આજે 17 જુલાઈ સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો દેશ દુનિયા અને રાજ્યના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
યમુના નદીના (Yamuna River) જળસ્તરમાં વધારો થવાને કારણે તાજનગરીના હૃદયના ધબકારા વધી ગયા છે. જળસ્તરમાં વધારો થવાને કારણે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ પર પણ મુશ્કેલીના વાદળો મંડરાતા જોવા મળી રહ્યા છે. તાજમહેલની પાછળની બાજુએ વહેતી યમુના નદીનું પાણી તાજમહેલની બાઉન્ડ્રી વોલને સ્પર્શવા લાગ્યું છે અને તેની બાજુમાં બનેલો દશેરા ઘાટ પાણીમાં ડૂબી ગયો છે. યમુનાનું પાણી 45 વર્ષ બાદ તાજમહેલમાં પહોંચ્યું છે.
સોમવારે યમુના નદીનું જળસ્તર 497.20 ફૂટ પર પહોંચી ગયું છે. પાણીની સ્થિતિને જોતા, તાજમહેલ પર બનેલા તાજવ્યૂ પોઈન્ટને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે યમુનાનું પાણી તાજવ્યૂમાં પણ પ્રવેશી ગયું છે. તાજમહેલની સુરક્ષા માટે પાછળની બાજુમાં મહતાબમાં બનેલી તાજ પોલીસ ચોકી પણ પાણીથી ભરાઈ ગઈ હતી. જેના કારણે ત્યાં તૈનાત પોલીસકર્મીઓને હંગામી પોસ્ટમાં ખસેડવામાં આવી રહ્યા છે.
નોઈડા ATSએ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરની 8 કલાક પૂછપરછ કરી હતી. તે નોઈડા એટીએસ ઓફિસમાંથી બહાર આવી છે. ATSએ સચિન અને સચિનના પિતાની પણ પૂછપરછ કરી છે.
Rajkot: રાજકોટના લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતા મુદ્દિત નડિયાપરા નામનો વિદ્યાર્થી આજે પોતાના ક્લાસરૂમમાં બેઠો હતો. ત્યારે અચાનક જ બેભાન થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે 108 અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ત્યારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 17 વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ટૂંકા ગાળામાં હવે કિશોર અવસ્થામાં પણ હાર્ટએટેકના વધતા જતા કિસ્સાઓ સમાજ માટે જરૂર ચિંતાજનક છે.
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણના અહેવાલ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને બંને તરફથી ગોળીબારના અવાજ સંભળાય છે. ફાયરિંગના અવાજ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે.
રાજકોટ માં વાલીઓને ચિંતા કરાવી દે એવી ઘટના સામે આવી છે. રિક્ષા અને સ્કૂલ વાનમાં ડ્રાયવરના ભરોસે બાળકોને શાળાએ મોકલનારા વાલીઓને માટે ચેતી જવા રુપ આ કિસ્સો છે. રાજકોટમાં શાળાએ જવા માટે બાળકોને લઈને રિક્ષા ચાલક નિકળ્યા બાદ તે સ્કૂલમાં પહોંચ્યો જ નહોતો. બાળકો શાળા છૂટ્યા સમય બાદ ઘરે પરત નહીં ફરતા વાલીઓ ચિંતામાં મૂકાયા હતા. આ માટે વાલીઓએ બાળકોના મોડા થવાને લઈ ચિંતામાં શાળાનો સંપર્ક કર્યો હતો. પરંતુ શાળામાંથી જવાબ મળ્યો એ ચોંકાવનારો હતો. બાળકો શાળાએ આવ્યા જ નહીં હોવાનુ શાળાએ જણાવ્યુ. આમ વાલીઓના જીવ આ સાંભળી ઉંચા થઈ ગયા હતા.
અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો જારી છે. શહેરના અનેક વિસ્તારમાં ભૂવાઓ પડી રહ્યા છે અને આમ ભૂવાની હારમાળા સર્જાઈ રહી છે. બીજી તરફ તંત્રની પોલ પણ ભૂવાઓ ખોલી રહ્યા હોય એમ અટકવાનુ નામ નથી લઈ રહ્યા અને વાહનચાલકોમાં ભૂવાને લઈ ભય વ્યાપી રહ્યો છે. સામાન્ય વરસાદમાં પગપાળા કે વાહન લઈને રસ્તા પરથી પસાર થવા દરમિયાન ભૂવામાં પડવાનો ડર લાગી રહ્યો છે. શહેરમાં એવુ અનેક વાર બન્યુ છે કે, વાહનો કે આખી બસ ભૂવામાં ખાબકી હોય આ દ્રશ્યો ભૂવાને જોઈને નજર સામે તાજા થઈ જતા હોય છે.
એકતરફ ગુજરાતને પ્રદૂષણમુક્ત બનાવવાના મોટા મોટા દાવા કરાઈ રહ્યા છે. બીજી તરફ લોકોના સ્વાસ્થ્યને હાની પહોંચાડે તે રીતે ફેક્ટરી- કારખાનાઓ પ્રદૂષણ ઓકી રહ્યા છે. તેમ છતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઈ કાર્યવાહી કરતું નથી. માત્ર એક્શન અંડર પ્રોસેસના નામે બચાવ કરી રહ્યુ છે. ખુદ કેન્દ્રીય પર્યાવરણ વિભાગે એ વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતમાં 4606 એકમો એવા છે જે પર્યાવરણના નિયમોનો અમલ જ કરતા નથી.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) રવિવારે IIT ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ IIT ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ વિશે જણાવ્યું હતું કે તે એક જાદુઈ વિશ્વ છે, સાથે જ તે આનંદદાયક અને અનુભવી શિક્ષણને નવા સ્તરે લઈ જાય છે.
IIT ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ સાથેના તેમના ઘણા ફોટા શેર કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે IIT ગાંધીનગર ખાતેનું સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ ખરેખર એક જાદુઈ દુનિયા છે. આ કેન્દ્ર આનંદકારક અને પ્રાયોગિક શિક્ષણને સંપૂર્ણ નવા સ્તરે લઈ જઈ રહ્યું છે. તે આંતરિક સર્જનાત્મકતાને નવેસરથી પોષે છે અને લોકોમાં જિજ્ઞાસા પણ પેદા કરે છે. આ કેન્દ્ર નાનપણથી જ શીખનારાઓમાં રમકડાં, વિવિધ પ્રવૃત્તિઓ, પ્રદર્શનો અને DIY તકનીકો દ્વારા વૈજ્ઞાનિક સમજ વિકસાવે છે.
China Foreign Minister Missing: ચીનના વિદેશ મંત્રી ચિન ગાંગ (Qin Gang) ગાયબ થઈ ગયા છે. ત્રણ અઠવાડિયાથી તેમનું ઠેકાણું જાણી શકાયું નથી. ચીનના વિદેશ મંત્રી એવા સમયે ‘ગુમ’ થયા છે જ્યારે ચીનમાં રાજદ્વારી ગતિવિધિઓ વધી છે. અમેરિકી રાજદ્વારી જોન કેરી જળવાયુ સંકટ પર ચર્ચા કરવા બેઈજિંગ પહોંચ્યા છે. પરંતુ ચીનના વિદેશ મંત્રીની ગેરહાજરી અનેક સવાલો ઉભા કરી રહી છે. બધા પૂછે છે કે ચિન ગાંગ ક્યાં છે? રાજદ્વારી તરીકે લાંબો સમય વિતાવનાર ચિન ગાંગને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના અને વિશ્વાસુ માનવામાં આવે છે.
ચીનના વિદેશ મંત્રીનું પદ સંભાળતા પહેલા ચિન ગાંગ યુએસ એમ્બેસેડર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેમને અમેરિકન બાબતોનું ઊંડું નોલેજ છે. વિદેશ મંત્રી તરીકે તેમણે ચીન-અમેરિકા સંબંધોને પાટા પર લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. બંને દેશો વચ્ચેના તોફાની સંબંધોને પાટા પર લાવવા માટે તેઓ જૂનના મધ્યમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્થોની બ્લિંકનને મળ્યા હતા. ત્યારપછી ચિન ગાંગ 25 જૂને શ્રીલંકા, વિયેતનામ અને રશિયાના અધિકારીઓને મળ્યા, પરંતુ તે પછી કોઈએ તેમને જોયા નહીં.
Surat Crime: સુરત શહેર SOG પોલીસે બોગસ દસ્તાવેજો અને માર્કશીટ બનાવવાનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ રૂપિયા 5 હજારમાં બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ અને બોગસ માર્કશીટ બનાવી આપતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 65 આધારકાર્ડ, 17 ડ્રાઈવિંગ લાયસન્સ અને 3 સ્કૂલ એલસીનો સમાવેશ થાય છે. સુરત પોલીસને આ અંગે બાતમી મળી હતી કે કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે બોગસ દસ્તાવેજો બનાવી આપતા હતા. જેને લઈ વધુ લોકો શિકાર બને તે પહેલા તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી. અને આરોપીઓ પર રેડ કરી ઝડપી પાડ્યા છે.
ગુજરાત એટીએસમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. એટીએસ જે રીતની કામગીરી કરી રહી છે તેને ધ્યાને રાખીને એટીએસના કર્મચારીઓને હાઈ રિસ્ક એલાઉન્સ આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. ATS ના પોલીસ અધિકારીઓ – કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ સહિતના પગારના 45 % જેટલું હાઈરિસ્ક એલાઉન્સ આપવામાં આવશે.
સરકાર સંસદના ચોમાસુ સત્રમાં 26 બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સરકાર ચોમાસુ સત્રમાં દિલ્હીમાં સરકારી અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગ બિલને પાસ કરાવવાનો પણ પ્રયાસ કરશે. આ સાથે જ પબ્લિક ટ્રસ્ટ અને ડેટા પ્રોટેક્શન જેવા મહત્વના બિલોને પણ ચોમાસુ સત્ર માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ચોમાસુ સત્રમાં 19 નવા બિલ લાવવામાં આવશે.
પાકિસ્તાનની સીમા હૈદર અને સચિનની લવસ્ટોરી વચ્ચે હવે ATS આવી ગઈ છે. સીમા હૈદરના પાકિસ્તાન કનેક્શનની તપાસ માટે એટીએસની ટીમ સીમા હૈદર, સચિન અને સચિનના પિતાની પૂછપરછ કરી રહી છે. જણાવી દઈએ કે આજે સવારે એટીએસની ટીમ સચિનના ઘરની બહાર સાદા કપડામાં હાજર હતી. એટીએસની ટીમ ત્રણેયને પૂછપરછ માટે લઈ ગઈ ત્યારે મીડિયાના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
રાજકોટમાં જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગે પાડેલા દરોડામાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો હાથ લાગ્યા છે. દરોડા દરમિયાન 12 કરોડની જ્વેલરી અને રોકડ પણ મળી આવ્યા છે. છ દિવસ સુધી 32 જેટલા સ્થળોએ તપાસ ચાલી હતી. દરોડા દરમિયાન અનેક મિલ્કત સબંધી ફાઇલો પણ મળી આવી છે તેને લઇને તપાસ હાથ ધરાઇ છે. IT વિભાગ દ્રારા પાંચ વર્ષમાં સૌથી મોટું ઓપરેશન હોવાનું કહેવાઈ રહ્યું છે. અમદાવાદ ખાતે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.
રાજકોટની લાલ બહાદૂર સ્કૂલમાં બાળકનું શંકાસ્પદ મોત થયું છે. વિદ્યાર્થી સ્કૂલમાં જ હતો ત્યારે ઢળી પડ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
રાજકોટ શહેરમાં આજથી ખાનગી બસના (Private Bus) પ્રવેશ પર પ્રતિબંધનો અમલ શરૂ થયો છે. માધાપર ચોકડીથી પુનિતનગર પાણીના ટાંકા સુધી ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ અંગે શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાને લઇ રાજકોટ પોલીસ કમિશનરે શહેરમાં ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું હતું.
ભારતીય સેના અને પોલીસે જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
એક તરફ આજે રાજ્યસભાના સાંસદ તરીકે વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાવા જઇ રહ્યા છે અને બીજી તરફ કેસરીદેવસિંહ ઝાલાની નિયુક્તિ વચ્ચે પણ મોરબી જિલ્લા ભાજપનો જુથવાદ પુરૂ થવાનું નામ લેતો નથી. રવિવારના રોજ વાંકાનેર ખાતે યોજાયેલા કેસરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહમાં ભાજપનો આંતરિક જુથવાદ ઉડીને આંખે વળગે તે રીતે જોવા મળ્યો હતો. સન્માન સમારોહમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.એટલું જ નહિ ધારાસભ્યના ટેકેદારો પણ ગેરહાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં મોહન કુંડારિયાએ કોઇનું નામ લીધા વિના શાબ્દિક પ્રહારો કર્યા હતા.જેના પરથી વિધાનસભાની ચૂંટણી સમયથી મોહન કુંડારિયા અને જીતુ સોમાણી વચ્ચેના જુથવાદ સ્પષ્ટ વર્તાયો હતો.
Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મેઘ મુશળધાર વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 52.34 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છમાં સિઝનનો 112.09 ટકા વરસાદ ખાબક્યો છે. તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 69.23 ટકા વરસાદ નોંધાયો છે. તો આ તરફ ઉત્તર ગુજરાતમાં સિઝનનો 51.2 ટકા વરસાદ ખાબક્યો છે. તેમજ મધ્ય ગુજરાતમાં 41.18 ટકા વરસાદ વરસ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 43.35 ટકા વરસાદ પડ્યો છે.
Gir Somnath : ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના પ્રાચી ગામે વિધર્મી યુવકે હિંદુ યુવતીને પરેશાન કરી હોવાની ઘટના સામે આવી છે. શૈક્ષણિક સંકુલમાં સાથે કામ કરતા યુવકે યુવતીની સાથે તસવીરો ખેંચી હતી. જે બાદ યુવક યુવતીને ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરવા દબાણ કરતો હતો. આરોપી વડાળા ગીરના આબીદ મુસા ખાંડાણીએ યુવતીના ભાઈનું અપહરણ (Kidnapping) કરવાની ધમકી આપી હતી.
એનસીપીના અજિત પવાર જૂથે એક વ્હીપ જાહેર કરીને તમામ ધારાસભ્યોને શાસક પક્ષ સાથે બેસીને બેઠકમાં હાજરી આપવા જણાવ્યું છે. બીજી તરફ જિતેન્દ્ર અવહાને એનસીપીના તમામ ધારાસભ્યોને વ્હીપ જાહેર કરીને વિપક્ષમાં બેસવા અને વિપક્ષની એનસીપીની બેઠકમાં હાજરી આપવા જણાવ્યું છે.
કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેમાં 2.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે જ્યારે કચ્છથી 27 કિમી દૂર દયાપર પાસે તેનું એપીસેન્ટર છે.
દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં ફરી એકવાર વધારો થયો છે. સવારે 7 વાગ્યે યમુનાનું જળસ્તર 205.48 મીટર નોંધાયું હતું, જ્યારે સવારે 7 વાગ્યા પહેલા છેલ્લા 3 કલાકમાં યમુનાનું જળસ્તર 205.45 મીટર હતું.યમુનામાં ખતરાના નિશાન 205.33 મીટર છે.
સીમા હૈદર કેસમાં યુપી ATSએ તપાસ શરૂ કરી છે. સીમા પાકિસ્તાનથી દુબઈ અને પછી નેપાળ થઈને ભારત આવી હતી.આ નેટવર્ક વિશે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રવાસ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ નંબરની તપાસ કરવામાં આવશે.
પાકિસ્તાનમાં પોતાના આકાઓને ભારતીય સૈન્ય મથકો વિશે મહત્વપૂર્ણ માહિતી આપવાના આરોપમાં UP STF એ રવિવારે એક શંકાસ્પદ ISI એજન્ટની ધરપકડ કરી છે. સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રઈસ મુંબઈમાં અરમાન નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, જેણે તેને ભારત વિરુદ્ધ જાસૂસી કરવા માટે રાજી કર્યો હતો. એટલું જ નહીં, તેને પાકિસ્તાની નાગરિક દ્વારા દુબઈમાં પૈસા અને નોકરીનું વચન પણ આપવામાં આવ્યું હતું.
J-K: જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં એલઓસી પર શંકાસ્પદ ગતિવિધિ જોવા મળ્યા બાદ ભારતીય સેના અને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. છેલ્લા 10 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરો ડૂબી ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાયા હતા, લોકોના ઘરોને નુકસાન થયું હતું. દેશની રાજધાની દિલ્હીમાં સૌથી ખરાબ સ્થિતિ બની હતી, જ્યાં યમુનાએ ખતરાના નિશાનને વટાવી દીધું હતું. દિલ્હીના પોશ વિસ્તારો પણ પાણીના આક્રમણથી બચી શક્યા નથી.
Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. 17 જુલાઈએ એટલે કે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તો 18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની વરસી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે 18 જુલાઈથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
2024ની લોકસભા ચૂંટણી માટે એકતા જાળવી રાખવાની લડાઈમાં આજે ફરી એકવાર વિપક્ષી દળોની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં 26 વિપક્ષી દળો હાજરી આપે તેવી શક્યતા છે. સ્ટેજ બેંગલુરુમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ બેઠક બે દિવસ સુધી ચાલશે. આવતીકાલે કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વટહુકમનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી ખુશ કેજરીવાલ આજની બેઠકમાં હાજરી આપશે.
Published On - 6:33 am, Mon, 17 July 23