આજે 27 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદની NIA સ્પેશિયલ કોર્ટનો મહત્વનો ચુકાદો આપ્યો છે. 2019ના પાકિસ્તાની બોટ ડ્રગ્સ કેસમાં ચુકાદો આપ્યો. 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. પાસપોર્ટ નિયમો અને ફોરેનર્સ એક્ટના ભંગ બદલ 6 આરોપીઓ દોષિત. ફોરેનર્સ એક્ટની કલમ 14A(b) હેઠળ 8 વર્ષની સખત કેદની સજા. ફોરેનર્સ એક્ટની કલમ 13(2) હેઠળ 5 વર્ષની સખત કેદની સજા. પાસપોર્ટ (Entry into India) નિયમોના ભંગ બદલ વધુ 5 વર્ષની સખત કેદની સજા. પાકિસ્તાની બોટ ‘અલ-મદીના’ મારફતે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસના લાગ્યા હતા આક્ષેપ.
ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાઅધિકારી અને શાશનાધિકારીને પત્ર લખ્યો છે. ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ (Pre-School)નું સર્ટિફિકેટ ફરજિયાત નથી. પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર. RTE Act-2009 મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે માત્ર બાળકની નિયત ઉંમર જ માન્ય રહેશે. પ્રી-સ્કૂલ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ અથવા પ્રમાણપત્રના અભાવે કોઈ બાળકનો પ્રવેશ નકારી શકાશે નહીં. જો કોઈ શાળા પ્રી-સ્કૂલ સર્ટિફિકેટના નામે પ્રવેશમાં અવરોધ ઉભો કરશે તો સંબંધિત શાળા સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે, 200 માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. આ 200 માર્ગમાં, 13 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. 21 અન્ય માર્ગ છે. પંચાયત હસ્તકના 164 માર્ગ છે. જ્યારે 2 નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે.
અમદાવાદ મહાનગરપાલિકાના આવાસ બાબતે AMC હાઉસિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 7 વર્ષના સમય મર્યાદામાં ભાડે આપનાર મકાનમાલિક સામે કડક પગલા લેવાશે. પહેલી વખત ભાડે આપવા બદલ મકાન માલિકને 50,000 દંડ ફટકારવામા આવશે. એ જ મકાનબીજી વખત ભાડે આપવા બદલ 1 લાખ નો દંડ કરાશે. ત્રીજી વખત ભાડે આપવા બદલ પોલીસ ફરિયાદ અને કોર્ટમાં દસ્તાવેજ કેન્સલ કરવાની કામગીરી હાથ ધરાશે. AMC હાઉસિંગ કમિટીનો ઐતિહાસિક નિર્ણય
રાજ્યભરમાં રખડતા શ્વાનને લઈને ગુજરાત હાઇકોર્ટની સુઑમોટો PIL. કોર્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, પ્રાણી કલ્યાણ બોર્ડ અને નેશનલ હાઇવે ઓથોરિટીને ફટકારી નોટિસ. રાજ્ય સરકાર અને તમામ મનપાએ રખડતા શ્વાનને લઈને કરેલી કાર્યવાહી અંગે માંગ્યો અહેવાલ. રાજ્ય સ્તરીય કાર્યવાહીમાં કયા પ્રકારે પગલાં લેવામાં આવશે તે અંગે પણ વિગતો રજૂ કરવા નિર્દેશ. આગામી સુનાવણી 4 ઓગસ્ટે હાથ ધરાશે.
NEET બાદ હવે ગુજરાતની પ્રતિષ્ઠિત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપરલીકની આશંકાને લઈને વિવાદમાં આવી છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSના શલ્ય તંત્ર-1 વિષયની પરીક્ષા પહેલાં જ મહત્વના મુદ્દાઓ વોટ્સએપ પર વાયરલ થયા હોવાના આક્ષેપથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. યુનિવર્સિટીએ સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરી છે.
ગુજરાતમાં ચોમાસું સક્રિય હોવા છતાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 1.3 ઈંચ નોંધાયો છે, જે સિઝનના સરેરાશનો માત્ર 4.19 ટકા છે. પોરબંદરમાં 5.3 ઈંચ સાથે 15.88 ટકા, રાજકોટમાં 10.7 ઈંચ સાથે 36.91 ટકા, ગીર સોમનાથમાં 17.8 ઈંચ સાથે 43.92 ટકા અને મોરબીમાં 10.5 ઈંચ સાથે 45.49 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ કચ્છ જિલ્લામાં પણ અત્યાર સુધી સિઝનનો માત્ર 19.05 ટકા વરસાદ નોંધાતા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.
રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન બાદ હવે નવા વિવાદે માથું ઊંચક્યું છે. ડિમોલેશન દરમિયાન વીડિયોગ્રાફી કરનાર બાલાજી એન્ટરપ્રાઇઝ નામની પેઢીને ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા સવાલો ઊભા થયા છે. આ મામલે સાંસ્કૃતિક વિભાગના ચેરમેન મનીષ ભટ્ટે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ તમામ નિયમો મુજબ જ આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આ કોન્ટ્રાક્ટ હજુ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને સમિતિ દ્વારા તેની સમીક્ષા કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો સંબંધિત કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે તેમ પણ મનીષ ભટ્ટે સ્પષ્ટ કર્યું છે.
જુનાગઢ જિલ્લાના માણાવદરમાં બોગસ મંડળી કૌભાંડનો મામલો સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉંટડી અને વેકરી ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જાણ બહાર તેમને બોગસ મંડળીઓમાં સભાસદ તરીકે નોંધવામાં આવ્યા છે. ખેડૂતોે આ બોગસ મંડળીઓમાંથી તેમના નામ તાત્કાલિક દૂર કરવા તેમજ તેમને નો-ડ્યુ સર્ટિફિકેટ આપવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.
ગાંધીનગરમાં ભારે વરસાદને પગલે કલેક્ટરે નીચાણવાળા અને નદીકાંઠાના વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાં અનેક લોકો તેની અવગણના કરતા જોવા મળ્યા છે. પોલીસ બંદોબસ્ત અને સતત દેખરેખ છતાં કેટલાક લોકો નદીના પટમાં ફરી રહ્યા હતા, જ્યારે કેટલાક નાહવા અને માછલી પકડવા માટે જીવ જોખમમાં મૂકતા નજરે પડ્યા હતા. ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરીને લોકોને જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવા સૂચના આપવામાં આવી રહી છે, તેમ છતાં બેદરકારીના દૃશ્યો સામે આવી રહ્યા છે. તંત્રે ફરી એકવાર નાગરિકોને જાહેરનામાનું પાલન કરવા અને પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે.
જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી BAMS વર્ષ-3ની ‘શલ્યતંત્ર-1’ વિષયની પરીક્ષાનું પેપર લીક થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. છ દિવસ અગાઉ લેવાયેલી આ પરીક્ષા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી 12 પ્રશ્નોની યાદીમાંથી 11 પ્રશ્નો પ્રશ્નપત્રમાં પૂછાયા હોવાનું સામે આવતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. પેપર લીકની ફરિયાદ મળતા યુનિવર્સિટીએ તાત્કાલિક તપાસ કમિટીની રચના કરી છે. પરીક્ષા નિયામકના જણાવ્યા મુજબ, વાયરલ થયેલા પ્રશ્નો ક્યારે અને ક્યાંથી સોશિયલ મીડિયામાં પ્રસારિત થયા તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ તપાસમાં જે કોઈ કસૂરવાર ઠરશે તેની સામે યુનિવર્સિટીની ગાઇડલાઇન મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પડેલા ભારે વરસાદ બાદ APMCમાં હજુ પણ ચાર દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે. દુકાનોમાં રાખેલો એરંડા, જીરું, અજમો, તલ અને ઈસબગુલ સહિતનો કિંમતી માલ પાણીમાં પલળી જતાં અંદાજે ₹70થી ₹80 લાખનું નુકસાન થયું હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અસરગ્રસ્ત વેપારીઓએ સરકાર સમક્ષ થયેલી નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે અસરકારક વ્યવસ્થા કરવાની પણ અપીલ કરી છે.
બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ નડાબેટનું રણ જાણે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવા અદભૂત દ્રશ્યો સર્જાયા છે. આ અનોખા નજારાને નિહાળવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે. પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નડાબેટ ખાતે પોલીસ અને GRDનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરિયામાં પરિવર્તિત થયેલા રણના મનમોહક દ્રશ્યોને પર્યટકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. સાથે જ કોઈ પ્રવાસી જોખમી રીતે રીલ ન બનાવે અને અકસ્માત ન સર્જાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. નડાબેટ અને આસપાસના પર્યટન સ્થળોએ પણ પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણ્યો હતો.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાઘરેચ ગામમાં પૂરપીડિતોએ સ્થાનિક સરપંચ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોએ સરપંચના ઘરે પહોંચી હલ્લાબોલ કરતાં પૂર દરમિયાન ફસાયેલા લોકોને બચાવવા માટે યોગ્ય આયોજન ન કર્યાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ પૂર દરમિયાન અનેક વખત ફોન કરવા છતાં સરપંચે ફોન પણ ઉપાડ્યા નહોતા, જેના કારણે ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉપરાંત, પૂર બાદ પણ ઘરોમાં પીવાનું સ્વચ્છ પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળતા અંગે લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે. સમગ્ર ઘટનાએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક તંત્ર અને જનપ્રતિનિધિઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
ગુજરાતમાં આજે હવામાન વિભાગે રાજ્યના 20 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સવારે 10 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ યથાવત છે. ઉપરાંત સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય ગુજરાતના છ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે પ્રચંડ ગાજવીજ, તેજ પવન અને ભારે વરસાદને લઈને નાગરિકોને સાવચેત રહેવા તેમજ જરૂરી ન હોય તો બહાર ન નીકળવાની અપીલ કરી છે.
Published On - 7:47 am, Mon, 27 July 26