
આજે 18 જૂનને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
દાહોદના ચર્ચાસ્પદ બનેલા મનરેગાના આર્થિક કૌભાંડમાં વધુ એક સરકારી બાબુની ધરપકડ કરવામાં આવી છે. હમિદ અલી આલમની પોલીસે ધરપકડ કરી છે. સરકારી નાણાંની ઉચાપતમાં મદદગારી કરવાના આરોપસર સરકારી બાબુની ધરપકડ કરાઈ છે. DRDA કચેરીમાં વર્ષ 2021/22 માં કો-ઓરડીનેશન ચાર્જમાં ભૂમિકા ભજવી હતી. મનરેગા કૌભાંડમાં સરકારી બાબુની ધરપકડ કરાતા કૌભાંડી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં DRDA કચેરીમાં SBM સ્વચ્છ ભારત મિશનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે હમિદ અલી આલમ. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરતા 4 દિવસના રીમાન્ડ અપાયા છે. જેમની પુછપરછ બાદ બીજા પણ સરકારી કર્મચારીઓની ધરપકડનો દૌર શરુ થઈ શકે છે.
પંચમહાલના ગોધરા, કાલોલ, હાલોલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પ્રથમ વરસાદ જ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. વરસાદ પૂર્વે તંત્ર દ્વારા પ્રીમોન્સુન કામગીરીના ઢોલ પિટવામાં આવ્યા હતા. પરંતુ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદથી ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ નીચાણવાળી સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગોધરા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની કચેરી વિસ્તારોના મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. હાલોલમાં પણ ધોધમાર વરસાદને લઈને શહેરી વિસ્તારમાં આવેલ મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે.
ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું છે. ઓપરેશન સિંધુ દ્વારા સરકારે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવાનું કામ શરૂ કર્યું છે.
અમદાવાદના દરિયાપુર ડબગરવાડ સ્થિત જે પી હાઇસ્કૂલમાં દુર્ઘટનામાં 2 ના મોત થયા છે. શાળામાં ટેરેસનો ભાગ પડતા મજૂર અને કોન્ટ્રાકટરનું મોત થયું છે. ફાયર બ્રિગેડને આ ઘટના બાબતે કોઈ કોલ આપવામાં આવ્યો નથી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી કરાઈ છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે આજે મોટાભાગે વિરામ લીધા જેવી સ્થિતિ સર્જી છે. આજે 18 જૂનના રોજ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના 12 કલાકમાં, સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં 5.71 ઈંચ વરસાદ નોંધાયો છે. વઘાઈમાં 4.21 ઈંચ, સુબિરમાં 3.46 ઈંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા, રથયાત્રા પૂર્વે અમદાવાદમાં સપાટો બોલાવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સાગરિતની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા ત્રણ વર્ષ પહેલા એક હથિયારના કેસમાં ફરાર લોરેન્સ બિશ્નોય ગેંગનો વ્યક્તિ મનોજ ઉર્ફે ચક્કી સાલવીની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. મનોજ સાલવી સગીરવયથી જ લોરેન્સ ગેંગ સાથે સંબંધ ધરાવે છે અને અનેક નાના મોટા ગુનાઓને પણ અંજામ આપી ચૂક્યો છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ગુજરાત સરકારની મેડિકલ સ્ટુડન્ટ માટેની અતુલ્ય હોસ્ટેલ પર તુટી પડ્યુ હતું. અતુલ્ય હોસ્ટેલ ઉપર વિમાન તુટી પડવાથી, કુલ 2 કરોડ 69 લાખનું નુકસાન થયું હોવાની ફરિયાદ, હોસ્ટેલના ડીન ડૉ. મીનાક્ષી પરીખે મેધાણી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઘટનાના સાત દિવસ બાદ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, હોસ્ટેલ, રહેણાક ઘરની વસ્તુઓ અને વાહનોને નુકશાન થયું છે. જેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં આજે કોરોનાના વધુ 5 નવા કેસ નોંધાયા છે. કોરોનાના દર્દીઓમાં, બે પુરૂષ અને ત્રણ સ્ત્રી સંક્રમિત થયેલા જણાયા છે. દિગ્જામ સર્કલ,રાંદલનગર, હીરજી મિસ્ત્રી રોડ, નાગેશ્વર, રોયલ પુષ્પ પાર્કમાં નોંધાયા એક એક કેસ. તમામને હોમ આઇસોલેટ કરાયા છે. હાલ જામનગરમાં કોરોનાના કુલ 44 એક્ટિવ કેસ છે.
સુરેન્દ્રનગર ભોગાવો નદીના પૂરમાં ફસાયેલા વૃદ્ધનું જેસીબી વડે કરાયું રેસ્ક્યુ. ભોગાવો નદીના પાણી રિવરફ્રન્ટ પર ઘુસી જતાં વૃદ્ધ રિવરફ્રન્ટ પર આવેલા બસ સ્ટોપમા ફસાઇ ગયાં હતાં. મહાનગરપાલિકાની ટીમ તેમજ પોલીસ કર્મચારી દ્વારા જીવના જોખમે વૃદ્ધને જેસીબીમા રેસ્ક્યુ કરી સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. રિવરફ્રન્ટ પર પાણીના ધસમસતા પ્રવાહમાંથી વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરઃ કમલમ કોબા પાસે બાંધકામ સાઇટ પર દુર્ઘટના બની છે. શ્રીજી એરિસ સાઇટ પર ભેખડ ધસી પડતા એકનું મોત થયુ છે. માટી નીચે દટાયેલા 2 લોકોને સ્થાનિકોએ બચાવ્યા છે. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી રાહત બચાવની કામગીરી કરી.
દેશમાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ મુદ્દે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. 15 ઓગસ્ટથી 3 હજારના વાર્ષિક ફાસ્ટેગ પાસની સુવિધા શરૂ થશે. ફાસ્ટેગ વાર્ષિક પાસ એક વર્ષ અથવા 200 ટ્રીપ માટે માન્ય રહેશે. ફક્ત ખાનગી વાહનો માટે અમલી ફાસ્ટેગ વાર્ષિક પાસ રહેશે. દેશભરના રાષ્ટ્રીય રાજમાર્ગો પર ફાસ્ટેગ વાર્ષિક પાસ લાગુ પડશે. કેન્દ્રીય વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ જાણકારી આપી.
ભાવનગર: ભારે વરસાદને પગલે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. વડોદરાથી આવેલી NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. વલ્લભીપુર, ઉમરાળા, શિહોરમાં ટીમે રેસ્ક્યુ કામગીરી કરી. ગઇ કાલે વરસાદમાં 49 લોકોને NDRFએ બચાવ્યા. પૂર જેવા આપાત સમયે ફસાયેલા લોકો માટે ટીમ તૈનાત છે. પાણીનો ભરાવ થાય તો સુરક્ષિત સ્થળ પર જવા લોકોને અપીલ કરવામાં આવી.
વડોદરા:અઢી કરોડના દારૂ કેસમાં PI અમિત ગઢવી સસ્પેન્ડ. છાણી પોલીસ મથકનાં પીઆઇ સામે કમિશ્નરે કાર્યવાહી કરી. દશરથમાંથી દારૂનું ગોડાઉન પકડાયું હતું. SMCની રેડ વખતે છાણી પોલીસ ઊંધતી ઝડપાઈ હતી.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વહેંચવા વિદેશી દારૂ લવાયો હતો. દરોડામાં ઝડપાયેલા બિશ્નોઈ ગેંગના ચાર શખ્સ રિમાન્ડ પર છે.
મોરબી: ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ છે. ઘણાદ ગામ પાસે ખારી નદી બેકાંઠે થઇ છે. હળવદથી રમણલપુર જવાનો રસ્તો બંધ થયો છે. અનેક ગામોને જોડતો રસ્તો બંધ થતા હાલાકી થઇ રહી છે. નદીના પ્રવાહને લઇ અવરજવર બંધ કરવામાં આવી.
મોરબી: મચ્છુ 3 ડેમના ત્રણ દરવાજા ખોલાયા. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં 13,425 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. દરવાજા પાંચ ફૂટ ખોલાતાં 13,425 ક્યુસેક પાણીની જાવક. મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા. ગ્રામજનોને નદી પટમાં અવર જવર ન કરવા સૂચના અપાઈ.
આજે પણ રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદની શક્યતા છે. આજે 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ભાવનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે. નવસારી, ડાંગ, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયુ.
રાજ્યમના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં આવક થઇ રહી છે. દર કલાકે 15 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. 15 હજાર ક્યુસેક સામે 2600 ક્યુસેક પાણી છોડાયું. હાલમાં નર્મદા ડેમની સપાટી 119.72 મીટર પર સ્થિર છે.
રાજ્યના 11 જેટલા ડેમોને હાઈ એલર્ટ પર રખાયા છે. ભારે વરસાદને કારણે ડેમોમાં પણ પાણીની ભારે આવક થઇ રહી છે. 90 ટકાથી વધુ ડેમ ભરાય ત્યારે હાઈ એલર્ટ ગણાય. 13 ડેમ એલર્ટ અને 10 ડેમ પર વોર્નિંગના સિગ્નલ લગાવાયા. 80 ટકાથી વધુ હોય ત્યારે એલર્ટ લેવલ જાહેર કરાઇ. 70 ટકાથી વધુ હોય ત્યારે ડેમમાં વોર્નિંગ જાહેર કરાઇ
અમદાવાદઃ વિમાન દુર્ઘટના મામલામાં 163ના DNA મેચ થયા, 124 મૃતદેહ સોંપવામાં આવ્યા. દુર્ઘટના બાદ 71 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. એક માત્ર જીવિત યાત્રી વિશ્વાસને હોસ્પિટલમાંથી રજા અપાઈ. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી પૈકી 2ના મોત થયા છે. અત્યાર સુધી 42 દર્દીઓની રજા અપાઈ. 9 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય દર્દીઓ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 1 દર્દીની હાલત ગંભીર છે.
Published On - 7:51 am, Wed, 18 June 25