25 માર્ચના મહત્વના સમાચાર : ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી બિન-શત્રુતાપૂર્ણ જહાજોને પસાર થવાની પરવાનગી જાહેર કરી

આજે 25 માર્ચને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

25 માર્ચના મહત્વના સમાચાર : ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી બિન-શત્રુતાપૂર્ણ જહાજોને પસાર થવાની પરવાનગી જાહેર કરી
| Edited By: | Updated on: Mar 25, 2026 | 10:52 AM

LIVE NEWS & UPDATES

  • 25 Mar 2026 10:52 AM (IST)

    વાયબ્રન્ટ ગુજરાતમાં કાર્યરત ઉધોગ ગૃહમાં કેટલા લોકોને રોજગારી મળી તેની માહિતી મંત્રી પાસે નથી

    વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને મહત્વનો મુદ્દો સામે આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ઉદ્યોગ અને રોજગારી અંગે પ્રશ્ન ઉઠાવતા મંત્રીએ જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત હેઠળ થયેલા MoUમાંથી અંદાજે 75,819 ઉદ્યોગો કાર્યરત થયા છે. સાથે જ લગભગ 47 લાખ કરોડ રૂપિયાના MoU થયા હોવાનો દાવો પણ કર્યો હતો. જોકે, આ ઉદ્યોગોમાં કુલ કેટલા લોકોને રોજગારી મળી અને તેમાં કેટલા ગુજરાતીઓને નોકરી મળી તેની ચોક્કસ માહિતી મંત્રી પાસે ઉપલબ્ધ નહોતી. આ મુદ્દે ગૃહમાં ચર્ચા દરમ્યાન સરકારની માહિતી વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થયા હતા.

  • 25 Mar 2026 10:38 AM (IST)

    ભાવનગર: ડિસ્ટ્રીક્ટ જજ અને વકીલ વચ્ચે જાહેરમાં બબાલ

    ભાવનગરમાં ડિસ્ટ્રીક્ટ જજ અને વકીલ વચ્ચે જાહેરમાં વિવાદ સર્જાયો હતો. બાર કાઉન્સિલ ગુજરાતમાં વિજય મળતા વકીલ અનિરુદ્ધસિંહ ઝાલાનું રૂપમ ચોકથી કોર્ટ સુધી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ કોર્ટ નજીક પહોંચતા ડિસ્ટ્રીક્ટ જજ એચ. એસ. મૂલીયા કોર્ટમાંથી નીચે આવી પહેલા અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ ત્યારબાદ ઢોલ-નગારા બંધ કરવા સૂચના આપતા મામલો ઉગ્ર બન્યો હતો. ઢોલ-નગારા બંધ કરવાની વાતને લઈ જજ અને વકીલ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી, જેના કારણે ત્યાં હાજર લોકોમાં ચકચાર મચી ગઈ હતી.


  • 25 Mar 2026 10:36 AM (IST)

    વિધાનસભા કાર્યવાહીના અંતિમ દિવસે અધિકારીઓને અધ્યક્ષની સખ્ત ટકોર

    વિધાનસભા સત્રના અંતિમ દિવસે અધ્યક્ષે અધિકારીઓને લઈને સખ્ત ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે અધિકારીઓને માત્ર મૂકપ્રેક્ષક તરીકે બેસવા માટે આમંત્રણ આપવામાં આવતું નથી, પરંતુ મંત્રીઓને યોગ્ય અને સમયસર માહિતી પહોંચાડવી તેમની જવાબદારી છે. પ્રશ્નોત્તરી દરમિયાન એક ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં મંત્રીએ માહિતી ઉપલબ્ધ ન હોવાની વાત કરતા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આવી સ્થિતિ સ્વીકાર્ય નથી અને અધિકારીઓએ પોતાની ફરજ પ્રત્યે વધુ જવાબદારી દાખવવી જોઈએ. સમગ્ર સત્ર દરમિયાન અનેક વખત ટકોર કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ પર તેની અસર ન દેખાતા અધ્યક્ષે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

  • 25 Mar 2026 09:47 AM (IST)

    બોટાદના MLA ઉમેશ મકવાણા હાંસીપાત્ર બન્યા

    બોટાદના MLA ઉમેશ મકવાણા વિધાનસભાની પ્રશ્નોતરી દરમિયાન હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા હતા. તેઓ વિષયને સમજી વગર પ્રશ્ન પૂછવા ઊભા થયા હતા, જેમાં ગૃહ વિભાગના SDPO સંબંધિત ચર્ચા ચાલી રહી હતી. પરંતુ ઉમેશ મકવાણાએ ST ડેપો બોટાદમાં બનાવવાના મુદ્દે પ્રશ્ન પૂછતા ગેરસમજ ઉભી થઈ હતી. અધ્યક્ષે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે હાલ SDPO અંગે ચર્ચા ચાલી રહી છે, જ્યારે તેઓ ST ડેપો અંગે વાત કરી રહ્યા છે. આ પછી મકવાણા હાસીપાત્ર બન્યા અને સોરી કહીને બેસી ગયા. આ દરમિયાન મંત્રી કૌશિક વેકરીયાએ હળવા અંદાજમાં જણાવ્યું કે તેઓ ગૃહ વિભાગનો જવાબ આપી શકે છે, જ્યારે આ પ્રશ્ન ST વિભાગનો હોવાથી મંત્રી પ્રવિણભાઈ તેનો જવાબ આપી શકે છે.

  • 25 Mar 2026 09:44 AM (IST)

    બનાસકાંઠાઃ શિહોરીમાં ગેસ એજન્સી બહાર લોકોની લાઇન

    બનાસકાંઠાના શિહોરીમાં ગેસ એજન્સી બહાર લોકોને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. ગેસ બોટલની અછતને કારણે લોકોમાં ભારે પડાપડી અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે, જેમાં મહિલાઓ અને વૃદ્ધોની સ્થિતિ વધુ કઠિન બની છે. જરૂરી સેવાઓમાં આવી રહેલી આ મુશ્કેલીને કારણે સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ છે અને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.

  • 25 Mar 2026 09:05 AM (IST)

    યુદ્ધવિરામની શક્યતા વચ્ચે ક્રૂડઑઈલના ભાવમાં ફરી ઘટાડો

    અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામની શક્યતાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. એશિયન માર્કેટમાં શરૂઆતના કારોબારમાં જ કિંમતોમાં નરમાઈ જોવા મળી હતી, જેમાં WTI અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં અંદાજે પાંચથી છ ટકાનો ઘટાડો થયો છે. મહત્વપૂર્ણ રીતે, ક્રૂડ ઓઈલના ભાવ ફરીથી 100 ડૉલરની નીચે સરક્યા છે, જે વૈશ્વિક બજારો માટે રાહતરૂપ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, મધ્યપૂર્વમાં તણાવ ઓછો થવાની સંભાવનાએ સપ્લાય સંબંધિત ચિંતાઓ ઘટાડતા બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે.

  • 25 Mar 2026 08:09 AM (IST)

    અમદાવાદઃ કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલના પુત્ર યુવરાજ પટેલની ધરપકડ

    અમદાવાદમાં કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલના પુત્ર યુવરાજ પટેલની દારૂ પીને અકસ્માત સર્જવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ મામલે યુવરાજ પટેલ સાથે શ્રીકાંત તોમરની પણ પોલીસે ધરપકડ કરી છે. બે દિવસ પહેલા વાયરલ થયેલા વીડિયોના આધારે માધુપુરા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે 22 તારીખે રાત્રે દધીચી બ્રિજ પાસે આરોપીઓ અને TRB જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ કારચાલકે જ 112 પર ફોન કરી પોલીસને બોલાવી હતી. TRB જવાને કારને પોલીસ સ્ટેશનમાં લઈ જવા જણાવ્યું હતું અને ત્યાં બંને પક્ષે સમાધાન થઈ ગયું હતું. જોકે કારમાંથી દારૂની બોટલ મળવા છતાં તે સમયે કેસ નોંધાયો નહોતો, જેના કારણે સવાલો ઊભા થયા હતા. બાદમાં વીડિયો વાયરલ થતાં પોલીસે ફરી કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

  • 25 Mar 2026 07:55 AM (IST)

    યુદ્ધના 26મા દિવસે ઇરાનનો ઇઝરાયલ પર ઘાતક પ્રહાર

    યુદ્ધના 26મા દિવસે ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. ઇરાને તેલ અવીવ સહિત સેન્ટ્રલ ઇઝરાયલ પર ક્લસ્ટર હેડ અને બેલેસ્ટિક મિસાઇલથી ઘાતક પ્રહાર કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલાઓ બાદ અનેક ઇમારતોમાં ભીષણ આગ લાગી છે, જેના કારણે ભારે નુકસાન થયું હોવાની આશંકા છે. બીજી તરફ, ઇરાકના ઇરબિલ શહેરમાં આવેલ અમેરિકન સૈનિક બેઝ પર પણ ઇરાને ડ્રોન સ્ટ્રાઇક કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધતી જઈ રહી છે.

  • 25 Mar 2026 07:44 AM (IST)

    ગાંધીનગરઃ UCC બિલ પર ભાજપ પ્રદેશ પ્રમુખની પ્રતિક્રિયા

    ગાંધીનગરમાં UCC બિલને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે લગ્ન, વારસાઈ જેવા મુદ્દાઓ પર હવે એકસરખો કાયદો લાગુ થશે, જે દેશની એકતા માટે મહત્વપૂર્ણ પગલું છે. વિશ્વકર્માએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ માત્ર રાજકીય ફાયદા માટે UCCનો વિરોધ કરી રહી છે અને તુષ્ટિકરણની રાજનીતિમાં રાચી રહી છે. તેમણે ઉમેર્યું કે વોટબેંક આધારિત રાજનીતિનો હવે અંત આવશે અને 2022ની ચૂંટણીમાં ભાજપે કરેલો સંકલ્પ પૂર્ણ થયો છે. ઉપરાંત, બિલ પર રચનાત્મક ચર્ચા કરવાની બદલે કોંગ્રેસે વોકઆઉટ કર્યું તે પણ તેમણે નિંદનીય ગણાવ્યું.

  • 25 Mar 2026 07:42 AM (IST)

    સતત 26મા દિવસે મધ્યપૂર્વમાં ભીષણ યુદ્ધ

    મધ્યપૂર્વમાં ચાલુ તણાવ સતત 26મા દિવસે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ઇરાને કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ડ્રોન સ્ટ્રાઇક પછી એરપોર્ટ નજીક ઉભેલા ફ્યૂલ ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો, જેના પરિણામે ભારે નુકસાન થયું હોવાની આશંકા છે. વિસ્ફોટ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોને તાત્કાલિક તહેનાત કરવામાં આવ્યા છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

  • 25 Mar 2026 07:27 AM (IST)

    ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી બિન-શત્રુતાપૂર્ણ જહાજોને પસાર થવાની પરવાનગી જાહેર કરી

    ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી બિન-શત્રુતાપૂર્ણ જહાજોને પસાર થવાની મંજૂરી આપી છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનને આ પરવાનગીની જાણ કરી છે, જો તેઓ ઈરાની અધિકારીઓ સાથે સંકલન કરે. ઈરાની વિદેશ મંત્રાલયે આ માહિતી શેર કરી.

આજે 25 માર્ચને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:26 am, Wed, 25 March 26

Follow Us