24 જૂનના મહત્વના સમાચાર : અમિત શાહ 3 દિવસની ગુજરાત મુલાકાતે આવશે, અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં રહેશે વ્યસ્ત

આજે 24 જૂનને બુધવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

24 જૂનના મહત્વના સમાચાર : અમિત શાહ 3 દિવસની ગુજરાત મુલાકાતે આવશે, અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં રહેશે વ્યસ્ત
| Edited By: | Updated on: Jun 24, 2026 | 11:07 AM

LIVE NEWS & UPDATES

  • 24 Jun 2026 11:07 AM (IST)

    ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

    ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહેતા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વઘઈ, સાપુતારા અને આહવા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. સતત વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે, જોકે ખેતી માટે અનુકૂળ વરસાદ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતો હવે વાવણીની કામગીરીને વધુ વેગ આપવાની તૈયારીમાં છે.

  • 24 Jun 2026 09:59 AM (IST)

    ભરૂચ: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વધી શકે મુશ્કેલી

    ભરૂચના AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે. પોલીસની છબી ખરડાય તેવા નિવેદન આપવાના મામલે ભરૂચ કોર્ટે ચૈતર વસાવા સામે કાયદાકીય કાર્યવાહી આગળ ધપાવી છે. કોર્ટે તેમને નોટિસ પાઠવી 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે તેડું મોકલ્યું છે. ખાસ કરીને હાલ તેઓ જેલમાં હોવાને કારણે નોટિસની બજવણી જેલમાં પણ કરવામાં આવે તેવી સૂચના કોર્ટે આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે આગામી સુનાવણી દરમિયાન ચૈતર વસાવાની હાજરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


  • 24 Jun 2026 09:49 AM (IST)

    અમિત શાહ 3 દિવસની ગુજરાત મુલાકાતે આવશે

    કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન Amit Shah 26થી 28 જૂન દરમિયાન ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવશે. તેઓ 26 જૂનની સાંજે અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ અમદાવાદ તથા ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો અને બેઠકોમાં ભાગ લેશે. 27 જૂને સવારે મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગાંધીનગર સર્કિટ હાઉસ અને અમદાવાદ સર્કિટ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠકો કરશે. ઉપરાંત સાંજે રાણીપ ખાતે વિકાસ કાર્યો સંબંધિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે. 28 જૂને પણ આગેવાનો સાથે બેઠક યોજવા ઉપરાંત સ્વામિનારાયણ શાળા અને મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમની મુલાકાતને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે.

  • 24 Jun 2026 08:06 AM (IST)

    રાજ્યના 29 તાલુકામાં વરસ્યો નોંધપાત્ર વરસાદ

    ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. રાજ્યના 29 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જ્યારે 6 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 4.33 ઇંચ નોંધાયો છે. ઉપરાંત ડાંગમાં 3.07 ઇંચ અને રાજકોટ જિલ્લાના ગોંડલમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે. કપરાડામાં 1.46 ઇંચ, વાપીમાં 1.42 ઇંચ અને ઉકાઈમાં 1.10 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વાતાવરણ ઠંડું બન્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 24 Jun 2026 08:01 AM (IST)

    હૈદરાબાદઃ ATM કેશ વાનમાંથી 17 લાખની ધોળા દિવસે ચોરી

    હૈદરાબાદના IS સદન વિસ્તારમાં ધોળા દિવસે 17 લાખ રૂપિયાની ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. ATMમાં કેશ લોડ કરવા પહોંચેલી વાનમાંથી તસ્કરો રોકડા 17 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કર્યા છે. ચોરીની આ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

  • 24 Jun 2026 07:50 AM (IST)

    અમદાવાદઃ એલન ઇન્સ્ટિટ્યૂટમાં ફાયર સેફ્ટીની ગંભીર ખામી

    અમદાવાદના સિંધુ ભવન રોડ સ્થિત એલન ઇન્સ્ટિટ્યૂટમાં ફાયર વિભાગના ચેકિંગ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. તપાસ દરમિયાન બેઝમેન્ટ-1 અને બેઝમેન્ટ-2માં અત્યંત જ્વલંતશીલ પદાર્થો મળી આવતા ફાયર સેફ્ટીના નિયમોના ભંગનો આરોપ લાગ્યો છે. હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા આ સંકુલમાં પૂરતી આગ સલામતી વ્યવસ્થાનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે. ફાયર વિભાગે તાત્કાલિક બેઝમેન્ટ ખાલી કરવા નોટિસ ફટકારી છે તેમજ ફાયર NOC રદ કેમ ન કરવી તે અંગે પણ સંસ્થાને કારણદર્શક નોટિસ પાઠવી છે.

  • 24 Jun 2026 07:49 AM (IST)

    સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર

    રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમરેલી અને ભાવનગરમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે છે. ગાજવીજ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ મજબૂત બની છે અને 26 જૂન આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજે 24 જૂનને બુધવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:43 am, Wed, 24 June 26

Follow Us