અમરેલી જિલ્લાના વડિયા-કુંકાવાવ પંથકમાં મુશળધાર વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર પાણીથી તરબોળ બન્યો છે. ધોધમાર વરસાદના કારણે અનિડા નિર્મળ નીર તળાવ છલોછલ ભરાઈ ગયું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારની નદીઓ અને તળાવો પણ પાણીથી છલકાઈ ઉઠ્યા છે. સતત વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
અમદાવાદમાં ભારે વરસાદને એક દિવસ વીતી ગયો હોવા છતાં શેલા વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં રહિશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આકાશ રેસીડેન્સીના બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાતા આશરે 20થી વધુ કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. બીજી તરફ ક્લબ O7 રોડ પણ પાણીમાં ગરકાવ થતાં ગત સવારથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવસારી જિલ્લામાં અંબિકા નદીમાં આવેલા પૂરના કારણે સરીખુર્દ ગામમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. સ્થિતિ ગંભીર બનતાં BN-6 NDRFની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી કુલ 67 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં 25 મહિલાઓ, 20 પુરુષો અને 22 બાળકોનો સમાવેશ થાય છે. ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં અવિરત વરસેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ ઊભી કરી છે. ઈસનપુર-મણિનગર વિસ્તારમાં હજુ પણ જળભરાવની સ્થિતિ યથાવત છે. ધનેશ પાર્ક, હીરાવાડી ટાવર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં મુખ્ય રસ્તાઓ પર અવરજવર પ્રભાવિત થઈ છે. રસ્તાના બંને તરફ પાણી ભરાતા સ્થાનિકોને દૈનિક અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઘરોમાં ભરાયેલા વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી. સ્થાનિક લોકો રાતભર ઉજાગરો કરીને ઘરમાંથી પાણી કાઢવા મજબૂર બન્યા છે. છેલ્લા 30 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકો અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
Ahmedavad Rains: Anandnagar Submerged as Heavy Rains Flood Ahmedabad | Gujarat | TV9Gujarati#Ahmedabad #Anandnagar #HeavyRain #Waterlogging #Floods #Monsoon #RainUpdate #Gujarat #TV9Gujarati pic.twitter.com/KzV3WKIeWv
— Tv9 Gujarati (@tv9gujarati) July 24, 2026
ભાભરમાં માત્ર બે કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. લાટી બજારની દુકાનો અને ખાડીયા વિસ્તારના અનેક ઘરોમાં પાણી ઘૂસતાં લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. ભારે વરસાદ બાદ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા હતા.
નવસારીમાં સતત ધોધમાર વરસાદને કારણે શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી અનેક સ્થળોએ પહેલા માળ સુધી પહોંચી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભારે વરસાદના કારણે અનેક દુકાનો, કારખાનાં અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતાં માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે વેપારીઓમાં ચિંતા વધી છે. શાંતાદેવી વિસ્તારના માર્ગો ટાપુમાં ફેરવાઈ જતાં લોકોની અવરજવર સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે. આ સ્થિતિના કારણે 2 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે, જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
Navsari Rains: Floodwaters Reach First Floor in Navsari, 2,000+ Affected | Gujarat | TV9Gujarati#Navsari #Floods #HeavyRain #Monsoon #ShantadeviRoad #Waterlogging #FloodAlert #Gujarat #TV9Gujarati pic.twitter.com/AldmNpYTM1
— Tv9 Gujarati (@tv9gujarati) July 24, 2026
અમદાવાદમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ફરી એકવાર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. બોડકદેવ વિસ્તારમાં રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોકા સર્કલની આસપાસ આવેલી અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. બીજી તરફ ભારે વરસાદ અને પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થતાં સુરક્ષાના ભાગરૂપે એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. મહાનગરપાલિકાની ટીમો પાણીના નિકાલ અને માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે કામગીરીમાં લાગી ગઈ છે.
Ahmedavad Rains: Anandnagar Submerged as Heavy Rains Flood Ahmedabad | Gujarat | TV9Gujarati#Ahmedabad #Anandnagar #HeavyRain #Waterlogging #Floods #Monsoon #RainUpdate #Gujarat #TV9Gujarati pic.twitter.com/KzV3WKIeWv
— Tv9 Gujarati (@tv9gujarati) July 24, 2026
નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિને કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે હાલાકી સર્જાઈ છે. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે નદીઓના જળસ્તરમાં સતત વધારો થતાં પૂર જેવી સ્થિતિ યથાવત છે. ભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે. અનેક સ્થળોએ પાણીના જોરદાર પ્રવાહને કારણે રેસ્ક્યુ ટીમોને અસરગ્રસ્ત લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર, NDRF અને સ્થાનિક ટીમો સતત બચાવ કામગીરીમાં વ્યસ્ત છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
નવસારી જિલ્લામાં સતત ધોધમાર વરસાદને કારણે કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી જતાં ચીખલી વિસ્તારમાં ભારે હાલાકી સર્જાઈ છે. ચીખલીના પ્રસિદ્ધ મહાદેવ મંદિરની ઉપરથી નદીના પાણી વહેતા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. કાવેરી નદીની સપાટી સામાન્ય ભયજનક સ્તર 19 ફૂટથી વધીને 29 ફૂટ સુધી પહોંચી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને જનજીવન પર વ્યાપક અસર પડી છે. સ્થાનિક તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં સતત ભારે વરસાદને પગલે અંબિકા નદીનું જળસ્તર વધતાં ગણદેવી તાલુકાના ખખવાડા ગામમાં અનેક લોકો પૂરનાં પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. સ્થિતિ ગંભીર બનતાં NDRFની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 38 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. રેસ્ક્યુ કરાયેલા લોકોમાં 17 પુરુષ, 11 મહિલા અને 10 બાળકોનો સમાવેશ થાય છે. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકો પોતાનો જીવ બચાવવા માટે ઘરના છાપરા પર ચઢી ગયા હતા. હાલ NDRFની ટીમ દ્વારા ગણદેવીના સોનવાડી ગામમાં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 255 તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં નોંધાયો, જ્યાં સાડા 19 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. અમદાવાદ જિલ્લાના ધોળકામાં સાડા 18 ઈંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. નવસારી જિલ્લાના ચીખલીમાં સાડા 17 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ખેરગામ અને વલસાડના ઉમરગામમાં 17 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. સુરત જિલ્લાના ઉમરપાડામાં પણ 17 ઈંચથી વધુ વરસાદ નોંધાતા નદીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક વધી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે.
આજે 24 જુલાઈને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:38 am, Fri, 24 July 26