23 એપ્રિલના મહત્વના સમાચાર : હર્ષ સંઘવીની ધમકીથી ગુજરાતની જનતા ડરવાની નથીઃ અમિત ચાવડા

આજે 23 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

23 એપ્રિલના મહત્વના સમાચાર : હર્ષ સંઘવીની ધમકીથી ગુજરાતની જનતા ડરવાની નથીઃ અમિત ચાવડા
| Edited By: | Updated on: Apr 23, 2026 | 9:13 PM

આજે 23 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Apr 2026 08:48 PM (IST)

    ગુજરાતમાં આવતીકાલ 24 એપ્રિલેને શુક્રવારે સાંજે પાંચ વાગે શાંત થશે પ્રચારના પડધમ

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે આવતીકાલ તારીખ 24 એપ્રિલના સાંજના પાંચ વાગ્યે પ્રચારના પડઘમ થશે શાંત. ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા,
    34  જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની આગામી 28 એપ્રિલને રવિવારના રોજ ચૂંટણી યોજાશે.

  • 23 Apr 2026 08:26 PM (IST)

    હર્ષ સંઘવીની ધમકીથી ગુજરાતની જનતા ડરવાની નથીઃ અમિત ચાવડા

    ગુજરાતના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નિવેદનનો અમિત ચાવડાએ  જવાબ આપ્યો છે. હર્ષ સંઘવીને એમની પાર્ટીએ પ્રમોશન આપ્યું પરંતુ નિવેદનો એજ રહ્યા છે. એમના નિવેદનો સતત બેજવાબદારી પૂર્વકના અને કમિટમેન્ટ વગરના છે. આવા વાણી વિલાસ અને ધમકીથી ગુજરાતની જનતા ડરવાની નથી. મુખ્યમંત્રી સાથે એમની રીલ બનાવવાની હોડ ચાલે છે. ગુજરાતને રીલ બનાવવા જેવું હકીકતમાં કરી બતાવો, નહીંતર 2027 માં તમારી રીલ બનશે તેમ અમિત ચાવડાએ કહ્યું હતું.

    કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પંચાયતી રાજની વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું. પંચાયતી રાજને ગુજરાતે મોડલ તરીકે વિકસાવ્યું. ભાજપની કેન્દ્રિયકરણની નીતિના કારણે ગુજરાતનું પંચાયતી રાજ 18 માં ક્રમાંકે પહોંચ્યું છે. ચૂંટાયેલ પ્રતિનિધિઓને સસ્પેન્ડ કરવાનો અધિકાર ભાજપે અધિકારીને આપી દીધો. કોંગ્રેસ પંચાયતી રાજ વ્યવસ્થાને વધારે સુદ્રઢ બનાવશે. સરકાર જ્યારે ઇચ્છે ત્યારે ગ્રામસભા થાય એવી વ્યવસ્થા બનાવીશું. ચૂંટાયેલ પ્રતિનિધિઓને ટ્રાવેલ એલાઉન્સ આપવામાં આવશે. રાજીવ ગાંધી સેવા કેન્દ્રોમાં ઓનલાઇન સેવાઓ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

    વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ના થાય તે માટે મોનિટરિંગ વિજિલન્સ બનાવશે. કોંગ્રેસની તાલુકા-જિલ્લા પંચાયત બન્યા બાદ VCA ને કાયમી કરશે. ગામની વસ્તીના પ્રમાણમાં ગ્રાન્ટની ફાળવણી કરવામા આવશે. ગ્રામ્ય વિસ્તારમાં ગરીબોને પ્લોટ ફાળવણી કરવામાં આવશે. બળવંતરાય મહેતાએ આપેલ પંચાયતી રાજ મોડલને અપનાવીશું તેમ અમિત ચાવડાએ કહ્યું હતું.


  • 23 Apr 2026 06:55 PM (IST)

    પશ્ચિમ બંગાળમાં મતદારોએ કર્યો મતનો વરસાદ, 5 વાગ્યા સુધીમાં 89.93% મતદાન, તામિલનાડુમાં 82.24% મતદાન

    પશ્ચિમ બંગાળમાં મતદાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં, રાજ્યના 16 જિલ્લાની 152 બેઠકો પર પ્રાથમિક અંદાજ અનુસાર 89.93% મતદાન નોંધાયું હતું. અગાઉ, 2021 ની ચૂંટણી દરમિયાન, રાજ્યમાં 81.69% મતદાન થયું હતું. જ્યારે, તમિલનાડુમાં વિધાનસભાની 234 બેઠકો પર 82.24% મતદાન નોંધાયું હતું. જો કે ચૂંટણી સંપન્ન થયા બાદ, મતદાનના આખરી આંકડા આજે મોડી રાત સુધીમાં આવશે.

  • 23 Apr 2026 06:50 PM (IST)

    ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં સાંજે 5 સુધીમાં 54.43 % મતદાન

    ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભા બેઠકની યોજાયેલ પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયુ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત 54.43 % મતદાન નોંધાયું છે. શહેરી વિસ્તારમાં 68 અને ગ્રામ્ય વિસ્તારમાં 238 એમ કુલ 306 મતદાન મથકો પર નાગરિકોએ મતદાન કર્યું હતું.

  • 23 Apr 2026 06:50 PM (IST)

    AAPના MLA ચૈતર વસાવાને હાઈકોર્ટની રાહત

    AAPના MLA ચૈતર વસાવાને હાઈકોર્ટની રાહત મળી છે. નર્મદા જિલ્લામાં પ્રવેશવા હાઈકોર્ટે આપી મંજૂરી. ચૂંટણી સંબધિત કામગીરી માટે HCએ આપી મંજૂરી. અગાઉની અરજીમાં ફરિયાદીને ન મળવાની શરત રાખવામાં આવી હતી. ફરિયાદીને ન ધમકાવવાની શરતોને આધીન મંજૂરી.

  • 23 Apr 2026 04:15 PM (IST)

    પશ્ચિમ બંગાળમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 78.77% મતદાન

    પશ્ચિમ બંગાળમાં આજે પહેલા તબક્કાની ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 78.77% મતદાન નોંધાયું છે. જ્યારે તમિલનાડુમાં 70% મતદાન થયું છે.

  • 23 Apr 2026 02:46 PM (IST)

    ભરૂચઃ ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ

    ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 10 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મેટ્રોપોલિટન એક્ઝીમ કંપનીમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યો હતો. સાથે જ જીઆઈપીસીબી, ઔદ્યોગિક સુરક્ષા તથા આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. દૂર-દૂર સુધી આગના ધુમાડાના ગોટા જોવા મળતા વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી. આ કંપની સ્પેશિયાલિટી કેમિકલનું ઉત્પાદન કરતી હોવાનું જાણવા મળ્યું છે.

  • 23 Apr 2026 02:45 PM (IST)

    ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અટકળો પર સરકારની સ્પષ્ટતા

    ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની અટકળોને લઈને સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. પેટ્રોલિયમ મંત્રાલયે ભાવ વધારાના અહેવાલોને નકારી કાઢતાં જણાવ્યું છે કે સરકાર હાલમાં કોઈપણ પ્રકારના ભાવ વધારા પર વિચાર કરી રહી નથી. મંત્રાલયના જણાવ્યા મુજબ આ પ્રકારના અહેવાલો લોકોને ગેરમાર્ગે દોરવા અને નાગરિકોમાં ભય તથા ગભરાટ ફેલાવવાનો પ્રયાસ છે. છેલ્લા ચાર વર્ષથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર રહી હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયે ‘X’ પર પોસ્ટ કરીને આ અંગે સ્પષ્ટતા આપી છે.

  • 23 Apr 2026 02:32 PM (IST)

    સરકારના પ્રયાસોથી સતત ગેસ પૂરવઠો મળી રહ્યો છે: માંડવિયા

    રાજ્યમાંથી શ્રમિકોના પલાયન અંગે કેબિનેટ પ્રધાન મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે કે સરકારના પ્રયાસોથી સતત ગેસ પૂરવઠો ઉપલબ્ધ રહે છે. તેમણે જણાવ્યું કે દેશમાં ગેસ પુરવઠો, પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. માંડવિયાના કહેવા મુજબ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે અન્ય દેશોમાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે ભારતે પુરવઠા વ્યવસ્થાને સ્થિર રાખી છે.

  • 23 Apr 2026 02:07 PM (IST)

    સુરત: પલસાણામાં ગેસ લીકેજ બાદ લાગેલી આગમાં 6માંથી 3ના મોત

    સુરતના પલસાણા વિસ્તારમાં ગેસ લીકેજ બાદ લાગેલી ભીષણ આગની ઘટનામાં ગંભીર રીતે દાઝેલા 6માંથી 3 લોકોના સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યા છે. મૃતકોમાં ઘર માલિક, પાડોશી મહિલા અને એક માસૂમ બાળકનો સમાવેશ થાય છે. ખુમાનસિંહ વાડી વિસ્તારમાં બનેલી આ દુર્ઘટના ત્યારે સર્જાઈ હતી જ્યારે રસોઈ બનાવ્યા બાદ ગેસ બંધ કરવાનું ભૂલાઈ ગયું હતું. બાદમાં સાંજે લાઈટની સ્વીચ ચાલુ કરતાં જ ગેસ લીકેજના કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

  • 23 Apr 2026 01:34 PM (IST)

    અસારવા વિસ્તારમાં પોલીસ કમિશનરે મતદાન મથકની મુલાકાત લીધી

    અમદાવાદમાં એએમસીની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. અસારવા વિસ્તારમાં પોલીસ કમિશનરે મતદાન મથકોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. શહેરમાં કુલ 1316 બિલ્ડિંગમાં 4172 મતદાન બૂથ ગોઠવવામાં આવ્યા છે, જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે આશરે 8000થી વધુ પોલીસ જવાનો ખડેપગે તૈનાત રહેશે. સાથે જ 7 એસઆરપીની ટુકડીઓ અને પેરામિલેટરી દળ પણ મુકવામાં આવ્યા છે. ખાસ કરીને 419 સંવેદનશીલ બૂથ પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સજ્જ બની છે.

  • 23 Apr 2026 01:05 PM (IST)

    મહીસાગરઃ સરકારી કર્મી ભાજપના ઝંડા લગાવતા નજરે પડ્યા

    મહીસાગર જિલ્લાના કડાણા વિસ્તારમાં સરકારી કર્મચારી દ્વારા ભાજપના ઝંડા લગાવાતા હોવાનો વિવાદ સામે આવ્યો છે. શિક્ષક રાજકીય પ્રચારમાં જોડાયા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેઓ ઝંડા લગાવતા નજરે પડ્યા હતા. આ દરમિયાન સ્થાનિક વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. સ્થાનિકોના સવાલોનો સામનો કરતાં શિક્ષક ત્યાંથી ભાગી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.

  • 23 Apr 2026 12:50 PM (IST)

    રાજકોટઃ મુકુલ વાસનિકની મુલાકાત સમયે જ જુથવાદ સામે આવ્યો

    રાજકોટમાં કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકની મુલાકાત દરમિયાન જ પાર્ટીમાં જુથવાદ ખુલ્લો સામે આવ્યો હતો. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત કાર્યાલયમાં હાજર રહ્યા નહોતાં, જેના કારણે કાર્યાલયને લઈને વિવાદ વધુ ગરમાયો હતો. જાણકારી મુજબ કેટલાક નેતાઓ શહેર કોંગ્રેસના આ કાર્યાલયમાં બેઠક કે મુલાકાત માટે આવતા નથી, કારણ કે આ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની માલિકીનું હોવાને લઈને વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. જોકે મહેશ રાજપૂતે કોઈ વિવાદ ન હોવાનો દાવો કર્યો હતો. મુકુલ વાસનિકને મળવા તેઓ કાર્યાલય સુધી આવ્યા હતા, પરંતુ કારમાંથી ઉતરી અંદર પ્રવેશ કર્યો નહોતો, જેના કારણે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે.

  • 23 Apr 2026 11:52 AM (IST)

    ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26 ટકા મતદાન

    આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 26 ટકા મતદાન નોંધાયું છે. મતદારોમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર વિસ્તાર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધારાસભ્યના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના કારણે આ પેટાચૂંટણી યોજાઈ રહી છે.

  • 23 Apr 2026 11:36 AM (IST)

    જામનગર: રણમલ તળાવમાં ડૂબવાથી બે કિશોરોના મોત

    જામનગરના રણમલ તળાવમાં ડૂબી જવાથી બે કિશોરોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. બંને કિશોરો ગઈકાલે સાંજથી ગુમ હતા, ત્યારબાદ આજે તળાવમાંથી તેમના મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ દુર્ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.

  • 23 Apr 2026 10:05 AM (IST)

    અમદાવાદ: ઓઢવમાં જાહેર કાર્યક્રમમાં જ ભાજપનો વિરોધ

    અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જાહેર કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓનો સ્થાનિકોએ ખુલ્લો વિરોધ કર્યો હતો. પ્રચાર માટે આવેલા નેતાઓ સામે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે લોકો પ્રદર્શન કરતા કાર્યક્રમ દરમિયાન જ માહોલ ગરમાઈ ગયો હતો. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે પાંચ વર્ષ સુધી વિસ્તારની કોઈ મુલાકાત ન લઈ હવે ચૂંટણી સમયે જ નેતાઓ પ્રચાર માટે આવ્યા છે. અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં પણ ભાજપ ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો હતો, જ્યાં ગંદકી અને પ્રાથમિક સુવિધાના અભાવને લઈને લોકોએ નેતાઓને આડેધડ ઘેરી લીધા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ અને મોરચા પ્રમુખ કિરીટ સોલંકી મંચ પર હાજર હતા, પરંતુ વિરોધ વધતા તેઓ કાર્યક્રમ અધવચ્ચે છોડીને રવાના થઈ ગયા હતા.

  • 23 Apr 2026 09:25 AM (IST)

    રાજકોટઃ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર સાધ્યું નિશાન

    રાજકોટમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ઉપલેટાના કોલકી ગામમાં સુરત હવાલાકાંડ અંગે નિવેદન આપતા તેમણે જણાવ્યું કે હારના ભયથી ભાજપ ચૂંટણી જીતવા માટે તંત્રનો ઉપયોગ કરે છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ભાજપે અન્ય પક્ષના ઉમેદવારને ખરીદવા માટે ઓફર આપી હતી. ઈસુદાન ગઢવીએ સવાલ ઉઠાવ્યો કે ભાજપના નેતાઓ પાસે આટલા નાણાં ક્યાંથી આવે છે અને દાવો કર્યો કે તેમના પાસે કરોડો રૂપિયા આંગડિયા મારફત આવ્યા છે.

  • 23 Apr 2026 08:51 AM (IST)

    રાજ્યના 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

    રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં રાજ્યના 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા છે, જ્યારે 24થી 26 એપ્રિલ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 26 તારીખે ચૂંટણીના દિવસે તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને ભારે બફારાનો અનુભવ થઈ રહ્યો છે, તેમજ બપોરના સમયે હીટવેવની શક્યતાને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગરમીથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે અને વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ’ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

  • 23 Apr 2026 08:26 AM (IST)

    મોરબીઃ નાની વાવડી ગામે વ્યાજખોરનો આતંક

    મોરબી જિલ્લાના નાની વાવડી ગામે વ્યાજખોરના આતંકની ઘટના સામે આવી છે, જ્યાં રૂપિયાની ઉઘરાણીના મામલે એક દુકાન બંધ કરાવાતા પરિસ્થિતિ ગરમાઈ ગઈ હતી. મહેશ નામના વ્યાજખોર દ્વારા મહિલાની દુકાન બંધ કરાવવામાં આવતા સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. આ દરમિયાન બનેલી ધક્કામુક્કી અને ભાગદોડમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

  • 23 Apr 2026 08:15 AM (IST)

    અમદાવાદમાં ઈન્ફ્લૂએન્સરને જાહેરાત કરવી ભારે પડી

    અમદાવાદમાં ઈન્ફ્લૂએન્સરને જાહેરાત કરવી ભારે પડી. જાણીતા ઇન્ફ્યુલેન્સર પાર્થ પરમાર , ફિંગર ટિપ્સ નામની કંપનીના CEO સુનિલ પુરોહિત સહિતના લોકોએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યુ. સી.જી રોડ વાઘબકરી ટી સામે જાહેરાત કરવા માટે એક થાર ગાડી તથા ટુવ્હીલરનો ખોટો અકસ્માત કરીને લોકોમાં ભય ઉભો કરીને રીલ બનાવી હતી. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને ફિંગરટિપ્સ કંપનીના CEOએ આ મામલે માફી માગી અને બીજી વખત આવી ભૂલ ન કરવાની ખાતરી આપી..

  • 23 Apr 2026 08:10 AM (IST)

    હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર ઈરાનનું આક્રમક વલણ, દુબઈથી ગુજરાત આવતા જહાજ પર પણ કર્યું ફાયરિંગ

    હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર ઈરાનના આક્રમક વલણની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ કોમર્શિયલ જહાજો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. દુબઈથી ગુજરાત તરફ આવી રહેલા અને મુન્દ્રા પોર્ટ પહોંચવાના માર્ગમાં રહેલા “એપામિનોંડાસ” નામના જહાજને પણ નિશાન બનાવવામાં આવ્યું, જોકે ફાયરિંગ છતાં ભારતીય જહાજના તમામ ક્રુ મેમ્બર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ વચ્ચે IRGC દ્વારા જહાજ પર કબજો કર્યાના દ્રશ્યો પણ સામે આવતા વિસ્તારમાં તણાવનો માહોલ વધુ ગંભીર બન્યો છે.

  • 23 Apr 2026 07:55 AM (IST)

    West Bengal Election 2026: પીએમ મોદીએ લોકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી

    બંગાળમાં મતદાનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કામાં 152 મતવિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે. મતદાનના પ્રથમ તબક્કા પહેલા પીએમ મોદીએ લોકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી હતી. યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ.

  • 23 Apr 2026 07:45 AM (IST)

    બંગાળના આ જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું છે

    બંગાળની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જે જિલ્લાઓમાં મતદાન થશે તેમાં ઉત્તર બંગાળના આઠ, દક્ષિણ બંગાળના ત્રણ અને જંગલમહલ ક્ષેત્રના પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આમાં મુર્શિદાબાદની 22 બેઠકો, કૂચ બિહારની 9, જલપાઈગુડીની 7, અલીપુરદુઆરની 5, કાલિમપોંગની 1, દાર્જિલિંગની 5, ઉત્તર દિનાજપુરની 9, દક્ષિણ દિનાજપુરની 6, માલદાની 12, બીરભૂમની 11, પૂર્વ મેદિનીપુરની 16, પશ્ચિમ બર્ધમાનની 9, ઝારગ્રામની 4, પશ્ચિમ મેદિનીપુરની 15, બાંકુરાની 12 અને પુરુલિયાની 9 બેઠકોનો સમાવેશ થાય છે.

  • 23 Apr 2026 07:34 AM (IST)

    તમિલનાડુની તમામ 234 બેઠકો માટે મતદાન

    તમિલનાડુની તમામ 234 બેઠકો માટે મતદાન યોજાશે. ચૂંટણી પંચે સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. આ વખતે 4,023 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કુલ 57.3 મિલિયન મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે મતદાન કરશે.

  • 23 Apr 2026 07:20 AM (IST)

    આણંદઃ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો જંગ

    આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે કાંટેની ટક્કર જામેલી છે, જ્યાં કુલ 2.45 લાખ મતદારો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને સુચારૂ રીતે પૂર્ણ થાય.

  • 23 Apr 2026 07:20 AM (IST)

    પશ્ચિમ બંગાળમાં 152 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

    પશ્ચિમ બંગાળમાં 152 બેઠકો માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પંચે આ માટે વિસ્તૃત તૈયારીઓ કરી છે. રાજ્યભરમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં1478 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

Published On - 7:16 am, Thu, 23 April 26

Follow Us