ભારતે ભૂકંપથી પ્રભાવિત વેનેઝુએલાની મદદ માટે ‘ઓપરેશન એમિસ્ટાડ’ શરૂ કર્યું છે. આ રાહત મિશન હેઠળ ભારતીય વાયુસેનાના બે ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા 30 ટન રાહત સામગ્રી વેનેઝુએલા મોકલવામાં આવી છે. સાથે જ 41 સભ્યોની તબીબી અને રાહત ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. મોકલાયેલી સામગ્રીમાં 6 ટન દવાઓ અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે, જેનાથી ભૂકંપ પીડિતોને તાત્કાલિક મદદ મળી શકશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હાલ સુરત નજીક સ્થિર થયું છે અને આગામી 3થી 4 દિવસમાં તે આગળ વધે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં મોહરમના ઝૂલુસ દરમિયાન એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. વિવાદ દરમિયાન એક જૂથ દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે. તેઓ સવારે ગાંધીનગરમાં ‘ભારત ટેક્સી’ના શુભારંભ પ્રસંગે હાજરી આપશે અને ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ, સંકલન અને મોનિટરિંગ કમિટીની બેઠક યોજશે. સાંજે અમદાવાદના શાહીબાગ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે અને ત્યારબાદ રાણીપ ખાતે આયોજિત લોકદરબારમાં પણ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન મોદી આજથી સેશેલ્સના ત્રણ દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેઓ સેશેલ્સના નેશનલ ડેના ગોલ્ડન જ્યુબિલી સમારોહમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે હાજરી આપશે. પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. ઉપરાંત તેઓ સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરશે અને ભારતીય મૂળના સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે.
આજે 27 જૂનને શનિવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:35 am, Sat, 27 June 26