
આજે 20 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ભારતે સફળતાપૂર્વક અગ્નિ-5 મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. જણાવી દઈએ કે, ‘અગ્નિ-5’ એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. આ મિસાઇલ 5500 કિ.મી. સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. ઓડિશાના ચાંદીપુરની ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી ‘અગ્નિ-5’નું પરીક્ષણ કરવામાં આવ્યું.
એકવાર ફરી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઈકોર્ટ રજીસ્ટ્રારને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કર્યો છે, તેવો મેઈલ મળ્યો છે. હાઈકોર્ટના રજીસ્ટ્રારે આ ધમકી અંગે સોલા પોલીસને જાણ કરી છે. જણાવી દઈએ કે, પોલીસની બોમ્બ સ્કવૉડ સહિતની ટીમે હાલમાં તપાસ હાથ ધરી છે.
સમગ્ર નવસારી શહેર અને ગ્રામ્યપંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે નવસારી શહેરમાં ખાડીનાં જળસ્તરમાં વધારો નોંધાયો છે. ખાડીનું પાણી ફરી વળતા દસરા ટેકરી વિસ્તારનાં 50 થી વધુ મકાનો પાણીમાં ડૂબ્યા છે. લોકોની ઘરવખરી અને વાહનો ડૂબતા ભારે હાલાકી સર્જાઈ છે. હાલ તંત્રએ દશેરા ટેકરી અને રેલ રાહત કોલોનીના લોકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે.
લોકસભાએ ‘ઓનલાઈન ગેમિંગ બિલ 2025’ પાસ કરી દીધું છે. હવે ઓનલાઈન મની ગેમ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. બુધવારે લોકસભાએ ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ, 2025 ને મંજૂરી આપી.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ આ બિલ સંસદમાં રજૂ કર્યું. મીડિયા રિપોર્ટસથી જાણવા મળ્યું છે કે, આ બિલ ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકે છે અને અધિકારીઓને વોરંટ વિના શોધ તેમજ ધરપકડ કરવાની સત્તા આપે છે.
ગીર સોમનાથમાં માછીમારી કરવા ગયેલી બોટે મધદરિયે જળસમાધિ લીધી. ઉનાના રાજપરા ગામની બોટે મધદરિયે જળસમાધિ લીધી હોવાનું સામે આવ્યું છે. મુરલીધર નામની બોટે મધદરિયે જળસમાધિ લેતા કેટલાંક ખલાસીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બોટમાં કુલ 9 ખલાસી સવાર હતા, જેમાંથી 5 ખલાસીનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, બાકીના 4 ખલાસી હજુ પણ લાપતા છે.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. યાત્રાધામ હર્ષદ-ગાંધવી ખાતે બજારમાં પાણી ભરાયા અને દર્શનાર્થીઓ માટે બનાવાયેલા મંડપ પણ ધરાશાયી થયા છે. વધુમાં, કલ્યાણપુરમાં અવિરત ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
આટલું જ નહીં, ભારે વરસાદ હોવાથી રાવલ-કલ્યાણપુરને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. મૂશળધાર વરસાદના કારણે સાની ડેમમાં પાણીની આવક વધી છે અને એમાંય સાની ડેમના પાણી કલ્યાણપુર-રાવલ માર્ગ પર ફરી વળ્યા છે.
સુરતના બારડોલીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ધોધમાર વરસાદથી આશાપુરી મંદિર પાસેનો રસ્તો જળમગ્ન થયો છે. આ સિવાય સુગર નજીક આવેલ અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી. જણાવી દઈએ કે, મેંદરડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. વધુ વરસાદને કારણે જૂનાગઢ-મેંદરડા વાયા ઇવનગરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય ભાટિયા ગામ પાસે કોઝવે પણ ડૂબ્યો હતો. ધોધમાર વરસાદના કારણે 3 કલાકથી રસ્તો બંધ છે અને રસ્તા પર પાણી ફરી વળતા રાહદારીઓ પણ ફસાયા છે.
ભાવનગરમાં ભારે વરસાદથી ગારીયાધારનું પરવડી ગામ બેટમાં ફેરવાયું. સતત ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું છે. આ જળબંબાકાર વરસાદથી ઘરોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે.
ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વધુમાં જોઈએ તો, કેટલાંક રસ્તા જળમગ્ન બન્યા છે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયું છે.
આજે બપોરના 12થી 2 સુધીના 2 કલાકમાં નવસારીના ગણદેવીમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. પોરબંદરના રાણાવાવમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. કાલાવડમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ છલકાયો. ડેમમાં ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ડેમની પૂર્ણ સપાટી 160 ફૂટ છે…હાલ જળસપાટી 166.70 ફૂટે પહોંચી છે. કાકરાપાર ડેમ 6 ફૂટ ઉપરથી ઓવરફલો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયાં છે. ડેમમાં નવા નીર આવતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ડેમમાં પાણીની આવક શરૂ થતા ખેડૂતોએ રાહત અનુભવી છે. પ્રભાવિત ગામોના પશુ પાલકોને નદી પટમાં જવા મનાઈ ફરમાવાઈ છે.
સુરતમાં સવારથી પડેલા ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરના વેડ રોડ ગુરુકુળ ખાતે પાણી ભરાયા છે. રસ્તાઓ ઉપર ગોઠણ સુધીના પાણી ભરાતા, વાહન ચાલકો પરેશાન થયા છે. એકે રોડ ઉપર પણ પાણી ભરાયા છે. પાણી જવાનો રસ્તોના હોવાથી પાણી ભરાઈ ગયા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સામાન્ય વરસાદમાં પણ ઉમિયા ધામ નજીકના રોડ પર બંને સાઈડ પાણી ભરાયા છે. સુરતના કતારગામ વિસ્તાર પાણી ભરાયા છે. વેડ, ડભોલી રોડ, સિંગણપોર રોડ પાણીમાં ગરકાવ થયા છે. રોડ પર પાણી ભરાતા વાહનો થંભી ગયા છે. સીઝનમાં બીજી વાર કતારગામમાં વરસાદી પાણી ભરાયા છે.
યાત્રાધામ દ્વારકામાં આજે એક ઇચ વધુ વરસાદ પડતા પરિસ્થિતિ વણસી જવા પામી છે. ભદ્રકાળી ચોક વિસ્તારમાં હજુ ભરાયેલા પાણીથી દુકાનદારો, રાહદારીઓ પરેશાન છે. ગઈકાલથી ભરેલા પાણી ઉતર્યા નથી ત્યાં હજુ હાડમારીનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. પાલિકા તંત્ર વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં ઝડપ કરે તેવી દુકાનદારોની માંગ છે. ગઈકાલથી દુકાનો બંધ છે. વેપાર ધંધામાં વ્યાપક નુકશાન હોવાની રાવ દુકાનદારો કરી રહ્યાં છે.
ગુજરાતના દરિયામાં માછીમારી કરવા ગયેલ તમામ બોટને પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે. વરસાદી માહોલ અને હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર સતર્ક બની છે. સુરક્ષા હેતુસર ફિશરીઝ વિભાગ દ્વારા દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વિભાગની સૂચના મુજબ 23મી ઓગસ્ટ સુધી નવા ટોકન આપવામાં આવશે નહીં. એટલે કે, આ સમયગાળામાં કોઈ પણ માછીમાર દરિયામાં જઈ શકશે નહીં. હાલમાં જ દરિયામાં ગયેલી તમામ બોટોને તાત્કાલિક પરત ફરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તંત્રએ માછીમારોને અપીલ કરી છે કે તેઓ સલામતી જાળવે અને જાહેર કરાયેલા નિયમોનું કડક પાલન કરે. પ્રતિબંધ લાગુ પડેલા વિસ્તારોમાં વેરાવળ, પોરબંદર, જાફરાબાદ, જામનગર, વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, રાજકોટ, કચ્છ (ભૂજ), માંગરોળ, ઓખા, ભરૂચ અને મોરબી સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ અમલમાં રહેશે.
અમદાવાદમાં કામેશ્વરની પોળ રાયપુર ચકલેશ્વર મહાદેવ પાછળ જુનુ જર્જરીત મકાન ધરાશયી થએલ છે. આ મકાન ધરાશાયી થતા, સદનશીબે રહેવાસીઓનો બચાવ થયેલ છે. અમદાવાદના કોટ વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત થયેલા છે. આવા મકાનોને તંત્ર દ્વારા નોટિસ આપવાને બદલે તેને તોડી પાડવાની માંગ ઉઠી છે.
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના 13 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. પ્રવાસીઓએ તેમજ જિલ્લાના લોકોએ જરૂરી તકેદારી રાખવા જૂનાગઢના જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.
મહીસાગરના બહુ ચર્ચિત મસમોટા 123 કરોડના નળ સે જળ કૌભાંડ મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે નળ સે જળ યોજનામાં કૌંભાડમાં વધુ 2 આરોપીઓને ગાંધીનગરથી ઝડપી પાડ્યા છે. બન્ને કોન્ટ્રાક્ટરોએ સરકારને કરોડોનો ચુનો લગાવ્યો હોવાનો આરોપ કરાયો છે. ચીમનભાઈ એસ પટેલ ( સી. એસ.પટેલ ) અને બન્નાલાલ રબારી આ બને એજન્સીઓ આચર્યું છે નળ સે જળમાં કૌભાંડ. જેમાં બન્નાલાલ રબારીના 43946234.10 કરોડની રિકવરી અને ચીમનભાઈ પટેલ ના 18612168.33 કરોડની રિકવરી કરાશે. મોટી રકમની રિકવરી ધરાવતા કોન્ટ્રક્ટરો હવે સીઆઈડી ના નિશાને આવ્યા છે. એકબાદ એક કોન્ટ્રાક્ટરોની ધરપકડ થતા કૌભાંડી કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુખ્ય 12 તત્કાલીન વાસ્મો કર્મચારી પૈકી 2 અને ત્યારબાદ એ સિવાયના કોન્ટ્રાકટર, સરપંચ મળી 4 સહીત કુલ કુલ 6 ને ઝડપી લેવામાં આવ્યા
જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં આભ ફાટ્યુ હોય તે પ્રકારે વરસાદ તુટી પડ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મોકલવામાં આવેલા આંકડા સાચા હોય તો મેંદરડામાં સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ આઠ ઈંચ વરસાદ તુટી પડ્યો છે. મેંદરડામાં સવારના 6થી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં કૂલ દસ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના વંથલીમાં ચાર કલાકમાં સાડાપાંચ ઈંચ વરસાદ તુટી પડ્યો છે. કેશોદમાં પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે.
આજથી પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી 8 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાશે પર્યુષણ પર્વ. જૈન ધર્મના સૌથી મોટા પર્વની શરૂઆત થતા જૈનો દેરાસરમાં જૈન શ્રેષ્ઠીઓ પ્રભુભક્તિમાં લીન થશે. ક્ષમાપનાનો ઉત્સવ એટલે પર્યુષણ કહેવાય છે. આ પર્વમાં જૈન સાધુ સાધ્વી દ્વારા વ્યાખ્યાન આપવા આવે છે. આઠ દિવસ દરમિયાન વધુમાં વધુ ભક્તિ કરવાનું માહાત્મ્ય રહેલુ છે. નાના બાળકોથી માંડી મોટેરા સુધીના સૌ કોઈ લોકો ઉપવાસ, ચોવિહાર, એકાસણું, કરીને પાપોનું પ્રાયશ્ચિત કરે છે.
ખોખરા સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી છરી મારી મોતનો મામલો વકર્યો છે. મૃતક વિદ્યાર્થીના પરિવાજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. મૃતક વિદ્યાર્થીના પરિવારજનો સ્કૂલ ખાતે પહોચીને ઉગ્ર વિરોધ કર્યો હતો. પરિવારજનોના ટેકેદારોએ શાળામાં તોડફોડ કરી હતી. કેટલાક લોકોએ શાળાના શિક્ષકોને માર માર્યો હતો. સ્કૂલની બેદરકારીથી મોત થયું હોવાનાં આક્ષેપ કરી રહ્યા છે.
મહેસાણાના કડીની સિલ્વર પર્લ હોટલમાં બાળ લગ્નની ઘટના સામે આવી છે. કડીની હોટલમાં ગત 26 મે ના રોજ બાળ લગ્ન થયા હતા. લગ્ન બાદ યુવકે સગીરાને સ્પર્શ કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાએ કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સગીરા એ, 18 વર્ષ 27 દિવસ પૂરા થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન કરનાર યુવક સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. હીનાબેન, મહેન્દ્રભાઈ, ચિરાગ, જશવંતલાલ અને વર્ષાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાહેર સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રીના સિવિલ લાઇન્સ સ્થિત સત્તાવાર નિવાસસ્થાને, જાહેર સુનાવણી યોજાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાતમાં આજે બુધવારે સવારના 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ 67 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વઘુ વરસાદ ગીર સોમનાથના તાલાલા અને ભાવનગરના મહુવામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલીમાં અઢી ઈંચ, જૂનાગઢના મેંદરડામાં સવા બે ઈંચ, અમરેલીન રાજૂલામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
તાપીના ઉકાઇ ડેમમાં પાણીની વિપૂલ માત્રામાં આવક થવા પામી છે. જેના કારણે, ઉકાઈ ડેમના 9 ગેટ મારફતે 1 લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડતાં તંત્ર દ્વારા નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરાયાં છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક આવતા ડેમના હાઇડ્રો પાવરના ચાર યુનિટની સાથે ડેમના 7 ગેટ 7 ફુટ અને 2 ગેટ 8 ફૂટ ખોલી 1 લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
ડેમમાં ઉપરવાસથી 1 લાખ 39 હજાર 323 ક્યુસેક પાણી આવક નોંધાઈ છે. ડેમની જળ સપાટી 334.80 ફૂટ પર પહોંચી. ડેમના રૂલ લેવલ 335 ફૂટ નજીક પહોચતા બપોરે બે કલાકથી પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 1,38, 230 ક્યુસેક અને હાથનુર ડેમમાંથી 1,43,414 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે.
તંત્ર દ્વારા નીચાણવાળા 10 ગામોના સરપંચ તેમજ તલાટીઓને એલર્ટ કરી આકસ્મિત સંજોગોમાં નજીકના આશ્રય સ્થાન પર સ્થળાંતર કરવા માટે સૂચના અપાઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને લઈને યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાશે. સાથોસાથ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને પણ ચર્ચા કરાશે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ થનારા વિધેયક અને સરકાર દ્વારા કરાનારી અન્ય મહત્વની જાહેરાત અંગે પણ ચર્ચા વિચારણા થવાની સંભાવના છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી પર તંત્રની તૈયારીઓ પર સમિક્ષા કરાશે. રાજ્યમાં ખરીફ વાવેતરને લઈ ઉપલબ્ધ ખાતરના જથ્થા તથા વાવેતર સંદર્ભે સમિક્ષા હાથ ધરાશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમિક્ષા કરાશે.
ગુજરાતમાં મંગળવાર સવારના 6 વાગ્યાથી બુધવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પોણા અગિયાર ઈંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. એક ઈંચ સુધીનો વરસાદ 38 તાલુકામાં વરસ્યો છે.
Published On - 7:16 am, Wed, 20 August 25