25 એપ્રિલના મહત્વના સમાચાર : આવતીકાલે ભારે ગરમીની આગાહી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થશે મતદાન, સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી વોટીંગ

આજે 25 એપ્રિલને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

25 એપ્રિલના મહત્વના સમાચાર : આવતીકાલે ભારે ગરમીની આગાહી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થશે મતદાન, સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી વોટીંગ
| Edited By: | Updated on: Apr 25, 2026 | 8:59 PM

આજે 25 એપ્રિલને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Apr 2026 09:00 PM (IST)

    મહેસાણા: વોર્ડ નં-4ના ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના કેસમાં ફરિયાદ દાખલ

    મહેસાણા: ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલ ખૂની ખેલની ઘટનામાં વોર્ડ નં-4ના ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના કેસમાં ફરિયાદ દાખલ કરાઈ છે.
    કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. પાલિકા ચૂંટણીની અદાવતમાં યુવકની ઘાતકી હત્યા કરાયાનો આરોપ છે. માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા માર્ગ પર બબાલ થઈ હતી. પહેલા બોલાચાલી કરી આરોપીઓએ ઘાતક હુમલો કર્યો હતો. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. હુમલો સુનિયોજીત કાવતરું હતું કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે.

  • 25 Apr 2026 08:30 PM (IST)

    વડોદરાઃ કોંગ્રેસના ઉમેદવાર સામે દારૂનો ગુનો નોંધાયો

    વડોદરાઃ કોંગ્રેસના ઉમેદવાર સામે દારૂનો ગુનો નોંધાયો. વોર્ડ-15ના કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશી સામે ફરિયાદ થઈ છે. કોંગ્રેસ ઉમેદવારે દારૂનો જથ્થો મગાવ્યો હોવાનો આરોપ છે. છોટાઉદેપુરના સંખેડા નજીકથી 293 બોટલ દારૂ ઝડપાયો હતો. દારૂ સાથે ઝડપાયેલા શખ્સે કોંગ્રેસ ઉમેદવારે દારૂ મંગાવ્યો હોવાનો દાવો કર્યો.
    ખોટી રીતે કેસ કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસ ઉમેદવારનો આરોપ છે, સત્તાધારી પક્ષના ઈશારે પોલીસ કામ કરતી હોવાનો આક્ષેપ છે.


  • 25 Apr 2026 08:00 PM (IST)

    અમદાવાદ: મતદાન પહેલા લઘુમતિ આગેવાનનો વીડિયો વાયરલ

    અમદાવાદ: મતદાન પહેલા લઘુમતિ આગેવાનનો વીડિયો વાયરલ થયો છે. લઘુમતી આગેવાન યાસિન મિયાં ઉર્ફે બાપુ ઉસ્માનમિયાનો વીડિયો સામે આવ્યો છે. જેમા તેઓ મુસ્લિમ સમાજને AAP તરફી મતદાન કરવાની અપીલ કરતા જોવા મળ્યા છે. AAP સત્તા પર આવશે તો મસ્જિદ, દરગાહ નહીં તોડે તેવો ઉલ્લેખ છે. રસ્તા પર નમાજ પઢવાની છૂટછાટ મળશે તેવો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ યાસિન સૈયદે જણાવ્યુ કે AAPની દિલ્હીની કામગીરીથી પ્રેરિત થઈ વીડિયો બનાવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓથી પ્રેરિત થયા છીએ

  • 25 Apr 2026 07:30 PM (IST)

    વલસાડઃ વાપી GIDCમાં આવેલી કંપનીમાં ભભૂકી આગ

    વલસાડઃ વાપી GIDCમાં આવેલી કંપનીમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. ક્રિએટિન ટેક્સ્ટાઈલ કંપનીમાં આગ લાગી. પ્લાન્ટના પ્રથમ માળે કાપડના કાચા માલમાં કાપડ અને જ્વલનશીલ પદાર્થના કારણે આગ વધુ પ્રસરી હતી. આગ બાદ કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો.

  • 25 Apr 2026 07:00 PM (IST)

    સુરત: રાંદેરમાં છરાથી લોકો પર હુમલાની ઘટના

    સુરત: રાંદેરમાં છરાથી લોકો પર હુમલાની ઘટના સામે આવી છે. ગુરૂવારે રાત્રે બનેલી ઘટનાનાં CCTV સામે આવ્યા છે. રાંદેર અડાજણના ધનમોરા પાસે આ ઘટના બની હતી. જૂની અદાવતમાં શખ્સે હુમલો કર્યાની આશંકા સેવાઈ છે.

  • 25 Apr 2026 06:42 PM (IST)

    ગુજરાતના 9 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર

    ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યના 9 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર ગયો છે. અમદાવાદમાં સૌથી વધુ 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 43.7 ડિગ્રી, રાજકોટમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ભુજમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ડીસામાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 41.7 ડિગ્રી, સુરતમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

  • 25 Apr 2026 05:38 PM (IST)

    સુરતમાં વિધર્મી દ્વારા કિશોરીની છેડતી મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

    સુરતના અલથાણમાં વિધર્મી યુવકે 12 વર્ષની દીકરીની છેડતી કરતા લોકો એવા રોષે ભરાયા કે ભયાવહ સ્થિતિ ઉભી થઇ. પોલીસે વિધર્મી આરોપી મોહમંદ અઝીઝને ઝડપી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસ આરોપીને લઇને ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં માહોલ તંગ બન્યો. પોલીસે આરોપીને સ્થળ પર લાવી તેની ધોલાઇ કરી. આ પહેલા રાત્રે પણ ભારે બબાલ મચી. લોકોએ છેડતી કરનારા આરોપી યુવકને ઝડપી પાડ્યો અને પોલીસ આવે તે પહેલા જ બરાબરનો મેથીપાક ચખાડ્યો. સગીરા સાથે છેડતીની વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરતા પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિકો અલથાણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા. ઉશ્કેરાયેલી ભીડ બેકાબૂ બનતા પોલીસની હાજરીમાં જ લોકો આરોપી પર તૂટી પડ્યા અને તેને ઢોર માર માર્યો. મધરાત સુધી 4 હજારથી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેતા માહોલ તંગ બન્યો.

  • 25 Apr 2026 05:37 PM (IST)

    જામનગર: દિગ્જામ સર્કલ પાસે લુખ્ખા તત્વોની પોલીસ સામે દાદાગીરી

    જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે લુખ્ખા તત્વોએ પોલીસની સામે જ દાદાગીરી કરી. એટલું જ નહીં પોલીસને હથિયાર બતાવી ખુલ્લેઆમ ધમકી પણ આપી.. લુખ્ખાઓએ ખુલ્લેઆમ ધારિયું બતાવી પોલીસને પડકાર ફેંક્યો. પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જેમાં આરોપીઓ પોલીસ કર્મચારીઓને હથિયાર બતાવતા અને બેફામ અપશબ્દો બોલતા નજરે પડ્યા.

    ​ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી હશન ઉર્ફે જહાંગીર શેખ અને શબ્બીર સંઘારને દબોચી લીધા છે. આ શખ્સો વિરુદ્ધ સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરવા, લોકો પાસેથી પૈસા પડાવવા અને આર્મ્સ એક્ટ હેઠળ કુલ ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી છે.

  • 25 Apr 2026 04:59 PM (IST)

    અમદાવાદ: ગરમીથી મતદાન પ્રભાવિત ન થયા તે માટે વિશેષ વ્યવસ્થા

    અમદાવાદ: ગરમીથી મતદાન પ્રભાવિત ન થાય તે માટે મતદાન મથકો પર વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મતદાન કેન્દ્રો બહાર કાપડના શેડ લગાવી અલાયદી વ્યવસ્થા કરાઈ છે. કેન્દ્ર પર શેડની વ્યવસ્થા ના હોય ત્યાં ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે. ગરમીથી રક્ષણ આપવા શેડ, પાણી, ORS સહિતની વ્યવસ્થા કરાઈ છે.
    રાજકીય પાર્ટીઓએ પણ પોતાના કાર્યકરોને મતદાન અંગે સૂચના આપી છે. મતદાતાઓ ઓછી ગરમીમાં સવારે જ મતદાન કરી લે તેવી અપીલ કરાઈ છે.

    મહત્વનું છે કે આવતીકાલે તમામ ઉમેદવારોનું ભાવી EVM મશીનોમાં કેદ થશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 43 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગરમીમાં મતદાતાઓ પરેશાન ન થાય અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે.

  • 25 Apr 2026 04:57 PM (IST)

    રાજકોટ: વૃદ્ધાને અડફેટે લેતી ST બસના ભયાવહ દ્રશ્યો

    રાજકોટ: વૃદ્ધાને અડફેટે લેતી ST બસના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. પારેવડી ચોકમાં બનેલા બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 17 એપ્રિલે ST વિભાગની વોલ્વો બસે અકસ્માત સર્જ્યો હતોં. અકસ્માત બાદ સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજ્યું હતુ. જંગલેશ્વર વિસ્તારના હુસેની ચોકમાં રહેતા મૃત વૃદ્ધા રહેતા હતા.  મોચીબજારમાં બહેનના ઘરે જતા સમયે આ અકસ્માતનો બનાવ બન્યો. અકસ્માત મામલે બસ ડ્રાઈવર રણજીતસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ છે.

  • 25 Apr 2026 04:52 PM (IST)

    AAP પાર્ટીએ ફિલ્મના દ્રશ્યોનો પ્રચાર માટે ઉપયોગ કરતા થયો વિવાદ

    AAPએ ફિલ્મના દ્રશ્યોનો રાજકીય ઉપયોગ કરતા વિવાદ થયો છે. ફિલ્મના દ્રશ્યોનો રાજકીય રીતે ઉપયોગ કરતા અભિનેતા મલ્હાર ઠાકરે ચીમકી  આપી છે.
    મલ્હારે કહ્યુ મારી ફિલ્મના દૃશ્યોનો રાજકીય ઉપયોગ ન કરો. મારી જાણ વિના ફિલ્મના દૃશ્યોનો ઉપયોગ કર્યો. ફિલ્મના સીન દર્શાવવા બદલ કાયદેસર કાર્યવાહી થઈ શકે. તાત્કાલિક ફિલ્મી દૃશ્યોવાળા વીડિયો ઉતારી લેવા વિનંતિ કરાઈ.

    ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ અભિનેતા મલ્હાર ઠાકરની ફિલ્મ ‘સાહેબ’ના દ્રશ્યનો ઉપયોગ રાજકીય રીતે કર્યો હતો. તેના કારણે આમ આદમી પાર્ટીનું ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ ડાઉન થયું છે.

  • 25 Apr 2026 02:42 PM (IST)

    ગાંધીનગર: પેથાપુરમાં મતદાન પહેલા લાગ્યા AAPના પોસ્ટર્સ

    ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં મતદાન પહેલા અચાનક આમ આદમી પાર્ટી (AAP)ના નામે બેનરો અને પોસ્ટર્સ લગાવવામાં આવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ખાસ કરીને લઘુમતી વસાહતોમાં આ બેનરો જોવા મળતા લઘુમતીઓના મત મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ઊઠ્યા છે. ઘટનાની જાણ થતાં જ તંત્ર સતર્ક બન્યું અને માહોલ બગડે નહીં તે માટે તમામ બેનરો તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા. જોકે આ બેનરો વાસ્તવમાં AAP દ્વારા જ લગાવવામાં આવ્યા હતા કે પછી કોઈ અન્ય વ્યક્તિ અથવા જૂથ દ્વારા કાવતરું રચાયું છે તે મુદ્દે તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. સમગ્ર મામલે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને તંત્ર પણ તપાસ કરી હકીકત બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

  • 25 Apr 2026 01:08 PM (IST)

    રાજકોટઃ ગુજરાતમાં AAPને વધુ એક ફટકો

    રાજકોટમાં આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક રાજકીય ફટકો લાગ્યો છે, જ્યાં હવામાન નિષ્ણાત Paresh Goswamiએ પાર્ટી સાથેનો સંબંધ તોડી દીધો છે. પાર્ટી છોડતી વખતે તેમણે AAPના નેતા Gopal Italia પર તીવ્ર પ્રહાર કર્યા હતા. પરેશ ગોસ્વામીએ આક્ષેપ કર્યો કે છેલ્લા એક વર્ષમાં ગોપાલ ઈટાલિયાએ ખેડૂતોના કોઈ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે માવઠા દરમિયાન પંજાબ સરકાર તરફથી મદદ મળશે તેવી વાતો કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં કોઈ સહાય મળેલી નથી. સાથે જ ખાતરની અછત ન હોવા છતાં ખોટી રીતે ખેડૂતોને એકત્રિત કરીને અછતનો માહોલ ઊભો કરવામાં આવ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો. ગોસ્વામીએ દાવો કર્યો કે આમ આદમી પાર્ટી ખેડૂતો માટે કોઈ નોંધપાત્ર કાર્ય કરતી નથી, જેના કારણે તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે.

  • 25 Apr 2026 12:16 PM (IST)

    જામનગર: લુખ્ખા તત્વોની પોલીસ સામે જ દાદાગીરી

    જામનગર શહેરના દિગ્મામ સર્કલ નજીક પોલીસ સામે જ લુખ્ખા તત્વોની દાદાગીરીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં આરોપીઓ ખુલ્લેઆમ હથિયાર બતાવી પોલીસને ધમકી આપતા અને અપશબ્દો બોલતા નજરે પડ્યા હતા. કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યોમાં એક આરોપી ધારિયું બતાવી પોલીસને પડકાર ફેંકતો જોવા મળે છે, જેને કારણે કાયદો-વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મુખ્ય આરોપી હશન ઉર્ફે જહાગીર શેખ અને શબ્બીર ઉર્ફે બેબો સંઘારને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. તેમના સામે ફરજમાં અવરોધ, ખંડણી અને હથિયાર સંબંધિત ગુનાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે, આ ઘટનાએ ચર્ચા જગાવી છે કે આવા બેફામ તત્વોને પોલીસનો ડર કેમ નથી લાગતો અને ઘટનાસ્થળે જ તેમને કાબૂમાં કેમ ન લેવામાં આવ્યા. રાજ્યમાં કડક કાયદો-વ્યવસ્થાની દાવાઓ વચ્ચે આવા બનાવો સામાન્ય નાગરિકોમાં પણ અસુરક્ષાની લાગણી ઉભી કરે છે.

  • 25 Apr 2026 10:58 AM (IST)

    સુરતમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકો સામે નોંધાઈ ફરિયાદ

    સુરતમાં આમ આદમી પાર્ટી (AAP)માં ટિકિટ માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે. સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક લોકો સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદી નવનીત નાવડીયાએ જણાવ્યું છે કે તેણે પોતાની પત્ની માટે વોર્ડ નં-1માંથી ટિકિટ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પાર્ટીના પ્રભારી Om Prakash દ્વારા ₹18 લાખની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, તેણે ₹3 લાખ ચૂકવ્યા બાદ પણ ટિકિટ આપવામાં આવી નહોતી. આ સાથે જ રૂપિયાની લેતી-દેતીનો કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલાની સત્યતા બહાર લાવવા કાર્યવાહી હાથ ધરી છે.

  • 25 Apr 2026 09:31 AM (IST)

    મહારાષ્ટ્રમાં રીક્ષા ચાલકો માટે મરાઠી ભાષા કરી ફરજિયાત

    મહારાષ્ટ્રમાં પરિવહન વ્યવસ્થાને લઈને રાજ્યના પરિવહન મંત્રી Pratap Sarnaik દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ રાજ્યમાં રીક્ષા અથવા ટેક્સી ચલાવવા માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 1 મે 2026થી અમલમાં આવનારા આ નિયમ હેઠળ તમામ ડ્રાયવરોને મરાઠી ભાષાની પરીક્ષા પાસ કરવી પડશે, નહીં તો તેમના લાયસન્સ રદ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડ્રાયવર કે વાહન માલિક બંને મરાઠી ભાષા બોલી, લખી અને વાંચી શકે તે જરૂરી રહેશે, જેથી મુસાફરો સાથે સંવાદ સરળ બને અને સ્થાનિક ભાષાને પ્રોત્સાહન મળે.

  • 25 Apr 2026 09:30 AM (IST)

    બનાસકાંઠાઃ ચૂંટણી વચ્ચે રાજકીય પક્ષનો દારૂ વહેંચતો કથિત વીડિયો વાયરલ

    બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં ચૂંટણી દરમિયાન રાજકીય ગરમાવો વચ્ચે દારૂ વહેંચાતો હોવાનો કથિત વીડિયો સામે આવતા ચકચાર મચી છે. વાયરલ વીડિયોમાં કારના બોનેટ પર દારૂ મૂકીને ખુલ્લેઆમ વહેંચવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં ભાજપના કાર્યકરો સંકળાયેલા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ઘટનાને લઈને ગામલોકોમાં રોષ ફાટી નીકળ્યો અને લોકોએ દારૂ સાથે કાર પકડી પાડી હતી, પરંતુ લોકો એકઠાં થતા જ કારમાં સવાર લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું કહેવાય છે. સમગ્ર મામલે ચર્ચાઓ તેજ બની છે અને તપાસ બાદ હકીકત બહાર આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

  • 25 Apr 2026 08:52 AM (IST)

    મહેસાણા: મનપાની ચૂંટણીનો જંગ બન્યો લોહિયાળ

    મહેસાણા મનપાની ચૂંટણી દરમિયાન વોર્ડ નં-4માં રાજકીય સ્પર્ધા હિંસક બની જતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલા ઘમસાણમાં ખૂની ખેલ ખેલાયો, જેમાં વોર્ડ નં-4ના ભાજપ ઉમેદવારના ભાણાને તીક્ષણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ અથડામણમાં સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પોલીસે મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી વધુ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.

  • 25 Apr 2026 07:35 AM (IST)

    વિધર્મી શખ્સે યુવતીની છેડતી કર્યાનો આક્ષેપ

    અલથાણ વિસ્તારમાં યુવતીની છેડતી કર્યાની ઘટનાએ લોકોમાં ભારે આક્રોશ પેદા કર્યો હતો. આરોપ છે કે વિધર્મી શખ્સે યુવતી સાથે અણછાજતું વર્તન કર્યું, જેને લઈને યુવતીના પરિવારજનો તાત્કાલિક અલથાણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કડક કાર્યવાહી કરવાની માગણી કરી. ઘટનાની ખબર ફેલાતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને ટોળું એકત્રિત થયું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બળનો પ્રયોગ કરવો પડ્યો અને ટોળાને વિખેરવામાં આવ્યું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય મનુ પટેલ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે, જ્યારે ACP સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ માહિતી એકત્રિત કરી રહી છે.

  • 25 Apr 2026 07:31 AM (IST)

    ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરકચી રાવલપિંડીના નૂર ખાન એર બેઝ પર પહોંચ્યા

    ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરકચી પાકિસ્તાનના રાવલપિંડીના નૂર ખાન એર બેઝ પર પહોંચ્યા.

  • 25 Apr 2026 07:30 AM (IST)

    7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ

    રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તાપમાન હવે મહત્તમ સુધી પહોંચી ગયું છે છતાં પણ હજુ 2 થી 3 ડિગ્રી પારો વધશે તેવી આગાહી આપવામાં આવી છે. 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુછે. ના માત્ર ગુજરાત પણ સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીથી લોકો ત્રાસી ગયા છે..ત્યારે હવામાન વિભાગની આગાહીને જોતા લાગી રહ્યું છે ઉનાળો હજુ પણ આકરો થશે.

Published On - 7:27 am, Sat, 25 April 26

Follow Us