાજ્યમાં શિયાળાના આગમન વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોનું જનજીવન પ્રભાવિત થયું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.. ભારે વરસાદથી સૌથી વધુ ડાંગર, શેરડી, કપાસ, શાકભાજીના પાકમાં નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક શેરડી ગણાય છે. પરંતુ, વરસાદના કારણે હવે શેરડી કટિંગ પાછળ ધકેલાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો જંગલી ભૂંડના ત્રાસથી ડાંગરની ખેતી તરફ વળેલા ખેડૂતોને પણ માવઠાના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો.
રાજ્યમાં કમોસમી ભારે વરસાદના પગલે સરકાર સતર્ક બની છે. CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમા પાંચથી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા સૂચના આપવામાં આવી છે.
કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયાને અસરગ્રસ્ત જિલ્લામાં જવા સૂચના અપાઈ છે. તો પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ, જયરામ ગામીતને પણ અસરગ્રસ્ત વિસ્તારમાં જવા સૂચના અપાઈ છેય
જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી કામગીરી માટેના આદેશ અપાયા છે.
પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારનો વીડિયો સામે આવ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના માછીમારનો વીડિયો છે. જેમા માછીમારના પગ સાંકળથી બાંધેલી હાલતમાં જોવા મળ્યા. ચાર વર્ષ પહેલા માછીમારનું અપહરણ થયું હતું. પોરબંદરની બોટમાં માછીમારી વખતે અપહરણ થયું હતું. માછીમાર વીડિયોમાં પરિવારનો નંબર માંગી રહ્યો છે.
રાજ્યવાસીઓને કમોસમી વરસાદથી હજુ રાહત મળવાની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગાજવીજ સાથે 30થી 40 કીમીની ઝડપે પવન ફુંકાશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જુનાગઢ, બોટાદ, ભરૂચ, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ અપાયુ છે. વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ, વલસાડ, પોરબંદરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. 29થી 31 ઓક્ટોબર સુધી ઓરેન્જ એલર્ટ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડશે
અરવલ્લીઃ મેઘરજમાં સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા, માલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
માવઠાથી થયેલા નુકસાન મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન ગયુ છે. ચાવડાએ કહ્યુ માવઠાથી નુકસાનને લઈને સરકાર ગંભીર નથી. ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળે તેવી પણ માગ કરાઈ છે. માવઠાંથી નુકસાન અંગે સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય આપે.ચાલુ વર્ષનું પાક વિમા ધિરાણ માફ કરે અને નુકસાન અંગે હેક્ટર દીઠ 1 લાખનું વળતર આપે તેવી પણ માગ ચાવડાએ કરી છે. તેમણે પ્રહાર કર્યો કે ભાજપ માત્ર વાયદા અને વચનો આપે છે.
અમરેલી: રાજુલા, જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદને પગલે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક પાણી ભરાયા છે. સર્વિસ રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. રોડ પર પાણી ભરાતા બગસરા ડેપોની ST બસ પાણીમાં ફસાઈ છે. અનેક વાહનો બંધ પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સતત અવિરત વરસાદથી ખેતરો જળબંબાકાર થયા છે.
રાજકોટમાંથી મારામારીની ઘટના આવી સામે છે. શહેરના મવડી વિસ્તારમાં દારૂડિયાએ આતંક મચાવ્યો છે. યુવકને જાહેરમાં નગ્ન કરીને માર માર્યો છે. શહેરમાં લુખ્ખાઓ બેફામ થતા પોલીસ સામે સવાલ ઉઠ્યા છે.
જામનગરઃ શહેરની ભાગોળે આવેલી નદીને પ્રદૂષિત કરવાનો કારસો ઘડાયો હોય તેમ નદીમાં પ્રદૂષિત પાણી ઠલવાઈ રહ્યુ છે. ફરી એકવાર રંગમતી નાગમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયુ છે. સુભાષ બ્રિજ નીચે નદીમાં એકાએક કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યુ છે. રંગમતી નાગમતી નદીના વહેણમાં હાલ ફીણવાળુ પાણી આવી રહ્યુ છે. નદીમાં કેમિકલયુક્ત પાણી ક્યાંથી આવી રહ્યું છે તે મોટો પ્રશ્ન છે. ફીણ રસ્તા પર આવતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી થઈ રહી છે. સ્થાનિકોએ GPCBની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
ખેડા: માલાવાડા ગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયુ છે. ખેતરોમાં કાપેલા ડાંગર પર વરસાદી પાણી ફરી વળ્યા છે. 500 વીઘાથી વધુની જમીનમાં તૈયાર ડાંગરનો પાક બગડ્યો છે. વીઘા દીઠ 15થી 20 હજાર રૂપિયાનો ખેડૂતોનો ખર્ચ પાણીમાં ગયો છે. દીવાળી બાદ શરૂ થયેલી ડાંગરની લણણી પર વરસાદે પાણી ફેરવી દીધુ છે. ઘાસ બચે તે માટે મશીનથી કાપણી ન કરતા ખેડૂતોને નુકસાન જઈ રહ્યુ છે. કમોસમી વરસાદથી પશુઓ માટેનો ઘાસચારો પણ બગડ્યો છે.
અમરેલી: રાજુલાના ચોત્રા ગામની નદીમાં ઘોડાપૂર આવતા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે સગર્ભા માટે બોલાવાયેલી એમ્બ્યુલન્સ પરત ફરી હતી. સગર્ભા માટે બોલાવેલી એમ્બ્યુલન્સ પરત ફરતા હાલાકી સર્જાઈ છે. બ્રિજ પાણીમાં ગરક થતા ગામમાં અવરજવર બંધ કરવામાં આવી છે.
અમરેલીઃ રાજુલમાં ચાંચબંદર-પટવા રોડ પાણીમાં ગરકાવ થયો છે. સમઢિયાળા બંધારનું પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. લોકોએ જેસીબીની મદદથી 3 પ્રસુતાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. રસ્તા પર પાણી ભરાતા એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. મેડકલ ઈમરજન્સીમાં રસ્તો બંધ થતા ભારે હાલાકી સર્જાઈ હતી.
ગીર-સોમનાથઃ જામવાળા ગીરમાં આવેલો શિંગોડા ડેમ ભરાઈ જતા ડેમના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે. ગીર-ગઢડા અને કોડીનારના 12થી વધુ ગામોને એલર્ટ કરાયા છે.
નદીકાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
મહીસાગર: જીલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદનો માહોલ છવાયો છે. લુણાવાડા, ખાનપુર, બાલાસિનોરમાં ભારે વરસાદ પડ્યો તો આ તરફ વીરપુર, કડાણા, સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાએ કેર વરસાવ્યો. હાલ પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. મકાઈ, બાજરી, મગફળી, જુવારને મોટાપાયે નુકસાનની ભીતિ સેવાઈ છે.
ડાંગર, રાયડો, ઘાસચારો પણ વરસાદમાં ધોવાયો છે.
અમરેલીઃ રાજુલમાં ચાંચબંદર-પટવા રોડ પાણીમાં ગરકાવ થતા હાલાકી સર્જાઈ છે. સમઢિયાળા બંધારનું પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. લોકોએ જેસીબીની મદદથી 3 પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. રસ્તા પર પાણી ભરાતા એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. મેડિકલ ઈમરજન્સીમાં રસ્તો બંધ થતા ભારે હાલાકી સર્જાઈ છે.
અમરેલી: રાજુલા, જાફરાબાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાજુલા પંથકમાં જુદા જુદા 3 સ્થળે રેસક્યુની કામગીરી કરવામાં આવી. આ દરમિયાન 50થી 100 લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તમામ લોકોનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે રાજુલામાં એક ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે.
અમરેલીઃ રાજુલા તાલુકાનું ઉંચેયા ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. ધાતરવડી નદીના પાણી ફરી વળતા વાડીમાં 50 જેટલા મજૂરો ફસાયા હતા. આ મજૂરોનું રેસક્યુ કરવામાં આવ્યુ. તમામ મજૂરોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ધારાસભ્ય હિરા સોલંકીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પીપાવાવ મરીન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
ગાંધીનગરઃ અર્જુન મોઢવાડિયાએ મંત્રીપદનો કાર્યભાર સંભાળ્યો છે. પૂજા-પાઠ બાદ વિધિવત રીતે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સ્વર્ણિમ સંકુલ-1માં આવેલી ઓફિસમાં તેમણે કાર્યભાર સંભાળ્યો છે.
વન અને પર્યાવરણ મંત્રી તરીકે ચાર્જ લીધો છે. અર્જુન મોઢવાડિયા રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી છે.
કંપનીએ વિશિષ્ટ ટાંકી કન્ટેનરનો ઉપયોગ કરીને બલ્ક સિમેન્ટના રેલ-આધારિત પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અદાણી સિમેન્ટ સાથે બે વ્યૂહાત્મક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેર 2.85 રૂપિયા અથવા 0.53 ટકા વધીને 539.85 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા.
ગીર સોમનાથ: ઉનાના આમોદરા ગામમાં વરસાદ બાદ મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદ બાદ સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ગામને શહેર સાથે જોડતા મુખ્ય માર્ગ પર નદીનું પાણી ફરી વળ્યું છે. જળબંબાકારની સ્થિતિને પગલે ગ્રામજનોની શહેરમાં અવર જવર બંધ થઈ છે.
સૌરાષ્ટ્રમાં એક તરફ માવઠાનો વરસાદે ભારે વિનાશ વેર્યો છે, બીજી તરફ રાજકોટ જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી છે. ગઈકાલ રાતથી મગફળી ભરેલા વાહનો લાઈનમાં લાગેલા છે જેના કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતો વરસાદમાં 12 કલાકથી લાઈનમાં ઊભા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. શેડમાં જગ્યા હોવા છતાં ખેડૂતોને બહાર લાઈનમાં રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અનેક ખેડૂતોની મગફળી રસ્તા પર પલળી હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યા છે. બે વર્ષ પહેલાં 20 વીઘા જમીન લીધી છતાં હજુ શેડનું કામ અધૂરું છે. માર્કેટિંગ યાર્ડની બેદરકારીને કારણે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે. શેડમાં પાણી ભરાતા મગફળી ઉતારવામાં મુશ્કેલી આવી રહી છે. પાણીમાં ઉતારેલી મગફળી સસ્તા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. મગફળીના પ્રતિમણનો ભાવ માત્ર 800થી 900 રૂપિયા છે. 5 દિવસ અગાઉ જાહેરાત કર્યા હોવાનું માર્કેટ યાર્ડના ચેરમેન રટણ કરી રહ્યા છે.
ભાવનગરઃ ભારે વરસાદથી વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. બંદર ગામે નદીના પાણી બ્રિજ પર ફરી વળતા પ્રસૂતાને હોડીની મદદથી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. ગ્રામનજોએ હોડીની મદદથી પ્રસૂતાને સુરક્ષિત પહોંચાડી હતી. મેડિકલ ઈમરજન્સીમાં રસ્તો બંધ થતા હાલાકી સર્જાઈ છે. મહુવાથી બંદર અને લાઈટ હાઉસ જવાનો રસ્તો બંધ થયો છે. બંધારામાં સતત પાણીની આવકથી રસ્તા બંધ થયા છે.
આણંદ: જિલ્લામાં ગત મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અણધાર્યા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ડાંગરની કાપણી સમયે જ માવઠું આફત બનીને ત્રાટક્યું છે. માવઠાના મારથી ડાંગરના પાકને મોટાપાયે નુકસાન થયુ છે. ધરતીપુત્રોની આશા પર વરસાદે પાણી ફેરવ્યું છે. ઉત્પાદનમાં ઘટાડો અને ઓછા ભાવની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.
કંપનીએ ખોટમાંથી નફો કર્યો. ત્રિમાસિક ધોરણે, તેણે ₹40 કરોડના નુકસાનની સરખામણીમાં ₹719 કરોડનો નફો નોંધાવ્યો. આવક ₹14,812 કરોડથી વધીને ₹16,327 કરોડ થઈ. EBITDA માર્જિન 0.66% થી વધીને 7% થયું.
ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. મહેમદાવાદ, મહુધા, કઠલાલમાં વરસાદ પડ્યો, આ તરફ કપડવંજ, ખેડા અને માતરના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે. તૈયાર થયેલા ડાંગરના પાકને વરસાદથી ભારે નુક્સાન પહોંચ્યુ છે. શાકભાજી અને તમાકુ સહિતના પાકોમાં પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં કાપણી કરીને મૂકેલી ડાંગરમાં પાણી પડવાથી તૈયાર પાકને નુકસાન પહોંચ્યુ છે.
સુપ્રીમ કોર્ટ કેસની સુનાવણી ચાલુ રાખે છે. સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે VI ના 20 કરોડ ગ્રાહકો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સરકારે કંપનીમાં રોકાણ કર્યું છે. સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને એક પ્રસ્તાવ મૂક્યો હતો. કોર્ટની સંમતિથી તેનો અમલ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારે પુનર્વિચાર ન કરવો જોઈએ તેનું કોઈ કારણ નથી. જો સરકાર પુનર્વિચાર કરે છે, તો તેને રોકવાનું કોઈ કારણ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકાર AGR કેસ પર પુનર્વિચાર કરી શકે છે.
વાવ થરાદમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થવા પામ્યુ છે. વરસાદ વચ્ચે તૈયાર પાકને નુકસાનીથી બચાવવા ખેડૂતો મથામણ કરતા જોવા મળ્યા છે. લાખણીના ડેરા ગામના ખેડૂતો દ્વારા મગફળીનો પાક બચાવવાનો પ્રયાસ કરાયો છે. ખેડૂતો દ્વારા પાકને મિણીયાથી ઢાંકીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વધુ વરસાદ પડશે તો ખેડૂતોને વધારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ભાવનગર: ધોધમાર કમોસમી વરસાદ બાદ નદીઓ બે કાંઠે થઈ છે. માલણ ડેમના 34માંથી 30 દરવાજા ખોલવામાં આવ્યા છે. સતત પાણીની આવકને લીધે ડેમના જળસ્તરમાં વધારો થયો છે. ડેમના દરવાજા ખૂલતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે માલણ ડેમના દરવાજા ઓટોમેટિક હોવાથી પાણીનું સ્તર વધતાં જ તેના દરવાજા આપમેળે ખુલ્લા થઈ જાય છે. ડેમના દરવાજા ખુલતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક કરાયા છે.
કંપની શિયાળાની ઋતુ દરમિયાન દરરોજ 250 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. કંપની ઉનાળાની ઋતુ કરતાં શિયાળાની ઋતુ દરમિયાન બમણી ફ્લાઇટ્સનું સંચાલન કરશે. તે શિયાળાની ઋતુ દરમિયાન દરરોજ 250 ફ્લાઇટ્સનું સંચાલન કરશે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. જેમા 3 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઈજાગ્રસ્ત છે. પહેલાં બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કેટલાંક મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી ટ્રક ઊભેલા મુસાફરો પર ફરી વળી. જેના કારણે 20 જેટલા લોકો ઘાયલ થયા છે. તમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ભયાવહ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની ભીતિ છે. કણભા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ઈજાગ્રસ્ત 3 મહિલાઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી વિગતો અનુસાર દુર્ઘટના સવારે 5.45 કલાકે હરણિયાવ ગામ પાસે સર્જાઈ હતી. પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊભા રહી આ મુદ્દે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે કેટલાંક મુસાફરો પણ બસમાંથી નીચે ઉતર્યા હતા. અને તે જ સમયે પાછળથી આવેલી ટ્રક મુસાફરો પર ફરી વળી હતી. ટ્રક રાજસ્થાન પાસિંગની હોવાનું સામે આવ્યું છે.
ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચ વરસાદ ખાબકી જતા મુખ્ય બજારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગાંધીબાગ, કુબેરબાગ, ગાર્ડન રોડ પાણી-પાણી થયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જળબંબાકારની સ્થિતિને પગલે શહેરમાં ધંધાઓ બંધ કરવાની ફરજ પડી છે. પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાયાના આક્ષેપ થઈ રહ્યા છે.
ભાવનગર: મહુવામાં ભારે કમોસમી વરસાદ બાદ હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. મહુવામાં 2 કલાકમાં 3.23 ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં માવઠા બાદ સ્થિતિ વણસી છે.
નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાસી તળાવ, પરશીવન પરા, ભવાની મંદિર રોડ પર જળબંબાકારની સ્થિતિ છે.
ભાદરોડ ઝાપા, નવા ઝાપા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. માલણ નદી બે કાંઠે થતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે.
સાબરકાંઠાઃ પ્રાંતિજ, હિંમતનગર સહિત અનેક સ્થળે કમોસમી વરસાદ પડ્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે. ડાંગર, મગફળી અને શાકભાજી પાકમાં નુક્સાનની ભીતિ
મહીસાગરઃ ખાનપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાનપુર તાલુકાના મુખ્ય મથક બાકોરમાં ભારે વરસાદને પગલે બાકોરના પ્રવેશદ્વારમાં પાણી ફરી વળ્યા છે. રોડ પર પાણી ભરાઈ જતા અવરજવરમાં ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં કમોસમી વરસાદનો પ્રહાર જોવા મળી રહ્યો છે. માવઠાને પગલે તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સિંગણપુર ખાતે છઠ પૂજાની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે. તાપી નદીના કાંઠે ઊભા કરાયેલા મંડપ પાણીમાં ગરક થયા છે. બીજી તરફ પૂજા વિધિ માટે કરાયેલી બેઠકની વ્યવસ્થા પણ પાણીમાં ડૂબી ગઈ છે. યજ્ઞ વેદીઓ પણ પાણીઓ ગરકાવ થઈ છે. જેના કારણે છઠ પૂજા માટે લોકોને તાપી કાંઠે ન આવવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. માવઠાએ આયોજકોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે.
અમરેલી: રાજુલાના રામપરામાં ધાતરવડી નદીના પાણી ફરી વળ્યાં છે. ગામની નદીમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાહન તણાયું હતુ. સ્થાનિકોએ વાહનચાલકનું તાત્કાલિક રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો
એક બાઈક પણ તણાતા બાઈકચાલકનું રેસ્ક્યૂ કરાયું હતુ. ધાતરવડી ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામોમાં મુશ્કેલી સર્જાઈ છે.
વડોદરાઃ સાવલી તાલુકામાં પણ માવઠાનો કેર જોવા મળ્યો. વહેલી સવારથી સાવલી તાલુકામાં ઝરમર વરસાદની શરૂઆત થઈ. કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન પહોંચ્યુ છે. ખેતરમાં તૈયાર થયેલો ડાંગરનો પાક પલળી ગયો છે.
Mphasis એ Mphasis NeoIP ના લોન્ચની જાહેરાત કરી છે, જે એક અગ્રણી કૃત્રિમ બુદ્ધિ (AI) પ્લેટફોર્મ છે જે સતત એન્ટરપ્રાઇઝ ટ્રાન્સફોર્મેશન અને વિશિષ્ટ સ્પર્ધાત્મક લાભ માટે રચાયેલ બહુવિધ Mphasis.AI નવીન ઉકેલોને એકીકૃત કરે છે.
અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલના મહિલા તબીબની દાદાગીરી સામે આવી છે. સારવાર માટે આવેલી બાળકીના સગાને તબીબે લાફો માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. બાળકીને સારવાર માટે લાવેલા યુવક સાથે મહિલા તબીબે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. બાળકીની સારવાર કરવાથી પણ મહિલા તબીબે ઈનકાર કર્યો હતો. યુવક અને મહિલા તબીબ વચ્ચે બબાલનો વીડિયો પણ વાયરલ થયો છે. સોલા સિવિલ ફરી વિવાદમાં આવતા હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઉઠ્યા છે. “મેં આપકે બચ્ચે કા ઈલાજ નહીં કરુંગી”.. આ શબ્દો છે મહિલા તબીબના જેને બાળકીના સગા સાથે દાદાગીરી કરીને. બાળકીની સારવાર માટે જ ઈન્કાર કરી દીધો. હવે હોસ્પિટલ તંત્ર મહિલા તબીબ સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
રાજ્યમાં શિયાળા વચ્ચે ‘ભર ચોમાસા’ જેવી સ્થિતિ સર્જાઈ છે. 4 કલાકમાં 137 તાલુકામાં કમોસમી વરસાદે કેર વરસાવ્યો છે. રાજ્યના 22 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબકયો. સૌથી વધુ અમરેલીના રાજુલામાં 6.22 ઈંચ વરસાદ પડ્યો. ભાવનગરના મહુવામાં 3.39 ઈંચ, ખેડાના ગળતેશ્વરમાં 3.15 ઈંચ વરસાદ ખાબક્યો. 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. વિવિધ તાલુકામાં સવારથી નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.
પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગોધરા, શહેરા, હાલોલમાં માવઠા રૂપી વરસાદ પડ્યો. જાંબુઘોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. માવઠાથી ખેતીના પાકમાં ભારે તારાજી જોવા મળી રહી છે. ડાંગર, કપાસ, તમાકુ, એરંડા સહિતના પાકોને નુકસાન પહોંચ્યુ છે. ગોધરા તાલુકાના નદીસર, જુની ધરી, નવી ધરી, કબીરપુર, ખજુરી, શહેરા તાલુકાના મીરાપુરી, રેણા મોરવા, તરસંગ સહિતના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણીથી તરબોળ થયા છે.
Published On - 11:31 am, Mon, 27 October 25