21 માર્ચના મહત્વના સમાચાર : LPGની અછત વચ્ચે ફરી રાહતના સમાચાર, વધુ બે ભારતીય ગેસ ટેન્કર હોર્મુઝની ખાડી કરશે પાર

આજે 21 માર્ચને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

21 માર્ચના મહત્વના સમાચાર :  LPGની અછત વચ્ચે ફરી રાહતના સમાચાર, વધુ બે ભારતીય ગેસ ટેન્કર હોર્મુઝની ખાડી કરશે પાર
| Edited By: | Updated on: Mar 21, 2026 | 10:38 AM

LIVE NEWS & UPDATES

  • 21 Mar 2026 10:38 AM (IST)

    ઑઈલ મુદ્દે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીની મોટી ચેતવણી

    ઑઈલ અને ગેસના વૈશ્વિક બજારમાં ઊર્જા સંકટ વધવાની ભયંકર શક્યતા સામે આવી છે. આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સી (International Energy Agency)એ ચેતવણી આપી છે કે ખાડી દેશોમાં યુદ્ધને કારણે વિશ્વના ઑઈલ અને ગેસ સપ્લાય પર ગંભીર અસર પડી છે. IEAના ચીફના નિવેદન અનુસાર, વર્તમાન સ્થિતિ સામાન્ય થવામાં આશરે છ મહિનાનો સમય લાગી શકે છે. હાલમાં વિશ્વના કુલ ઓઇલ અને ગેસ સપ્લાયનો લગભગ 20 ટકા હિસ્સો બંધ છે, અને યુદ્ધને કારણે રિફાઈનરીઓને નુકસાન પહોંચ્યું છે. IEAએ જણાવ્યું છે કે સપ્લાય પુનઃ શરૂ કરવામાં સમય લાગશે, અને જો કટોકટી લાંબી ચાલે તો તેની અસર વૈશ્વિક GDP પર પણ પડી શકે છે. આથી, વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા વધી ગઈ છે અને ઑઈલ-ગેસ સપ્લાય જાળવવા માટે તરત પગલાં લેવામાં આવવાની જરૂર છે.

  • 21 Mar 2026 10:33 AM (IST)

    વાવ થરાદ: જન્મદિવસની ઉજવણીમાં હવામાં ફાયરિંગ, 2ની ધરપકડ

    વાવ-થરાદ વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન હવામાં ફાયરિંગ કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર, SOGની ટીમે બંદૂકથી હવામાં ફાયરિંગ કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. ધરપકડ થયેલા આરોપીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ આરોપીઓએ પોતાનું ફાયરિંગ કરતો વીડિયો પણ વાયરલ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો. તપાસમાં જાણવા મળ્યું કે ફાયરિંગ કંપનીના સિક્યુરિટી ઓફિસરના જન્મદિવસના પ્રસંગે કરવામાં આવ્યું હતું. આ મામલે TV9ના અહેવાલના પ્રકાશન પછી કાર્યવાહી ઝડપી કરવામાં આવી છે.


  • 21 Mar 2026 09:58 AM (IST)

    ગુજરાતમાં લાગુ થનાર સમાન નાગરિક સંહિતાનો વિરોધ

    ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને લઇને પ્રતિક્રિયા જોવા મળી છે. અમદાવાદની Jama Masjid ખાતે ઈદની નમાજ પછી મસ્જિદ બહાર વિવાદાસ્પદ વિરોધ કરવામાં આવ્યો. આ વિરોધ કાર્યક્રમ AIMIMના હોદેદારો દ્વારા યોજાયો હતો, જ્યાં તેમણે પ્લે કાર્ડ બતાવી પોતાના આક્રોશ વ્યક્ત કર્યો. ઘટનાની વચ્ચે AIMIMના કેટલીક કાર્યકરોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

  • 21 Mar 2026 09:34 AM (IST)

    ગીર સોમનાથ: વેરાવળના જાલેશ્વરમાં બે જૂથ વચ્ચે અથડામણ

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અચાનક અથડામણ સર્જાતાં તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી. અજાણ્યા કારણોસર બંને જૂથોએ લાકડી, ડંડા અને અન્ય હથિયારો વડે એકબીજા પર હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર થોડા સમય માટે યુદ્ધના મેદાન જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અથડામણ દરમિયાન ત્રણ યુવકોને ઇજા પહોંચી હતી, જેમને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જણાવવામાં આવે છે કે આ ઘટના ત્રણ દિવસ પહેલાં બની હતી, જેના વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને પરિસ્થિતિ કાબૂમાં લાવવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

  • 21 Mar 2026 08:59 AM (IST)

    વધુ બે ભારતીય ગેસ ટેન્કર હોર્મુઝની ખાડી પાર કરશે

    LPGની અછત વચ્ચે એક રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, વધુ બે ભારતીય ગેસ ટેન્કર—પાઈન ગેસ અને જગ વસંત—જલ્દી જ Strait of Hormuz પાર કરવા તૈયાર છે. આ બંને ટેન્કર શારજાહ નજીકથી રવાના થવાના છે, જેમાં પાઈન ગેસને Indian Oil Corporation દ્વારા અને જગ વસંતને Bharat Petroleum Corporation Limited દ્વારા ભાડે લેવામાં આવ્યા છે. મરીન ટ્રાફિક શિપિંગ ડેટાના આધારે કરવામાં આવેલા આ દાવાઓ વચ્ચે એ પણ સામે આવ્યું છે કે હાલ ભારતના આશરે 22 જહાજો હોર્મુઝની ખાડી વિસ્તારમાં અટવાયેલા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ જહાજોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેનાથી LPG સપ્લાયમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 21 Mar 2026 07:51 AM (IST)

    સુરત : પ્રદીપ ગુરુના પાખંડ અંગે વધુ એક ખુલાસો

    સુરતમાં પ્રદીપ ગુરુ સામે પાખંડ અને છેતરપિંડીના વધુ એક ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. પાટીદાર આગેવાન મહેશ વાઘાણીએ દાવો કર્યો છે કે પ્રદીપે આશ્રમ બનાવવા માટે યોગી ચોક વિસ્તારની મહિલાઓ પાસેથી વિવિધ સતીઓના નામે ગ્રુપ બનાવી ફાળો ઉઘરાવ્યો હતો. મહેશ વાઘાણી મુજબ, આ રીતે એકત્ર કરાયેલા પૈસાનો ઉપયોગ આશ્રમ નિર્માણ માટે કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે મહેશ વાઘાણી અને તેમના ગ્રુપે અગાઉ પણ પ્રદીપના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. વધુમાં, પ્રદીપે ઝેરી દવા પી અને ખોટા કેસો કર્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જેને લઈને સમગ્ર મામલો વધુ વિવાદાસ્પદ બન્યો છે.

  • 21 Mar 2026 07:32 AM (IST)

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નાટો દેશો પર ભડક્યા

    ડોનાલ્ડ ટ્રમ્પે નાટો સહયોગી દેશોને આડેહાથ લેતા કહ્યું કે તેઓ ન્યૂક્લિયર તાકાત ધરાવતા ઈરાનને રોકવાની લડાઈમાં સામેલ થવા માગતા નહોતા. હવે જ્યારે આ લડાઈ સૈન્ય રીતે જીતી લેવામાં આવી છે, ત્યારે તેઓ તેલના ઊંચા ભાવની ફરિયાદ કરી રહ્યા છે. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેને ખુલ્લી રાખવા માટે સૈન્ય મદદ આપવી સરળ છે, પરંતુ સહયોગી દેશો તેમાં પણ પાછળ હટી રહ્યા છે. આ એક ખૂબ જ સરળ સૈન્ય પગલું છે, જેમાં જોખમ ઘણું ઓછું છે, પરંતુ તેઓ મદદ કરવા માગતા નથી. તેઓ કાયર છે, અને અમે આ યાદ રાખીશું.

આજે 21 માર્ચને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:29 am, Sat, 21 March 26

Follow Us