ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં ASI સર્વે આજે અંગે સુનાવણી હાથ ધરાશે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેચ સુનાવણી કરી રહી છે. વડોદરા ભાયલી દુષ્કર્મ કેસ મામલે 17 દિવસમાં 6 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર. મહત્વના રિપોર્ટ પણ રજૂ કરાયા. વાવ બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ નક્કી.. સેન્સ પ્રક્રિયામાં 9 નેતાઓએ દાવેદારી કરી હતી. અમદાવાદમાં નકલી જજ સેમ્યુઅલ ક્રિશ્ચન સામે ગુનો દાખલ. પોતે ઉભા કરેલા કોર્ટ રૂમમાં જજ તરીકે વર્તીને દાવાનો નિકાલ લાવતો હતો. પાછોતરા વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા, દક્ષિણ ગુજરાતમાં ડાંગર, તો સૌરાષ્ટ્રમાં મગફળીમાં ભારે નુકસાન થયુ. રાજ્યમાં આગામી 2 દિવસ રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગની આગાહી.. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને મહાવિકાસ અઘાડીમાં વાતચીત યોગ્ય દિશામાં થઈ રહી હોવાનું સૂત્રોનું કહેવું છે. ગઠબંધનનો એવો પ્રયાસ છે કે, આજે જ બેઠકોની વહેંચણી અંગેના મામલાને ઉકેલી નાખવો. આ પછી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવશે તેવુ સૂત્રોએ જણાવ્યુ છે.
અમદાવાદના વટવામાં યુવકને ટોળાએ માર મારતા ગંભીર ઇજાઓને કારણે મોત થયું છે. વટવાના દુર્ગાનગર ચાર રસ્તા નજીક વહેલી સવારે આ બનાવ બન્યો હતો. રાજભાઈ ડબગર નામના 22 વર્ષીય યુવકને ટોળાએ માર મારતા મોત થયું છે. મોબાઈલની ચોરીનો તેના પર આક્ષેપ કરાયેલો જેનાથી ટોળાએ માર માર્યો હતો. પોલીસે આ પ્રકરણમાં ચારથી વધુની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જંગલમાં આદિવાસી મહિલાને બીટગાર્ડ દ્વારા માર મારવાના કિસ્સાને લઈને ટોળા સાથે ડેડીયાપાડા પોલીસ સ્ટેશને પહોચ્યા હતા. ચૈતર વસાવાએ 24 કલાકમાં આરોપીને પકડવા અલ્ટિમેટમ આપ્યું છે. આદિવાસી મહિલાને એક બીટ ગાર્ડે ઢોર માર માર્યો હોવાનો આરોપ છે. મહિલા ઢોર ચરાવવા ગઈ હતી ને ફોરેસ્ટ ના બીટ ગાર્ડ એ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિત મહિલાને લઈને ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા પીડિત મહિલા ચાલી પણ ન શકે તેવી પરિસ્થિતિમાં હોવાની વાત સામે આવી છે. જો 24 કલાકમાં આરોપીઓને પકડવામાં નહિ આવે તો ફોરેસ્ટ ખાતાની ઓફિસે ધામા નાખવાનો ચૈતર વસાવાએ ઉચ્ચાર કર્યો છે. ર
અમદાવાદ આરટીઓ કચેરીમાં જનારા દ્વિચક્રિય વાહનચાલકો હેલ્મેટ વિનાના હશે તો તેમની સામે કાનૂની અથવા દંડનીય કાર્યવાહી થશે . અમદાવાદની આરટીઓ કચેરીમાં અરજદારો અને શહેરીજનો માટે હેલ્મેટ અને નિયમ પાલન જરૂરી હોવાનુ આરટીઓએ ઠરાવ્યું છે. જો ટ્રાફિકના નિયમ કે, કાયદાનો અનાદર થશે તો વાહનમાલિક સામે કાનૂની અથવા દંડનીય કાર્યવાહી હાથ ધરાશે. આરટીઓ કચેરીમાં તમામ સ્તરના અધિકારી અને કર્મચારી માટે પણ હેલ્મેટનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
બોગસ કોર્ટ બનાવીને ગોરખધંધા કરતા નકલી મેજીસ્ટ્રેટે, પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની લેખિત ફરિયાદ કરી છે. જ્યારે મેજીસ્ટ્રેટે, નકલી મેજીસ્ટ્રેટને પોલીસથી કોઈ ફરિયાદ છે તેમ પુછ્યું ત્યારે નકલી મેજીસ્ટ્રેટ મોરીસે હા કહીને ગુનો કબૂલવા માટે પીઆઈએ જાંઘના ભાગે માર માર્યો હોવાનું જણાવ્યું હતું.
સુરતના ડુમસના ભીમપુર ખાતે આવેલી સરકારી જમીન પરના દબાણ દૂર કરાયા છે. છ જેટલી દુકાનો અને એક કેફેનું ગેરકાયદે દબાણ પાલિકાએ દૂર કર્યું છે. સરકારી જમીન પર દબાણો કરી મહિને ભાડા વસૂલવામાં આવતા હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.
બોગસ કંપની ખોલીને જીએસટીની ચોરી બાબતેના કેસમાં પકડાયેલ પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલ વધુ એક કેસ સામે આવી શકે છે. સૂત્રો દ્વારા સામે આવેલ માહિતી અનુસાર ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઓફિસમાં ગાંધીનગર પોલીસે દરોડા પાડ્યા છે. મેરીટાઈમ બોર્ડની મહત્વની માહિતી લીક કરવાના કેસમાં તપાસની કાર્યવાહી થઈ રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ગાંધીનગર પોલીસની છ ટીમ ત્રાટકીને તપાસ કરી રહી છે. આજે સાંજ સુધીમાં વધુ એક-બે ફરિયાદ દાખલ થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. EDએ મહેશ લાંગાના ફોન અને એકાઉન્ટનું ડિજિટલ વિશ્લેષણ કર્યું હતું. જેના આધારે આ કાર્યવાહી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં વધુ દરોડા પડવાની શક્યતાઓ છે. કેટલાક સરકારી અધિકારીઓની પણ પૂછપરછ થવાની સંભાવના છે.
ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત લેજિસ્લેટિવ ડ્રાફટીંગ સેમિનારમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, હવે હુ જે કહેવાનો છુ તેનાથી વિવાદ થશે, પરંતુ કહેવું જરુરી છે. લેજિસ્લેટિવ ડ્રાફટીંગમાં જેટલો ગ્રે એરિયા ઓછો થાય એટલો ન્યાય તંત્રનો હસ્તકક્ષેપ ઓછો થાય. કાયદામાં સ્પષ્ટતા જેટલી વધુ એટલી જ ન્યાયતંત્રની દખલ ઓછી રહેશે.
બોટાદ જિલ્લાના ધંધુકામાં આવેલા આર એમ એસ હોસ્પિટલના ટ્રસ્ટીની કરપીણ હત્યા કરવામાં આવી છે. બરવાળા તાલુકાનાં ભીમનાથ ગામે ધરમશીભાઈ મોરડીયા પર જીવલેણ હુમલો કરાયો હતો. સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલ ખાતે લાવતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પાટીદાર સમાજના અગ્રણી અને અનેક સંસ્થાઓ સાથે સંલગ્ન હતા ધરમશીભાઈ મોરડીયા. જો કે તેમની હત્યાનુ કારણ હજુ અકબંધ રહ્યું છે. સમગ્ર મામલે બરવાળા પોલીસ સહિત જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોચી છે.
સંસદમાં વક્ફ જેપીસીની બેઠક દરમિયાન સાંસદો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ત્યાં રાખેલી કાચની પાણીની બોટલ ઉપાડીને ટેબલ પર ફેંકી દીધી અને તેના કારણે તેઓ ઘાયલ થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે આણંદ સ્થિત NDDBના હિરક જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહી સહકારી માળખાને વધુને વધુ મજબૂત બનાવવા હાકલ કરી. અમિત શાહે જણાવ્યું કે સહકારિતા આંદોલનને કારણે જ આજે શ્વેત ક્રાંતિમાં પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યુ- દૂધમાં મિલાવટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ અમૂલમાં મિલાવટ કેમ નથી થતી ? કેમકે અમૂલના કોઇ માલિક જ નથી. જો માલિક હોય તો લોભ જાગે, પરંતુ અમૂલના કોઇ માલિક જ નથી,એટલે જ મિલાવટ પણ નથી. ખેડૂતો જ અમૂલના માલિક છે.
દૂધમાં મિલાવટ અને નકલી દૂધ મુદ્દે કેન્દ્રીય પ્રધાને ચિંતા વ્યક્ત કરી. આણંદમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી પ્રધાન રાજીવ રંજન સિંહે નિવેદન આપ્યુ કે હાલમાં માર્કેટમાં નકલી દૂધ વધારે વેચાઇ રહ્યું છે. નકલી દૂધમાં યુરિયા જોવા મળી રહ્યું છે. તહેવારો પર ફૂડ વિભાગે વધુ ચેકિંગ કરવાની જરૂર છે.
દર વર્ષે 24 મી ઓકટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતમાં 24 મી ઓકટોબરે સરકારી કચેરીઓ ઉપર ભારતના રાષ્ટ્રધ્વજની સાથે ધ્વજ સંહિતાની સૂચનાઓ અનુસાર રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવીને ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.
દેશભરની 20 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. જેમાં ઈન્ડિગો એરલાઈન્સની 10 અને વિસ્તારાની 10 ફ્લાઈટ્સ સામેલ છે. જે વિમાનો પર બોમ્બની ધમકીઓ મળી છે તેમાંથી મોટાભાગના વિમાનો આંતરરાષ્ટ્રીય છે. છેલ્લા એક સપ્તાહમાં ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત 100 થી વધુ ફ્લાઇટ્સ પર બોમ્બની ધમકીઓ મળી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ કહ્યું હતું કે બોમ્બની ધમકી અફવા હોઈ શકે છે, પરંતુ આવી બાબતોને હળવાશથી લઈ શકાય નહીં.
પાટણઃ દુનાવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય સામે છેડતીનો આરોપ છે. પ્રવિણ પટેલ સામે છેડતીનો આરોપ લાગ્યો છે. બાળકીઓએ આચાર્યની કરતૂતની ફરિયાદ પરિવારજનોને કરી હતી. બાળકીઓના વાલીઓએ ફરિયાદ નોંધાવી છે. હારીજ પોલીસે આચાર્ય સામે કાર્યવાહી શરુ કરી છે.
અમદાવાદઃ સિંધુભવન મલ્ટી લેવલ પાર્કિંગથી ફીડર બસ શરૂ કરવામાં આવી છે. સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે ફીડર બસને લીલીઝંડી અપાઇ. સિંધુભવન મલ્ટી લેવલ પાર્કિંગથી થલતેજ મેટ્રો સ્ટેશન થઈને પકવાન સર્કલથી માનસી ટાવર સુધી ફીડર બસ જશે. એએમસી દ્વારા ફીડર બસ સેવા શરૂ કરાઇ છે.
PM મોદી 16માં BRICS સમિટમાં ભાગ લેવા રશિયા રવાના થયા છે. ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની શક્યતા છે. વ્લાદિમીર પુતિન સાથે પણ વડાપ્રધાન મુલાકાત કરશે. સમિટમાં વૈશ્વિક પડકારો મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરાશે. આર્થિક સહયોગ, જળવાયુ પરિવર્તન જેવા મુદ્દે ચર્ચા સંભવ છે. આંતરરાષ્ટ્રીય સુરક્ષા જેવા વૈશ્વિક પડકારો મુદ્દે ચર્ચા થઇ શકે છે. PM મોદી BRICSના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ત્રણ મહિનામાં બીજીવાર PM મોદી રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આજે જન્મદિવસ છે. PM મોદીએ અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને લખ્યુ અમિત શાહે ભાજપને મજબૂત કરવામાં જિંદગી સમર્પિત કરી.
અમિત શાહ મહેનતુ નેતા અને ઉત્તમ વહીવટકર્તા છે. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં શાહની મહત્વની ભૂમિકા છે. અમિત શાહના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના છે.
સોના અને ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. દિવાળીનો તહેવાર નજીક આવતા જ સોનાના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સોનું 80 હજાર 700 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે.
ચાંદી 97,000 રૂપિયાના સ્તરે પહોંચી છે. ગત સપ્તાહમાં શરૂ થયેલી તેજી આજે પણ અકબંધ છે.
ગાંધીનગર: રાજય સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ મળી છે. વર્ગ-4 ના અંદાજે 17,700થી વધુ કર્મીઓને લાભ મળશે. કર્મચારીઓને 7હજારની મર્યાદામાં એડહોક બોનસ ચુકવાશે. CMએ રાજ્ય સરકારના નાણાં વિભાગને સૂચના આપી છે.
ભરૂચમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે પાછોતરા વરસાદથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ખેડૂતોના તૈયાર કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
Published On - 7:29 am, Tue, 22 October 24