
આજે 21 ઓગસ્ટને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સુરત: લસકાણામાં બોગસ તબીબ ઝડપાયો. ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતો હતો. પોલીસે દવાઓનો જથ્થો કર્યો જપ્ત. બોગસ તબીબની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
સુરેન્દ્રનગર: ચોટીલા તાલુકામાં દેશી દારૂની ભટ્ટી ઝડપાઈ, ખાટડી ગામમાંથી SMCની ટીમે 4 શખ્સોને ઝડપી પાડ્યા. SMCની ટીમને જોઈ મુખ્ય આરોપી સહિત 16 શખ્સો ફરાર થઈ ગયા. દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો, કાર, ટ્રેકટર કબ્જે કરાયું. પિકઅપ, 7 વાહનો, રોકડ, મોબાઈલ સહિત 24.06 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.
પોલીસે 20 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રાજકોટમાં સમા કમરુ ઉર્ફે જન્નત મીર નામની ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સરે આપઘાતનો પ્રયાસ કર્યો અને આ પગલું ભરવાનું કારણ કુખ્યાત લાલો ઉર્ફે ઈમ્તિયાઝ રાઉમાને ગણાવ્યો. ઉલ્લેખનીય છે કે અગાઉ રાખી ધામેચા ઉર્ફે તોફાની રાધા નામની ઈન્ફ્લુએન્સરના આપઘાત કેસમાં પણ ઈમ્તિયાઝ રાઉમાનું નામ સામે આવ્યું હતું. ત્યારે જન્નત મીરે જણાવ્યું કે, ઈમ્તિયાઝ સાથે તેને પ્રેમસંબંધ હતો. બાદમાં હેરાનગતિ શરૂ કરી. દારૂ પીને ઘરે આવી અવારનવાર ધમકી આપવાની સાથે તેની વસ્તુઓ ચોરી કર્યાનો પણ આરોપ લગાવ્યો છે. ઈમ્તિયાઝ રાઉમાએ તોફાની રાધાની જેમ જ મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ઉલ્લેખ કર્યો.
રાજકોટઃ જસદણમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારા તબીબો સામે કાર્યવાહી કરવામાંઆવી છે. આરોગ્ય વિભાગ દ્વારા જસદણ તાલુકામાં બે દવાાખાના સીલ કરાયા છે. જસદણની તરગાળા શેરીમાં આવેલું શ્રી સાંઈ ક્લિનિક સીલ કરાયું છે. આટકોટ ગામે આવેલું સાંઈ ક્લિનિક પણ સીલ કરાયું છ. હોમિયોપેથીક તબીબ રસીક ભટ્ટ, મેહુલ ભટ્ટના દવાખાનાને સીલ કરવામાં આવ્યા છે. હોમિયોપેથીક તબીબ એલોપેથી દવા આપતો હતો. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી. આરોગ્ય વિભાગે 14 હજારનો દવાનો જથ્થો જપ્ત કર્યો
વડોદરાના સાવલી તાલુકામાં ભાજપ આગેવાનો વચ્ચે વિવાદ વકર્યો છે. ઘટના છે સાવલીના ભાદરવા ગામની કે જ્યાં ભાજપના આગેવાન અશોક ગામેચીએ ભાજપના આગેવાન અને ભાદરવા ગામના સરપંચના પતિ પર ગંભીર આક્ષેપ કર્યા છે, અશોક ગામેચીનો આક્ષેપ છે કે મહિપત રાણા અને તેમના સાગરિતોએ ઘર પર આવીને હુમલો કર્યો. ગામમાં તહેવાર પર ઑપરેટરને પાણી છોડવાનું કહેતા સરપંચના પતિએ હુમલો કર્યાનો આક્ષેપ છે. અશોક રાણા ખનીજમાફિયા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ મામલે અશોક ગામેચીનો SPને ફરિયાદ કરી છે અને ગુંડાતત્વોને પાર્ટીમાંથી હાંકી કાઢવા માટે ભાજપ સમક્ષ પણ રજૂઆત કરી છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલ વિદ્યાર્થીની ઘાતકી હત્યા કેસમાં રાજ્ય સરકારના મંત્ર ઋષિકેશ પટેલે જણાવ્યુ કે શિક્ષણાધિકારીએ પ્રાથમિક અહેવાલ આપ્યો છે. શાળા સ્ટાફના નિવેદન લેવાયા છે કે નહીં એ ધ્યાને નથી. સમગ્ર ઘટનાનો તલસ્પર્શી અહેવાલ રાજ્ય સરકારને મળશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રાજ્ય સરકારની જવાબદારી હોવાનું કેબનેટ મંત્રીએ જણાવ્યુ. વધુમાં તેમણે ઉમેર્યુ કે અન્ય બોર્ડની શાળાઓ પર નિયંત્રણ અંગે CM કક્ષાએ ચર્ચા કરવામાં આવશે.
આખા રાજ્યમાં વરસાદી તાંડવનું મહાએલર્ટ. આગામી 72થી 96 કલાક ભૂક્કા કાઢી નાખશે મેઘરાજા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. કે એક તરફ ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામી ગયો છે. તેવામાં અંબાલાલ પટેલની આ આગાહી હવે ચિંતા વધારી રહી છે. 23 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી ફરી વરસાદનું જોર વધશે. સૂર્ય કર્ક રાશિમાં આવતા મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. તેવું અંબાલાલ પટેલનું કહેવું છે.
ગીર-સોમનાથ જિલ્લાના રહેણાક વિસ્તારમાં સિંહના આંટાફેરા હવે સામાન્ય બની ગયા હોય તેમ અવારનવાર સિંહના આંટાફેરાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં મોટાભાગે રાત્રિના સમયે સિંહ રહેણાક વિસ્તારમાં દેખાતા હોય છે. પરંતુ ગીરગઢડાના પાતાપુર ગામે ધોળાદિવસે સિંહણે દેખા દેધા છે. ઝરમર વરસાદ વચ્ચે ગામની શેરીઓમાં આંટા મારતી સિંહણ કેમેરામાં કેદ થઈ છે. ધોળા દિવસે સિંહણની એન્ટ્રીથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
પોરબંદરના માધવપુર ઘેડમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. માધવપુર ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. જાણે ચોમાસામાં આ પંથક ટાપુમાં પરિવર્તિત થઈ જતું હોય તેવુ દર વર્ષે સામે આવતા દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. માધવપુરના ઘેડમાં મધુવંતી નદી બે કાંઠે થયા બાદ તેણે વિનાશ વેર્યો છે. રસ્તા, ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. સોમનાથ હાઈવે પર પાણી ફરી વળતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા છે. માધવપુર મેળા ગ્રાઉન્ડ સહિતના માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદથી રાહતના સમાચાર આપ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવશે. અરવલ્લી અને મહિસાગરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગાજવીજ સાથે અતિ ભારે અને ભારે પવન સાથે વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આજે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપેલ છે.
વર્તમાન ચોમાસામાં સુરત શહેરમાં 100 ટકા વરસાદ નોંધાયો છે. સતત 7માં વર્ષે સુરત શહેરમાં 100 ટકા વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં છેલ્લા 18 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ 5.50 ઈંચ વરસાદ વરાછા ઝોન અને સૌથી ઓછો દોઢ ઈંચ વરસાદ અઠવા ઝોનમાં વરસ્યો છે. સિઝનને દોઢ મહિનો બાકી તે પહેલા જ 100 % વરસાદ વરસી ગયો છે. વર્ષ 2023ને બાદ કરતા સતત 7મા વર્ષે શહેરમાં 100 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે આ વર્ષે 125 ટકા સુધીનો વરસાદ થવાની સંભાવના છે.
સુરત એરપોર્ટ ઉપરથી રૂપિયા 14 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજા સાથે એક યુવક ઝડપાયો છે. સુરત DRI એ બાતમીના આધારે કસ્ટમના અધિકારીઓએ બેંગકોકથી આવેલા રાજસ્થાનના યુવકને અટકાવ્યો હતો. રાજસ્થાનના જયપુર ખાતે રહેતો એઝાઝ નામનો યુવક સુરત ફ્લાઇટમાં આવ્યો હતો. સુરત DRIની બાતમીના આધારે એરપોર્ટ પર સ્થિત કસ્ટમ અધિકારીઓએ તેની ચકાસણી કરી હતી. આ ચકાસણી દરમિયાન તેના બેગમાંથી 14 કિલોનો હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ હાઇડ્રોપોનિક ગાંજાનો એઝાઝ એરપોર્ટ બહાર જ કોઈક વ્યક્તિને આપવાનો હતો. જેની ઓળખ માટે DRI દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદનું જોર વધ્યું છે. ઉપરવાસમાં વરસાદના કારણે વલસાડ જિલ્લાના 93 જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. ઉપરવાસમાં સતત વરસાદના કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે થઈ છે. વલસાડ તાલુકાના 21 રસ્તા, ધરમપુર તાલુકાના 23, કપરાડા તાલુકાના 27 પારડી તાલુકાના 10 , વાપી ના 5 અને ઉમરગામ તાલુકાના 4 રસ્તાઓ બંધ છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ માલવણ ગામ બેટમાં ફેરવાયું છે. માલવણ ગામના મુખ્ય માર્ગો પર નદીના પાણી ફરી વળ્યાં છે. માલવણ ગામના મુખ્ય રસ્તાઓ પર નદી વહી રહી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના કિનારે ન જવા અપીલ કરાઈ છે.
સાબરકાંઠામાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરીમાં ખોટા દસ્તાવેજ રજૂ કરાતા, ભાજપના પૂર્વ કાર્યાલય મંત્રી સહિત ત્રણ શખ્શો સામે ફરિયાદ નોંધાઈ છે. હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડના પૂર્વ સ્ટેટ કમિશ્નર તરીકે ઓળખ આપતા અતુલ સોમપુરા સામે ફરિયાદ નોંધાઈ છે. ભાજપનો પૂર્વ જિલ્લા કાર્યાલય મંત્રી રહી ચૂક્યો છે અતુલ સોમપુરા. અતુલ સોમપુરા સહિત ત્રણ શખ્શો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હિંમતનગર ખાણ ખનીજ કચેરીમાં એન્વાયરમેન્ટ ક્લીયરન્સનું બનાવટી સર્ટી રજૂ કર્યું હતું. ખોટા દસ્તાવેજ આધારે સવગઢમાં પથ્થરની ખાણ શરુ કરવા બનાવટી સર્ટી રજૂ કર્યુ હતું. નકલી સર્ટી જાણમાં આવતા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. અતુલ સોમપુરા, સંજય વણઝારા અને રાજ ગોસ્વામી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે.
કુતિયાણા પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ભૂરા મુંજાના કથિત પત્ની હીરાબા જાડેજા સહિત 4 લોકોએ કર્યું હતું 163 કરોડનું સાઈબર ફ્રોડ. સાઈબર ફ્રોડ માં હિરલબા જાડેજા સહિત 4 લોકો સામે પોરબંદરના સાઇબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ. સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારીએ પોરબંદર કોર્ટ માં 3000 પાનાની ચાર્જશીટ દાખલ કરેલ છે. ચાર્જ શીટમાં હજુ 6 આરોપીને પકડવાના બાકી દર્શાવી ફરાર જાહેર કરેલ છે. હીરાબા સહિત ટોળકી સામે કુલ 130 જેટલી સાઈબર ક્રાઇમની અલગ અલગ રાજ્ય માં ફરિયાદો નોંધાયેલ હોવાનો ઉલ્લેખ.
રાજકોટમાં વધુ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. સમા કમરુ ઉર્ફે જન્નત મીર નામની ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સરએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કુખ્યાત લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમાના ત્રાસથી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ત્રણ મહિના પ્રેમ સબંધ રહ્યા બાદ દારૂ પીને ઘરે આવીને અવાર નવાર ધમકી આપતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. તોફાની રાધાની જેમ મારી નાખવાની ધમકી આપ્યાના ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ પહેલા રાખી ધામેચા ઉર્ફે તોફાની રાધા નામની ઇન્ફ્લુએન્સરના આપઘાત કેસમાં પણ ઈમ્તિયાઝ રાઉમાનુ નામ સામે આવ્યું હતું. પ્રદ્યુમન નગર પોલીસે ઈમ્તિયાઝ રાઉમા સામે ગુનો નોંધી તપાસ હાથ છે.
અમદાવાદના ખોખરામાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની કરાયેલ કરપીણ હત્યાનો મામલો વધુ તુલ પકડતો જાય છે. સતત બીજા દિવસે પણ સેવન્થ ડે સ્કુલ સ્વયંભુ બંધ રહેવા પામી હતી. સાવચેતીના ભાગરૂપે સ્કૂલમાં આજે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આજે મણિનગર,ખોખરા અને ઇસનપુરમાં સ્કૂલ અને વ્યાપાર ધંધા બંધનું એલાન આપવામાં આવ્યું છે.
રાજકોટના જસદણ તાલુકા આરોગ્ય તંત્રે સપાટો બોલાવ્યો છે. જસદણ તાલુકામાં બે દવાખાના સીલ કરાયા છા. જસદણ તરગાળા શેરીમાં આવેલ સાંઈ ક્લિનિક સીલ કરાયું છે. જ્યારે આટકોટ ગામે આવેલ સાંઈ ક્લિનિકને પણ સીલ કરાયું છે. 14 હજાર કિંમત નો દવાનો જથ્થો આરોગ્ય વિભાગે જપ્ત કર્યો છે.
હોમિયોપેથીક તબીબ એલોપેથી દવા આપતો હતો. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી. રસીક ભટ્ટ અને મેહુલ ભટ્ટના દવાખાનાને સીલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ભરૂચના અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો બાબતે કોંગ્રેસના આગેવાનનો અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના આગેવાન વિનય પટેલે, માર્ગો પર પડેલા ખાડામાં ભાજપના ઝંડા મૂકી વિરોધ નોંધાવ્યો હતો. રોડ પરના ખાડા એ ભાજપનો વિકાસ હોવાનું કહીને વાહનચાલકો, રાહદારી વગેરેનું ધ્યાને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. ચોમાસાની સીઝનમાં અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે.
બનાસકાંઠાના પાલનપુરના બાદરપુરા ખાતે બનાસ ડેરીની 57 મી વાર્ષિક સાધારણ સભા યોજાશે. પશુપાલકો માટે બનાસ ડેરી પ્રતિ કિલો ફેટ એ ભાવવધારો જાહેર કરશે. પશુપાલકોને 21 ટકા જેટલો ભાવવધારો મળવાની અપેક્ષા છે. ગત વર્ષે બનાસ ડેરીએ 1973.79 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો આપ્યો હતો. 18.52%ના ભાવ વધારા સાથે પશુપાલકોને મળ્યો હતો લાભ. આજે બાદરપુરા ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સાધારણ સભામાં ભાવ વધારાની જાહેરાત કરશે. બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી હોવાથી પશુપાલકોને પણ વધુ લાભ મળે તેવી શક્યતાઓ. ગત વર્ષે 41 રૂપિયા પ્રતિ કિલો ફેટ એ ભાવ વધારો અપાયો હતો.
આજે ગુરુવારના રોજ સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ મહિસાગરના ખાનપુરમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમાલીયા ગામ ખાતે શિક્ષક દંપતીની કાર નદીના ધસમસતા વહેણમાં તણાઈ જવા પામી છે. કારમાં સવાર શિક્ષક પતિનો આબાદ બચાવ થવા પામ્યો છે. જો કે 8 વર્ષની બાળકી અને શિક્ષક માતા કાર સાથે નદીના પ્રવાહમાં કાર સાથે તણાઈ ગયા છે. મોડી રાત્રે સ્થાનિક તરવૈયાઓ અને NDRF ની ટિમ દ્રારા શોધખોળ હાથ ધરાઈ છે.
જૂનાગઢના ઘેડ પંથકમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. કેશોદ તાલુકાના બાલાગામમાં ડેમના પાણી ફરી વળ્યા છે. NDRF દ્રારા 7 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. પૂરના પાણીમાં ફસાયેલા 2 મહિલા 2 પુરૂષને સુરક્ષિત બહાર કઢાયા છે. 3 પુરૂષોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.
આજે સંસદના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં આજે પણ વિપક્ષનો હોબાળો યથાવત રહી શકે છે. દરમિયાન, આજે સરકાર રાજ્યસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલ લોકસભામાં ગઈકાલે જ પસાર થઈ ગયું છે. ભાજપે આજે તેના રાજ્યસભાના સાંસદોને વ્હીપ ઈસ્યું કર્યો છે. દરમિયાન, 130મા બંધારણ સુધારા બિલને લઈને સંસદની અંદર અને બહાર, વિપક્ષ દ્વારા હોબાળો ચાલુ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં બુધવાર સવારના 6 વાગ્યાથી ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ગુજરાતના 226 તાલુકામાં મેઘમહેર થવા પામી હતી. સૌથી વઘુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં 338 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. 103 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
Published On - 7:16 am, Thu, 21 August 25