સુરતથી રાજસ્થાનના રામસીન જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં કોસંબા-ધામરોડ રોડ પર અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ ડ્રાઇવરે સમયસૂચકતા દાખવી બસને તાત્કાલિક રોડની સાઇડમાં ઊભી રાખી તમામ 21 મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 45 ઈંચ જેટલા ભારે વરસાદે ભારે વિનાશ વેર્યો છે. હુમરણ ગામે વારોલી નદી પર આવેલો બ્રિજ પાણીના પ્રચંડ પ્રવાહમાં તૂટી જતાં અનેક વિસ્તારોનો સંપર્ક ખોરવાયો છે. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ અને બિસ્માર બનતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રએ બ્રિજ પર બેરિકેડ લગાવી અવરજવર પર પ્રતિબંધ મૂકી લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. દેશમાં સૌથી વધુ વરસાદ ધરાવતા ત્રીજા નંબરના તાલુકા તરીકે ઓળખાતા ઉમરગામના 52 ગામોમાંથી 8 ગામ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર તાલુકાનું જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે.
મોરબી જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન કાલિન્દ્રી નદીના કોઝવે પર એક સગીર ઘૂંટણ સુધીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ સગીરનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. ભારે વરસાદને પગલે નદી-નાળા અને કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા તંત્રએ લોકોને આવા સ્થળોથી દૂર રહેવાની અપીલ કરી છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા પાસેથી પસાર થતી મોજ નદીમાં ભારે વરસાદને પગલે પાણીની ભરપૂર આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. અવિરત વરસાદના કારણે નદીની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરી છે. સાથે જ નદી કિનારાના નીચાણવાળા ગામોના લોકોને પણ સાવચેત રહેવા અને જરૂરી હોય તો સુરક્ષિત સ્થળે ખસેડાવા માટે સૂચના આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભીષણ પૂર વચ્ચે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે અત્યાર સુધીમાં 170થી વધુ પૂરપીડિતોને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમનો જીવ બચાવ્યો છે. દમણ અને દાદરા નગર હવેલીના 11 સ્થળોએ સતત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નવસારી, વલસાડ અને પારડીના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અનેક લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. ઉપરાંત વેલસ્પન ઔદ્યોગિક વિસ્તારમાં ફસાયેલા અનેક લોકોનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવતા રાહત કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
આજે 25 જુલાઈને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:48 am, Sat, 25 July 26