આજે 18 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી. અમદાવાદ એરપોર્ટ પરથી 9.30kg હેરોઇન ઝડપાયું. ઝડપાયેલા હીરોઇનની કિંમત આશરે 45 કરોડની હોવાનું કહેવાઈ રહ્યું છે. 16 મે ના રોજ 6.54kg ગાંજો પકડાયા બાદ બીજું મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. વાયનાડથી આવેલા કેરિયર પાસેથી પકડાયો હિરોઈનનો જથ્થો. X Ray સ્કેનિંગમાં શંકા જતા તપાસ કરી અને હેરોઇન મળી આવ્યું. કુઆલાલમ્પુરથી એર એશિયા AK91 માં આવ્યો હતો યાત્રી. “Gluta Grow” અને “Crakcers Coconut Flavour” લખેલા પેકેટમાં હેરોઇન મળી આવ્યું. તપાસ દરમિયાન પેકેટમાં હેરોઇનનો જથ્થો હોવાનું સામે આવ્યું.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ફરી એકવાર, પક્ષના કેટલાક નેતાઓ માટે કડવા શબ્દો ઉચ્ચાર્યા છે. મોદી સાહેબ અને કમળના નિશાન પર જીતીને કેટલાક નેતાઓ ખિસ્સામાં હાથ નાખીને ફરે છે, તેમ તેમણે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિવાદન સમારંભમાં નીતિન પટેલે આકરી શિખામણ ચૂંટાયેલા કોર્પોરેટરોને આપી હતી. તૈયાર ભાણે જમવા આવેલા નવા નેતાઓને ભૂતકાળના સંઘર્ષો યાદ કરાવ્યા. 1990માં કડી અને હાજીપુરમાં ચૂંટણી પ્રચાર વખતે થયેલા પથ્થરમારાનો કિસ્સો વાગોળ્યો હતો. માત્ર મીઠો આવકાર આપવાથી નહીં, નક્કર કામ કરવાથી જ પ્રજાનો વિશ્વાસ જીતાય તેમ પણ તેમણે કહ્યું હતું. આજનું કામ કાલ પર ન છોડવાની આપી સલાહ, કહ્યું- ‘કાલ કદી ઉગતી જ નથી’. કડીના ચંપાબા ટાઉન હોલ ખાતે યોજાયો હતો જંગી વિજયનો અભિવાદન સમારંભ.
સુરતની સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો. પ્રતિ લિટર 2 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો. ભાવ વધારાનો અમલ આવતીકાલ, 19મી મેને મંગળવારથી જ અમલમાં આવશે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, પેકેજિંગ ફિલ્મ,ઈનપુટ અને ફ્યુઅલ (ડીઝલ) ના ભાવોમાં સતત થઈ રહેલા વધારાને કારણે ખર્ચમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. જેને ધ્યાને લઈને દૂધ ના ભાવ વધારો કરવામાં આવ્યો.
યાત્રાધામ બહુચરાજીમાં ભક્તોને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસરમાં લગાવવામાં આવી ‘મિસ્ટ ફોગિંગ સિસ્ટમ’. ભક્તો પર હવામાં ઠંડા પાણીનો છંટકાવ થશે. ગરમીથી રાહત આપવા કૂલર અને ગ્રીન નેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ધોમધખતા તડકામાં ભક્તોને મળી રહી છે મોટી રાહત. અસહ્ય ગરમી વચ્ચે પણ યાત્રિકોને થઈ રહ્યો છે શીતળતાનો અહેસાસ.
જામનગરમાં વિદેશ જવાની લાલચ આપી લાખોની છેતરપિંડી આચરવના ગુનાનો પર્દાફાશ કરાયો છે. છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર એજન્ટ રાજકોટથી ઝડપાયો. આરોપી પાસેથી 25 પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા.
આરોપીએ દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયા અને પોરબંદરના રાણાવાવમાંથી વિદેશ મોકલવાના નામે પૈસા પડાવ્યા અને પાસપોર્ટ પણ પરત ન આપ્યા. જામનગર પોલીસે આરોપી રાજેન્દ્ર મુળુભાઇ રાજગોરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. મુખ્ય આરોપી રાજેન્દ્ર મુળુભાઇ રાજગોર, નીઝામ યુસુફ સમા તેમજ રીજવાના હમીરભાઇ સોરાએ સાથે મળીને અસલ પાસપોર્ટ અને કુલ રૂપીયા 6,70,000ની મત્તા પડાવી લીધી હતી અને છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું.
ગીર સોમનાથના કોડીનાર અલગ અલગ પેટ્રોલ ડીઝલ પંપ પર ટ્રેક્ટરોની કતારો લાગી. ખેડૂતો ટ્રેકટરોમાં ડીઝલ માટે પહોચ્યા પંપ પર. બપોર બાદ પંપ પર ટ્રેક્ટરોની લાંબી લાંબી કતારો જોવા મળી. છેલ્લા બે દિવસથી ડીઝલને લઈ ખેડૂતોમાં દોડાદોડી થઈ રહી છે. બીજી તરફ કેનમાં ડીઝલ આપવાની પંપ માલિકો દ્વારા મનાઈ ફરમાવતા હવે ટ્રેકટરોની કતારો જોવા મળી રહી છે.
દ્વારકાના રણજીત પુર ગામ નજીક કારમાં લાગી આગ. આગ લાગતા કારમાં સવાર બે વ્યક્તિના મોત. કારમાં સવાર પરિવારમાં પિતા-પુત્રીનું થયુ મોત. એક મહિલા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઇ છે.
વડોદરા શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી વધુ એક મૃત મગર મળી આવ્યો. સાયન્સ ફેકલ્ટી નજીકથી 10ફૂટ જેટલો લાંબા મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર વિભાગને જાણ કરાતા કાફલો સ્થળે પહોંચીને મગરના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. જાન્યુઆરીથી મે મહિના સુધી 5 મગરના મોત નિપજયા છે.
ગાંધીનગર રિલાયન્સ ચોકડી પાસે આવેલી ટેરોનાવાસ પિઝામાં વંદો નિકળ્યા ના TV9 ના સમચાર બાદ તંત્રે કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર મનપાના ફૂડ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ની જોગવાઈ હેઠળ પિઝા અને ચીઝ ડ્રેસિંગના 2 નમૂનાઓ લીધા છે. મહાનગરપાલિકા ફૂડ વિભાગે ત્રણ દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું અને આગામી સમયમાં સ્વચ્છતા રાખવા નોટીસ ફટકારી છે.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક ટેમ્પો અને કન્ટેનર ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય સાત લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
જૂનાગઢ જિલ્લામાં 42 ગામના સરપંચો ઉતર્યા ભૂખ હડતાલ પર, વિકાસ કાર્યો ના થતા હોવાની ફરિયાદ કરી છે. મેંદરડા તાલુકાના ગામડાઓના સરપંચો ઉતર્યા ભૂખ હડતાલ પર. છેલ્લા છ મહીનાથી એક પણ વિકાસ ના કામો થયા નથી. અનેક વખત જિલ્લા પંચાયતમા રજુઆત કરી છે. કામ નહી કરતા so ની બદલી કરી ફરી પાછા તેમને લેવામા આવ્યા. જ્યા સુધી અમારી માંગણી નહી સંતોષવામા આવે ત્યા સુધી ભૂખ હડતાલ શરૂ રહેશે. આવતા દીવસોમા વેપારીઓને વિશ્વાસમાં લઈને સમગ્ર મેંદરડા બંધ કરાવીશુ. ગત વર્ષેના બીલો છે તે ભૂલ ભરેલા છે. તત્કાલીન ટીડીઓ દ્વારા આવા 29 જેટલા બીલો પર ઇન્કવાયરી બેસાડી હતી. હાલ નવા કામો પ્રોગ્રેસમા છે. સ્ટાફની અછતને લઈ કામો સમયસર થતા નથી. ત્રણ મહીનામા પાંચ જેટલા કર્મચારીઓની બદલી થઈ છે.
ખેડા કપડવંજ રોડ પર આવેલા નવા મુવાડા નજીક ટ્રક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત. બસમાં મુસાફરી કરતા 2 મુસાફરોને ઈજાઓ પહોંચી. અકસ્માત બાદ કપડવંજ ડાકોર માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો. માર્ગની બંને બાજુ 2 કિલોમીટર લાંબી વાહનોની લાગી કતાર. કપડવંજ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. ટ્રાફિક હળવો કરવા પોલીસે રસ્તો ખુલ્લો કરાવવા કવાયત શરૂ કરી. કપડવંજ ડાકોર રોડ ઉપર સતત ત્રીજા દિવસે, ત્રીજો અકસ્માત સર્જાયો છે.
સુરેન્દ્રનગરમાં લીમડી હાઈવે પર, જાખણ ગામ પાટીયા પાસે 108 એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાઈ હતી. બંધ પડેલી ટ્રક પાછળ 108 એમ્બ્યુલન્સ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી.
જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ખાસ કરીને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. સરકાર દ્વારા તાજેતરમાં જ ઈંધણના ભાવોમાં તોતિંગ વધારો ઝીંકાયા બાદ પણ જનતાને પૂરતો જથ્થો ઉપલબ્ધ ન થતાં વાહનચાલકો અને સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પેટ્રોલ પંપના સંચાલકોના જણાવ્યા અનુસાર આસપાસના અન્ય પંપો પર ડીઝલનો જથ્થો બિલકુલ ખૂટી ગયો હોવાથી જે પંપ ચાલુ છે ત્યાં ભારે ટ્રાફિકજામ થઈ રહ્યો છે. જેથી પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પંપ સંચાલકોએ ફોર-વ્હીલરમાં માત્ર એક હજાર અને રિક્ષા જેવા નાના વાહનોને માત્ર 500નું ઈંધણ આપવાનું શરૂ કર્યુ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર 19 મેથી 24 મે દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં બે ઈંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફથી આવતો ભેજ વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે અને પવનની ગતિ 35થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
વસઈ વિસ્તારમાં વીજ કરંટની બે અલગ-અલગ ઘટનાઓમાં બે કામદારોના કરૂણ મોત થયા છે. નાલાસોપારા વિસ્તારમાં આવેલી એક ફેબ્રિકેશન કંપનીમાં કામ દરમિયાન વીજ કરંટ લાગવાથી એક કામદારનું મોત થયું હતું. બીજી તરફ નાયગાંવ વિસ્તારમાં બેનર હટાવવાની કામગીરી દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં પણ એક કામદારનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. બંને ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સુરતમાં DyCM હર્ષ સંઘવીએ પોતાનું તથા પરિવારના સભ્યોનું નામ વસતીગણતરીમાં નોંધાવી ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેમણે ઓનલાઇન પોર્ટલ મારફતે વસતી ગણતરીનો ઉપયોગ કરીને પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી હતી. આ અવસરે તેમણે તમામ નાગરિકોને પણ ઓનલાઈન વસતી ગણતરીમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે વસતી ગણતરીથી નાગરિકોને મળતી સુવિધાઓ અને સરકારી યોજનાઓ વધુ અસરકારક રીતે પહોંચાડી શકાય છે. સાથે જ તેમણે વસતી ગણતરી દરમિયાન સાવચેત રહેવાની પણ અપીલ કરી હતી અને જણાવ્યું કે જો ઘરે કોઈ અધિકારી આવે તો OTP જેવી વ્યક્તિગત માહિતી કોઈને ન આપવી જોઈએ.
ચીનના દક્ષિણી ભાગમાં 5.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. ભૂકંપના ઝટકાઓથી 13થી વધુ ઈમારતો ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 7 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ધરાશાયી થયેલી ઈમારતોમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવ ટીમો દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને લોકોને શોધવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતમાં સિંહોના થતા મોતને રોકવા માટે વન વિભાગ અને હાઈવે ઓથોરિટી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમરેલી-ભાવનગર હાઈવે પર મહુવાથી ટીંબી સુધી કુલ 19 હોટસ્પોટની ઓળખ પૂર્ણ કરવામાં આવી છે, જ્યાં સિંહોની અવરજવર વધુ રહે છે. ઉપરાંત રાજુલા-કોસ્ટલ હાઈવે પર પણ અકસ્માત અટકાવવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. વન વિભાગ અને હાઈવે ઓથોરિટીએ સંયુક્ત મુલાકાત લઈને સ્થળ પર તપાસ હાથ ધરી હતી. હોટસ્પોટ વિસ્તારોમાં રમ્બલ સ્ટ્રીપ અને કેટઆઈ લાઈટ લગાવવાની કામગીરી હાથ ધરાશે. સાથે જ વન વિભાગે 20 રોડ સેવકોની જોગવાઈ અમલમાં મૂકી છે. ACF વિરલસિંહ ચાવડાએ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાને લઈ માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. એસોસિએશને આરોપ લગાવ્યો છે કે સસ્તા અનાજની દુકાનના ધારકોએ રૂપિયા ભર્યા હોવા છતાં મે મહિનાનો અનાજનો જથ્થો હજુ સુધી પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યો નથી. જેના કારણે રેશન દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે. એસોસિએશને સરકાર અને સંબંધિત તંત્રને 21 જૂન સુધીમાં મે મહિનાનો જથ્થો પૂરું પાડવાનું અલ્ટીમેટમ આપ્યું છે. સાથે જ ચેતવણી આપી છે કે જો સમયસર જથ્થો નહીં આપવામાં આવે તો જૂન મહિનાના અનાજના જથ્થાનું ચલણ ભરવામાં નહીં આવે.
બિહારના સસારામ રેલવે સ્ટેશન પર પટના ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રેન પ્લેટફોર્મ નંબર 6 પર ઉભી હતી ત્યારે એક પેસેન્જર કોચમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખો કોચ બળીને ખાક થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં રેલવે અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી હાઈવે સહિતના અનેક પેટ્રોલપંપ પર પેટ્રોલ અને ડીઝલ માટે વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. પૂરતા જથ્થાના દાવાઓ વચ્ચે લોકો કેરબા અને અન્ય વાસણો લઈને પેટ્રોલ ભરાવવા ઉમટી પડ્યા હતા. અનેક પંપ પર રાત્રે જ પેટ્રોલ-ડીઝલનો જથ્થો પહોંચે છે અને થોડા જ સમયમાં ખાલી થઈ જતો હોવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાહનચાલકોમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા (UDF) વી.ડી. સતીસન આજે કેરળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગ્યે તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે યોજાશે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હીથી કેરળ રવાના થયા છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
Published On - 7:32 am, Mon, 18 May 26