સુરતના સરથાણા વિસ્તારમાં પ્રતિબંધિત અને નશાકારક દવાઓના ઓનલાઇન વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સરથાણા પોલીસે ગોકુલમ આર્કેડમાં આવેલી દુકાન પર દરોડો પાડી નિકુંજ ગજેરા નામના આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર શિડ્યુલ H1 દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાનું અને તમિલનાડુમાં 1,000થી વધુ ટાપેન્ટાડોલ દવાઓ મોકલવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થીઓ સુધી પણ નશાકારક દવાઓ પહોંચાડવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે, જેમાં દવાઓને કોલ્ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસમાં ભેળવી નશો કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી પાસેથી 200થી વધુ દવાના પેકેટ્સ અને ત્રણ લેપટોપ જપ્ત કર્યા છે. હાલ ડ્રગ્સ વિભાગની મદદથી જપ્ત દવાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં નાર્કોટિક્સના અંશ મળી આવશે તો આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે.
નેપાળના રસૂવા જિલ્લામાં વિનાશક પૂર બાદ બિહારમાં પણ તંત્ર એલર્ટ થઈ ગયું છે. બિહારની ગંડક નદીમાં અચાનક પાણીનું સ્તર વધતાં બગહા સ્થિત ગંડક બેરેજના 36 દરવાજા ખોલી દેવાયા છે. પૂર બાદ ગંડક નદીમાં 3 મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગંડકમાં ફ્લેશ ફ્લડની શક્યતાને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો પ્રવાસ પૂર્ણ કરીને ગુજરાત પરત ફર્યા છે. ગુજરાતમાં વૈશ્વિક રોકાણ આકર્ષવાનો પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. પ્રવાસ દરમિયાન નવા ઉદ્યોગો, નવી ટેક્નોલોજી અને રોજગારીની નવી તકો ગુજરાતમાં આવે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આગામી વાયબ્રન્ટ સમિટમાં વિશ્વની અનેક કંપનીઓ ભાગ લઈને ગુજરાતમાં રોકાણ કરશે. વિશ્વભરના રોકાણકારો ગુજરાતમાં આવે, ઉદ્યોગો સ્થાપે અને રાજ્યના વિકાસમાં ભાગીદાર બને તે સરકારનો મુખ્ય ધ્યેય છે.
નર્મદાના સાગબારા વિસ્તારમાં જંગલની જમીનના વિવાદને લઈને સાંસદ મનસુખ વસાવાની સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોને જમીનના હક અંગે ચર્ચા કરવામાં આવી હતી અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા પૂરાવાના આધારે પાત્ર ખેડૂતોને જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાંબા સમયથી જમીનના હક માટે રજૂઆત કરી રહેલા ખેડૂતોને મોટી રાહત મળવાની શક્યતા છે.
ગીર સોમનાથના તાલાલા પાસે સાસણ રોડ પર મોડી રાત્રે બે રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવા જતા બેફામ કારે બે રિક્ષાને ભીષણ ટક્કર મારતા અફરાતફરી મચી ગઈ હતી. તાલાલાથી જૂનાગઢ ઉર્ષમાં જઈ રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો, જેમાં એક વર્ષના બાળકથી લઈને મહિલાઓ સહિત કુલ 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત 8 લોકોને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે.
નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી સર્જી છે. પૂરના પ્રવાહમાં 1,000થી વધુ લોકો તણાયા હોવાની આશંકા વચ્ચે અત્યાર સુધીમાં 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પૂર બાદ 50 પ્રવાસીઓ સહિત 400 જેટલા વિદેશીઓ અને 133 ભારતીયો લાપતા હોવાની માહિતી સામે આવી છે. કુદરતી આપદામાં 28 જવાનો અને કસ્ટમ ઓફિસના 14 કર્મચારીઓની પણ ભાળ મળી નથી. પૂરનાં પાણીમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટ, અનેક વાહનો, બજાર, કસ્ટમ વિસ્તાર અને પોલીસ ચોકી તણાઈ ગયા છે. સ્થિતિને પગલે નેપાળના પાંચ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે વડાપ્રધાન બાલેન્દ્ર શાહે ઈમરજન્સી બેઠક બોલાવી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી છે.
આજે 27 ઓગસ્ટને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:31 am, Thu, 27 August 26