આજે 21 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
એન્ડી બર્નહામ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. તેમના નવા મંત્રીમંડળમાં, તેમણે ભારતીય મૂળના કનિષ્ક નારાયણને AI મંત્રી અને લિસા નંદીને સંસ્કૃતિ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. બ્રિટન સરકારે ડિજિટલ ID યોજના રદ કરી છે. અર્થતંત્ર, ઇમિગ્રેશન, સંરક્ષણ ખર્ચ અને કલ્યાણ સુધારા ઉપર ભાર મૂક્યો છે.
ACB ના DIG સાથે લાખોની ઠગાઈ થવા પામી છે. ચાંદખેડામાં ફ્લેટ વેચવાના નામે ઠગાઈ થવા પામી છે. 61 લાખમાં ફ્લેટ ખરીદ્યા બાદ, તેમને તે ફ્લેટના દસ્તાવેજ ના કરી આપ્યા હોવાનુ ACB ના DIGએ જણાવ્યું છે. સિનિયર IPS પી.એલ માલએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. અમિત જાની અને પત્ની સામે નોંધાયો ગુનો. ચાંદખેડા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
GEN-Zના આંદોલનને લઈ અમદાવાદ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા, કોમર્સ 6 રસ્તા પાસે, અમદાવાદ પોલીસ ગોઠવાઈ ગઈ છે. GEN-Z આંદોલનકારીઓ એકત્રિત થવાની ભીતિને લઈ પોલીસ ખડકાઈ હોવાનું સામે આવ્યું છે. ઝોન 1 DCP, એસીપી, PI, IB ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનો વચ્ચે, કોકરોચ જનતા પાર્ટીએ તેના પ્રવક્તા, વિજેતા દહિયાને તેમના પદ પરથી હટાવી દીધા છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે અમારા પ્રવક્તા, વિજેતા દહિયાના અત્યંત અસંવેદનશીલ કૃત્યોની સખત નિંદા કરીએ છીએ. શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ અને અમારી ટીમને ક્રૂર પોલીસ હિંસાનો સામનો કરતી વખતે જેમનો વીડિયો સામે આવ્યો હતો. આવું વર્તન અસ્વીકાર્ય છે, નિર્ણયનો અભાવ દર્શાવે છે અને અમારા આંદોલનના મૂલ્યો અને સિદ્ધાંતોની સંપૂર્ણપણે વિરુદ્ધ છે. અમે કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા પદ પરથી વિજેતા દહિયાને દૂર કરી રહ્યા છીએ અને તેમને તમામ સત્તાવાર ફરજોમાંથી મુક્ત કરી રહ્યા છીએ.”
નવસારી શહેર અને જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસેલા વરસાદને પગલે 98 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તકના 98 રસ્તાઓ થયા બંધ. ચીખલી તાલુકામાં સૌથી વધુ 22 રસ્તાઓ બંધ છે. જ્યારે ગણદેવી તાલુકામાં 21 રસ્તાઓ બંધ છે. તો નવસારી તાલુકામાં 20 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બંધ થતાં ધંધા રોજગારી ગયેલા લોકો પરત ફરતી વખતે ચકરાવો ખાવા મજબૂર
કર્ણાવતી એક્સપ્રેસને નવસારી સ્ટેશન ખાતે મંજૂર કરાયું નવું સ્ટોપેજ. સ્થાનિકો અને દૈનિક પ્રવાસીઓની વર્ષો જૂની માંગણીને આખરે રેલવે બોર્ડ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. વલસાડ સુધી ચાલતી બોરીવલી-વલસાડ મેમૂ (69139) સેવાને હવે સુરત સુધી વિસ્તારવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ રજૂઆત કરી સફળતા મેળવી. સુરત અને મુંબઈ તરફ જવા-આવવા માટે દક્ષિણ ગુજરાતના નાગરિકોની મુસાફરી વધુ સરળ બનશે. વંદે ભારત એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ જેવી પ્રખ્યાત ટ્રેનોના સ્ટોપેજ અંગે પણ ટૂંક સમયમાં હકારાત્મક સમાચાર મળી શકે છે.
ગુજરાતના દરિયાકાંઠે વાતાવરણ બદલાયું. અમરેલીના જાફરાબાદ બંદર ઉપર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવીને દરિયાઈ માર્ગે આવ-જા કરતા જહાજો, વહાણને સાવચેત રહેવા વહેતો કર્યો સંદેશ. સમુદ્રમાં ખરાબ હવામાન અને તિવ્ર પવન ફુકાવાની શક્યતા છે. હાલ તો, સાવચેતીના ભાગરૂપે 3 નંબરનુ સિગ્નલ લગાવ્યું.
વિપક્ષ કોંગ્રેસ પાર્ટી, પેપર લીકના મુદ્દા પર, મોદી સરકાર પર નિશાન સાધી રહી છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિત અનેક અગ્રણી નેતાઓએ વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણા કર્યા છે.
ભાવનગરના સિહોરના ધ્રુપકા ગામે સિંહે દૂધાળા પશુનું મારણ કર્યુ છે. છેલ્લા બે મહિનામાં 50થી વધુ પશુના સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યા છે. સિંહ ફરતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો. સિંહનાં આંતકના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પશુમાલિકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદમાં વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ પોલીસે કમોડ ખાતે આવેલ ચાઈના કિંગ ફાયર વર્ક્સ ફેક્ટરીના માલિક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. અમદાવાદ SOG એ ઝહિરુદ્દીન સૈયદ સામે નોધી ફરિયાદ. લાયસન્સ પૂર્ણ થયુ હોવા છતાં ફટાકડાનો કાચો માલ રખાયો હતો. 30 કિલો પોટેશિયમ નાઈટ્રેડ, 20 કિલો સલ્ફર, 50 કિલો કોલચી, 30 કિલો સફેદ ડેક્સિન, 100 કિલો એલ્યુમિનિયમ ચિપ્સ મળી આવી. 39,000 નો કાચો મુદ્દામાલ મળી આવ્યો. SOG એ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી.
સુરતના અમરોલી વિસ્તારમાં ડુપ્લિકેટ સાબુ અને કોસ્મેટિક્સ બનાવતી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડી નામાંકિત કંપનીઓના નામે બોગસ પેકેજિંગ તૈયાર કરીને નકલી પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર લાવ્યું હતું. કાર્યવાહી દરમિયાન 650 નંગ KOJIC SOAP અને 1,000 નંગ MAGIC SOAP સહિત કુલ રૂપિયા 1,81,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઉતરાણના 27 વર્ષીય જેમીલ ભરોળીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકોની ઓળખ માટે વધુ તપાસ શરૂ કરી છે.
જળવાયુ કાર્યકર્તા અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી રજા આપીને મેદાંતામાં દાખલ કરવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટે તેમને સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાંતા ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે.
સુરતમાં ધોધમાર વરસાદના કારણે કડોદરા-સુરત સ્ટેટ હાઇવે પર હરિપુરા પાટિયા નજીક ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. રોડ પર પાણી ભરાવાને કારણે હરિપુરાથી કડોદરા ચાર રસ્તા સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો, જ્યારે અનેક નાના વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ વારંવાર સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અસરકારક ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરવાની માંગ ઉઠાવી છે.
સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે આખરે રાજ્ય સરકારે 51 દિવસ બાદ હાઈ લેવલ તપાસ સમિતિની રચના કરી છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે એમ. થેન્નારસનના અધ્યક્ષસ્થાને સમિતિ બનાવવામાં આવી છે, જેમાં રાજકુમાર બેનિવાલનો પણ સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિને 60 દિવસની અંદર સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ કરીને રાજ્ય સરકારને વિગતવાર અહેવાલ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અને હાઉસિંગ વિભાગના સચિવને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. જરૂર જણાય તો સમિતિના અધ્યક્ષને યોગ્ય અધિકારીને આમંત્રિત સભ્ય તરીકે જોડવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. હવે આ તપાસ સમિતિ ડિમોલિશનની પ્રક્રિયા, વહીવટી જવાબદારી અને સમગ્ર ઘટનાક્રમની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
રાજ્ય સરકારે 28 IAS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ જાહેર કરતાં અનેક જિલ્લાઓ અને સરકારી વિભાગોમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરની બદલી કરવામાં આવી છે અને સ્મિત લોઢાને નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. GEDAના ડાયરેક્ટર ગૌરાંગ મકવાણાની UGVCLમાં બદલી કરવામાં આવી છે, જ્યારે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશ્નર પ્રભવ જોષીની GIDCમાં જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પોરબંદરના મ્યુનિસિપલ કમિશ્નર એચ. જે. પ્રજાપતિને અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે મોકલવામાં આવ્યા છે. સાથે જ રાજ સુથારને પોરબંદરના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અને I. R. વાળાને જૂનાગઢના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
સુરતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભેદભર ખાડીમાં પાણીની આવક વધી હતી, જેના પરિણામે ખાડી ઓવરફ્લો થતાં બમરોલી ગામ તરફ જતો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રોડ પર નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભરાઈ જવા છતાં વાહનવ્યવહાર માટે માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોના જીવ પર જોખમ ઊભું થયું હતું. આ ઘટનાએ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અને વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓ અંગે સવાલો ઉભા કર્યા છે.
સિક્કિમના નામચી જિલ્લાના મામરિંગ વિસ્તારમાં આવેલી નિર્માણાધીન સમરદુંગ સુરંગમાં મિથેન ગેસ બ્લાસ્ટ બાદ ભારે ભૂસ્ખલનની દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 7 શ્રમિકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે 20થી વધુ શ્રમિકો હજુ પણ સુરંગમાં ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. ભૂસ્ખલનના કારણે સુરંગનો એક તરફી માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને વ્યાપક કાટમાળને કારણે રાહત અને બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની છે. ગેસની હાજરીને કારણે રેસ્ક્યૂ માટે પહોંચેલા કેટલાક વર્કર્સ પણ બેભાન થઈ ગયા હોવાના અહેવાલ છે. હાલ NDRF અને SDRFની ટીમો સતત બચાવ કામગીરીમાં જોડાઈ છે અને ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ છે.
સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાવાથી વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
NDEMના પોર્ટલ INCOIS દ્વારા કચ્છના દરિયા કાંઠે હાઈવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લખપતથી કંડલા સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 21 અને 22 જુલાઈ દરમિયાન દરિયામાં 3.6 મીટર સુધી ઊંચા મોજાં ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારો, બોટ સંચાલકો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા તેમજ બિનજરૂરી રીતે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિક તંત્ર પણ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
અમેરિકા દ્વારા સતત દસમા દિવસે ઈરાન પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હુમલામાં ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ, મિસાઈલ અને ડ્રોન લોન્ચ સાઈટ્સને નિશાન બનાવવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. બંદર અબ્બાસ, સિરિક, જાસ્ક અને તબ્રીઝ સહિતના વિસ્તારોમાં ભારે વિસ્ફોટોના અહેવાલ મળ્યા છે, જ્યારે કેશમ દ્વીપ, ચાબહાર અને કોનાર્ક આસપાસ પણ ધડાકાના અવાજો સંભળાયા હતા. અમેરિકાએ ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ અને IRGCના મહત્વના ઠેકાણાઓ પર પણ બોમ્બમારો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત, ઈરાનના સૌથી મોટા ડ્રોન કેન્દ્રને પણ નિશાન બનાવવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ વધુ ઘેરો બન્યો છે.
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે અમદાવાદમાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. લોકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
Published On - 7:49 am, Tue, 21 July 26