17 જૂનના મહત્વના સમાચાર: વડોદરાના કોટાલી ગામમાં ફરાસખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાઇટરો ઘટનાસ્થળે

આજે 17 જૂનને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

17 જૂનના મહત્વના સમાચાર: વડોદરાના કોટાલી ગામમાં ફરાસખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાઇટરો ઘટનાસ્થળે
| Edited By: | Updated on: Jun 17, 2026 | 9:16 PM

આજે 17 જૂનને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Jun 2026 09:02 PM (IST)

    વડોદરાના કોટાલી ગામમાં ફરાસખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાઇટરો ઘટનાસ્થળે

    વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી પાછળ આવેલા કોટાલી ગામમાં આજે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક બે માળના ફરાસખાનામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં વડોદરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે પાંચથી સાત ફાયર ફાઇટરોને યુદ્ધના ધોરણે કામે લગાડવામાં આવ્યા છે.

    ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને ઓલવવાના સઘન પ્રયાસો ચાલુ છે. આ ભયાનક આગના કારણે ફરાસખાનામાં રાખેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ જતાં મોટા નુકસાનની આશંકા છે. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ સ્થિતિ પર ચાંપતી નજર રાખીને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 17 Jun 2026 07:53 PM (IST)

    G7 સમિટમાં ભારત-અમેરિકા વચ્ચે મહામંથન: વ્યાપારી કરારો, વિઝા અને ઉર્જા ક્ષેત્રની ભાગીદારી પર થશે નક્કર પ્રગતિ

    ફ્રાન્સમાં આયોજિત G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતને લઈને બંને દેશોના રાજદ્વારીઓ ભારે ઉત્સાહમાં છે. આ મહાબેઠક દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો, ઉર્જા ક્ષેત્રની ભાગીદારી, વિઝા સંબંધિત જટિલ મુદ્દાઓ અને વર્તમાન ગ્લોબલ ભૂ-રાજકીય પડકારો અંગે નક્કર પ્રગતિ થાય તેવી પૂરેપૂરી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

    બંને દેશો વચ્ચે વેપારલક્ષી વાટાઘાટો લાંબા સમયથી ચાલી રહી છે, અને અધિકારીઓ આ બેઠક બાદ કોઈ મહત્વપૂર્ણ વચગાળાના કરાર પર પહોંચવા માટે ખૂબ જ આશાવાદી દેખાઈ રહ્યા છે. વૈશ્વિક મંચ પર મોદી અને ટ્રમ્પ વચ્ચેની આ મુલાકાત માત્ર ભારત-અમેરિકાના વ્યૂહાત્મક સંબંધોની મજબૂતાઈને જ પ્રતિબિંબિત કરતી નથી, પરંતુ બંને નેતાઓ વચ્ચે સ્થાપિત થયેલા ખાસ અને ગાઢ વ્યક્તિગત સંબંધોને પણ વિશ્વ સમક્ષ મજબૂત રીતે પ્રકાશિત કરે છે.


  • 17 Jun 2026 07:42 PM (IST)

    PM મોદી શાંત છે, હું તેમના જેવો નથી: વડાપ્રધાનના વખાણ કરી રાષ્ટ્રપતિ ટ્રમ્પે

    G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના મુક્તકંઠે વખાણ કર્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે, “પીએમ મોદી અત્યંત શાંત અને સંયમિત છે, જ્યારે હું તેમના જેવો શાંત નથી.” આ મહામુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અને ભારત પરના અમેરિકી ટેરિફ (ટેક્સ) ને લઈને ગંભીર વાતચીત થવાની સંભાવના છે.

    આ ઉપરાંત બેઠકમાં ક્રિટિકલ મિનરલ્સ અને ભારત સાથેની એનર્જી ડીલ પર અમેરિકાના સપોર્ટ અંગે પણ મહત્વની ચર્ચા થઈ શકે છે. વૈશ્વિક મોરચે ટ્રમ્પે સ્વીકાર્યું છે કે દુનિયામાં ચાલી રહેલી અસ્થિરતાને ઓછી કરવામાં ભારત મોટી મદદ કરી શકે છે, કારણ કે ભારત હાલમાં ‘ગ્લોબલ સાઉથ’ને એક નવી અને મજબૂત દિશા આપી રહ્યું છે.

  • 17 Jun 2026 07:30 PM (IST)

    ગુમ થયેલા લોકોને પરિજનો સાથે મિલન કરાવવા ઓપરેશન મિલન લોંચ

    ગુમ થયેલા વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે પુન:મિલન કરાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસે એક મહિના માટે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ. આ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસે 1 હજાર 470 ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યાં છે..ઘર છોડીને ચાલ્યા ગયેલા, રસ્તો ભૂલી ગયેલા કે કોઈ કારણોસર પરિવારથી વિખૂટા પડેલા લોકોને પોલીસે શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું. ગુમ થયેલા લોકોમાં મહિલાઓ અને કિશોરીઓની સંખ્યા સૌથી વધુ છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી મળેલી માહિતીના આધારે સુરત શહેર પોલીસે સૌથી વધુ સફળતા મેળવી છે. તપાસ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ સામાજિક પાસાઓ પણ સામે આવ્યા છે. કિશોર વયની છોકરીઓના કેસોમાં પ્રેમ સંબંધો અને ઘરેથી ભાગી જવાની ઘટનાઓ મુખ્ય કારણ તરીકે સામે આવી છે. જ્યારે પારિવારિક વિવાદો, અભ્યાસનો દબાણ અને રોજગારી માટેનું સ્થળાંતર પણ ગુમ થવાના કારણોમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિતના અનેક રાજ્યોમાં પણ ગુજરાત પોલીસની ટીમોએ તપાસ કરી. આંતરરાજ્ય સંકલન અને સતત ફોલોઅપના કારણે વર્ષોથી પેન્ડિંગ રહેલા અનેક કેસોમાં સફળતા મળી.

  • 17 Jun 2026 07:08 PM (IST)

    સરદારનગરમાં PCBની મોટી કાર્યવાહી: નોબલનગર આવાસમાંથી ₹8.67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે બુટલેગર વોન્ટેડ

    પીસીબીની ટીમે સરદારનગર વિસ્તારમાં એક મોટી સફળતા મેળવી છે. પીસીબીએ બાતમીના આધારે નોબલનગર વાલ્મિકી આવાસના બ્લોક નંબર 14 માં દરોડો પાડી 2835 નંગ વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો કબજે કર્યો છે જેની બજાર કિંમત અંદાજે 8.67 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા મુખ્ય આરોપીઓ શ્રવણ ઉર્ફે બલાજી અને દીપુ સિંધી પોલીસને ચકમો આપીને ભાગવામાં સફળ રહ્યા હતા. હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

  • 17 Jun 2026 07:00 PM (IST)

    વડોદરાઃ રી-નીટને લઈ પરીક્ષા અંગે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ

    વડોદરાઃ રી-નીટને લઈ પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓને  ફરી કોઈ ગેરરીતિ થવાનો મનમાં ડર સતાવી રહ્યો છે. ટેલીગ્રામ બેન કર્યા પછી ગેરરીતિ નહીં થાય તેવી આશા તો સેવાઈ છે. ત્યારે  રી-નીટની પરીક્ષામાં યોગ્ય સુરક્ષા કરવા વિદ્યાર્થીઓએ માગ કરી છે. વાલીઓમાં પણ રી-નીટની પરીક્ષાને લઈ અનેક પ્રશ્નો છે. ઓછા સમયમાં વિદ્યાર્થીઓને તૈયારીઓ કરાવવી અઘરી બની છે. વિદ્યાર્થીઓનું મનોબળ ફરી વધારવું મુશ્કેલ છે.  પરીક્ષાઓ ફરી ન લેવી પડે તેવું આયોજન કરવા માગણી કરી છે.

  • 17 Jun 2026 06:30 PM (IST)

    આણંદઃ કરમસદમાં મિલ્ક પાર્લરની બેદરકારી આવી સામે

    આણંદઃ કરમસદમાં મિલ્ક પાર્લરની બેદરકારી સામે આવી છે. ગ્રાહકને એક્સપાયરી ડેટવાળા વાસી પાઉં પધરાવ્યા. તારીખ પર ધ્યાન જતા ગ્રાહકે પાર્લર પર ફરિયાદ કરી હતી. પુરાવા સામે આવતાં સંચાલકે જાહેરમાં જ ભૂલ સ્વીકારી

  • 17 Jun 2026 06:00 PM (IST)

    અમરેલી: સાવરકુંડલામાં ગૂમ ખેડૂતના અવશેષો મળ્યા

    સાવરકુુંડલાના જુના સાવર ગામે 8 દિવસ પહેલા ગુમ થયેલા આધેડના અવેશેષો મળ્યા છે અને તેેઓ પણ કોઈ વન્ય પ્રાણીનો શિકાર બન્યો હોય તેવી આશંકા છે. આ અંગે સ્થાનિકો એ વનવિભાગને જાણ કરી હતી. જે બાદ વન વિભાગે અવશેષો તપાસ માટે મોકલ્યા હતા. FSL રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. પહેલા માત્ર ખાતરમાંથી કપડા, બુટ અને ટ્રેક્ટર મળ્યુ હતુ, વન્ય પ્રાણી હુમલો કરી મૃતદેહ ઢસડી ગયુ હોવાની આશંકા છે.

     

     

  • 17 Jun 2026 05:40 PM (IST)

    અમરેલી: પહેલી વખત એક સાથે 4 સિંહોને પાંજરે પુરવામાં આવ્યા

    અમરેલી: રાજુલાના કોવાયામાં સિંહો દ્વારા હુમલા બાદ પહેલી વખત એક સાથે 4 સિંહોને પાંજરે પુરવામાં આવ્યા છે. માનવ મૃત્યુના કેસમાં એક સાથે 4 સિંહોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. 2 મોટા અને 2 પાઠડા સિંહોના લોકેશન ટ્રેસ થયા છે. ચારેય સિંહોએ એક સાથે શિકાર કર્યો કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ છે.  આ અંગે ચારેય સિંહોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળના પગલા લેવાશે.

  • 17 Jun 2026 05:20 PM (IST)

    અમદાવાદ: CA ઠગ દંપતી પોલીસના સકંજામાં

    અમદાવાદ: CA ઠગ દંપતી પોલીસના સકંજામાં આવ્યુ છે. શેર બજારમાં રોકાણના નામે ₹10 કરોડથી વધુની ઠગાઈ આચરાઈ છે. કૌટુંબિક મામા સાથે ઠગાઈ આચારનાર દંપતી ઝડપાયું છે. રોકાણમાં વધુ નફો અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરી. મામા પાસેથી પડાવ્યા ₹5.91 કરોડ, અન્ય સંબધી પાસેથી ₹4.44 કરોડ પડાવ્યા. આ અંગે EOWમાં ગુનો નોંધાતા ઠગ દંપતીની ધરપકડ કરાઈ છે. ઠગ બંટી-બબલી જગતપુર અને ગાંધીનગરમાં CA ફર્મ ચલાવતા હતા. આરોપીએ ફરિયાદીના નામે બોગસ કંપની પણ ઉભી કરી હતી. હાલ આરોપીઓને 21 જૂન સુધીના પોલીસ રિમાન્ડ પર  મોકલાયા છે.

  • 17 Jun 2026 04:57 PM (IST)

    સ્માર્ટ સિટીની વાતો વચ્ચે રાજકોટમાં ટેન્કરરાજ

    સ્માર્ટ સિટીની વાતો વચ્ચે રાજકોટમાં ટેન્કરરાજ ના દૃશ્યો સામે આવ્યા છે. RMC કરોડોના ખર્ચે ટેન્કર દ્વારા પાણી પહોંચાડશે. RMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 1 વર્ષ માટે પાણી વિતરણ કરવા 5 કરોડનો ખર્ચ કરાશે. ટેન્કરરાજને લઇને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યુ કે પાઇપલાઇનનું કામ પૂર્ણ માત્ર કનેક્શન આપવાના બાકી છે. એક વર્ષમાં વેસ્ટઝોનને સંપૂર્ણપણે ટેન્કરમુક્ત કરીશું.

  • 17 Jun 2026 04:30 PM (IST)

    અમદાવાદઃ ઈન્કમટેક્સ બ્રિજ નીચે થયેલી માથાકૂટમાં પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

    અમદાવાદઃ ઈન્કમટેક્સ બ્રિજ નીચે થયેલી માથાકૂટ કેસમાં વાડજ પોલીસે રાયોટિંગ કેસમાં 3 રીઢા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ. 10 દિવસ પહેલાં મોડી રાત્રે સગીરને નગ્ન કરી માર માર્યો હતો . 2 મહિના પહેલા થયેલી માથાકૂટનો આરોપીઓએ બદલો લીધો. સ્ટીલની પાઈપ અને ધોકા વડે સગીરને ઢોર માર માર્યો હતો.

  • 17 Jun 2026 04:10 PM (IST)

    સુરતઃ મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    સુરતઃ મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ને પગલે મનપા કચેરીને ખાલી કરાવાઈ છે.  ઇમેઇલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.  ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

  • 17 Jun 2026 04:01 PM (IST)

    કચ્છ: લવ જેહાદ પ્રકરણમાં સંડોવાયેલ વિધર્મી યુવક અને અજમેરના મોલવીની ધરપકડ કરાઈ

    કચ્છ: લવ જેહાદ પ્રકરણમાં સંડોવાયેલ વિધર્મી યુવક અને અજમેરના મોલવીની ધરપકડ કરાઈ છે. વિધર્મી યુવકે સગીરાનું અપહરણ કરી અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરાને અજમેર લઈ જઈને જબરદસ્તીથી ઈસ્લામ કબૂલ કરાવ્યો અને નિકાહ કરાવ્યા હતા. લગ્ન માટે સગીરાની ઉમર ઘટતી હોવાથી ખોટી ઉમર દર્શાવી. પોલીસે મૌલાના સહિત બે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી. ભચાઉ કોર્ટે યુવકના 5 દિવસ અને મૌલાનાના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા.

  • 17 Jun 2026 03:30 PM (IST)

    જામનગરઃ મનપાની બિલ્ડિંગમાં બોમ્બ હોવાનો ઈ-મેઈલથી દોડધામ

    જામનગરઃ મનપાની બિલ્ડિંગમાં બોમ્બ હોવાનો ઈ-મેઈલથી દોડધામ મચી ગઈ. બોમ્બ સ્કવોડ, LCB સહિતની સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી સઘન ચેકિંગ હાથ ધર્યુ.  તંત્ર દ્વારા મનપાના બિલ્ડિંગમાં હાથ ધરાયું સઘન ચેકિંગ કરાયુ. તપાસ દરમિયાન કશું જ વાંધાજનક ન મળતા રાહતનો શ્વાસ લીધો છે.  છેલ્લા બે કલાકથી વધુ સમય સુધી તપાસ કરવામાં આવી. ઇમેઇલથી ધમકી આપવા મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 17 Jun 2026 03:10 PM (IST)

    રાજકોટ: બિયારણ માટેના બીજ ખાતા બે બાળકોની તબિયત લથડી

    રાજકોટ: બિયારણ માટેના બીજ ખાતા બે બાળકોની તબિયત લથડી છે. પરપ્રાંતિય ખેતશ્રમિકોના બે બાળકોએ મગફળીના બીજ ખાધા હતા. બંને બાળકોને સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. બંને બાળકોની તબિયત હાલ સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યુ છે.

  • 17 Jun 2026 02:45 PM (IST)

    ભરૂચઃ અંકલેશ્વરમાં શાકભાજી માર્કેટમાં ડિમોલિશન સામે વિરોધ

    ભરૂચઃ અંકલેશ્વરમાં શાકભાજી માર્કેટમાં ડિમોલિશન સામે વિરોધ થયો છે. પાલિકાએ ડિમોલિશન કરતા શાકભાજી વેચતી મહિલાઓમાં રોષ ફેલાયો છે. પાથરણા હટાવાતા શાકભાજી વેચતી મહિલાઓએ આંદોલન છેડ્યુ છે. મહિલાઓ અને પાલિકા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને શાબ્દિક ઘર્ષણ થયુ. રોષે ભરાયેલી મહિલાઓએ મુખ્ય માર્ગ પર બેસી ચક્કાજામ કર્યો. મહિલાઓએ પાલિક કચેરીમાં ધરણા કરી સૂત્રોચ્ચાર કર્યા

  • 17 Jun 2026 02:15 PM (IST)

    અમરેલી બાદ હવે ભાવનગર જિલ્લામાં પણ સિંહના હુમલાની આશંકા

    અમરેલી બાદ હવે ભાવનગર જિલ્લામાં પણ સિંહના હુમલાની આશંકા સેવાઈ રહી છે. મહુવા તાલુકાના ગઢડા ગામ નજીક સિંહના હુમલામાં એકનું મોત થયુ છે.
    પિંગલેશ્વર મહાદેવ મંદિર પાસે હુમલાનો બનાવ બન્યો. મૃતકના શરીરના અમુક અંગો મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક અનુમાન મુજબ સિંહના હુમલાથી મોત થયાની વન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. પોલીસ અને વન વિભાગ દ્વારા તપાસ ચાલુ કરાઈ છે.  સિંહના હુમલાથી લોકોમાં ભયનો માહોલ છે.  સમગ્ર વિસ્તારમાં લાંબા સમયથી સિંહના આંટાફેરા વધ્યાની ચર્ચા છે.

    ઉલ્લેખનીય છે કે સોમવારે મોડી રાતે અમરેલીના કોવાયા ગામે યુવક પર સિંહે હુમલો કર્યો હતો. સિંહના હુમલામાં યુવકનું માત્ર માથું મળ્યું હતુ.. જ્યારે કે તેના શરીરના અન્ય અવયવો સિંહ લઈ ગયા હતા. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે ફફડાટ જોવા મળ્યો. જો કે વન વિભાગે 4 સિંહ શંકાસ્પદ હોવાથી તમામને રેસ્ક્યુ કરી પાંજરે પૂરી માનવભક્ષી સિંહની તપાસ શરૂ કરી છે.

  • 17 Jun 2026 01:47 PM (IST)

    અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો

    અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. કેટલાક લોકોએ મહિલા સિક્યોરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં મહિલા ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયા છે.  હોસ્પિટલના પ્રાંગણમાં ગાર્ડ સાથે માથાકૂટ કરી હતી. દર્દીના પરિવાર સાથે સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી કરી. હાલ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા કરવામાં આવી છે પોલીસ ફરિયાદ. પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. સિવિલમાં દર્દીઓ અને સ્ટાફની સલામતીની ચિંતા વધી છે.

  • 17 Jun 2026 01:29 PM (IST)

    જામનગરઃ પિતાએ ઠપકો આપતા પુત્રએ કર્યો આપઘાત

    જામનગરઃ પિતાએ ઠપકો આપતા પુત્રએ આપઘાત કર્યો. જોડિયાના કેશિયા ગામના 22 વર્ષીય યુવાને આપઘાત લીધો. સગાઈ તૂટવા બાબતે પિતાએ ઠપકો આપતા યુવકે જીવન ટૂંકાવ્યુ. યુવકે વીજ સબસ્ટેશન પાસે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. હાલ પોલીસે ઘટનાસ્થળે જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.

     

  • 17 Jun 2026 01:00 PM (IST)

    અમદાવાદઃ NEET-UG પરીક્ષા પહેલા કાયદો વ્યવસ્થાની સમીક્ષા

    અમદાવાદઃ NEET-UG પરીક્ષા પહેલા કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. પોલીસવડાએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. 19 થી 21 જૂન સુધી નાઇટ પેટ્રોલિંગ કરવા સૂચના અપાઈ છે. સોશિયલ મીડિયા પર અફવા કે અન્ય મુદાઓ પર પણ ખાસ ધ્યાન અપાશે. મકરંદ ચૌહાણને રાજ્યના નોડલ અધિકારો બનાવાયા છે. તમામ કમિશનર, lG, જિલ્લા પોલીસ વડા સાથે બેઠક યોજી હતી. NEETની પરીક્ષા શાંતિપૂર્ણ યોજાય તેના માટે સૂચના આપી છે. પરીક્ષા કેન્દ્રો પર પૂરતો બંદોબસ્ત ગોઠવવા સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રોની આપસાસના ઝેરોક્ષ, ફોટોકોપી કેન્દ્રો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રો પર પ્રતિબંધિત વસ્તુઓ જમા કરાવવા અલગ વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે.

  • 17 Jun 2026 12:30 PM (IST)

    આણંદ: સારસા ગામે ઈથેનોલ ફેક્ટરી સામે મહાસંગ્રામ

    આણંદ: સારસા ગામે ઈથેનોલ ફેક્ટરી સામે મહાસંગ્રામ સામે આવ્યો છે. ફળદ્રુપ ભૂમિ, પર્યાવરણને બચાવવા જનતા સાથે સંતો પણ મેદાને ઉતર્યા છે. અખિલ ભારતીય સંત સમિતિએ પણ વિરોધ દર્શાવ્યો છે. સમિતિના અધ્યક્ષ અવિચલદાસ મહારાજ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. TV9 સાથે અવિચલદાસ મહારાજની આ મુદ્દે ખાસ વાતચીત થઈ. જેમા તેમણે સત્તાધારી પક્ષના નેતાઓ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા. ભાજપના જ નેતાએ આ પ્લાન્ટ બનાવવા જમીન ખરીદી. સત્તા અને વગનો ઉપયોગ કરી સ્થાનિકોને ગેરમાર્ગે દોરવાનો  પ્રયાસ થઈ રહ્યો છે. ફળદ્રુપ જમીનને નષ્ટ કરતી ફેક્ટરીને કોઈપણ સંજોગોમાં મંજૂરી ન મળવી જોઈએ. નીતિન ગડકરીના ઈથેનોલવાળા નિવેદન પર પણ તેમણે શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કેન્દ્ર સરકાર કાગળ પર મોટી વાત કરવાને બદલે વાસ્તવિકતા જુએ.  અખિલ ભારતીય સંત સમિતના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજીનો દાવો છે કે ઈથેનોલ ફેક્ટરીથી ચરોતરની ફળદ્રુપ જમીન, પાણી અને પ્રકૃતિ નષ્ટ થઈ જશે અને એટલે જ તેને કોઈપણ સંજોગોમાં મંજૂરી ન મળવી જોઈએ.

  • 17 Jun 2026 12:00 PM (IST)

    પાલનપુરમાં ચાણક્યપુરી પ્રાથમિક શાળા ખાનગી ટ્રસ્ટને સોંપાતા વિવાદ

    પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારની ચાણક્યપુરી પ્રાથમિક શાળામાં વિવાદ ઉભો થયો છે. શાળાની જગ્યા ખાનગી ટ્રસ્ટને સોંપી દેવા આદેશ થતા જ હડકંપ મચી ગયો છે. અનેક વર્ષોથી આ શાળા વિસ્તારના ગરીબ બાળકોને શિક્ષણ આપતી રહી છે પરંતુ હવે આ જગ્યા ખાનગી ટ્રસ્ટને સોંપવાનો નિર્ણય લેવાયો છે. સ્થાનિકોનો આરોપ છે કે ખાનગી ટ્રસ્ટ દ્વારા આદેશમાં મૂકવામાં આવેલી શરતોનું પાલન કરાયું નથી. જેથી આ જમીન સરકાર હસ્તક થવી જોઈએ. જેને લઈ સ્થાનિકોએ કલેકટરને શાળા રાબેતા મુજબ ચાલુ રાખવા માગ કરી છે. જો આ માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

    બીજી તરફ શિક્ષણ વિભાગનું કહેવું છે કે શાળા બંધ કરાઈ નથી. આ જગ્યા ખાનગી ટ્રસ્ટને આપવામાં આવી હતી. પરંતુ  કામ ન થતા આ જગ્યા બાળકોને અભ્યાસ કરવા માટે વાપરવા આપવામાં આવી હતી પરંતુ હવે તે ટ્રસ્ટની આ જગ્યા પરત મેળવવા માટે રજૂઆત કરી છે. જેને લઈ આગામી સમયમાં સ્થાનિકો અને ખાનગી ટ્રસ્ટ સુખદ સમાધાન માટે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

  • 17 Jun 2026 11:45 AM (IST)

    વડોદરાઃ દાંડિયા બજાર રેવા હોસ્પિટલમાં મહિલાના મૃત્યુ બાદ હોબાળો

    વડોદરાઃ દાંડિયા બજાર રેવા હોસ્પિટલમાં મહિલાના મૃત્યુ બાદ હોબાળાના દૃશ્યો સામે આવ્યા. પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતા પરિવારે બેદરકારીનો આક્ષેપ કર્યો છે.
    પ્રસૂતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૃતિ બાદ બ્લડિંગ વધી જતા મોત થયાનો ડૉક્ટરે દાવો કર્યો.  મોત બાદ પરિજનોએ હોબાળો કર્યો. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા કાર્યવાહી હાથ ધરી છે. મહિલાનો મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો છે. આ મામલે પરિવારને ન્યાય મળશે કે નહીં તેવી ચર્ચા તેજ બની છે.

  • 17 Jun 2026 11:14 AM (IST)

    અંબાજી આબુરોડ પર ભારે વાહનો માટે મુકાયો પ્રતિબંધ

    યાત્રાધામ અંબાજી ખાતે રૂપીયા 1632 કરોડ ના ખર્ચે વિવિધ વિકાસ  કાર્યો હાથ ધરાનાર છે જેમાં મહત્તમ શક્તિ કોરીડોર ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.  કામમાં અડચણ રૂપ ના બને તે માટે આગામી 28 ફેબ્રુઆરી-2027 સુધી 9 મહીના સુધી અંબાજી આબુરોડ વચ્ચે ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અંબાજી આબુરોડ રૂટ માટે ટ્રાફીક વ્યવસ્થામાં ફેરફાર કરી ને ભારે વાહનો ને ડી.કે સર્કલ થી પાલનપુર-દાંતા તરફ ડાયવર્ડ કરવામાં આવ્યા છે જેને લઇ ભારે વાહનો માટે અંબાજી આબુરોડ નો રસ્તો જે 20 કિલોમીટર નો થતો હતો તેના બદલે પાલનપુર તરફ ડાયવર્ઝન કરાતાં અંબાજી આબુરોડ નો રસ્તો 120 કિલોમીટર સુધી ફરવું પડશે.

    ગબ્બર ટેકરીથી અંબાજી મંદિર સુધી એક ભવ્ય કોરીડોર બનાવવામાં આવી રહ્યુ છે. જેમાં ભક્તો ને આધુનીક સુવિધાઓ પુરી પડાશે. આ નિમાર્ણ કાર્ય ના કારણે બસ ટ્રાફીક સાથે ભારે વાહનો જે 12 મિટર લાંબા હેવી વાહનો ને અંબાજી માં પ્રવેશવા પણ સવારે 07 વાગ્યા થી રાત્રી ના 10 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ ના અધ્યક્ષ અને જીલ્લા કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરાયેલાં જાહેરનામા મુજબ આ બાંધકામ કાર્ય ને લઇ 25 મે-2026 થી 28 ફેબ્રુઆરી-2027 સુધી મોટા ટ્રેલર, ટ્રક અને અન્ય ભારે વાહનો માટે નો એન્ટ્રી નિયમ માં રહેશે. હિંમતનગર તરફ થી આબુરોડ આવતા ભારે વાહનો દાંતા પાલનપુર રૂટ તરફ ડાયવર્ઝન કરવામાં આવ્યુ છે. વહીવટીતંત્ર એ સ્વષ્ટતા કરી છે કે હાલ તબક્કે કાર બાઇક અને પેસેન્જર બસોની અવર-જવર ઉપર કોઇ પ્રતિબંધ રહેશે નહીં.

  • 17 Jun 2026 11:07 AM (IST)

    સુરતઃ ચોમાસા પહેલા જ શહેરમાં દેખાઈ અસર

    સુરતઃ ચોમાસા પહેલા જ શહેરમાં તંત્રની પોલ ખૂલવા લાગી છે. ન્યુ ડિંડોલી તરફનો 200 મીટરનો રોડ બેસી ગયો છે. ચોમાસા પહેલા જ મહાનગરપાલિકાની ગંભીર પોલ ખૂલી રહી છે અને પાલિકાની પ્રિમોન્સુનની કામગીરી પર સવાલો ઉભા થયા છે. થોડા દિવસ પહેલા બનેલો નવો રોડ જમીનમાં ધસી પડ્યો છે. વહેલી સવારે એક ડમ્પર આજ રસ્તે જમીનમાં ઘસી પડ્યું હતું.

  • 17 Jun 2026 11:06 AM (IST)

    સુરેન્દ્રનગરઃ નવા સર્કિટ હાઉસ સામે યુવક ટાવર પર ચડ્યો

    સુરેન્દ્રનગરઃ નવા સર્કિટ હાઉસ સામે યુવક ટાવર પર ચડી જતા સૌની ચિંત વધારી હતી. સ્થાનિકોના પ્રયાસ છતાં યુવક નીચે ન ઉતર્યો, ઘટનાની જાણ થતા ફાયરની ટીમ દોડી આવી હતી અને દોઢ કલાકની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. યુવકને સમજાવી હેમખેમ નીચે ઉતારાયો હતો. યુવક નશાની હાલતમાં હોવાનુ અનુમાન સેવવામાં આવ્યુ છે.

  • 17 Jun 2026 11:04 AM (IST)

    અમદાવાદઃ દિલ્લી અગ્નિકાંડ બાદ એક્શનમાં ફાયર વિભાગ

    અમદાવાદઃ દિલ્લી અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યુ છે.  ફાયરના નિયમોનો ઉલાળીયો કરતા એકમો સામે લાલ આંખ કરવામાં આવી છે. એસ.જી. હાઈવે પાસે આવેલી 6 હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર વિભાગની ગાઇડલાઈન ઉલ્લંઘન થતાં હોટલો સીલ કરાઈ છે.

  • 17 Jun 2026 11:00 AM (IST)

    વડોદરામાં લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 7  લોકોના મોત

    તો વડોદરામાં લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 7  લોકોના મોત થયા છે. જ્યારે 26થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. વડોદરા નજીક કોટમ્બી સ્ટેડિયમ નજીક, રાજસ્થાનના બાસવાડાથી સુરત જતી બાલાજી ટ્રાવેલ્સની બસના ચાલકે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી બસના ફૂરચે ફૂરચા નીકળી ગયા હતા. ભીષણ ટક્કરને પગલે બસમાં અનેક મુસાફસો ફસાયા હતા. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતને પગલે હાઇવ મુસાફરોની ચીસોથી ગૂંજી ઉઠ્યો હતો.

    ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. સાથે જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા. હાલ પ્રાપ્ત વિગતો મુજબ 7 લોકોના મોત થયા છે.. જ્યારે 25થી વધુ ઇજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વડોદરાના મેયર પણ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા શક્ય છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. જેથી હોસ્પિટલમાં તમામ સ્ફાટને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.

    રેસ્ક્યૂ માટે SDRF, NDRFની પણ મદદ લેવામાં આવી છે.  મુખ્ય હાઇવે પર અકસ્માત સર્જાતા વડોદરા હાલોલ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ વાહનોના કાટમાળને ખસેડીને હાઇવે પર ટ્રાફિક ક્લિયર કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.

  • 17 Jun 2026 10:58 AM (IST)

    અમદાવાદઃ રિવરફ્રન્ટ પર સ્ટંટબાજ નબીરાઓ બેફામ

    અમદાવાદઃ રિવરફ્રન્ટ પર સ્ટંટબાજ નબીરાઓ બેફામ બન્યા છે અને બેદરકારી સાથે અન્ય લોકોની પરવા કર્યા વિના પોતાના વાહનોથી સ્ટંટ કરી રિવરફ્રન્ટને બાનમાં લીધો છે. નબીરાઓએ સ્ટંટ કરી રાહદારીઓના જીવ પણ જોખમમાં મુક્યા. હાલ નબીરાઓના સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. જેમા 4 મોપેડ અને 1 બાઈક પર સ્ટંટ કરતી સ્ટંટબાજોની ટોળકી વાયરલ થઈ છે. પોલીસે સ્ટંટ કરનારા નબીરાઓની શોધખોળ હાથ ધરી છે.

     

Published On - 10:55 am, Wed, 17 June 26

Follow Us